નીમા યુશીજ

January, 1998

નીમા યુશીજ (જ. 12 નવેમ્બર 1896, ઈરાન; અ. 3 જાન્યુઆરી 1960, તેહરાન) : આધુનિક ફારસી કવિતામાં નવી વિચારસરણી દાખલ કરનાર કવિ. પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં અને ઉચ્ચ શિક્ષણ તેહરાનની સેંટ લૂઈ શાળામાં. તે ફ્રેંચ ભાષા-સાહિત્યથી સારી પેઠે વાકેફ હતા. તેહરાનમાં નિઝામ વફા નામના શિક્ષકે તેમને કવિતા લખવાની પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યાં. 1920માં પોતાનું પ્રથમ નવીન પ્રકારનું કાવ્ય – ‘અફસાના’ લખીને ફારસી કવિતા-લેખનના ક્ષેત્રે નવું પ્રકરણ આરંભ્યું. તેમણે ચીલાચાલુ છંદ તથા પ્રાસની પાબંદી છોડીને મુક્ત કવિતાનાં મંડાણ કર્યાં અને પોતાની નવીન કવિતા (શે’રે નવ) વડે ઈરાનમાં કવિઓની એક આખી નવી પેઢી ઊભી કરી. નીમા યુશીજે ફારસી કવિતાને વિચાર તથા સ્વરૂપ  બંને પ્રકારનાં જૂનાં બંધનોમાંથી મુક્ત કરી હતી. મજકૂર ‘અફસાના’ ઉપરાંત તેમનાં અન્ય લાંબાં કાવ્યો ‘અય શબ’, ‘કિસ્સએ રંગ પરીદા’, ‘મહબસ’; ‘અય આદમહા’ યાદગાર છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી