નિસાર ઉપગ્રહ

October, 2025

નિસાર ઉપગ્રહ : નાસા (National Aeronautics and Space Administration) અને ઇસરોનું (Indian Space Research Organisation) એક ક્રાંતિકારી સંયુક્ત અભિયાન છે. એટલે કે નાસા – ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર અભિયાન. રડારના સિદ્ધાંતો પર અવલંબિત ભૂ-અવલોકન માટે કામ કરતા કૃત્રિમ ઉપગ્રહ અને તેના ઉપયોગો અંગેનું આ અભિયાન છે. નિસાર ઉપગ્રહ સતત સક્રિય (Dynamic) પૃથ્વીની સપાટી વિશેની આપણી સમજમાં ક્રાંતિ લાવશે. 30 જુલાઈ 2025ના રોજ ભારતના શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી નિસાર ઉપગ્રહનું પ્રક્ષેપણ થયું હતું. આબોહવા પરિવર્તન, કુદરતી સંકટો અને ઇકોસિસ્ટમની સ્થિતિમાં અભૂતપૂર્વ આંતરદૃષ્ટિ પ્રદાન કરવાની ક્ષમતા તે ધરાવે છે

નિસાર ઉપગ્રહ

અભિયાનના હાર્દમાં છે એક અત્યાધુનિક પૃથ્વી અવલોકન ઉપગ્રહ – નિસાર. પૃથ્વીના સચોટ અવલોકન માટે તે ‘સ્વીપસાર-SweepSAR’ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરે છે॰ દ્વિ-આવૃત્તિથી (Dual Frequency) સજ્જ  વિશ્વનો આ પ્રથમ ઉપગ્રહ છે. તેમાં નાસાએ એલ-બેન્ડ (24 સે.મી.) રડારનું યોગદાન આપ્યું છે, જ્યારે ઇસરોએ એસ-બેન્ડ (12 સેમી) રડાર વિકસાવ્યું છે. આ બંને રડારપ્રણાલીઓ જેટ પ્રોપલશન લૅબોરેટરી-નાસાએ વિકસાવેલા મોટા કદના (લગભગ 12 મીટર વ્યાસ) જાળીદાર પરાવર્તકવાળા  ઍન્ટેનાનો ઉપયોગ કરે છે. સોનાનો ઢોળ ચડાવેલા પરાવર્તક ઍન્ટેના ઉપગ્રહના મુખ્ય માળખાથી લગભગ 9 મીટર દૂર કાઠીની (Boom) મદદથી ગોઠવેલું છે. એન્જિનિયરિંગ પેલોડના પેલોડ ડેટા સબસિસ્ટમ, હાઇ-રેટ સાયન્સ ડાઉનલિંક સિસ્ટમ, જીપીએસ રિસીવર્સ અને સોલિડ સ્ટેટ રેકૉર્ડર નાસાએ પૂરાં પાડ્યાં છે. અવકાશયાનનાં બધાં જ સ્થાન (Attitude) અને કક્ષા નિયમન પ્રણાલીઓ, પાવર સિસ્ટમ્સ, ઉષ્મા પ્રબંધન પ્રણાલી  ઇસરોએ પૂરી પાડી છે.  તદુપરાંત ડેટા હૅન્ડલિંગ સિસ્ટમ, હાઇ-રેટ ડાઉનલિંક સિસ્ટમ, અવકાશયાન બસ સિસ્ટમ્સ, પ્રક્ષેપણ પ્રણાલી અને અભિયાન સંચાલન સંબંધિત સેવાઓ પ્રદાન કરવાની જવાબદારી પણ ઇસરોને શિરે છે.

બે રડારનું સંયોજન નિસારને ગાઢ વનસ્પતિમાં ઘૂસવાની, માટી અને પૃથ્વીની સપાટીની રચનામાં ફેરફારોનું અવલોકન કરવાની અને વાદળોના આવરણને વીંધીને બધા જ હવામાનમાં; દિવસ – રાત પૃથ્વીની તસવીર (Imaging) લેવાની ક્ષમતા પ્રદાન કરે છે. પૃથ્વીની છબી લેવા માટે નિસારને વાતાવરણીય વિક્ષોભ નડતો નથી કે તેને સૂર્યપ્રકાશની આવશ્યકતા નથી. આ ક્ષમતા ઉપગ્રહ દ્વારા પૃથ્વી અવલોકન માટેની એક નોંધપાત્ર છલાંગ છે.

નિસારનું દળ આશરે 2392 કિલોગ્રામ છે. તે પૃથ્વીથી 747 કિમીની ઊંચાઈએ સૂર્ય સંક્રમિક ધ્રુવીય ભ્રમણકક્ષામાં (Sun Synchronous Polar Orbit) કાર્ય કરે છે તેમજ તેનું પુનરાવર્તન ચક્ર બાર દિવસનું છે. નિસાર બાર દિવસમાં સમગ્ર વિશ્વનો નકશો બનાવે છે. પૃથ્વીની ઇકોસિસ્ટમ, બરફના જથ્થા, વનસ્પતિ બાયોમાસ, સમુદ્ર સપાટીમાં વધારો, ભૂગર્ભજળ અને ભૂસ્ખલન સહિતનાં કુદરતી જોખમોમાં થતા ફેરફારોને સમજવા માટે સમયાંતરે સ્થાનિક અને સુસંગત મહત્ત્વપૂર્ણ ડેટા પ્રદાન કરે છે. તે ઉચ્ચ વિભેદન (Resolution) સાથે 242 કિલોમીટરના વિશાળ વિસ્તારની (Swath) છબી બનાવવા માટે સક્ષમ છે પૃથ્વીની બદલાતી પારિસ્થિતિક પ્રણાલી (Eco System), ગતિશીલ (Dynamic) સપાટીઓ અને હિમ-દળને માપવાનો નિસાર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે. તેના મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક અને સામાજિક ઉપયોગો છે.

આબોહવા પરિવર્તનનું નિરીક્ષણ : આબોહવા પરિવર્તનની અસરોનું પ્રમાણ નક્કી કરવામાં નિસારની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. હિમનદીઓ અને બરફની ચાદરોના પીગળવા પર તે નજર રાખે છે. દરિયાઈ સપાટીના વધારાથી  દરિયાકાંઠાના સમુદાયો પર થતી અસરોને સમજવા માટે તે મહત્ત્વપૂર્ણ ડેટા પ્રદાન કરે છે. આ અભિયાન  વનાવરણ, બાયૉમાસ અને કાર્બન સ્ટૉકમાં થતા ફેરફારોનું પણ નિરીક્ષણ કરે છે. તેનાથી વધુ સચોટ આબોહવા મૉડલો તૈયાર કરવાના અને ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસોમાં ફાળો મળશે.

કુદરતી સંકટોને સમજવાં : નિસારનું આ સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન છે. તેનાથી આપત્તિ સામે સજ્જતા અને પ્રતિભાવ વધારવાની ક્ષમતા વધશે. તે પૃથ્વીની સપાટીની નાની નાની વિકૃતિઓ શોધીને  ભૂકંપ, જ્વાળામુખીની  અશાંતિ અને ભૂસ્ખલન માટે પ્રારંભિક ચેતવણીઓ પ્રદાન કરશે. બધા જ પ્રકારની આબોહવામાં છબી લેવાની તેની ક્ષમતાથી  પૂરની તત્સમય છબી બનાવી શકાશે જેનાથી રાહત પ્રયાસો અને જોખમ મૂલ્યાંકન કરવામાં મદદ મળશે. નિસાર  ડેટાનો ઉપયોગ સુનામીનું નિરીક્ષણ કરવા માટે અને કુદરતી આફતો પછી નુકસાનનું ઝડપી મૂલ્યાંકન કરવા માટે મદદરૂપ થશે.

પારિસ્થિતિક પ્રણાલી (Ecosystem) અને સંસાધન વ્યવસ્થાપન : ઇકોસિસ્ટમની સ્થિતિનું નિરીક્ષણ કરવા અને કુદરતી સંસાધનોના સંચાલન માટે નિસારનો ડેટા અમૂલ્ય છે. વનનાબૂદીનો તે નકશો બનાવી શકે છે, કૃષિ જમીનના ઉપયોગમાં ફેરફારો દર્શાવે છે, પાકના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરી શકે છે અને માટીના ભેજના સ્તરનું નિરીક્ષણ કરી શકે છે તેમજ  ખાદ્ય સુરક્ષા પહેલને ટેકો આપી શકે છે. વધુમાં, તે જળ સંસાધનોનું નિરીક્ષણ કરવામાં, તેલક્ષેત્રો શોધવામાં અને દરિયાકાંઠાના ધોવાણનું નિરીક્ષણ કરવામાં મદદ કરશે, દીર્ઘકાલીન પર્યાવરણીય વ્યવસ્થાપનમાં ફાળો આપશે.

જમીનની ગતિશીલતા (Dynamics) : જમીનની સપાટીની હિલચાલને સચોટ માપીને નિસાર પૃથ્વીના પોપડાની ગતિશીલતાનું આકલન કરે છે. તેનાથી ટેક્ટોનિક પ્લેટની હિલચાલ અને ભૂગર્ભ વિશેની આપણી સમજ વધુ ગાઢ થશે. તેનાથી ભૂસ્તરશાસ્ત્રીય સંશોધન આગળ વધશે અને ભૂકંપ સક્રિય પ્રદેશોમાં શહેરી આયોજન અને માળખાકીય વિકાસ માટે મહત્ત્વપૂર્ણ માહિતી પ્રદાન કરશે.

નિસાર અભિયાન એક તકનીકી અજાયબી સાથે આંતરરાષ્ટ્રીય અવકાશ સહયોગમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. નાસા  અને ઇસરોની કુશળતા અને હાર્ડવેરનું સીમાચિહ્નરૂપ એકીકરણ છે: નાસાનું  L-બેન્ડ રડાર અને ઇસરોનું S-બેન્ડ રડાર. વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે એક સહિયારી પ્રતિબદ્ધતાનું આ ઉદાહરણ છે. નિસાર  દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સંશોધકો માટે મુક્તપણે અને ખુલ્લેઆમ સુલભ હશે.

નિસાર ઉપગ્રહ  અંગેની કેટલીક ટૅક્નિકલ માહિતી :

પ્રાચલ (Parameter)                      મૂલ્ય / વિગત
અભિયાન પ્રકાર રડારથી છબી લેવી, પૃથ્વી અવલોકન
સંચાલક નાસા/ઇસરો
અભિયાન અવધિ 3 વર્ષ / 5 વર્ષ
અંતરિક્ષયાન ગુણધર્મ
બસ 1-3 K
નિર્માતા નાસા અને ઇસરો
દળ 2393 Kg
વીજશક્તિ 6500 W
અભિયાન પ્રારંભ
પ્રક્ષેપણતારીખ 30 જુલાઈ 2025, સાંજે 17:40 વાગ્યે (ભારતીય સમય)
પ્રક્ષેપણયાન GSLV F16
પ્રક્ષેપણમથક સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર, આંધ્રપ્રદેશ, ભારત
પ્રક્ષેપણ સંચાલન ઇસરો
ભ્રમણકક્ષા પ્રાચલ
સંદર્ભ પ્રણાલી ભૂકેન્દ્રી ભ્રમણકક્ષા
ભ્રમણકક્ષા સૂર્ય સંક્રમિક ધ્રુવીય કક્ષા
પૃથ્વીથી ઊંચાઈ 747 કિમી
ઝુકાવ 98.5 ડિગ્રી
ઉપકરણ
એલ-બેન્ડ (24 સેમી તરંગલંબાઈ) પોલારિમેટ્રિક સિન્થેટિક એપર્ચર રડાર
એસ-બેન્ડ (12 સેમી તરંગલંબાઈ) પોલારિમેટ્રિક સિન્થેટિક એપર્ચર રડાર

      ચિંતન ભટ્ટ