નીલકંઠ, વિનોદિની

January, 1998

નીલકંઠ, વિનોદિની (જ. 9 ફેબ્રુઆરી 1907, અમદાવાદ; અ. 29 સપ્ટેમ્બર 1987, અમદાવાદ) : ગુજરાતી નિબંધ, નવલિકા, નવલકથા અને બાળસાહિત્યનાં અગ્રણી લેખિકા. પિતા રમણભાઈ નીલકંઠ અને માતા વિદ્યાગૌરી. પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ કેળવણી અમદાવાદમાં.

વિનોદિની નીલકંઠ

1928માં મુખ્ય અંગ્રેજી અને ગૌણ ગુજરાતી વિષય સાથે બી.એ.,  અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રના વિષયો લઈ 1930માં એમ.એ.ની ડિગ્રી મેળવી. અમદાવાદની મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમાં આચાર્યા અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીની મહિલા કૉલેજમાં અધ્યાપિકા તરીકે સેવા આપવા ઉપરાંત એમણે સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓમાં પણ સક્રિયતા દાખવી હતી. ‘ગુજરાત સમાચાર’માં ‘ઘરઘરની જ્યોત’ શીર્ષકથી એમણે સ્ત્રીઓ વિશેનાં લખાણોની કટાર વર્ષો લગી ચલાવી હતી. તેનાં લખાણો અનુક્રમે 1955, ’58, ’64 અને ’69માં ચાર ભાગમાં ગ્રંથસ્થ થયાં છે.

એમની રસિક શૈલીમાં લખાયેલા નિબંધોનો સંગ્રહ ‘રસદ્વાર’ 1928માં પ્રકટ થયો હતો. એમની ધ્યેયનિષ્ઠ સુઘડ વાર્તાઓ ‘આરસીની ભીતર’ (1942), ‘કાર્પાસી અને બીજી વાતો’ (1951), ‘દિલદરિયાવનાં મોતી’ (1958), અને ‘અંગુલિનો સ્પર્શ’ (1965) જેવા તેમના વાર્તાસંગ્રહોમાં ગ્રંથસ્થ થઈ છે. 1946માં એમણે ‘કદલીવન’ નામે નવલકથા પણ પ્રકટ કરેલી. 1976માં એમનાં પ્રવાસચિત્રણોનો સંગ્રહ ‘નિજાનંદ’ પ્રકટ થયો હતો. એમણે પોતાનાં માતાનું ચરિત્ર ‘વિદ્યાગૌરી નીલકંઠ’ આપ્યું છે. 1942માં ‘ગુજરાતી અટકોનો ઇતિહાસ’ પ્રકટ કરેલો. ‘શિશુરંજના’ (1950), ‘મેંદીની મંજરી’ (1956), ‘બાળકોની દુનિયામાં ડોકિયું’ તથા ‘સફરચંદ’ (1964) આદિ બાળસાહિત્યક્ષેત્રે એમનું નોંધપાત્ર ગ્રંથપ્રદાન છે. ‘ઘરનો વહીવટ’ (1959), ‘બાળસુરક્ષા’ (1961), ‘મુક્તજનોની ભૂમિ, અને ‘સુખની સિદ્ધિ – સમાજવિદ્યા’ (1968) તેમનાં પ્રકીર્ણ પુસ્તકો છે. એમને રાજ્યસરકારનાં પારિતોષિકો પણ પ્રાપ્ત થયાં છે.

ધીરુ પરીખ