નીલ-હરિત લીલ (blue-green algae) : મોનેરા સૃષ્ટિના સાયેનોબૅક્ટેરિયા વર્ગના સૂક્ષ્મજીવો. દેખાવમાં તે લીલ (algae) સાથે સાદૃશ્ય ધરાવે છે; પરંતુ તેની રચના બૅક્ટેરિયા જેવી હોય છે. બૅક્ટેરિયાની જેમ તેનું કોષકેન્દ્ર આવરણ વિનાનું હોય છે. લીલી વનસ્પતિની જેમ પ્રકાશ-સંશ્લેષણ દરમિયાન આણ્વિક ઑક્સિજનને તે મુક્ત કરે છે. કેટલાક નિષ્ણાતો આજે પણ તેને સાયનોફાયસી (સાયનો-એટલે વાદળી) તરીકે ઓળખાવે છે. તે વિવિધ રંગ ધરાવે છે; પરંતુ મોટેભાગે વાદળી કે હરિત રંગના હોય છે. સામાન્યપણે ઑક્સિજનને મુક્ત કરનાર આ સૂક્ષ્મજીવો હાઇડ્રોજન સલ્ફાઇડની હાજરીમાં સલ્ફર બૅક્ટેરિયાની જેમ પ્રકાશસંશ્લેષણ કરે છે.
સાયનોબૅક્ટેરિયામાં રંગકણો તરીકે ફાયકોસાયનિન (વાદળી), ઍલોફાયકોસાયનિન (વાદળી-હરિત), ક્લૉરોફિલ-એ (લીલા) B-કેરોટિન અને ઝૅન્થોફિલ (પીળા) ધરાવે છે; ઉપરાંત 50 % કરતાં વધારે સાયનોબૅક્ટેરિયા, ફાયકોએરિથ્રિન લાલ કણવાળા હોય છે. આ સૂક્ષ્મજીવો નીલ કણ (chloroplast) ધરાવતા નથી. રંગકણો થાઇલોકૉઇડ નામે ઓળખાતી રસપડની અંત:સ્થ ગડીઓ સાથે ચોંટેલા હોય છે. આવી રીતે તે સસીમ કેન્દ્રી (prokaryotes) સજીવો કરતાં સાવ જુદા પડે છે.
રહેઠાણ : સહેજ પણ પ્રકાશ હોય તેવાં બધાં સ્થળે આ બૅક્ટેરિયા જોવા મળે છે. સૂક્ષ્મ જલજીવ (plankton) તરીકે તે દરિયામાં અને મીઠા પાણીમાં સારી રીતે ફેલાયેલા હોય છે. કેટલાક પથ્થર કે વનસ્પતિને ચોંટેલા જોવા મળે છે. સ્થળચારી તરીકે તે ભેજમય કાષ્ઠ, પથ્થર અને જમીન પર ચોંટેલા જોવા મળે છે. અન્ય કેટલીક ફૂગ
(દા. ત., લાઇકેન) અને પ્રજીવો સાથે તે સહજીવન ગુજારે છે.
મોટાભાગના સાયનોબૅક્ટેરિયાનો ફેલાવ બીજાણુ(spore)ના સ્વરૂપમાં થાય છે. કેટલાકને કશા હોય છે. તે સરકગતિ (gliding) દ્વારા ખસે છે. તે શરીરદ્વિભાજનથી પ્રજનન કરે છે. કેટલાકમાં સંતાનકોષો અલગ થવાને બદલે એકબીજાને ચોંટીને સમૂહમાં રહે છે અથવા તંતુ જેવી રચના કરે છે. મોટેભાગે તંતુમય સાયનોબૅક્ટેરિયામાં હેટેરૉસિસ્ટ તરીકે ઓળખાતા વિશિષ્ટ કોષો આવેલા હોય છે. પર્યાવરણિક સ્થાપિત-નાઇટ્રોજન(fixed-nitrogen)ના અભાવમાં હેટેરૉસિસ્ટ કોષો નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરી શકે છે.
વર્ગીકરણ : 1 શ્રેણી ક્લોરોકૉકેલ્સ : દ્વિભાજન કે બીજાણુ દ્વારા પ્રજનન કરતા એકકોષીય સાયનોબૅક્ટેરિયા. જોકે તે સમૂહમાં અને તંતુમય રચના કરીને પણ જીવન પસાર કરતા હોય છે. કેટલાક વૈજ્ઞાનિકો આ સમૂહના સૂક્ષ્મજીવોને બે અલગ શ્રેણીઓ કામોસાઇફૉનેલ્સ અને પ્લ્યુરોકેપ્સેલ્સમાં વિભક્ત કરે છે : (1) માઇક્રૉસિસ્ટિસ, (2) નૉસ્ટોકેલ્સ (ઑસિલોટોરીએસી) અશાખિત અથવા આભાસીશાખિત તંતુમય બૅક્ટેરિયા; દા. ત., ઑસિલોટોરિયા, નૉસ્ટૉક.
સાયેનોબૅક્ટેરિયાનું પરિસ્થિતિકીય વિદ્યામાં મહત્વ
(1) સાયેનોબૅક્ટેરિયા પ્રકાશસંશ્લેષણ કરીને પ્રાણવાયુ ઉત્પન્ન કરે છે જે પૃથ્વી પર જારક શ્વસન કરતા સજીવોને જીવવા માટે વાતાવરણ પૂરું પાડે છે.
(2) સાયેનોબૅક્ટેરિયા અન્ય જીવો સાથે સહજીવી સંબંધ સફળતાપૂર્વક બાંધી અને નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે. તેથી ચોખા અને કઠોળને ઉગાડવા માટેનું નાઇટ્રોજનયુક્ત ખાતર પૂરું પાડે છે.
(3) પોષક તત્વોથી ભરપૂર તળાવો અને સરોવરોમાં સાયેનોબૅક્ટેરિયા જેવા કે એનાસિસ્ટિસ (Anacystis) અને એનાબીના (Anabena) છારી (Bloom) ઉત્પન્ન કરે છે. આ સૂક્ષ્મજીવોનો કાળાંતરે નાશ થતાં વિપુલ જથ્થામાં કાર્બનિક પદાર્થો ઉત્પન્ન થાય છે જે પાણીમાં રહેલો પ્રાણવાયુ ઘટાડે છે. આ પરિસ્થિતિમાં જળચર પ્રાણીઓ જીવી શકતાં નથી.
(4) આ બૅક્ટેરિયાની અમુક પ્રજાતિ પાણીમાં વિષ ઉત્પન્ન કરીને પાણીને દૂષિત કરે છે. તેની માઠી અસર પાણી પર આધારિત વિવિધ જીવો પર થાય છે.
(6) સાયેનોબૅક્ટેરિયાની પ્રજાતિ ઓસિલેટોરિયા(Oscillatoria)નો પ્રદૂષણના સૂચક (indicator) તરીકે ઉપયોગ થાય છે.
મૃગેશ શુક્લ