નીલકંઠ, વિદ્યાગૌરી રમણભાઈ

January, 1998

નીલકંઠ, વિદ્યાગૌરી રમણભાઈ (જ. 1 જૂન 1876, અમદાવાદ; અ. 7 ડિસેમ્બર 1958) : ગુજરાતી લેખિકા. ‘એક અમદાવાદી સુરતી’, ‘ઓશિંગણ’, ‘કોકિલા ઉર્ફે કોયલ ઉર્ફે પરભૃતિકા’, ‘નચિન્ત’ વગેરે તખલ્લુસો તેમણે રાખ્યાં હતાં. પ્રાથમિક શિક્ષણ મગનભાઈ કરમચંદ કન્યાશાળામાં લીધું. માધ્યમિક શિક્ષણ મહાલક્ષ્મી ફીમેલ ટ્રેનિંગ કૉલેજમાં લઈ 1891માં મૅટ્રિક થયાં. 1901માં લૉજિક અને મૉરલ ફિલૉસૉફી સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયાં. બી.એ.ની પદવી પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ગુજરાતી મહિલા હતાં. 1889ના જાન્યુઆરીમાં રમણભાઈ નીલકંઠ સાથે લગ્ન થયું. લગ્ન પછી અભ્યાસ ચાલુ રાખ્યો.

વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ

ઉત્તમ ગૃહિણી તરીકે પોતાનું કર્તવ્ય બજાવતાં બજાવતાં રમણભાઈની સાથે દરેક પ્રવૃત્તિમાં વિદ્યાબહેને રસ લેવા માંડ્યો. પ્રાર્થનાસમાજ, વિધવાવિવાહ ઉત્તેજન સમિતિ અને સંસારસુધારાસમાજમાં રસ લેતાં હતાં. છપ્પનિયા દુકાળમાં રાહતકામ કરીને સમાજસેવાના શ્રીગણેશ માંડ્યા. ગામડાંમાં અનાજ અને કપડાં પહોંચાડવાં, ઢોરઢાંખરની વ્યવસ્થા કરવી, માંદાની માવજત કરવી, અનાથ બાળકોને આશ્રય આપવો વગેરે કાર્યો તેઓ સતત કરતાં રહ્યાં. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા) તરફથી ચાલતી પ્રવૃત્તિઓમાં કાર્યરત અને પ્રમુખ, ગુજરાત લેડીઝ ક્લબનાં સક્રિય સભ્ય રહી મુસ્લિમ બહેનો માટે સીવણવર્ગ ચલાવી સહાયભૂત થયાં. જુદા જુદા હુન્નર શીખવી બહેનોને કમાણી કરાવી આપવામાં તે મદદરૂપ થતાં. પહેલા વિશ્વયુદ્ધ વખતે ‘વૉર રિલીફ ફંડ’ માટે નાણાં એકઠાં કરવામાં પણ તેમણે સક્રિય ભાગ લીધો. આ માટે MBE(મેમ્બર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર)નો ઇલકાબ તેમને મળ્યો હતો. 1926માં ‘કૈસરે હિન્દ’નો ઇલકાબ મળ્યો હતો. પરંતુ વીરમગામમાં સત્યાગ્રહી બહેનો ઉપર જે જુલમ થયા હતા તેની જાણ થઈ ત્યારે તેના વિરોધમાં સરકારનો ઇલકાબ તેમણે પરત કર્યો હતો.

ખાડિયા વિસ્તારમાં મહિલામંડળની સ્થાપના કરી સમાજસેવાના કાર્યને વિસ્તાર્યું. અખિલ હિન્દ મહિલા પરિષદનું પ્રથમ અધિવેશન પુણેમાં યોજાયું ત્યારે ગુજરાતમાં કામ કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. બાળલગ્ન, ફરજિયાત વૈધવ્ય, આંતરજ્ઞાતીય લગ્નો, ત્યક્તા તેમ જ કેળવણી વગેરેના પ્રશ્નો ઉકેલવા માટે તે સદા તત્પર રહેતાં. અનેક દુ:ખિયારાં તેમની પાસે આવતાં. રડતું આવે ને હસતું જાય એવી તેમની મીઠાશ અને કુનેહ હતાં.

અખિલ હિંદ મહિલા પરિષદ તરફથી સારડા ઍક્ટનો અમલ કરાવવામાં, નિરક્ષરતાનિવારણમાં, ભારતીય સ્ત્રીનો દરજ્જો વધારવામાં, કાયદામાં સ્ત્રીતરફી સુધારા કરાવવામાં તેમણે અથાગ પ્રયત્નો કર્યા હતા. 1932માં અ. હિં. મ. પરિષદના સાતમા અધિવેશનમાં તેઓ પ્રમુખ ચૂંટાયેલાં. તેમણે સમગ્ર જીવન સ્ત્રીઓની ઉન્નતિના કાર્યમાં ગાળ્યું. 1936માં તેમનો મણિમહોત્સવ ઊજવાયો હતો.

શિક્ષણક્ષેત્રે તેમનું બે રીતે નોંધપાત્ર પ્રદાન છે. એક સીધા અધ્યાપન દ્વારા અને બીજું શિક્ષણસંસ્થાઓના સંચાલન દ્વારા. અમદાવાદમાં ગુજરાત કેળવણી મંડળે ગુજરાત મહિલા પાઠશાળા શરૂ કરી તેમાં તેઓ માનાર્હ સેવા આપતાં. ગુજરાતી, માનસશાસ્ત્ર ને કોઈ વખત અંગ્રેજીના વર્ગો લેતાં. શ્રીમતી નાથીબાઈ ઠાકરસી મહિલા યુનિવર્સિટીની સેનેટનાં સભ્ય અને ગુજરાત સ્ત્રીકેળવણી મંડળનાં ફેલો તરીકે તેઓ નિમાયાં હતાં. દર વર્ષે તેઓ સેનેટ તરફથી સિન્ડિકેટ માટે પણ બિનહરીફ ચૂંટાતાં. એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી તરફથી 1957માં ડી. લિટ્ની માનાર્હ ઉપાધિ તેમને એનાયત થયેલ. સ્કૂલ બૉર્ડનાં વાઇસ ચૅરમૅન, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કેટલોક સમય સરકારનિયુક્ત સભાસદ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનાં માનાર્હ સેક્રેટરી હતાં. પુસ્તકાલયની પ્રવૃત્તિમાં પણ તેઓ સક્રિય ભાગ લેતાં. વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદના પાંચમા અધિવેશનમાં (1930) અને ગુજરાત પુસ્તકાલય પરિષદ, અમદાવાદના અધિવેશનમાં (1934) તેમણે આપેલાં વ્યાખ્યાનો તેમની અભિરુચિની પ્રતીતિ કરાવે છે. બીજી ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ(1940)નાં તેઓ પ્રમુખ હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદના 15મા અધિવેશન(1943)માં પ્રમુખ તરીકે આપેલા વ્યાખ્યાનમાં તેમણે માતૃભાષાની હિમાયત કરી હતી. ગુજરાત વિદ્યાસભાનાં તેઓ આજીવન માનાર્હ મંત્રી હતાં.

તેમની સાહિત્યિક પ્રવૃત્તિ રમણભાઈ સાથે થતી પ્રવૃત્તિ છે. ‘હાસ્યમંદિર’માં રમણભાઈ સાથે નર્મમર્મયુક્ત લેખો લખ્યા. ‘જ્ઞાનસુધા’માં અવારનવાર તેમની કૃતિઓ પ્રગટ થતી. ‘The Lake of Palms’ એ શ્રી રમેશચંદ્ર દત્તની વાર્તાનું ‘સુધાહાસિની’ (1907) નામે ભાષાંતર કર્યું. ‘The Position of Women in India’નો ‘હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન’ એ નામે અનુવાદ (1915) કર્યો. 1916માં ‘પ્રો. ધોંડો કેશવ કર્વે’ – એ જીવનચરિત્ર લખ્યું છે. ‘ગૃહદીપિકા’ – એ ગૃહવિજ્ઞાનને લગતું પુસ્તક છે. તે સમયનાં સામયિકો ‘સુંદરીસુબોધ’, ‘ગુણસુંદરી’, ‘શારદા’ વગેરેમાં ક્યારેક નિબંધ, ક્યારેક ટુચકા, ક્યારેક નાટિકા લખતાં હતાં. ‘ફોરમ’ (1955), ‘નારીકુંજ’ (1956), ‘જ્ઞાનસુધા’ (1957)  એમ ત્રણ લેખસંગ્રહો પ્રગટ થયા છે. તેમની શૈલી સરળ, પ્રવાહી, વિષયલક્ષી રહી છે. સ્પષ્ટ અને સ્વસ્થ વિચારસરણી, અભ્યાસનિષ્ઠા, સ્પષ્ટ અને નિર્ભીક રજૂઆત તેમના લેખોને મનનીય બનાવે છે.

ધીરુ પરીખ