નીલગાય (રોઝ – Blue bull) : શ્રેણી સમખુરી(arteodactyla)ના, બોવિડે કુળનું સમસંખ્યામાં આંગળી ધરાવતું વાગોળનારું તૃણાહારી સસ્તન પ્રાણી. શાસ્ત્રીય નામ Boselaphus tragocamelus. ભારતમાં આ પ્રાણી હિમાલયની તળેટીથી માંડીને મૈસૂર સુધીના ભારતીય દ્વીપકલ્પના ભાગોમાં વસે છે. પૂર્વ બંગાળ, આસામ કે મલબાર કિનારાના પ્રદેશોમાં તે જોવા મળતું નથી. તે પર્વતીય કે ગાઢ જંગલને બદલે ખુલ્લાં ઘાસનાં મેદાનો, નદીનાં કોતરો, આછી ઝાડીવાળા વગડાઉ પ્રદેશોમાં રહેવું વધુ પસંદ કરે છે. નીલગાયનાં ટોળાં ગુજરાતમાં અગાઉ મોટા પ્રમાણમાં સર્વત્ર જોવા મળતાં હતાં. પરંતુ હાલમાં તે મોટેભાગે ઉત્તર ગુજરાતના શુષ્ક કે અર્ધવેરાન પ્રદેશમાં છૂટાંછવાયાં કે ક્યારેક ટોળામાં જોવા મળે છે. બનાસકાંઠાના ઉજ્જનવાડા કે સૂઈગામ જેવા સ્થળે હજુ પણ નીલગાયનાં ટોળાં નજરે પડે છે. સામાન્ય રીતે નર પ્રાણી નીલગાય અને માદા કે બચ્ચાં રોઝડી કે રોઝડાં તરીકે ઓળખાય છે.
નીલગાય પ્રાણીમાં નર અને માદા પ્રાણીનો ભેદ સ્પષ્ટ છે. નર પ્રાણી કદાવર, આશરે 1.25 મી. ઊંચાઈવાળું, કાળા-ભૂખરા બદનવાળું અને કાંઈક અંશે ઘોડા જેવું દેખાય છે. જ્યારે માદા પ્રાણીની ઊંચાઈ નર કરતાં સહેજ ઓછી છે. તે રંગે બદામી અને હરણને મળતું આવે છે. આ ઉપરાંત નર નીલગાયના ગળા નીચે કડક, કાળા વાળની દાઢી જેવો ગુચ્છ હોય છે. નરમાં હોઠ, જડબાં, બાહ્યકર્ણની અંદરની બાજુ, તેમ જ પૂંછડીની અંદરની બાજુ સફેદ વાળની રુવાંટી જોવા મળે છે. માદામાં મુખ અને ગાલ ઉપર માત્ર સફેદ ચાઠાં હોય છે. નાનાં બચ્ચાંનો રંગ પણ માદા પ્રાણી જેવો એટલે કે બદામી હોય છે. નર નીલગાય એક જોડ મજબૂત શિંગડાં ધરાવે છે. આ શિંગડાં નીચેથી ત્રિકોણાકાર અને ઉપરના છેડે ગોળ અને શંકુ આકારવાળાં હોય છે. નર અને માદા બંને પ્રાણીમાં માથાની નીચેથી પીઠ તરફ ઘોડાની માફક યાળ (mane) જોવા મળે છે. બંનેમાં પીઠ ઉપરની ખૂંધ નજેવી ઊપસી આવેલી દેખાય છે.
નીલગાય અન્ય ઢોરની માફક ઘાસ ચરે છે તેમજ બકરીની માફક વનસ્પતિનાં પાન, ફૂલ, ફળ વગેરે કરડી ખાય છે. શુષ્ક રેતાળ પ્રદેશમાં જ્યાં વનસ્પતિ જૂજ કે આછી જોવા મળે છે ત્યાં ગાંડા બાવળનાં પર્ણો, શિંગો તેમજ આકડાનાં ફૂલનો પણ આહાર કરે છે. નીલગાયનાં ટોળાં ઘણીવાર ઊભા પાકનાં ખેતરોમાં પ્રવેશી ભેલાણ કરી ખેતીને નુકસાન પહોંચાડે છે. આ ભેલાણના અતિશય ઉપદ્રવ ઉપરથી નીલગાયને ઠેર-ઠેરથી હાંકી કાઢવામાં આવે છે. હવે આ પ્રાણીઓનાં જતન માટે અભયારણ્યની જરૂર ઊભી થાય તો નવાઈ નહીં.
નીલગાય સામાન્ય રીતે વહેલી સવારથી બપોર ચઢે ત્યાં સુધી અને સાંજે સૂર્યાસ્ત સુધી ચરવાનું ચાલુ રાખે છે. બપોરે તડકામાં આરામ કરે છે. નીલગાય પાણી વગર લાંબા સમય સુધી રહી શકે છે. તેને અન્ય ઢોરની માફક દરરોજ નિયમિત પાણીની જરૂર પડતી નથી. અને તેથી જ તે મરુભૂમિમાં આછા ઘાસ-ચારાથી નિભાવ કરી શકે છે.
નીલગાયના ટોળામાં 7 થી 8 જેટલાં નાનાંમોટાં પ્રાણીઓ હોય છે. તેમાં એક નર અને બાકીનાં માદા અને બચ્ચાં હોય છે. કેટલીક વાર તે 20થી 22 પ્રાણીઓના જૂથમાં પણ જોવા મળે છે. નીલગાયની ઘ્રાણશક્તિ અને દૃષ્ટિ સતેજ હોય છે. જ્યારે અવાજ ગ્રહણ કરવાની શક્તિ સામાન્ય હોય છે. આ પ્રાણી ભયની સૂચના ભાંભરવાનો અવાજ કાઢીને કરે છે. અને હરણની માફક ત્વરાથી તે ફાળ ભરી ઊંચી વાડો કૂદી દુશ્મનથી દૂર ભાગી છૂટે છે. નીલગાયની એક વિશિષ્ટ ખાસિયત છે કે તે હંમેશાં એક જ સ્થાન ઉપર લીંડીઓ પાડીને મળનું ઉત્સર્જન કરે છે. તેની આ ખાસિયતને કારણે ટોળાનાં પ્રાણીઓ એક સમૂહમાં રહી એકબીજાના સંપર્કમાં રહે છે.
માદા નીલગાય 25 મહિના બાદ પુખ્ત બને છે, અને ગર્ભધારણ કરવાની ક્ષમતા ધરાવે છે. તે 8થી 9 માસ ગર્ભાવસ્થામાં પસાર કર્યા બાદ બચ્ચાને જન્મ આપે છે. તેનો પ્રજનનકાળ કોઈ નિશ્ચિત હોતો નથી. અને તેથી ટોળામાં હંમેશાં નાનાંમોટાં બચ્ચાં એકીસાથે જોવા મળે છે.
ગુજરાતમાં નીલગાય અંગેની ધાર્મિક માન્યતાઓને કારણે સામાન્યપણે તેની કોઈ હત્યા કરતાં અચકાય છે. નીલગાયને ગાય સ્વરૂપે માની તેને પવિત્ર ગણે છે; પરંતુ હવે વગડો, ગોચર, ચરા વગેરે ખેતર કે અન્ય ઉપયોગમાં લેવાતાં નીલગાય જેવાં પ્રાકૃતિક વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાતું જાય છે.
રા. ય. ગુપ્તે