નિષધ : એક પ્રાચીન જનપદ. નિષધ એ દેશનું નામ છે. મધ્યદેશ કુરુપંચાલ તરીકે ઓળખાયો. એની દક્ષિણમાં નિષધ દેશ આવેલો હતો. નિષધના રાજાઓ શક્તિશાળી અને મહાબળવાન હતા. શતપથ બ્રાહ્મણના ઉલ્લેખ મુજબ નિષધનો રાજા નલ હતો. મહાભારતના વનપર્વ તથા પુરાણોમાં તેના ઉલ્લેખો મળે છે.
‘ભગવદ્ગોમંડલ’ પ્રમાણે નિષધ એ ચંબલ નદીની પૂર્વે આવેલો પ્રાચીન હિંદનો દેશ હતો. ત્યાંનો અધિપતિ નલ રાજા હતો. એણે નલપુર નગર વસાવ્યું હતું. આ ઉપરાંત નિષધ નામે યાદવકુમાર પણ હતો. જનમેજયના એક પુત્રનું નામ પણ નિષધ હતું. મહાકવિ શ્રીહર્ષે સંસ્કૃત મહાકાવ્ય नैषधीयचरितम्માં નિષધપતિ નલરાજાનું ચરિત આલેખ્યું છે.
ભારતી શેલત