નિશ્ચેતનાવિદ્યા (anaesthesiology)
January, 1998
નિશ્ચેતનાવિદ્યા (anaesthesiology)
શસ્ત્રક્રિયા કરી શકાય તે માટે દવાઓ વડે દર્દીને ટૂંકા ગાળા માટે બેશુદ્ધ (બેભાન) કરવાની ચિકિત્સાવિદ્યા. તેના અંગ્રેજી શબ્દનો અર્થ સંવેદનાઓ (sensations) મેળવવાની ક્રિયા ઘટાડવી એવો થાય છે; તેથી તેને નિ:સંવેદના પણ કહે છે. તેને લોકભાષામાં ‘બહેરું કરવું’, ‘જૂઠું પાડવું’, ‘શીશી સૂંઘાડવી’ વગેરે વિવિધ ઉક્તિઓથી વર્ણવવામાં આવે છે. તેના મુખ્ય 3 પ્રકારો છે : (1) સાર્વત્રિક નિશ્ચેતના (general anaesthesia), (2) પ્રાદેશિક (regional) નિશ્ચેતના તથા (3) સ્થાનિક (local) નિશ્ચેતના. સાર્વત્રિક નિશ્ચેતનામાં પીડા સહિતની બધી સંવેદનાઓ અનુભવાતી નથી. કોઈ એક ચેતામૂળ (nerve root), ચેતાજાળ (nerve plexus) કે ચેતા(nerve)ને બહેરાં કરવાં કે કરોડરજ્જુના કોઈ ભાગને નિશ્ચેતન કરવાની પ્રક્રિયાને પ્રાદેશિક કે વિસ્તારલક્ષી (regional) નિશ્ચેતના કહે છે. તેમાં જે તે ચેતા, ચેતાજાળ, ચેતામૂળ કે કરોડરજ્જુ દ્વારા તેમના વિસ્તારની સંવેદનાઓનું વહન થતું બંધ થાય છે. જે સ્થળે દોષવિસ્તાર (lesion) હોય ત્યાંની સ્થાનિક શસ્ત્રક્રિયા માટે તે ભાગને બહેરો કરવાની પ્રક્રિયાને સ્થાનિક (local) નિશ્ચેતના કહે છે. પ્રાદેશિક અને સ્થાનિક નિશ્ચેતનામાં દર્દી બેભાન થતો નથી, જ્યારે સાર્વત્રિક નિશ્ચેતનામાં તેને ટૂંકા સમય માટે બેભાન કરાય છે. કૅન્સર કે ચેતાપીડ(neuralgia)ના દર્દીમાં અસાધ્ય પીડાને રોકવા માટે પણ પ્રાદેશિક નિશ્ચેતનાના સિદ્ધાંતોનો અમલ કરીને ચેતારોધ (nerve-block) અપાય છે. તેમાં જે તે ચેતા પર દવાનું ઇંજેક્શન આપીને તેને બહેરી કરાય છે, જેથી તેમાંથી પીડા સહિત દરેક પ્રકારની સંવેદનાઓનું વહન બંધ થાય.
નિશ્ચેતનાવિદના કાર્યક્ષેત્રમાં કૅન્સર કે હાડકાંના સાંધાના લાંબા ગાળાના અને કષ્ટસાધ્ય દુખાવાની સારવાર તથા શ્વાસોચ્છવાસની તકલીફ હોય એવા ગંભીર રીતે માંદા દર્દીઓને કૃત્રિમ શ્વસન માટેના યંત્ર (શ્વસનક, ventilator) વડે અપાતી સારવારને પણ આવરી લેવાય છે.
ઇતિહાસ : ઓગણીસમી સદી પહેલાં દારૂ, અફીણ અને કેનાબિસ જેવાં રસાયણો વાપરવાની તથા માથા પર ઈજા કરવાની કે દર્દીને ગૂંગળાવવા (asphyxia) જેવી ક્રિયાઓ કરીને તેને શસ્ત્રક્રિયા માટે બેભાન કરાતો હતો. 1776માં નાઇટ્રસ ઑક્સાઇડ (N2O) નામનો પ્રથમ નિશ્ચેતક (anaesthetic agent) શોધાયો. તેનો હાસ્યપ્રેરક વાયુ (laughing gas) તરીકે ઉપયોગ થતો હતો. પ્રિસ્ટલીએ તેની નિશ્ચેતનાલક્ષી અસરોનું સંપૂર્ણ વર્ણન કર્યું. 1844માં સૌપ્રથમ હૉરેસ વેલ્સ નામના ઇંગ્લૅન્ડના દંતવિદે તેનો સૌપ્રથમ ઉપયોગ કર્યો. જોકે તે ઘણી વખત પીડાશમનમાં સફળ ન પણ થતો. 1846માં અમેરિકાના બોસ્ટન શહેરની મૅસેચૂસેટ્સ જનરલ હૉસ્પિટલના ડૉક્ટર મૉર્ટને ઈથરનો સૌપ્રથમ શસ્ત્રક્રિયા પૂર્વેની નિશ્ચેતના માટે ઉપયોગ કર્યો. ત્યારબાદ ઈથરનો ઘણો વ્યાપક ઉપયોગ થવા માંડ્યો હતો. તેને બાટલીમાં પ્રવાહી રૂપે ભરીને દર્દીને સૂંઘાડવામાં આવતું હોવાથી ‘શીશી સૂંઘાડવી’ એવો શબ્દપ્રયોગ પ્રચલિત થયેલો છે. 1847માં ઇંગ્લૅન્ડના સિમ્પ્સને પ્રસૂતિ-સમયે ક્લૉરોફૉર્મનો ઉપયોગ શરૂ કર્યો. તે પણ ઘણો જાણીતો નિશ્ચેતક બન્યો. જોકે તે ઘણો ઝેરી પદાર્થ ગણાય છે. 1929માં સાઇક્લોપ્રોપેન શોધાયો, પરંતુ 1956માં હેલોથેનની શોધ થઈ; જેણે આધુનિક નિશ્ચેતકોની એક શૃંખલાની શરૂઆત કરી. આ અગાઉ 1935માં થાયોપેન્ટોન નામના નિશ્ચેતક ઔષધની શોધ થઈ, જેને શ્વાસમાં લેવાને બદલે નસ વાટે આપી શકાય છે.
નિશ્ચેતનાની સંકલ્પનાઓ : નિશ્ચેતન કરવાની પ્રક્રિયાના અભ્યાસને નિશ્ચેતનાવિદ્યા (anaesthesiology) કહે છે. નિશ્ચેતનાની પ્રક્રિયાની સંપૂર્ણ સમજ ઊભી થયેલી નથી. સામાન્ય રીતે સાર્વત્રિક નિશ્ચેતક ઔષધકેન્દ્રીય ચેતાતંત્રના વિવિધ વિસ્તારોનું જુદી જુદી કક્ષાએ અવદાબન (inhibition) કરે છે; પરંતુ એવું મનાય છે કે તેમનું મુખ્ય અવદાબન ચેતાતંત્રના ઊર્ધ્વવાહી જાળીમય સક્રિયક તંત્ર (ascending reticular activating system) પર થાય છે. જુદા જુદા પ્રકારનાં અનેક રસાયણો નિશ્ચેતના લાવે છે માટે તેને માટે કોઈ ચોક્કસ સ્વીકારકો (receptors) હોવાની સંભાવના નહિ હોય એવું મનાય છે. તેથી તે વ્યાપક રીતે કોષકલાની ક્રિયા(generalized membrane action)ને અસર કરે છે તેવું મનાય છે. તેને માટે હાલ 6 પ્રકારની જુદી જુદી સંકલ્પનાઓ વિચારી કઢાયેલી છે.
આ સંકલ્પનાઓ નિશ્ચેતકોના કેન્દ્રીય ચેતાતંત્રમાંના પ્રવેશ અને કાર્યને સમજાવવા પ્રયત્ન કરે છે. કોષોનાં આવરણો અને તેમાંની અંગિકાઓનાં આવરણોને કોષકલા (cell membrane) કહે છે. તેમાં પણ નિશ્ચેતકો વિવિધ પ્રકારના ફેરફારો આણે છે : (1) તેલ-જલ-વિભાગીકરણ(lipid water partition)ની સંકલ્પના મેયેર અને ઓવર્ટને 1901માં દર્શાવીને નિશ્ચેતક વાયુનો ફેફસાંમાંથી લોહીમાં અને ત્યાંથી તેનો કેન્દ્રીય ચેતાતંત્રમાંનો પ્રવેશ સમજાવ્યો હતો. (2) પૃષ્ઠતાણ(surface tension)ની સંકલ્પના દ્વારા નિશ્ચેતક વડે કોષકલાનું ઘટાડાતું પૃષ્ઠતાણ અને તેના દ્વારા તેના બદલાતા ગુણધર્મો અંગેની સમજણ ઊભી કરાઈ છે. (3) ઊર્જા-ઉત્પાદન અને વપરાશને ઘટાડવાની પ્રક્રિયાને આધારે એક ઉદભવેલી સંકલ્પનામાં મનાય છે કે નિશ્ચેતકો કેન્દ્રીય ચેતાતંત્રમાં કાર્ય માટે વપરાતી શક્તિ(ઊર્જા)ના ઉત્પાદન અને વપરાશને ઘટાડીને ધાર્યું કાર્ય કરે છે. (4) પોલિંગ અને મિલરે 1961માં દર્શાવ્યું કે સાર્વત્રિક નિશ્ચેતકો કોષમાંના સૂક્ષ્મ સ્ફટિકો વચ્ચેના અવકાશ(ખાલી જગ્યા)ને ભરી દે છે. આ રીતે તે કોષકલાની છિદ્રિકાઓ(pores)ને બંધ કરી દઈને આયનોના આવાગમન(flux)ને રૂંધી દે છે. (5) નિશ્ચેતકો કોષકલાની ખાલી જગ્યામાં પ્રવેશીને તેનું કદ લગભગ દસગણું વધારે છે. તેથી કોષકલાનો પૃષ્ઠ દાબ (surface pressure) વધે છે અને આયનોના માર્ગો બંધ થઈ જાય છે. (6) એક અન્ય માન્યતા પ્રમાણે એવું સૂચવાયેલું છે કે નિશ્ચેતકો કોષકલામાંનાં મેદદ્રવ્યો(lipids)ને નીચલા તાપમાને ઓગાળીને કોષકલાનું બંધારણ બદલી કાઢે છે. તેને કારણે કોષકલાનાં પ્રોટીન તથા આયનોનું આવાગમન બદલાઈ જાય છે. આમ વિવિધ રીતે કોષકલામાં ફેરફાર થવાથી કેન્દ્રીય ચેતાતંત્રના કોષોનું કાર્ય બદલાય છે. તેમનું સંવેદનાવહનનું કાર્ય ઘટે છે. વ્યક્તિની જાગરૂકતા ઘટે છે અને તે બેભાન થાય છે એવું મનાય છે. જોકે કોઈ એક સર્વગ્રાહી અસરકારક સંકલ્પના ઉદભવી શકી નથી, તેનું કારણ એ પણ છે કે અનેક જુદા જુદા પ્રકારનાં રસાયણો થોડીક જ ક્ષણોમાં એકસરખી અને ટૂંકા ગાળાની અસર રૂપે વ્યક્તિને બેભાન કરે છે. વળી એક સર્વસામાન્ય વાત એ છે કે જે તે રસાયણની મેદદ્રાવ્યતા (lipid solubility) અને તેમની નિશ્ચેતનાકારી અસર એકબીજાને લગભગ સમપ્રમાણમાં રહે છે. પદાર્થ ચરબી કે તૈલી દ્રવ્યમાં ઓગળી શકતો હોય તો તેને તેની મંદદ્રાવ્યતા કહે છે. સામાન્ય રીતે આ ઔષધો પાતળા અક્ષતંતુઓ (axons) અને ચેતાગ્રથનો (nerve-synapses) પર કાર્ય કરે છે. ચેતાકોષો(neurons)ના સંવેદના લઈ જતા લાંબા તંતુઓને અક્ષતંતુઓ કહે છે અને બે ચેતાકોષોના તંતુઓ એકબીજા સાથે જ્યાં જોડાય તેને ચેતાગ્રથન કહે છે. તેમના પર નિશ્ચેતકો અસર કરે છે. તેને કારણે એક ચેતાકોષ દ્વારા બીજો ચેતાકોષ ઉત્તેજિત થતો અટકે છે. તેને ઉત્તેજનશીલ ચેતાગ્રથનીય સંદેશાવહન(excitatory synaptic transmissions)નો અવરોધ કહે છે. તે માટે કદાચ આ સ્થળોની કોષકલામાં જલવિરોધી (hydrophobic) સ્વીકારકો હશે, જેની સાથે નિશ્ચેતકો જોડાઈને આવું કાર્ય કરે છે એવું મનાય છે. આધુનિક નિર્દેશો મુજબ નિશ્ચેતકોનું કોષકલાનાં પ્રોટીનો સાથે આ પ્રકારનું ભૌતિક-રાસાયણિક જોડાણ થાય છે એવું શોધી શકાયેલું છે. આ ઔષધો તે સાથે અફીણજૂથનાં દ્રવ્યોને છૂટાં કરીને પીડાશમનનું કાર્ય કરે છે તેવું પણ દર્શાવાયેલું છે.
સૂંઘાડવાના નિશ્ચેતકોના ઉપયોગ સાથે સંકળાયેલા કેટલાક ભૌતિક સિદ્ધાંતો : આ ભૌતિક સિદ્ધાંતો વાયુના ગુણધર્મો સમજાવે છે. તેમાં મુખ્ય સિદ્ધાંતો રૂપે બૉઇલનો નિયમ, ડાલ્ટનનો આંશિક દાબ(partial pressure)નો નિયમ, હેન્રીનો દ્રવણશીલતા(solubility)નો નિયમ, ગ્રેહામનો પ્રસરણ(diffusion)નો નિયમ તથા ફિકનો વાયુ-પ્રસરણનો નિયમ છે. એકસરખા તાપમાને જેટલું દબાણ વધે તેટલું વાયુનું કદ ઓછું રહે છે એવું બૉઇલના નિયમમાં દર્શાવાયેલું છે. ડાલ્ટનના આંશિક દાબના નિયમ પ્રમાણે જો શ્વાસમાં લેવાતી હવામાં નિશ્ચેતકનું પ્રમાણ વધે તો તેનો આંશિક દાબ પણ તેટલા પ્રમાણમાં વધે છે. હેન્રીએ દર્શાવ્યું છે કે એકસરખા તાપમાને વાયુની પ્રવાહીમાં ભળવાની ક્રિયા (દ્રવણશીલતા અથવા દ્રાવ્યતા solubility) તેના આંશિક દાબને સમપ્રમાણ હોય છે. પ્રસરણના નિયમો દ્વારા સ્પષ્ટ થયેલું છે કે હળવા (ઓછી ઘનતાવાળા) વાયુઓનું પ્રસરણ ઝડપી હોય છે અને તેમનો આંશિક દાબ જેટલો વધુ અને અંતર જેટલું ઓછું તેટલું તેમનું પ્રસરણ વધુ થાય છે.
આ સિદ્ધાંતો દ્વારા ફલિત થાય છે કે નિશ્ચેતકની દ્રવણશીલતા (દ્રાવ્યતા), ફેફસાં અને પેશીમાંનું રુધિરાભિસરણ તથા લોહીમાંના નિશ્ચેતકવાયુનો આંશિક દાબ વધુ હોય તેટલી તેમની ક્રિયા-ક્ષમતા પણ વધુ રહે છે. ડાઇઇથાયલ ઈથરની દ્રવણશીલતા (દ્રાવ્યતા) વધુ હોય છે. તેના પછી ઊતરતા ક્રમે સાઇક્લોપ્રોપેન અને નાઇટ્રસ ઑક્સાઇડ આવે છે. ફેફસાંના રોગોમાં જો ત્યાંનું રુધિરાભિસરણ વધે તો નિશ્ચેતકની ક્રિયાક્ષમતા પણ ઘટે છે. તેવે સમયે અન્ય રીતે નિશ્ચેતના કરાય છે. નિશ્ચેતક વાયુનું ફેફસાંના વાયુપોટા(alveoli)માં કેટલું પ્રમાણ છે તેના આધારે તેની વાયુપોટાકીય સાંદ્રતા(alveolar concentration)નો અંદાજ કાઢી શકાય છે. જે ઓછામાં ઓછી સાંદ્રતાએ પૂરતી નિશ્ચેતના થાય છે, તેને તે નિશ્ચેતકની ન્યૂનતમ વાયુપોટાકીય સાંદ્રતા (minimum alveolar concentration, MAC) કહે છે. સામાન્ય રીતે 0.5 થી 2 MAC સ્તરે નિશ્ચેતના થાય છે. જો તે ચારથી વધે તો ઝેરી અસર થાય છે. આમ નિશ્ચેતકોની સુરક્ષિત માત્રાનો ગાળો ઘણો મર્યાદિત હોય છે.
નિશ્ચેતકોની ઔષધગતિકી (pharmacodynamics) : નિશ્ચેતકો વાયુ અથવા બાષ્પ રૂપે હોય છે અને તેમનો વાયુપોટા (alveoli), લોહી અને મગજમાંનો પ્રવેશ, તેમનું વહન તથા શરીરમાંથી બહાર નીકળવાની તેમની ક્રિયા (ઉત્સર્ગ, elimination) તેમની ઔષધીય ક્રિયાને અસર કરે છે. નિશ્ચેતકના MACનું મૂલ્ય તેનો ક્ષમતાંક (index of potency) કહેવાય છે. મગજમાં ફરતા લોહીમાં નિશ્ચેતકનું આંશિક દબાણ (partial pressure, PP) વધે કે ઘટે તે પ્રમાણે તેની ઔષધીય ક્રિયાનો આરંભ અને અંત આવે છે. શ્વાસમાં લેવાતી હવામાં નિશ્ચેતકનું પ્રમાણ વધારવાથી તેનો PP વધે છે અને તેની ઝડપથી અસર થાય છે પરંતુ નિશ્ચિત મર્યાદા કરતાં વધુ માત્રા આપવામાં આવે તો તે ફેફસાંનું સંક્ષોભન (irritation) કરે છે. ફેફસાંના રોગોમાં થતું હવાનું આવાગમન અને રુધિરાભિસરણ એકબીજાને અનુકૂળ રહેતું નથી. તે નિશ્ચેતકના PPનું પ્રમાણ ઘટાડે છે. તેને કારણે નિશ્ચેતનાના આરંભ અને અંત ધીમા થાય છે. જોકે તેનું ઊંડાણ તો પૂરતું થઈ રહે છે. મોટાભાગના નિશ્ચેતકો લોહી તેમજ ચરબીવાળી પેશી(મગજનું શ્વેત દ્રવ્ય)માં ઓગળીને ભળે છે પરંતુ તે ચરબીવાળી પેશીમાં ઝડપથી ભળીને લાંબા સમય સુધી ત્યાં જળવાઈ રહે છે. મિથૉક્સિફ્લ્યુરેન પુષ્કળ પ્રમાણમાં મેદદ્રાવ્ય છે અને તેથી તે લાંબો સમય મગજના શ્વેત દ્રવ્યમાં રહે છે. જ્યારે નાઇટ્રસ ઑક્સાઇડ અને સાઇક્લોપ્રોપેન ઓછાં મેદદ્રાવ્ય છે, માટે જેવું લોહીમાં PP ઘટે કે તરત તે પેશીમાંથી મુક્ત થઈ જાય છે. લોહી અને શ્વેત દ્રવ્યમાંનો ભરાવો કેટલા પ્રમાણમાં છે તેને આધારે નિશ્ચેતનાના આરંભ અને અંત ધીમા કે ઝડપી બને છે. મગજનું રુધિરાભિસરણ જેટલું સામાન્ય તેટલો નિશ્ચેતનાનો આરંભ અને અંત પણ સામાન્ય રહે છે. નિશ્ચેતક વાયુ આપવાનું બંધ કરવામાં આવે ત્યારે MAC અને PP ઘટે છે અને મગજમાંનો નિશ્ચેતક લોહી અને ફેફસાં દ્વારા શ્વાસમાંથી બહાર આવવા માંડે છે. કોઈ એક પડદાની બંને બાજુ જુદું જુદું આંશિક દબાણ હોય તો વાયુનું તેમાંથી ઝડપી પ્રસરણ થાય છે. આંશિક દબાણના આ તફાવતને પ્રસરણનો કક્ષાંક (diffusion gradient) કહે છે. તેથી જ્યારે N2Oને શ્વાસ દ્વારા અપાય ત્યારે તે ઝડપથી લોહીમાં પ્રવેશે છે. આ સમયે હેલોથેન કે અન્ય નિશ્ચેતક બાષ્પ અપાય તો તે પણ તેવી જ રીતે ઝડપથી લોહીમાં પ્રવેશે છે. તેને દ્વિતીય વાયુ અસર (second gas effect) કહે છે. જેવો N2O આપવાનો બંધ થાય કે તરત જ તે લોહીમાંથી વાયુપોટામાં આવવા માંડે છે; જેથી તે ત્યાંથી બહાર નીકળી જાય. વાયુપોટામાંના ઑક્સિજન વાયુનો તેથી ઘટાડો થાય છે. તેને પ્રસરણજન્ય અલ્પઑક્સિજનતા (diffusing hypoxia) કહે છે. તેથી તે સમયે 100 % ઑક્સિજન અપાય છે. અન્ય નિશ્ચેતકોમાં પ્રસરણલક્ષી અલ્પઑક્સિજનતા થતી નથી.
નિશ્ચેતનાના તબક્કા : નિશ્ચેતકો દ્વારા કેન્દ્રીય ચેતાતંત્રનું અવદાબન અનિયમિત રૂપનું હોય છે. ઉચ્ચ ક્રિયાક્ષમતાના વિસ્તારોનું કાર્ય સૌ-પહેલાં જતું રહે છે અને નીચેના સ્તરના વિસ્તારોનું કાર્ય ધીમે ધીમે ઘટે છે. કરોડરજ્જુની નીચલી વિખંડિકાઓ (lower segments) વહેલી અક્રિય (inactive) થાય છે. લંબમજ્જામાં આવેલાં હૃદય અને શ્વાસનું નિયંત્રણ કરતાં કેન્દ્રો સૌથી છેલ્લે કાર્ય કરતાં અટકે છે. ગ્વેડેલે (Guedel) 1920માં ઈથરથી થતી નિશ્ચેતનાને ચાર તબક્કાઓમાં અને તેના ત્રીજા તબક્કાને ચાર સ્તરોમાં વહેંચી હતી.
સારણી 1 : સાર્વત્રિક નિશ્ચેતનાના તબક્કા
તબક્કા/સ્તર | નામ | |
1. | પ્રથમ તબક્કો | પીડાશમન(analgesia)નો તબક્કો |
2. | દ્વિતીય તબક્કો | સનેપાત (લવરી અથવા સન્નિપાત, delirium) તથા ઉશ્કેરાટનો તબક્કો |
3. | તૃતીય તબક્કો | શસ્ત્રક્રિયાલક્ષી નિશ્ચેતનાનો તબક્કો |
(અ) પ્રથમ સ્તર | નેત્રચલન(roving of eyeballs)નું સ્તર | |
(આ) દ્વિતીય સ્તર | આંખની સ્વચ્છા (cornea) અને સ્વરપેટીની પરાવર્તી ક્રિયાઓ બંધ થવાનું સ્તર | |
(ઇ) તૃતીય સ્તર | કીકીનું છિદ્ર પહોળું થાય અને પ્રકાશલક્ષી પરાવર્તી ક્રિયા બંધ થવાનું સ્તર | |
(ઈ) ચતુર્થ સ્તર | પાંસળીઓ વચ્ચેના સ્નાયુઓનો લકવો, છીછરું ઉદરીય શ્વસન અને કીકીના છિદ્રનું પહોળું થવું – આવાં આવાં લક્ષણોવાળું સ્તર | |
4. | ચોથો તબક્કો | શ્વસનક્રિયાના લકવાનો તબક્કો |
આજકાલના ઝડપી નિશ્ચેતકોમાં આ બધા જ તબક્કા અને સ્તરો સ્પષ્ટપણે જોવા મળતાં નથી. એ માટેનું અન્ય કારણ તે પૂર્વચિકિત્સા (premedication) અને અન્ય ઔષધોનો થતો રહેતો સહપ્રયોગ છે. હાલ થાયોપેન્ટોન જેવા નિશ્ચેતકનો નસ દ્વારા ઉપયોગ કરીને સનેપાતવાળો બીજો તબક્કો ન આવે તેવી રીતની નિશ્ચેતના કરવામાં આવે છે. વળી જુદા જુદા નિશ્ચેતકો માટે ક્રમ પણ બદલાયેલો રહે છે; છતાં તેમનો અભ્યાસ હળવી કે ગાઢ નિશ્ચેતનાની સ્થિતિ સમજવા માટે ઘણો ઉપયોગી રહે છે.
પ્રથમ તબક્કો : તેને પીડાશમનનો તબક્કો (stage of analgesia) કહે છે. નિશ્ચેતકને સૂંઘાડવાની સાથે તે શરૂ થાય છે અને વ્યક્તિ બેભાન થાય ત્યાં સુધી તે ચાલુ રહે છે. ક્રમશ: પીડાની તીવ્રતા ઘટે છે. દર્દી સભાન હોય છે અને તે જોઈ તેમજ સાંભળી શકે છે. તેને સ્વપ્ન જોતો હોય એવું લાગે છે. તેની ચેતાપરાવર્તી (પ્રતિક્ષિપ્ત) ક્રિયાઓ (reflexes) અને શ્વાસોચ્છવાસ સામાન્ય રહે છે. આ સ્થિતિ લાંબો સમય જાળવી શકાતી ન હોવાને કારણે ફક્ત કેટલીક નાની શસ્ત્રક્રિયાઓ આ સમયે થઈ શકે છે.
બીજો તબક્કો : તે સનેપાત અથવા લવરી અને ઉશ્કેરાટનો છે. બેભાનાવસ્થાથી શરૂ થઈને નિયમિત શ્વસનકાર્ય પ્રસ્થાપિત થાય ત્યાં સુધીનો આ તબક્કો ગણાય છે. ઉશ્કેરાટને કારણે દર્દી બૂમો પાડે છે, સંઘર્ષ કરે છે. તેનો શ્વાસ રોકાઈ જાય છે, તેના સ્નાયુઓની સજ્જતા (tone) વધવાથી તે કડક થઈ જાય છે તથા દર્દીનાં જડબાં ભીંસાઈને બંધ થાય છે. શ્વાસોચ્છવાસની ક્રિયા ઝડપી અને આંચકાવાળી થાય છે. ક્યારેક ઊલટી તથા પેશાબ કે ઝાડો પણ થઈ જાય છે. હૃદયના ધબકાર અને લોહીનું દબાણ વધે છે તથા અનુકંપી ચેતાતંત્ર(sympathetic nervous system)ના ઉત્તેજનને કારણે કીકી પહોળી થાય છે. આ સમગ્ર તબક્કો ઘણી સંભાળ માંગી લે છે અને યોગ્ય પૂર્વચિકિત્સા (premedication) કરીને તેને ઘટાડી શકાય છે. નિશ્ચેતક આપતાં પહેલાં તેની આડઅસરોને ઘટાડતી જે સારવાર આપવામાં આવે તેને પૂર્વચિકિત્સા કહે છે. આ તબક્કામાં કોઈ પણ પ્રકારની શસ્ત્રક્રિયા કે ઉત્તેજન થાય એવી અન્ય કોઈ ક્રિયા કરાતી નથી.
ત્રીજો તબક્કો : આ તબક્કો શસ્ત્રક્રિયાલક્ષી નિશ્ચેતનાનો છે. તે નિયમિત શ્વસનક્રિયાની શરૂઆતથી શ્વસનક્રિયા બંધ પડી જાય ત્યાં સુધીનો ગણાય છે. તેના ચાર સ્તર પાડવામાં આવેલા છે. જેમ જેમ દવાનું પ્રમાણ વધતું જાય તેમ તેમ પરાવર્તી ક્રિયાઓ શમતી જાય છે. શ્વસનક્રિયા નિયમિત થાય છે તથા સ્નાયુઓ શિથિલ થાય છે (relaxation). આ સમયે શસ્ત્રક્રિયા કરાય છે. તેના પ્રથમ સ્તરમાં આંખો ફર્યા કરે છે (નેત્રચલન) અને પહોળી થયેલી કીકી ફરીથી મૂળ સ્વરૂપની થાય છે. નેત્રકલાલક્ષી (conjunctival) પરાવર્તી ક્રિયા (નેત્રકલાને રૂના પૂમડાથી અડવાથી પોપચું બંધ થવાની ક્રિયા) જતી રહે છે, પરંતુ સ્વચ્છા(cornea)ને અડવાથી થતી તેવી જ ક્રિયા (સ્વચ્છાલક્ષી પરાવર્તી ક્રિયા, corneal reflex) જળવાઈ રહે છે. ગળામાં કશું પ્રવેશવાથી ગળું સંકોચાય અને અંતરાશ આવે તેવી પરાવર્તી ક્રિયા પણ દબાઈ જાય છે અને તેથી નિશ્ચેતનાવિદ તે સમયે અંદર નળી નાંખી શકે છે. નેત્રચલન બંધ થાય ત્યારે આ સ્તર પૂરું થયેલું ગણાય છે.
ત્રીજા તબક્કાના બીજા સ્તરમાં કીકીના પારદર્શક ઢાંકણ અથવા સ્વચ્છા (cornea) અને સ્વરપેટીલક્ષી પરાવર્તી ક્રિયાઓ જતી રહે છે. આંખો સ્થિર થાય છે અને સ્નાયુનું શિથિલન યોગ્ય પ્રમાણનું થાય છે. સ્વરપેટીલક્ષી પરાવર્તી ક્રિયા શમી જવાથી શ્વાસનળીમાં નળી નાંખી શકાય છે. તેને શ્વાસનળી અંત:નલિકા અથવા અંત:શ્વાસનલિકા (endotracheal tube) કહે છે. ત્રીજા તબક્કાના ત્રીજા સ્તરમાં શ્વાસોચ્છવાસ સમયે પેટ અને છાતીનું ચલન એકબીજા સાથે તાલમેળ વગરનું થાય છે. લોહીનું દબાણ ઘટે છે. છાતીના આંતરપર્શૂકા સ્નાયુઓ(intercostal muscles)નો લકવો શરૂ થાય છે. તેને કારણે જ્યારે ઉરોદરપટલ (thoracoabdominal diaphragm) નીચે જાય ત્યારે બે પાંસળીઓ વચ્ચેની જગ્યામાં ખાડો પડે છે. કીકીની પ્રકાશલક્ષી પરાવર્તી ક્રિયા તથા સ્વચ્છાલક્ષી પરાવર્તી ક્રિયાઓ થતી નથી. સ્નાયુઓ સંપૂર્ણપણે શિથિલ થાય છે. આ છેલ્લી વર્ણવેલી સ્થિતિને ચોથું સ્તર કહે છે.
ચોથા તબક્કામાં લંબમજ્જા(medula oblongata)માંનાં શ્વસનકેન્દ્રોના લકવાને કારણે શ્વાસોચ્છવાસની ક્રિયા બંધ પડે છે. સાથે સાથે રુધિરાભિસરણ પણ બંધ થાય છે અને તેથી જો યોગ્ય ચિકિત્સા-સહાય ન હોય તો મૃત્યુ નીપજે છે. કીકી પહોળી થયેલી હોય છે. સ્નાયુઓ પોચા અને શિથિલ થયેલા હોય છે. નાડી મંદ પડે છે અને લોહીનું દબાણ ઘટે છે. એટ્રોપિન, મૉર્ફિન અને સ્નાયુશિથિલકો (muscle relaxants) વગેરે ઔષધોને કારણે આધુનિક નિશ્ચેતનાવિદ માટે આ તબક્કાનાં ઉપર જણાવેલાં ચિહનો મહત્વનાં રહેતાં નથી. તેથી તેણે કેટલાંક અન્ય ચિહ્નો તરફ ધ્યાન રાખવું પડે છે; જેમ કે, (1) પાંપણલક્ષી પરાવર્તી ક્રિયા હોય અને જો દર્દી ગળવાની ક્રિયા કરતો હોય તો તેમાં હજુ દર્દી બીજા તબક્કામાં નથી પહોંચ્યો એનો સંકેત મળે છે. (2) ચામડી પરનો છેદ જો શ્વસનકાર્ય તથા લોહીના દબાણ પર અસર કરે, અંત:શ્વાસનલિકા નાંખતી વખતે દર્દી સંઘર્ષ કરે અથવા ખાંસી કે ઊલટી થાય, સ્વરપેટીના સ્નાયુઓ સંકોચાય કે આંખમાં આંસુ આવે તો તેમાં હળવી નિશ્ચેતનાની સ્થિતિ હોવાનો સંકેત મળે છે. (3) વળી લોહીનું ઘટતું દબાણ કે હૃદયનું કાર્ય અટકે તો ઘણી ગાઢ નિશ્ચેતના થઈ હોવાનું સૂચન મળે છે. હાલના સમયે હળવી નિશ્ચેતના, પૂર્ણ પીડાશમન, વિસ્મૃતિ (amnesia) અને પૂરતું સ્નાયુશિથિલન કરવાની નેમ રખાય છે. તે માટે નિશ્ચેતક ઉપરાંત નસ વાટે વિવિધ ઔષધો અપાય છે અને તેથી નિશ્ચેતકનું MAC 1.2 થી ભાગ્યે જ વધવા દેવાય છે. આ રીતે શસ્ત્રક્રિયા દરમિયાન દર્દીને હળવા પ્રમાણમાં બેભાન રખાય છે (હળવી નિશ્ચેતના). તેને દુખાવો ન થાય તે જોવાય છે (પીડાશમન). તેને શસ્ત્રક્રિયાનો સમગ્ર અનુભવ યાદ ન રહે (વિસ્મૃતિ) તથા શસ્ત્રક્રિયા વખતે કાપવું, જોવું, છેદ પહોળો કરવો વગેરે સુગમ રહે તેટલા પ્રમાણમાં તેના સ્નાયુઓને શિથિલ કરાય છે.
જુદા જુદા નિશ્ચેતક જુદી જુદી તીવ્રતાથી અસર કરે છે. સાઇક્લોપ્રોપેન વડે કરાતી નિશ્ચેતનામાં હળવી નિશ્ચેતનાના સમયે પણ શ્વાસોચ્છવાસ અટકી જવાનો પ્રસંગ બને છે અને તેવી જ રીતે હેલોથેનથી લોહીનું દબાણ પણ વહેલું ઘટી જાય છે. હેલોથેન વડે કરાતી નિશ્ચેતનામાં કીકીમાં ખાસ ફેરફારો થતા નથી. ઈથરનો ઉપયોગ કરાયો હોય તો ચામડી ઠંડી, ફિક્કી અને ભીની હોય છે, જ્યારે હેલોથેનમાં તે સૂકી અને ગરમ રહે છે.
જો દર્દીના હૃદયના ધબકારા વધે, લોહીનું દબાણ વધે, પરસેવો થાય, આંખમાં પાણી આવે, મોં વાંકું થાય (grimacing) કે અન્ય કોઈ સ્નાયુઓનું સંકોચન થાય તો નિશ્ચેતનાની અસર અપૂરતી થઈ છે એવું મનાય છે. પાંપણ કે પોપચાના સ્પર્શથી આંખ બંધ થવાની પરાવર્તી ક્રિયા ન થઈ શકે તથા નિયમિત શ્વસન થતું હોય તો તે સમયે શસ્ત્રક્રિયા કરી શકાય છે. શ્વસનકાર્ય ઘટે કે બંધ થાય, લોહીનું દબાણ ઘણું ઘટે કે હૃદયના ધબકારા થોડા સમય માટે અટકે તો તે ગાઢ નિશ્ચેતનાની સ્થિતિ કહેવાય છે. જો તે સમયે દર્દીનું ઘણું લોહી વહી ગયું હોય કે તેના લોહીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટ્યું હોય તો તે પરિસ્થિતિ વધુ વિકટ બને છે. હેલોથેનની માત્રા નક્કી કરવામાં લોહીના દબાણનો ઘટાડો એક મહત્વનું સૂચક ચિહન ગણાય છે.
સાર્વત્રિક નિશ્ચેતના માટે દવા આપવાની પદ્ધતિઓ : મુખ્યત્વે ચાર પદ્ધતિઓથી વાયુ રૂપે નિશ્ચેતકો અપાય છે : (1) ખુલ્લી પદ્ધતિ, (2) અર્ધ-ખુલ્લી પદ્ધતિ, (3) અર્ધબંધ પદ્ધતિ અને (4) પૂર્ણબંધ પદ્ધતિ. ખુલ્લી પદ્ધતિ સૌથી સરળ છે. દર્દીના મોં પર બરાબર બંધબેસતું ન હોય તેવું શિમેલબુશનું મહોરું (mask) મૂકીને તેના પર જાળીકાપડ(gauze)નાં 6થી 10 પડ વાળીને મૂકવામાં આવે છે. તેના પર ઈથર કે ઈથાયલ ક્લોરાઇડનાં ટીપાં રેડવામાં આવે છે. નિશ્ચેતકની બાષ્પ (vapour) હવા સાથે ભળીને દર્દીના શ્વાસમાં પ્રવેશે છે. અર્ધખુલ્લી પદ્ધતિમાં દર્દીના ચહેરા પર બંધબેસતું ઑગ્સ્ટનનું મહોરું ચડાવવામાં આવે છે. તેથી હવા ભળતી અટકે છે. જોકે તેને કારણે દર્દીના શરીરમાં કાર્બન-ડાયૉક્સાઇડ(અંગારવાયુ)નો સહેજ ભરાવો થાય છે. અર્ધબંધ પદ્ધતિમાં એક સંગ્રાહક(reservoir) દ્વારા નિશ્ચેતક ફરી ફરીને શ્વાસમાં આપવામાં આવે છે. આ પદ્ધતિમાં અંગારવાયુ વારંવાર શ્વાસમાં લેવાતો હોઈ તેનો શરીરમાં ભરાવો થાય છે. પૂર્ણબંધ પદ્ધતિમાં સોડાલાઇમનો ઉપયોગ કરાય છે, જે ફેફસાંમાંથી બહાર આવતી હવામાંથી અંગારવાયુને શોષી લે છે. તેથી તેનું પુન:શ્વસન (rebreathing) અને તેનો સંગ્રહ અટકે છે, પરંતુ તે માટે સંકુલ સાધનની જરૂર પડે છે. જો કોઈ નિશ્ચેતક ખૂબ જ્વલનશીલ (inflammable) હોય તો આ પદ્ધતિ સુરક્ષિત પદ્ધતિ બની રહે છે.
નિશ્ચેતનાના તબક્કા
નિશ્ચેતનાનાં ચિહનો | આરંભન તબક્કો-1 પીડાનાશન અર્ધ બેભાનાવસ્થા | તબક્કો-2 સનેપાત સંઘર્ષ | તબક્કો-3 | તબક્કો-4 અતિમાત્રા | |||
સ્તર-1 | સ્તર-2 | સ્તર-3 | સ્તર-4 | ||||
શ્વસનકાર્ય વક્ષીય | સામાન્ય | અનિયમિત | સામાન્ય | સામાન્ય | ઘટે | ખૂબ ઘટે | બંધ |
ઉદરીય | સામાન્ય | અનિયમિત | સામાન્ય | સામાન્ય | ઘટે | ખૂબ ઘટે | બંધ |
સ્નાયુસજ્જતા | ++++થી +++ | +++ | +++ | ++ | + | – | – |
ગળવાની પરાવર્તી ક્રિયા ઊલટીની પરાવર્તી ક્રિયા |
– | – + | – | – | – | – | – |
આંખનાં ચિહનો (મૉર્ફિન કે અન્ય પૂર્વ ચિકિત્સાથી ફેરફાર થાય.) | +++ | + | – | – | – | – | – |
પોપચાં અને પાંપણની પરાવર્તી ક્રિયા કીકીનું સ્થાન | મધ્યસ્થ | ગોળ ફરતી | ગોળ ફરતી | મધ્યસ્થ | મધ્યસ્થ | મધ્યસ્થ | મધ્યસ્થ |
નેત્રકલાની ચેતા- પરાવર્તી ક્રિયા | +++ | ++ | + | – | – | – | – |
સ્વચ્છાની ચેતા-પરાવર્તી ક્રિયા | ++++ | +++ | ++ | + | – | – | – |
કીકીનું કદ | બદલાય | પહોળી | સામાન્ય | સામાન્ય | પહોળી | પહોળી | પહોળી અનિયમિત |
પ્રકાશલક્ષી ચેતાપરાવર્તી ક્રિયા | +++ +++ |
+++ ++ |
++ ++ |
+++ | ++ | + | – |
લોહીનું દબાણ | સામાન્ય | વધે | સામાન્ય | સામાન્ય | સામાન્ય | સામન્ય | ઘટે |
નોંધ : આરંભન induction, અતિમાત્રા overdose, વક્ષીય thoracic, ઉદરીય abdominal, પરાવર્તી ક્રિયા reflex action, પૂર્વચિકિત્સા premedication, નેત્રકલા conjunctiva, સ્વચ્છા cornea.
ખુલ્લી પદ્ધતિમાં નિશ્ચેતકનો બગાડ થાય છે, તેથી ઈથર જેવું સસ્તું ઔષધ ખાસ કરીને બાળકો માટે વાપરી શકાય છે. નિશ્ચેતકને સાધન દ્વારા આપવામાં આવે તો તેવાં સાધનોમાં વાયુનળા (gas cylinder), વિશિષ્ટ બાષ્પકારકો (vapourizers), વહનમાપકો (flow meters), એકમાર્ગી કપાટો (unidirectional valves) કે વાલ્વો, ગડીદાર નળીઓ (corrugated tubes) અને સંગ્રાહક કોથળીઓ(reservoir bags)નો સમાવેશ થાય છે. નિશ્ચેતક વાયુ ચહેરાના મહોરા અથવા અંત:શ્વાસનલિકા દ્વારા અપાય છે. નિશ્ચેતકની માત્રાનું નિયંત્રણ વધુ ચોકસાઈથી કરાય છે તથા જરૂર પડ્યે નિશ્ચેતનાવિદ શ્વાસોચ્છવાસ માટે ધમણકોથળી(ambu bag) વડે મદદ કરે છે. બંધપદ્ધતિ દ્વારા સામાન્ય રીતે હેલોથેન, એન્ફ્લ્યુરેન કે આઇસોફ્લ્યુરેન અપાય છે. ટ્રાઇક્લોરોઇથિલિન સોડાલાઇમ સાથે ઝેરી સંયોજનો બનાવતું હોવાથી તેને આ પદ્ધતિ દ્વારા આપી શકાતું નથી.
નિશ્ચેતના આપવાનો નિર્ણય કરતાં પહેલાં દર્દીની સંપૂર્ણ શારીરિક તપાસ કરાય છે અને તેનાં હૃદય, ફેફસાં, શ્વસનમાર્ગ, ચેતાતંત્ર, મૂત્રપિંડ, યકૃત વગેરે બરાબર કાર્ય કરે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવે છે. વળી શ્વસનક્ષમતાનું પરીક્ષણ પણ મહત્વનું ગણાય છે. નિશ્ચેતના આપતાં પહેલાં પૂર્વચિકિત્સા રૂપે જરૂરી ઔષધો અપાય છે. નિશ્ચેતનાવિદ માટે કેટલાંક સાધનો ઘણાં જ મહત્વનાં ગણાય છે. સામાન્ય રીતે તેમને પૈડાંવાળા નિશ્ચેતનાલક્ષી સરકતા મેજ(anaesthetic trolly)માં રખાય છે. તેને બૉઇલની ટ્રૉલી કહે છે. સામાન્ય રીતે તેમાં વિવિધ દવાઓ ઉપરાંત વિવિધ સાધનો પણ રખાય છે, જેમાં સ્વરપેટીદર્શક (laryngoscope), અંત:શ્વાસનલિકા (endotracheal tube), મુખ-ગળું માટેના વાયુમાર્ગરક્ષકો (airways), ધમણકોથળી, ચહેરાનાં મહોરાં (face masks) વગેરેનો સમાવેશ થાય છે. બૉઇલની ટ્રૉલી પર ઑક્સિજન તથા નાઇટ્રસ ઑક્સાઇડના વાયુનળાઓ હોય છે. તે સાથે બાષ્પકારક (vapourizer), સોડાલાઇમની બૉટલ વગેરે સાધનો પણ હોય છે. હાલના જમાનામાં તેના સરંજામમાં હૃદયના ધબકારાને નોંધવાના મૉનિટર અને હૃદયના ધબકારા બંધ થાય તો તેને ફરી ચાલુ કરવા માટે ડિફિબ્રીલેટર તેમજ શ્વસનસહાયક યંત્રો(ventilator)નો સમાવેશ થાય છે.
આદર્શ નિશ્ચેતક ઔષધ : જુદા જુદા નિશ્ચેતકના ભૌતિક અને ઔષધીય ગુણધર્મો જુદા જુદા હોય છે, જેમાંના ઘણા અસ્વીકાર્ય પણ હોય છે (સારણી 2). કોઈ એક આદર્શ નિશ્ચેતક હોય તો તેના કયા ગુણધર્મ હોવા જોઈએ તે અંગેનો વિચાર વિકસેલો છે. આવો આદર્શ નિશ્ચેતક દર્દી માટે આનંદદાયક, સંક્ષોભન (irritation) ન કરતો તથા ઊબકા-ઊલટી ન કરાવતો પદાર્થ હોવો જોઈએ, જેના દ્વારા નિશ્ચેતનાનો આરંભ અને અંત સરળ તકલીફો વગરનો હોય. સર્જ્યનને જોઈએ એટલા પ્રમાણમાં તે દર્દીની પીડાનું શમન કરે, તેને હલનચલન વગરનો સ્થિર રાખે તથા તેના સ્નાયુઓને એટલા શિથિલ કરે કે જેથી સર્જ્યનને તેના કાર્યમાં અડચણ ન રહે. વળી સર્જ્યન લોહી વહેતાં નસોના ખુલ્લા છેડાઓને વીજ-વહનિકારક (electric cautery) વડે બાળીને બંધ કરે છે. માટે આદર્શ નિશ્ચેતક જ્વલનશીલ (inflammable) કે વિસ્ફોટક (explosive) ન હોવો જોઈએ. નિશ્ચેતનાવિદ માટે તેનો ઉપયોગ સહેલો, નિયંત્રણશીલ અને પૂરતી છૂટછાટવાળો (versatile) હોવો જોઈએ. તેના ઉપયોગમાં પૂરતો સુરક્ષાગાળો (safety margin) રહેવો જોઈએ અને લોહીનું દબાણ ન ઘટવું જોઈએ. તેની હૃદય, યકૃત (liver) કે અન્ય અવયવો પર કોઈ આડઅસર ન થવી જોઈએ. તે એટલો અસરકારક હોવો જોઈએ કે ખૂબ ઓછી માત્રામાં આપી શકાય, જેને કારણે પેશીનું ઑક્સિજનીકરણ (oxygenation) જળવાઈ રહે. વળી નિશ્ચેતનાના તબક્કા અને સ્તરોમાં ઝડપથી ફેરફાર લાવીને હળવી કે ગાઢ નિશ્ચેતનાની સ્થિતિ ઝડપથી લાવી શકાય તેવો તે હોવો જોઈએ. વળી તે સસ્તો, લાંબો સમય સુધી સરળતાથી સંગ્રહી શકાય એવો અને વિકારમુક્ત (stable) હોવો જોઈએ. તે રબરની નળીઓ તથા સોડાલાઇમ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતો ન હોવો જોઈએ. તેના વપરાશ માટે જટિલ યંત્રોની જરૂર ન પડે તે પણ ઇષ્ટ ગણાય છે.
સારણી 2 : કેટલાક નિશ્ચેતકોના ભૌતિક અને ઔષધીય ગુણધર્મો
ગુણધર્મ | આદર્શ નિશ્ચેતક | ઈથર | મિથૉક્સિ– ફ્યુરેન | એન્ફ્લ્યુ રેન | આઇસો– ફ્લ્યુરેન | નાઇટ્રસ ઑક્સાઇડ | સાઇક્લો પ્રોપેન | હેલોથેન | |
(1) | ઉત્કલનબિંદુ (boiling point) (°C) | વાયુરૂપ અથવા ઘણું ઊંચું | 35 | 105 | 56 | 48 | વાયુ | વાયુ | 50 |
(2) | જ્વલનશીલતા (inflammability) | નહિ | જ્વલન- શીલ અને વિસ્ફોટક | નહિ | નહિ | નહિ | નહિ | જ્વલન- શીલ અને વિસ્ફોટક | નહિ |
(3) | સંક્ષોભનશીલતા (irritancy) | – | +++ | – | – | + | – | ||
(4) | તેલ-વાયુ ભાગીકરણ (partition) સહપ્રમાણાંક (co-efficient) | વધુ | 65 | 970 | 98 | 99 | 1.4 | 11.8 | 224 |
(5) | લોહી-વાયુ સહપ્રમાણાંક | વધુ | 12.1 | 12 | 1.9 | 1.4 | 0.47 | 0.45 | 2.3 |
(6) | MAC % | ઘણો ઓછો | 1.9 | 0.16 | 1.68 | 1.2 | 105 | 9.2 | 0.75 |
(7) | આરંભન (induction) | ઝડપી | ધીમું | ધીમું | મધ્યમ | ઝડપી | ઝડપી | ઝડપી | મધ્યમ |
(8) | સ્નાયુશિથિલન | ઉત્તમ | ઉત્તમ | સારું | સારું | સારું | ઘણું ઓછું | સારું | મધ્યમ |
નિશ્ચેતક ઔષધો : વિવિધ પ્રકારનાં નિશ્ચેતક ઔષધો ઉપલબ્ધ છે; તેથી તેમનું વર્ગીકરણ કરવું પડે છે (સારણી 3). તેમના ઔષધીય ગુણધર્મો અને ચિકિત્સાકીય ઉપયોગો સારણી 4માં દર્શાવ્યા છે :
સારણી 3 : નિશ્ચેતકોનું વર્ગીકરણ
પ્રકાર | જૂથ | નિશ્ચેતક | |||
1. | શ્વસનમાર્ગી (inhalational) | (અ) | વાયુરૂપ | (1) | નાઇટ્રસ ઑક્સાઇડ |
(શ્વાસ દ્વારા અપાતાં ઔષધો) | (2) | સાઇક્લોપ્રોપેન (હાલ વપરાશમાં નથી.) | |||
(આ) | પ્રવાહી | (1) | ઈથર (ડાઇઇથાયલ ઈથર) | ||
(બાષ્પ | (2) | હેલોથેન | |||
સ્વરૂપે | (3) | એન્ફ્લ્યુરેન | |||
અપાય.) | (4) | આઇસોફ્લ્યુરેન | |||
(5) | ટ્રાઇક્લૉરોઇથિલિન | ||||
(6) | મિથૉક્સિફ્લ્યુરેન | ||||
(7) | સેવોફ્લ્યુરેન (હાલ વપરાશમાં નથી.) | ||||
(8) | ક્લૉરોફૉર્મ | ||||
(9) | ઇથાયલ ક્લોરાઇડ | ||||
2. | શિરામાર્ગી (intravenous) | (અ) | આરંભનકારી | (1) | થાયોપેન્ટોન સોડિયમ |
(નસ વાટે અપાતાં ઔષધો) | (inducing) | (2) | મિથોહેક્સિટોન સોડિયમ | ||
અથવા | (3) | પ્રોપોફોલ ઔષધો | |||
ત્વરિતવેગી | (4) | ઇટોમિડેટ | |||
(આ) | મંદવેગી ઔષધો | (1) | બેન્ઝોડાયાઝેપિન જૂથનાં | ||
(slow acting drugs) | ડાયાઝેપામ, લોરાઝેપામ, | ||||
મિડાઝોલામ | |||||
(2) | અનનુબંધી (dissociative) | ||||
નિશ્ચેતકો; જેમ કે, કેટામિન | |||||
(ફેન્સાઇક્લિડિન ડેરિવેટિવ) | |||||
(3) | પ્રતિતીવ્ર મનોવિકારી | ||||
(antipsychotic અથવા | |||||
neurolept) પીડાનાશકો; | |||||
જેમ કે, ફેન્ટાનિલ અને | |||||
ડ્રોપેરિડોલ | |||||
(ઇ) | પ્રકીર્ણ | (1) | સ્ટીરૉઇડ; જેમ કે, પ્રેગ્નેન્ડોન |
સારણી 4 : કેટલાક નિશ્ચેતકોના ઔષધીય, ઔષધગતિકીય ગુણધર્મો અને ચિકિત્સાકીય ઉપયોગો
નિશ્ચેતક | પ્રારંભિક નોંધ | અવશોષણ, ચયાપચય અને ઉત્સર્ગ | લાભ | ગેરલાભ | |
1 | 2 | 3 | 4 | 5 | |
1. | ડાઇઇથાયલ ઈથર (ઈથર) | 96 %થી 86 % ઈથરવાળું પ્રવાહી રંગ-વિહીન, 35° C ઉત્કલનશીલ, તીવ્ર વાસવાળું પ્રવાહી. હવા ભેજ અને પ્રકાશની હાજરીમાં ક્ષોભનશીલ, પેરોક્સાઇડ કે ઍસિટિક આલ્ડી હાઇડ બનાવે તેથી તેને રંગીન બૉટલમાં કાળા કપડા થી વીંટાળીને રખાય છે. હવા કે N2Oની હાજરીમાં જ્વલન- શીલ અને વિસ્ફોટ કરતું પ્રવાહી. તેનો દ્રાવક તરીકે ઇથેરલ સાબુમાં ઉપયોગ કરાય છે. તે ત્વક્તૈલ -(sebum)ને ઓગાળે છે. | શ્વાસમાં લેવાયા પછી ઝડપથી લોહીમાં પ્રવેશે છે. 10 %થી 15 % ઈથરવાળી હવા નિશ્ચેતનાનો આરંભ કરે છે અને 4 %થી 5 %નું મિશ્રણ નિશ્ચેતના જાળવી રાખે છે. 7 %થી વધુ પ્રમાણ લાંબો સમય રહે તો શ્વસનકાર્ય બંધ થાય છે. 10 %થી 15 % જેટલો જ ભાગ ઑક્સિજન જોડે જાય છે, માટે 85 %થી 90 % ઔષધ શ્વાસ દ્વારા પાછું બહાર આવે છે. થોડુંક ચામડી, પેશાબ, દૂધ અને પરસેવામાં પણ જાય છે. તે ઑરમાંથી પસાર થઈને ગર્ભમાં પણ અસરકારક નિશ્ચેતના લાવે છે.
|
પૂર્વચિકિત્સાની જરૂર પડતી નથી. તેનાથી પીડાનાશન ખૂબ સારી રીતે થાય છે તે સ્નાયુઓનું પૂરતું શિથિલન કરે છે અને ડી-ટ્યૂબોક્યુરીન સાથે અતિગુણિત (synergestic) ક્રિયા કરીને શિથિલન ઘણું વધારે છે. તે શ્વાસની નળીઓને પહોળી કરે છે. તે લોહીનું દબાણ ઘટાડતું નથી અને હળવી નિશ્ચેતનામાં હૃદયના ધબકાર નિયમિત રહે છે. તે ગર્ભાશયનાં સંકોચનો પણ ઘટાડતું ન હોવાથી પ્રસૂતિ સમયે વાપરી શકાય છે. તે યકૃત કે મૂત્રપિંડને નુકસાન કરતું નથી. તેને આપવા માટે ખાસ સાધનની જરૂર નથી. તે સસ્તું પણ છે. | આરંભ અને અંત ધીમો છે અને ક્યારેક સંઘર્ષ અને ઉશ્કેરાટયુક્ત હોય છે. તેની ક્ષોભન કરતી બાષ્પ લાળ અને શ્વાસનળીઓના પ્રવાહીનું સ્રવણ (secretion) વધારે છે અને ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓ સંકોચાઈ જઈને શ્વાસને રૂંધે છે. તે વિસ્ફોટ સાથે સળગી શકતું હોવાથી વીજ- વહનિકારક (cautery) તરીકે તેનો ઉપયોગ થઈ શકતો નથી. ક્યારેક તે હૃદયના ધબકારા વધારે છે અથવા બંધ કરી દે છે. દારૂની લતવાળા પર તેની ઓછી અસર થાય છે. નાનાં બાળકોમાં ક્યારેક આંચકી લાવે છે. |
2. | હેલોથેન (ફ્લ્યુઓથેન) | ક્લૉરોફૉર્મ જેવી જ સંરચનાવાળું ફ્લોરિનયુક્ત બાષ્પીભવનશીલ (volatile) નિશ્ચેતક પ્રવાહી છે. તે વજન
માં ભારે, રંગવિહીન, ફળની મીઠી સુગંધવાળું પ્રવાહી છે, જેને રંગીન બૉટલમાં રખાય છે. તે 50° Cના તાપમાને ઊકળે છે, પરંતુ આલ્કલીની હાજરીમાં સ્થિર રહે છે. તે સ્ટીલ, તાંબું, પિત્તળ તથા રબરને નુકસાન કરે છે. |
તેનું શ્વાસમાંથી લોહીમાં પ્રવેશવું સરળ છે. 2 %થી 3 %ના દરે ઑક્સિજન સાથે ભેળવવામાં આવે ત્યારે તે તરત નિશ્ચેતના લાવે છે અને 1 %ના દરે ઑક્સિજન અને N2O સાથે ભેળવવાથી નિશ્ચેતના જળવાઈ રહે છે. તેને માટે વિશિષ્ટ સાધનની જરૂર પડે છે. 60 %થી 80 % શ્વાસ વાટે બહાર આવે છે, પરંતુ 15 % જેટલો ભાગ શરીરમાં રહી જાય છે, જેનો કદાચ ચયાપચય થતો હશે એવું મનાય છે. | તે જ્વલનશીલ નથી . તે શ્વસનમાર્ગનું ક્ષોભન કરતું નથી. તેની ફળ જેવી ગંધ સ્વીકાર્ય રહે છે. તે એક સક્ષમ ઔષધ છે, માટે આરંભ અને અંત ઝડપી છે. તે ઊલટી કરાવતું નથી. તે ગળા અને સ્વરપેટીની પરાવર્તી ક્રિયાઓને દાબે છે, લાળ ઘટાડે છે તથા ચાવવાના સ્નાયુઓને શિથિલ કરે છે. વળી તે સ્વરપેટી સ્નાયુઓના સંકોચનથી રૂંધામણ કરતું નથી. તે શ્વાસની નળીઓને પહોળી કરે છે. નિષ્ણાતો તેના ઉપયોગ વડે પ્લાસ્ટિક શસ્ત્રક્રિયામાં જરૂરી એવું રુધિરવિહીન (bloodless) સ્થાન બનાવી શકે છે. જોકે તે માટે ખાસ અનુભવની જરૂર પડે છે. | તેનાથી પૂરતું સ્નાયુશિથિલન થતું ન હોવાથી પેટની શસ્ત્રક્રિયામાં સાથે ડી-ટ્યૂબાક્યૂરારીનની જરૂર પડે છે. તે વધુ માત્રામાં શ્વાસ બંધ કરે છે અને હૃદયનું કાર્ય ઘટાડી લોહીનું દબાણ ઓછું કરી નાંખે છે. તેથી નાડી અને લોહીનું દબાણ વારંવાર માપવું પડે છે. તે હૃદયના ધબકારાની અનિયમિતતા પણ સર્જે છે. માનસિક કાર્યો સામાન્ય સ્તરે પાછાં આવતાં વાર લાગે છે. તે વ્યક્તિગત પ્રતિભાવિતા(idiosyncracy)ને કારણે ઘણી વખતે યકૃતને નુકસાન કરીને કમળો કરે છે. તે નિશ્ચેતના પછી 5થી 20 દિવસે થાય છે. માટે યકૃતના રોગમાં અને સગર્ભા સ્ત્રીમાં તે વપરાતું નથી. વળી 3 મહિનામાં તે ફરીથી વપરાતું નથી. જેમને મગજના રોગો હોય તેમનામાં પણ તે વપરાતું નથી. તેને માટે વિશિષ્ટ સાધન જરૂરી બનતું હોવાથી તે ખર્ચાળ પણ નીવડે છે. |
3. | એન્ફ્લ્યુરેન | તે એક હેલોજનવાળું બાષ્પશીલ પ્રવાહી છે. રાસાયણિક રીતે તેને ક્લૉરો-1,1, 2-સ્ટ્રાઇફ્લ્યુરો ઇથાયલ ડાયફ્લ્યુરોમિથાયલ ઈથર કહે છે. તે જ્વલનશીલ નથી અને 57° Cના તાપમાને ઊકળે છે. તેની મંદ-મીઠી ગંધ હોય છે અને તે રાસાયણિક રીતે સ્થિર રહે છે. | તે ઝડપથી શ્વાસમાંથી લોહી માં પ્રવેશે છે. 80 % ઔષધ પાછું શ્વાસ વાટે બહાર આવે છે. 2 %થી 5 % જેટલું ઔષધ યકૃતમાં નાશ પામે છે. | હેલોથેનના બધા જ લાભ તેમાં છે, પરંતુ તેનું સ્નાયુશિથિલન વધુ સારું છે અને તે શ્વાસોચ્છવાસ વધારતું નથી. તે ડી-ટ્યૂબોક્યૂરારીનની ક્ષમતા વધારે છે. તે હૃદયના ધબ- કારાની અનિયમિતતા તથા અતિશય ઝડપ થવા દેતું નથી. તે શ્વાસની નળીઓને પહોળી કરે છે. યકૃતને ખાસ નુકસાન કરતું નથી, તેથી તેનો વારંવાર ઉપયોગ કરી શકાય છે. | તે હેલોથેનની માફક લોહીનું દબાણ ઘટાડે છે. તેને મગજના રોગો તથા ખેંચના વિકારમાં આપી શકાતું નથી.
|
4. | આઇસોફ્લ્યુરેન | એન્ફ્લ્યુરેન જેવું તે એક પ્રવાહી નિશ્ચેતક છે. તે સ્થિર અને બિનજ્વલનશીલ છે. તેની વાસ તીવ્ર છે. | તેનું અવશોષણ અને ઉત્સર્ગ હેલોથેન કરતાં ઝડપી છે. ફક્ત 2 % જેટલો જ તેનો ચયાપચય થાય છે. | હેલોથેનના બધા લાભ ધરાવે છે. તેની હૃદય કે મૂત્રપિંડ પર કોઈ ખાસ આડઅસર નથી. તે પૂરતું સ્નાયુશિથિલન કરે છે. વીજવહનિકારક વાપરી શકાય છે. તેને લગભગ આદર્શ નિશ્ચેતક ગણવામાં આવે છે. | તે ધીમે ધીમે શરીરમાંથી બહાર નીકળે છે, માટે નિશ્ચેતનાનો અંત ધીમો રહે છે. તેની તીવ્ર વાસ તેના ઉપયોગને ઘટાડે છે. તે ધમનીઓને પહોળી કરીને ક્યારેક લોહીને બીજા માર્ગે વાળી દે છે. તેને રુધિર-તસ્કર ઘટના (steal phenomenon) કહે છે. તે સ્થાનિક અલ્પરુધિરવાહિતા (ischaemia) સામે રક્ષણ આપતું નથી. |
5. | ઇથાયલ ક્લોરાઇડ | ક્ષોભન ન કરતું, પુષ્કળ જ્વલનશીલ અને બાષ્પીકરણ શીલ પ્રવાહી છે, જે 12° Cના તાપમાને ઊકળે છે. તેની વિશિષ્ટ પણ ગમે તેવી ગંધ હોય છે. જ્યારે ચામડી પર છાંટવામાં આવે ત્યારે તે ઝડપથી વરાળ થઈને ઊડી જાય છે અને ઠંડક કરે છે. તે સમયે તે ટૂંકા ગાળા માટે સ્થાનિક ચેતાઓનો લકવો કરે છે. | તે ઝડપથી અસર કરે છે, પરંતુ ઝડપથી તેની અસર ઘટે છે. | તેને સ્થાનિક નિશ્ચેતક તરીકે વાપરી શકાય છે અને તેની અસર હેઠળ નાની શસ્ત્રક્રિયા કરી શકાય છે. સાર્વત્રિક નિશ્ચેતક તરીકે ફક્ત આરંભ કરવા પૂરતું તે વાપરી શકાય છે. | |
6. | ટ્રાયક્લોરો ઇથિલિન | તે રંગ અને ગંધ વગરનું પ્રવાહી છે. તેનું ઉત્કલનબિંદુ80° C છે. તે ક્ષોભન (ચચરાટ) કરતું નથી અને સળગી જતું પણ નથી. તેને ક્લૉરોફૉર્મથી અલગ પાડવા ભૂરા રંગે રંગવામાં આવે છે. | તેનાં અવશોષણ અને ઉત્સર્ગ ઝડપી છે. | તે ઝડપી અને ટૂંકી અસર કરે છે, માટે પ્રસૂતિ-સમયે પોતાની જાતે દુખાવો ઘટાડવા, બેભાન થવા માટે પ્રસૂતાને અપાય છે. તે ઝડપથી દુખાવો મટાડે છે. તે N2O અને ઑક્સિજન સાથે પીડાનાશન માટે ક્યારેક વપરાય છે. | સ્નાયુઓનું શિથિલન ઓછું રહે છે તથા શ્વાસોચ્છવાસ ઝડપી કરે છે. ક્યારેક શ્વાસ બંધ પણ થઈ જાય છે. તે સોડાલાઇમ સાથે ઝેરી રસાયણો બનાવે છે. તે ઊલટી, ઊબકા તથા માથાનો દુખાવો પેદા કરે છે. હૃદયના ધબકારા અનિયમિત કરે છે. તેને મગજના રોગોમાં ન વાપરવાનું સૂચવાયેલું છે. |
7. | નાઇટ્રસ ઑક્સાઇડ (હાસ્યપ્રેરક વાયુ) | તે મીઠી ગંધવાળો, રંગવિહીન, અસેન્દ્રીય અને બિનક્ષોભનકારી વાયુ છે. તે સળગી ઊઠતો નથી અને 650થી 800 પાઉન્ડ/ ઇંચના દબાણે સ્ટીલના નળાકારમાં ભરીને રખાય છે. તે હવા સાથે લેવાથી ઉશ્કેરાટ, સનેપાત અને વિસ્મૃતિ થાય છે, માટે તેને હાસ્યપ્રેરક વાયુ કહે છે. | તેનો ખાસ ચયાપચય થતો નથી, માટે તેનો ઑકિસજન દેહધાર્મિક ક્રિયાઓમાં વપરાતો નથી. 35 %થી 40 %ના હવા સાથેના મિશ્રણે તે પીડાનાશ કરે છે અને 65 %થી 70 %ના મિશ્રણે તે બેભાન અવસ્થા લાવે છે. તેનાથી વધુ મિશ્રણ કરવાથી ઑકિસજન ઘટે છે. તે લોહીમાં ભળે છે, તે ફેફસાંમાંથી 2થી 5 મિનિટમાં બહાર નીકળી જાય છે. | બિનજ્વલનશીલતા અને બિન- ક્ષોભનકારિતા, ઝડપી આરંભ અને અંત – આ કારણોને લીધે તેનો વ્યાપક ઉપયોગ છે. તે બેભાન કરતાં પહેલાં દુખાવો મટાડે છે અને તેથી તેનો ઉપયોગ દંતવિદ્યા તથા પ્રસૂતિવિદ્યા(obstetrics)માં થાય છે. દાઝ્યા પછીના ઘાવને સાફ કરવામાં તેની સાથે ઈથર વાપરીને તેનો ઉપયોગ કરાય છે. આ પદ્ધતિને વાયુ-ઑકિસજન-ઈથર પદ્ધતિ કહે છે. તે ઊબકા, ઊલટી પણ પેદા કરતો નથી. | તેની નિશ્ચેતનાક્ષમતા ઓછી છે અને તેથી પૂર્વનિશ્ચેતના-ચિકિત્સા કરવી પડે છે. તે પુષ્કળ ઉશ્કેરાટ જન્માવે છે અને અંગારવાયુનો શરીરમાં સંગ્રહ વધારે છે. તેથી ઑક્સિજનની ઊણપ પણ વર્તાય છે. તેના વપરાશ માટે વિશિષ્ટ ઉપકરણ(સાધન)ની જરૂર પડે છે. જો શરીરમાં ક્યાંયે હવા ભરાયેલી હોય તો તે વપરાતો નથી. વળી ફેફસાંના કેટલાક રોગોમાં પણ તે વાપરી શકાતો નથી. નિશ્ચેતના-વિદની પત્નીઓને ગર્ભપાત વધુ થાય છે. |
8. | સોડિયમ થાયોપેન્ટોલ અને મિથો- હેકિસટોન | તે જલદ્રાવ્ય પદાર્થ છે અને તેનું pH મૂલ્ય ઘણું ઊંચું હોય છે; તેથી તે નસમાં સ્થાનિક ક્ષોભન કરે છે. તેને ઝડપથી આપવાથી તરત જ ઘેન અને નિશ્ચેતના થાય છે, પણ પીડાશમન થતું નથી. | લોહીમાં પ્રવેશ પછી તે ઝડપથી મેદયુક્ત પેશીમાં પ્રવેશે છે તથા યકૃતમાં તેનો ઝડપથી ચયાપચય થાય છે, માટે તેનું લોહીનું પ્રમાણ ઝડપથી ઘટે છે. પાછળથી ધીમે ધીમે તે લોહીમાં પ્રવેશે માટે ઘેનની સ્થિતિ લાંબો સમય રહે છે. તે ઑરમાંથી ગર્ભમાં જાય છે માતાના દૂધમાં પણ ઝરે છે. | ઝડપી અને આનંદદાયક નિશ્ચેતનાનો આંરભ થાય છે. સભાનતા પહેલાં જતી રહે છે અને ત્યારપછી પરાવર્તી ક્રિયાઓ અને સ્નાયુઓની સજ્જતા જાય છે. પાંપણ/ પોપચાંની પરાવર્તી ક્રિયા બંધ થાય એટલે નિશ્ચેતના સંપૂર્ણ છે તેની ખબર પડે છે. દર્દી ગળવાની ક્રિયા કે અવાજ કરે તો તે અપૂર્ણ નિશ્ચેતના સૂચવે છે. તે મુખ્યત્વે સાર્વત્રિક નિશ્ચેતનાનો પ્રારંભ કરવા વપરાય છે. અસ્થિભંગની સારવાર, ગર્ભાશયનું ખોતરણ કે અંત:નિરીક્ષા (endoscopy) જેવી ટૂંકી ક્રિયાઓમાં તે વપરાય છે. જેમને નિશ્ચેતનાથી શરીરનું તાપમાન ઘણું વધી જતું હોય તેઓમાં પણ તે વપરાય છે. તે ખાસ ઊલટી, ઊબકા કરતું નથી. | ક્યારેક નિશ્ચેતનાના આરંભ સમયે શ્વાસ અટકવો, ખાંસી આવવી, હેડકી આવવી, સ્વરપેટી અને શ્વાસની નળીઓ સંકોચાવાથી રૂંધામણ થવી વગેરે સંકટકારી સ્થિતિઓ સર્જાય છે; તેથી તેને માટેનાં સાધનો પાસે હોવાં જરૂરી ગણાય છે. તે ભારે માત્રામાં અંગારવાયુનો સંગ્રહ અને શ્વસન-કેન્દ્રોનું અવદાબન કરે છે. તે દુખાવો ઘટાડતા નથી.
|
9. | કેટામિન | તે ફિનોસાઇક્લિડિન જેવો બાર્બિચ્યુરેટ સિવાયનો સાર્વત્રિક નિશ્ચેતક છે, જેને સ્નાયુ કે નસમાં ઇન્જેક્શનથી અપાય છે. તે મગજના લાગણીલક્ષી તંત્ર (limbic system) પર કાર્ય કરે છે. તે પીડાનાશક છે અને ગળા અને સ્વરપેટીની પરાવર્તી ક્રિયાઓને અસર કરતો નથી. તે વિસ્મૃતિ વગર ફક્ત સંપૂર્ણ પીડાનાશન કરે છે. તેને અનનુબંધી (dissociative) નિશ્ચેતના કહે છે. પીડાનાશન 40 મિનિટ માટે અને નિશ્ચેતના 15 મિનિટ માટે થાય છે. તે હૃદય અને ફેફસાંનું અવદાબન કરતો નથી. માટે આઘાતની સ્થિતિમાં વાપરી શકાય છે. | નસ દ્વારા અપાયા પછી તે ઝડપથી અસર કરે છે, પરંતુ સોડિયમ થાયોપેન્ટોન કરતાં તેની અસર ધીમી રહે છે. | કેટામિન માથા અને ડોકની શસ્ત્રક્રિયાઓમાં, દમના દર્દીઓમાં અને નાની શસ્ત્રક્રિયાઓમાં, જ્યાં બેભાન અવસ્થા ન જોઈતી હોય ત્યાં વપરાય છે. તે દાઝ્યા પછીની ઘાવની સારવારમાં તથા ડાયાઝેપામ સાથે હૃદયધમની- ચિત્રણ (angiography), હૃદયનું અંત:નલીકરણ (cardiacatheterization) વગેરેમાં પણ વપરાય છે.
|
લોહીનું ઊંચું દબાણ અને હૃદય- રોગના દર્દીઓમાં તે જોખમી સાબિત થઈ શકે છે. ક્યારેક તે નેત્રદોલન (mystognus) કરે છે. ક્યારેક સનેપાત, ભ્રમ, દુ:સ્વપ્નો વગેરે પણ કરે માટે સાથે ડાયા- ઝેપામ આપવું પડે છે. જોકે ડાયાઝેપામ અને કેટામિનને એક સિરિંજથી આપવામાં ઘણું જોખમ રહેલું છે.
|
મહત્વનો વાયુરૂપ નિશ્ચેતક નાઇટ્રસ ઑક્સાઇડ છે. જ્યારે બાષ્પશીલ (volatile) પ્રવાહી નિશ્ચેતકોમાં ડાયઇથાયલ ઈથર, હેલોથેન, એન્ફ્લ્યુરેન, આઇસોફ્લ્યુરેન, સેલોફ્લ્યુરેન, ઇથાયલ ક્લોરાઇડ અને ટ્રાયક્લોરોઇથિલિનનો સમાવેશ થાય છે. સેલોફ્લ્યુરેન નવું શોધાયેલું ખૂબ ઉપયોગી ઔષધ છે. તે હવે ભારતમાં ઉપલબ્ધ થશે. બિનબાષ્પશીલ નિશ્ચેતકો નસ દ્વારા અપાય છે. તેમાં અતિઅલ્પકાલ-ક્રિયાશીલ (ultra short acting) સોડિયમ થાયોપેન્ટોલનો સમાવેશ થાય છે. મિડાઝોલામ અને અલ્પકાલ-ક્રિયાશીલ બેન્ઝોડાયાઝેપિન છે. તે સ્નાયુ કે નસમાં ઇન્જેક્શન રૂપે અપાય છે. સ્નાયુમાં અપાતું ઇન્જેક્શન નિશ્ચેતના પહેલાં પૂર્વચિકિત્સા કરવા અપાય છે. અંદરના અવયવની દૂરબીન જેવા સાધન વડે જોવાની અંત:નિરીક્ષા (endoscopy) નામની પ્રક્રિયા કરતી વખતે તેને નસ દ્વારા આપીને શામન (sedation) કરાય છે. વળી શસ્ત્રક્રિયા માટે નિશ્ચેતનાનો આરંભ કરવા તે અપાય છે. નસ દ્વારા ડાયાઝેપામ આપતી વખતે લોહીનું દબાણ ઘટી ન જાય એની સાવચેતી રાખવી પડે છે. ઇન્જેક્શન માટે વપરાતી સિરિંજમાં ભરીને તેને પંપ વડે સતત અને ધીમે ધીમે આપી શકાય છે. નિક્ષેપક-પંપ (syringe pump) વડે તેને ચામડી નીચે સતત આપવાથી સતત આવતી આંચકી રોકી શકાય છે. અન્ય બિનબાષ્પશીલ નિશ્ચેતકોમાં કેટામિન, ઇટોમિડેટ અને પ્રોપોફોલનો સમવેશ થાય છે. ઇટોમિડેટને નસ દ્વારા આપવામાં આવે તો તે 10 સેકન્ડમાં નિશ્ચેતના લાવે છે અને પછીથી ઊંઘ લાવી દે છે. નિશ્ચેતનાનો અંત પણ ઝડપી હોય છે. તેમાં હૃદય, રુધિરાભિસરણ કે શ્વસનકાર્યમાં કોઈ તકલીફ થતી નથી. પરંતુ તે અપસ્માર(epilepsy)ના દર્દીને આપી શકાતું નથી. પ્રોપોફોલ પણ એક ઝડપી આરંભ અને અંતવાળું નિશ્ચેતક છે. તેનો ઉપયોગ નિશ્ચેતનાના આરંભ તથા જાળવણીમાં કરાય છે. તે ઊલટી થતી રોકે છે તથા શ્વસનકાર્ય કે રુધિરાભિસરણ પર કોઈ ખાસ ખરાબ અસર કરતું નથી. પ્રેગ્નેડિયોનનો ઉપયોગ હાલ પ્રાયોગિક કક્ષાનો છે. ડ્રોપેરિડોલ તથા ફેન્ટાનિલ દવાઓનો સંયુક્ત ઉપયોગ કરીને નસ દ્વારા અપાય ત્યારે તે દુખાવો શમાવે છે અને ધીમે ધીમે નિશ્ચેતના લાવે છે. તેના લાભમાં સરળ આરંભ, ઝડપી અંત, લોહીના દબાણનું ન ઘટવું, ઊલટી કે ખાંસી ન થવી વગેરે ગણાય છે. આંખ, મોં કે હાડકાં પરની શસ્ત્રક્રિયામાં, હૃદયધમનીચિત્રણ (coronary angiography), મેરુરજ્જુચિત્રણ (myelography) તથા શ્વસનનલિકાનિરીક્ષા (bronchoscopy) કરતી વખતે દર્દીનો સહકાર મળી રહે છે. ક્યારેક ભ્રમ, ખિન્નતા, શ્વસનક્રિયાનું અવદાબન, અનૈચ્છિક હલનચલનો વગેરે થાય છે.
નિશ્ચેતનાપૂર્વચિકિત્સા (preanaesthetic medication) : તેને પૂર્વચિકિત્સા (premedication) પણ કહે છે. નિશ્ચેતના આપતાં પહેલાં દર્દીને અપાતી સારવારનો તેમાં સમાવેશ થાય છે. તેનો હેતુ નિશ્ચેતનાનો આરંભ અને જાળવણી (maintenance) દર્દીને સ્વીકાર્ય અને જોખમ વગરનાં થાય તે જોવાનો છે. ચિંતા અને અજંપો ન રહે તે માટે ઘેન ન ચઢે તેવું શામન (sedation) કરાય છે. નિશ્ચેતકની માત્રા ઘટે તથા નિશ્ચેતનાનો આરંભ સરળ અને ઝડપી બને તે માટે આરંભ કરતાં ઝડપી ટૂંકા ગાળાનો નિશ્ચેતક વપરાય છે. નિશ્ચેતકને કારણે વધુ પડતી લાળ ઝરવી, હૃદયના ધબકારા ઘટવા કે ઊલટી થવી જેવી અનિચ્છનીય તકલીફોને રોકવા માટે પણ દવા અપાય છે. તેવી જ રીતે શરૂઆતની તથા શસ્ત્રક્રિયા પછીની પીડા થતી રોકવા શ્વસનમાર્ગમાં પ્રવાહી ઝરતું રોકવા અને પરાવર્તી ઉશ્કેરાટ ઘટાડવા વિવિધ ઔષધોની જરૂર પડે છે. તે માટે મુખ્યત્વે અફીણજૂથના મૉર્ફિન અને પેથિડિન, શામક (sedative) અને પ્રશાંતકો (tranquillizers) તરીકે ડાયાઝેપામ કે નિદ્રાઝેપામ, પ્રતિકોલિનધર્મી (anticholinergic) ઔષધ તરીકે એટ્રોપિન કે સ્કોપોલેમાઇન; ઊલટી થતી અટકાવવા પ્રોમિથેઝિન કે ટ્રાઇમેપ્રેઝિન તથા ક્યારેક જરૂર પડ્યે અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેને અનુરૂપ દવાઓ અપાય છે.
સહચિકિત્સા : નિશ્ચેતકોની સાથે અપાતી અન્ય દવાઓમાં સ્નાયુઓને શિથિલ કરતા સક્સિનાયલ કોલિન અને ડી-ટ્યૂબોક્યુરારીન; લોહીનું નિયંત્રિત રૂપે દબાણ ઘટાડવા ટ્રાઇમિથોફાન કે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ; લોહીનું દબાણ વધારવા મિથૉક્સેઝાઇમ કે ફિનાયએફ્રિન; હૃદયના ધબકારા નિયમિત કરવા બીટાબ્લૉકર્સ કે ઝાયલોકેઇન; જરૂર પડ્યે કોર્ટિકોસ્ટીરૉઇડ્સ; ઑક્સિજન વગેરે વિવિધ ઔષધો અપાય છે. શસ્ત્રક્રિયા વખતે સ્નાયુઓને શિથિલ કરવા જરૂરી છે. શ્વાસનળીમાં નળી નાંખવા માટે તથા નાના શસ્ત્રક્રિયાછેદને ખેંચીને પહોળો કરી રાખવા માટે તેમજ પેટની અંદરના ભાગ વધુ સ્પષ્ટ દેખાય તે માટે સ્નાયુશિથિલકો (muscle relaxants) વપરાય છે. તે મુખ્યત્વે 2 પ્રકારના હોય છે : ડીપોલરાઇઝિંગ (દા. ત., સુક્સામિથોનિયમ ક્લોરાઇડ, ડેકામિથોનિયમ ક્લોરાઇડ વગેરે) તથા નોન-ડીપોલરાઇઝિંગ ઔષધો (દા. ત., ડી-ટ્યૂબોક્યૂરારીન, ગેલેમાઇન, ટ્રાઇઇથિઓડાઇડ વગેરે). ઈથર, નિયોમાયસિન અને અન્ય એમાયનો ગ્લાકોસાઇડ જૂથનાં ઍન્ટિબાયૉટિકો, વિટોસિન, હેક્સાફ્લ્યુરેનિયમ સક્સામિથોનિયસનો ક્રિયાકાળ લંબાવે છે. જો લોહીમાં પોટૅશિયમ ઓછું હોય અને અતિઅમ્લતા થઈ હોય તો ડી-ટ્યૂબોક્યૂરારીની અસર લંબાઈ જાય છે. નિશ્ચેતનાનું એક અગત્યનું અને જીવલેણ આનુષંગિક સંકટ તે મારક અતિતાપમાનિતા (malignant hyperthermia) છે. તેની પણ જરૂર પડ્યે સારવાર કરાય છે.
સ્થાનિક અને પ્રાદેશિક નિશ્ચેતકો : આ ઔષધોને જે સપાટી પર ચોપડવામાં આવે કે ઇન્જેક્શન દ્વારા શરીરની અંદર જે ભાગમાં આપવામાં આવે ત્યાંની પીડાસહિતની સર્વ સંવેદનાઓ ટૂંકા સમય માટે જતી રહે છે. તેમને જે ચેતા પર ઇન્જેક્શનથી લગાવવામાં આવે તે ચેતાનો સમગ્ર સંવેદનાવિસ્તાર પણ બહેરો થાય છે. તેઓ ચેતામાં સંવેદના(sensation)થી ઉદભવતી ઉત્તેજના(stimulus)ના ઉદભવ અને વહનને અવરોધે છે. તેથી તેને ચેતારોધ (nerve block) કહે છે. તેને કારણે જે તે ચેતાલક્ષી સ્નાયુઓ તથા તેમાંના અનૈચ્છિક ચેતાતંતુઓનો પણ લકવો થાય છે. સારણી 5માં સાર્વત્રિક અને સ્થાનિક નિશ્ચેતકોની સરખામણી કરેલી છે. શરીરના જે તે ભાગ પર બરફ, ઇથાયલ ક્લોરાઇડ, CO2 બરફ કે અન્ય દ્રવ્ય લગાવીને તેને ઠંડો પાડી દેવામાં આવે તોપણ સ્થાનિક નિશ્ચેતના થાય છે.
સારણી 5 : સાર્વત્રિક અને સ્થાનિક નિશ્ચેતનાની સરખામણી
પરિમાણ | સાર્વત્રિક નિશ્ચેતના | સ્થાનિક નિશ્ચેતના | |
1 | ક્રિયાસ્થાન | કેન્દ્રીય ચેતાતંત્ર | શરીરમાં ફેલાયેલી પરિઘીય ચેતાઓ |
2. | અસરમાં આવતો શરીરનો ભાગ | આખું શરીર | નાનો ચોક્કસ વિસ્તાર |
3. | સભાનતા | બેભાન થાય | સભાન રહે |
4. | હૃદય/ફેફસાં/મૂત્રપિંડની જાળવણી | જરૂરી | સામાન્ય રીતે નહિ |
5. | દેહધાર્મિક (physiological) ફેરફારો | ઘણા | ઓછા |
6. | દર્દીની તબિયત સારી ન હોય તો | જોખમી | સુરક્ષિત |
7. | અસહકારી દર્દીમાં ઉપયોગ | શક્ય | મુશ્કેલ |
8. | કઈ શસ્ત્રક્રિયામાં વધુ ઉપયોગી | મોટી શસ્ત્રક્રિયા | નાની શસ્ત્રક્રિયા |
સ્થાનિક નિશ્ચેતકોનું વર્ગીકરણ બે રીતે થાય છે :
તેમનો કેવી રીતે આપીને ઉપયોગ થાય છે એ રીતે અથવા તો કેવી રીતે તે ઉપલબ્ધ છે એ રીતે. પ્રથમ વર્ગીકરણમાં મુખ્ય બે ભાગ છે : ઇન્જેક્શન દ્વારા અપાતા (નિક્ષેપીય, injectable) અને જે તે સ્થળે સપાટી પર ચોપડાતા (સપાટીલક્ષી) નિશ્ચેતકો. નિક્ષેપીય નિશ્ચેતકો ઓછી ક્ષમતાવાળા (અલ્પક્ષમ) અને ટૂંકી (અલ્પકાલી) નિશ્ચેતના કરતા (લિગ્નોકેઇન, મેપિવાકેઇન) અને વધુ ક્ષમતાવાળા (અતિક્ષમ) અને લાંબી (દીર્ઘકાલી) નિશ્ચેતના કરતા ટેટ્રાકેઇન બુપીવાકેઇન, ડિબુકેઇન – એમ ત્રણ ઉપપ્રકારના છે. સપાટીલક્ષી નિશ્ચેતકો દ્રાવ્ય (કોકેઇન, લિગ્નોકેઇન, ટેટ્રાકેઇન, બેનૉક્સિનેટ, સાઇક્લોમિથાકેઇન) અથવા અદ્રાવ્ય (બેન્ઝોકેઇન, બ્યુટાયલમિનોબેન્ઝોકેઇન, ઑક્સેથાઝેઇન) હોય છે. પ્રાપ્તિલક્ષી દ્વિતીય વર્ગીકરણમાં તેમને કુદરતી રીતે મળતા (કોકેઇન), નાઇટ્રોજનયુક્ત સંશ્લેષિત, બિન-નાઇટ્રોજની સંશ્લેષિત (બેન્ઝલ આલ્કોહૉલ, પ્રોપેનિડોલ) તથા પ્રકીર્ણ જૂથ(ક્લોપ ઑઇલ, ફિનૉલ, ક્લૉરપ્રોમેઝિન, ડાઇફિનહાઇડ્રેમિન)નો સમાવેશ થાય છે. નાઇટ્રોજનયુક્ત સંશ્લેષિત સંયોજનોના ચાર મુખ્ય પ્રકાર છે : પેરાએમિનો બેન્ઝોઇક ઍસિડમાંથી બનતાં રાસાયણિક દ્રવ્યો જેવાં કે પ્રોકેઇન અને એમિથોકેઇન (દ્રાવ્ય) તથા બેન્ઝોકેઇન અને ઑર્થોકેઇન (અદ્રાવ્ય); અસેર્ટાનિલિડમાંથી બનતો લિગ્નોકેઇન; ક્વિનોલિનમાંથી બનતો સિન્કોકેઇન અને ઍફ્રિડિનમાંથી બનતો બ્યુક્રિકેઇન.
ઔષધીય ક્રિયા અને પ્રવિધિ : બધા સ્થાનિક નિશ્ચેતકો ચેતાતંતુમાં સોડિયમ આયનોના પ્રવેશને અટકાવીને સંવેદનાના વહનમાં અવરોધ લાવે છે. તે સોડિયમ-આયન પથ પર આવેલા સ્વીકારક સાથે જોડાઈ તેને ખોલવાનું ઉંબરસ્તર (threshold) ઊંચું કરે છે.
સારણી 6 : કેટલાક સ્થાનિક નિશ્ચેતકોનું પ્રાપ્તિલક્ષી વર્ગીકરણ
જૂથ | પ્રકાર | ઉદાહરણ | દ્રાવ્ય/ અદ્રાવ્ય | નિક્ષેપીય (injectable) સપાટીલક્ષી (topical) | ક્ષમતા | ક્રિયાકાળ |
1. કુદરતી | કુદરતી | કોકેઇન | દ્રાવ્ય | સપાટી પર ચોપડાય. | – | – |
2. સંશ્લેષિત નાઇટ્રોજનયુક્ત | પેરાએમિનો બેન્ઝોઍસિડમાંથી બને | પ્રોકેઇન | દ્રાવ્ય | નિક્ષેપીય | અલ્પ | ટૂંકો
|
એમિથોકો (ટેટ્રાકેઇન) | દ્રાવ્ય | નિક્ષેપીય તથા સપાટીલક્ષી | અતિ | દીર્ઘ | ||
બેન્ઝોકોઇન | અદ્રાવ્ય | સપાટીલક્ષી | – | – | ||
ઑર્થોકેઇન | અદ્રાવ્ય | સપાટીલક્ષી | – | – | ||
એસિટાનિલીડમાંથી બને. | લિગ્નોકેઇન | – | નિક્ષેપીય | – | – | |
(લિડોકેઇન) | – | સપાટીલક્ષી | મધ્યમ | મધ્યમ | ||
ક્વિનોલિનમાંથી બને. | લિન્કોકેઇન | – | નિક્ષેપીય | અતિ | દીર્ઘ | |
ડિબુકેઇન (ન્યુપરકેઇમ) |
– | – | – | – | ||
એફિડ્રિનમાંથી બને | બ્યુક્રિકેઇન | – | – | – | – | |
3. સંશ્લેષિત બિન- | – | બેન્ઝાયલ | – | – | – | – |
નાઇટ્રોજનયુક્ત | – | આલ્કોહૉલ | – | – | – | – |
પ્રોવેનીડિયોલ | – | – | – | – |
અનુત્તેજિત (non-excited) ચેતામાં અવરોધ થતો નથી અને તેવી જ રીતે કૅલ્શિયમ આયનોનું પ્રમાણ વધુ હોય તોપણ તેવું જ બને છે. લિડોકેઇન ક્લૉરોપ્રોકેઇન અને મેપિવેકેઇન ઝડપથી અસર કરનાર નિશ્ચેતકો છે જ્યારે પ્રોકેઇન, ટેટ્રાકેઇન અને બ્યુપિવેલેઇન ધીમે અસર કરે છે.
જે સ્થળે સ્થાનિક નિશ્ચેતક લગાડાય ત્યાં થોડું અથવા નહિવત્ ક્ષોભન (ચચરાટ) થાય છે. તે સંવેદનાલક્ષી ચેતાતંતુના છેડા, ચેતાઓ (nerves), ચેતાસ્નાયુ-સંગમ (nerve-muscle junction), ચેતકંદુકીય ચેતાગ્રથનો (ganglionic synapse) તથા સ્વીકારકો જેવા વિવિધ ચેતાકીય ભાગોના કાર્યને અવરોધે છે. સંવેદનાલક્ષી તેમજ ચાલક (motor) તંતુઓ એકસરખી રીતે અસરગ્રસ્ત થાય છે. નાના અને શ્વેતચેતાવરણ (myelin sheath) વગરના ચેતાતંતુઓ વધુ અસરગ્રસ્ત થાય છે. તેવી જ રીતે અનૈચ્છિક ચેતાતંતુઓ પણ વધુ પ્રમાણમાં અવરોધાય છે. જ્યારે જીભ પર લગાવવામાં આવે ત્યારે સૌપ્રથમ કડવો સ્વાદ જતો રહે છે; પરંતુ ત્યારબાદ ક્રમશ: ગળ્યા, ખાટા અને ખારા સ્વાદની સંવેદનાઓ દબાય છે. એડ્રિનાલિન કે ફિનાયલએફ્રિન જેવા વાહિનીસંકીર્ણકો (vasoconstrictors) તેમની સ્થાનિક અસર લંબાવે છે અને શરીરવાળી આડઅસરો ઘટાડે છે.
સ્થાનિક ઉપયોગમાં પણ તે લોહી દ્વારા શરીરમાં ફેલાય છે અને તેથી વ્યાપક અસરો ઊપજે છે. કેન્દ્રીય ચેતાતંત્રને સૌપ્રથમ ઉત્તેજિત કરીને તેનું અવદાબન કરે છે. કોકેઇનની સૌથી વધુ ઉત્તેજનક્ષમતા છે, જેમાં સ્વર્ગસુખાભાસ (euphoria), ઉશ્કેરાટ (excitement), માનસિક ગૂંચવણ (confusion), અજંપો (restlessness), ધ્રુજારી (tremors), સ્નાયુ-લઘુકુંચનો (muscle twitchings), આંચકી (convulsion) વગેરે થાય છે; જેના પછી બેભાનાવસ્થા, શ્વસનીય અવદાબન (respiratory depression) અને મૃત્યુ નીપજે છે. જેમ માત્રા વધુ તેમ આડઅસર વધુ રહે છે. પ્રોકેઇન અને અન્ય સ્થાનિક નિશ્ચેતકોની આડઅસરો ઓછી રહે છે. લિડોકેઇન પ્રથમ અવદાબન અને વધુ માત્રામાં ઉત્તેજન કરે છે. બધા જ સ્થાનિક નિશ્ચેતકો હૃદયનું અવદાબન કરે છે; તેથી તે હૃદ્-સ્નાયુની સ્વયંસંચાલિતતા (automaticity), ઉત્તેજનશીલતા, સંકોચનશીલતા, આવેગવહનશીલતા (conductivity) ઘટાડે છે અને પ્રતિભાવરોધી કાળ (refractory period) વધારે છે; તેથી તે ક્વિનિડિન જેવી અસર કરીને હૃદયના અનિયમિત રીતે વહેલાં થઈ આવતાં સંકોચનોને અટકાવે છે. તેથી લિડોકેઇન, પ્રોકેઇન અને તેનું અવશિષ્ટ દ્રવ્ય (derivative) પ્રોકેનેમાઇડ નસ દ્વારા સારવાર માટે અપાય છે. બ્યુમિથેકેઇનથી હૃદયના ધબકારાની અનિયમિતતા થાય છે. બધા જ સ્થાનિક નિશ્ચેતકો લોહીની નસોને પહોળી કરીને લોહીનું દબાણ ઘટાડે છે, પરંતુ કોકેઇન લોહીનું દબાણ વધારે છે.
અકબંધ ચામડીમાંથી સ્થાનિક નિશ્ચેતકોનું અવશોષણ ઓછું થાય છે; પરંતુ શ્લેષ્મકલા (mucous membrane) અને ઘાવવાળી ચામડીમાંથી તે વધુ થાય છે. પ્રોકેઇન શ્લેષ્મકલામાંથી પણ ખાસ અવશોષિત થતું નથી. લોહીમાં તે ગ્લાયકોપ્રોટીન સાથે જોડાઈને શરીરમાં બધે ફેલાય છે. તેમનો ચયાપચય યકૃતમાં થાય છે. મોં વાટે અપાય તો પ્રોકેઇન અને લિડોકેઇન પ્રથમ યકૃતમાં જતા હોવાથી ત્યાં તેમનો નાશ થાય છે; માટે તે ખાસ અસર કરતા નથી. તેમને તેથી નસ દ્વારા અપાય છે. આડઅસર રૂપે, ઉપર જણાવેલ દેહવ્યાપી અસરો જોવા મળે છે. તેમની સ્થાનિક ઝેરી અસરો ઓછી છે. જોકે તે ઘાવની રૂઝ અટકાવે છે. ક્યારેક ઍલર્જી જેવી આડઅસર થઈ આવે છે.
આડઅસરો અટકાવવા માટે ઍલર્જી અંગેની માહિતી મેળવી રખાય છે; યકૃત કે હૃદયના રોગો હોય તો તે જાણી લેવાય છે; શક્ય હોય તો દર્દીને ચાર કલાક અગાઉથી ખોરાક આપવાનું બંધ કરાય છે; ડાયાઝેપામનું ઇન્જેક્શન આપીને પૂર્વચિકિત્સા કરાય છે. જે ચેતાનો અવરોધ કરવાનો હોય તેની શરીરરચનાકીય માહિતી અગાઉથી મેળવી લઈને યોગ્ય સ્થાને ઇન્જેક્શન અપાય છે. ઓછામાં ઓછી અસરકારક માત્રા તથા એડ્રિનાસિન વડે સહચિકિત્સા કરાય છે. નસમાં દવા જતી ન રહે તેનું ધ્યાન રખાય છે તથા મોં પર સ્નાયુનાં લઘુ આકુંચનો થાય છે કે કેમ અથવા નાડીના ધબકારા વધે છે કે કેમ તેનું ધ્યાન રખાય છે.
સ્થાનિક નિશ્ચેતકોને ચામડી કે શ્લેષ્મકલા પર ચોપડીને અથવા ચામડીમાં, પેશીમાં, ચેતાઓની આસપાસ કે મેરુરજ્જુનાં આવરણો વચ્ચેની જગ્યામાં ઇન્જેક્શન દ્વારા અપાય છે. બહારથી ચોપડવાની પદ્ધતિને સપાટીલક્ષી નિશ્ચેતના કહે છે, જ્યારે ઇન્જેક્શન દ્વારા આપવાની પદ્ધતિને નિક્ષેપનીય પદ્ધતિ કહે છે. સપાટીલક્ષી પદ્ધતિમાં શ્લેષ્મકલા કે ઘાવ વગરની ચામડી પર પ્રવાહી કે મલમ રૂપે નિશ્ચેતક ચોપડાય છે અથવા તેનો છંટકાવ કરાય છે. સારણી 7માં વિવિધ પ્રકારની સપાટીલક્ષી નિશ્ચેતનાઓની માહિતી આપી છે.
ચામડીમાં આવેલા ચેતાતંતુઓના છેડાને બહેરા કરીને સ્થાનિક નાની શસ્ત્રક્રિયા કરાય છે. તે માટે સ્થાનિક નિશ્ચેતકને ચામડીમાં જુદા જુદા સ્થળે ઇન્જેક્શન આપીને ભરી દેવામાં આવે છે. આ પ્રક્રિયાને નિપૂરણ નિશ્ચેતના (infiltration anaesthsia) કહે છે. તે તુરત પરંતુ ટૂંકા ગાળાની નિશ્ચેતના કરે છે. તેની મદદ લઈ છેદ મૂકવા(incision)ની તથા નાનાં ઉચ્છેદનો(excisions)ની નાની નાની ક્રિયાઓ તથા શુક્રપિંડની આસપાસ પ્રવાહી ભરેલી પોટલીને વૃષણીય જલકોષ્ઠ (hydorcoele) કહે છે. તે પ્રવાહી કાઢવાની કે સારણગાંઠ-સીવણ(herniorrhaphy)ની નાની અને ઝડપી શસ્ત્રક્રિયાઓ કરાય છે.
ચેતાવહનરોધ (nerve conduction block) માટે નિશ્ચેતકનું ચેતારજ્જુ(nerve trunk)ની આસપાસ ઇન્જેક્શન દ્વારા નિપૂરણ કરાય છે. તેને કારણે તે સ્થળ પછીનો દૂરનો બધો જ ચેતાલક્ષી વિસ્તાર બહેરો થઈ જાય છે. કોઈ એક ચેતારજ્જુ કે ચેતાજાળ(nerve plexus)ને બહેરી કરાય તો તેને ચેતારોધ (nerve-block) કહે છે; પરંતુ જો કોઈ એક વિસ્તારની સંવેદનાઓ એકથી વધુ ચેતાઓ લઈ જતી હોય તો તે બધી જ ચેતાઓને બહેરી કરાય છે. ત્યારે તેને ક્ષેત્રીય રોધ (field block) કહે છે. સારણગાંઠ-સીવણ, આંત્રપુચ્છ-ઉચ્છેદન (appendicectomy), માથામાં ચામડી નીચે આવેલા શીર્ષાવરણ(scalp)માં ટાંકા લેવા, અગ્રબાહુ કે પગમાં શસ્ત્રક્રિયા કરવી વગેરે વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયાઓમાં ક્ષેત્રીયરોધની પદ્ધતિ વપરાય છે. જો ચેતારજ્જુમાં અવરોધ કર્યો હોય તો તે 1થી 3 મિનિટમાં અસરકારક બને છે, પરંતુ જો ચેતાજાળમાં અવરોધ કર્યો હોય તો તે 15 મિનિટ પછી અસરકારક બને છે. સામાન્ય રીતે પાંસળીઓ વચ્ચેની ચેતાઓ, હાથ અને પગની મહત્વની ચેતારજ્જુઓ, હાથમાં જતી ચેતાઓની બનેલી બાહુલક્ષી (brachial) ચેતાજાળ તેમજ ત્રિશાખી (trigeminal) ચેતા, ચહેરાલક્ષી ચેતા, ઉરોદરપટલલક્ષી (phrenic) ચેતા કે જિહવાલક્ષી ચેતા વગેરે વિવિધ ચેતાઓને અવરોધવામાં આવે છે. તેમનો ઉપયોગ દાંત કાઢવાની, આંખ પરની અથવા હાથ-પગ કે પેટની દીવાલ પરની શસ્ત્રક્રિયામાં, કેટલાંક તૂટેલાં હાડકાંને બેસાડવાની ક્રિયામાં, પાંસળીઓની ઈજામાં, ચેતાપીડા(neuralgia)ના વિકારોમાં તથા સતત રહેતી હેડકીની સારવારમાં થાય છે.
સારણી 7 : સપાટીલક્ષી નિશ્ચેતનાનાં ઉદાહરણો
સ્થાન | ઔષધ | માત્રા | પ્રકાર | હેતુ | |
1. | આંખ | ટેટ્રાકેઇન | 1 %થી 2 % | મલમ | દાબમાપન (tonometry) |
બેનોક્સિનેટ | 0.4 % | ટીપાં | શસ્ત્રક્રિયા | ||
2. | નાક, કાન | લિડોકેઇન | 2 %થી 4 % | ટીપાં | પીડાકારક વિકાર |
ટેટ્રાકેઇન | 1 %થી 2 % | ટીપાં | મસા | ||
3. | મોં, ગળું | બેન્ઝોકેઇન | ચૂસવાની ગોળી | મોં કે ગળું આવી જવું. | |
4. | ગળું, સ્વરપેટી, | લિડોકેઇન | 2 %થી 4 % | છંટકાવ | કાકડા કાઢવા અંદર |
શ્વાસની મોટી નળીઓ | ટેટ્રાકેઇન | 1 %થી 2 % | છંટકાવ | નળી નાંખવી, અંત:-નિરીક્ષા (endoscopy) | |
5. | અન્નનળી, જઠર | ઑક્સિથેઝેઇન | 0.2 % | નિલંબિત દ્રાવણ (suspension) | જઠરશોથ (gastritis), અન્નનળી-શોથ (oeso- phagitis), છાતીમાં બળતરા થવી, પેપ્ટિક વ્રણ. |
6. | ઘાવાળી ચામડી | ટેટ્રાકેઇન | 1 % | તૈલી મલમ | ચાંદાં તથા |
સાઇક્લો- | 0.5 %થી | મલમ | દાહ પછીની | ||
મેથિકેઇન | 1 % | બળતરા તથા ખૂજલી કરતા વિકારો | |||
બેન્ઝોકેઇન | 1 %થી 2 % | છાંટવાનો | |||
બ્યુટામ્બેન | 1 %થી 2 % | ભૂકો | |||
7. | મૂત્રાશય-નલિકા (uretora) | લિડોકોઇન | 2 % | લુદ્દી | પહોળી કરવા, અંદર |
સાઇક્લો- મેથિકેઇન | 0.75 % | (jelly) | નળી નાંખવા | ||
8. | ગુદા, મળાશય | લિડોકેઇન | 4 % | મલમ | ચીરા કે દુખાવો કરતા |
ડિન્યુકેઇન | 1 % | તૈલી મલમ | મસાની શસ્ત્ર-ક્રિયા, | ||
સાઇક્લો- મેથિકેઇન | 1 % | અંતર્નિ-ક્ષેપિકા | મળાશય નિરીક્ષણ (proctoscopy) | ||
બેન્ઝોકેઇન | 5 % | (suppository) |
કરોડરજ્જુ કે મેરુરજ્જુ(spinal cord)ના નીચલા છેડા પરના જાળીમય આવરણની નીચે આવેલા મસ્તિષ્ક-મેરુજળ(CSF)માં નિશ્ચેતકનું ઇન્જેક્શન આપીને કરાતી નિશ્ચેતનાને મેરુરજ્જવી (મેરુરજ્જુલક્ષી) નિશ્ચેતના (spinal anaesthesia) કહે છે. સામાન્ય રીતે તે માટે કરોડના કટિપ્રદેશ(lumber region)ના બીજા-ત્રીજા કે ત્રીજા-ચોથા મણકા વચ્ચેની જગામાંથી ઇન્જેક્શન આપવામાં આવે છે. તે કરોડરજ્જુને નહિ, પરંતુ તેમાંથી નીકળતા ચેતામૂળના સમૂહને બહેરો કરે છે. આ ચેતામૂળના સમૂહને અશ્વપુચ્છ (cauda equvina) કહે છે. તેને કારણે પેટનો નીચલો ભાગ તથા બંને પગ બહેરા થઈ જાય છે અને જૂઠા પડી જાય છે. તેથી તેમાં સંવેદનારહિત લકવો થઈ જાય છે. નિશ્ચેતકની માત્રા અને આપવાની ઝડપ તેમજ દવાની વિશિષ્ટ ઘનતા અને દર્દીના અંગવિન્યાસ(posture)ને આધારે નિશ્ચેતનાનો વિસ્તાર નિશ્ચિત થાય છે. દવાનું દ્રાવણ CSF જેટલા જ આસૃતિદાબવાળું (સમદાબી, isobaric) અથવા તો 10 % ગ્લુકોઝ ઉમેરીને અતિદાબી (hyperbaric) બનાવાય છે. ઓછા આસૃતિદાબવાળી (અલ્પદાબી, hypobaric) દવા વપરાતી નથી. 10 મિનિટમાં મોટા ભાગની દવા ચેતામૂળમાં પ્રવેશી જતી હોવાથી દર્દીનો અંગવિન્યાસ બદલી શકાય છે. અનૈચ્છિક ચેતાઓ વધુ અસરગ્રસ્ત થતી હોવાથી દૈહિક ચેતાઓના રોધ કરતાં વધુ ઉમરની વિખંડિકાઓ(segments)ના સ્તર સુધી અનુકંપી ચેતાતંત્રનો અવરોધ થાય છે. જુદી જુદી દવાઓનો જુદો જુદો ક્રિયાકાળ રહે છે. લિડોકેઇન સિવાયની બીજી દવાઓમાં એડ્રિનાલિન સાથે આપવાથી તે ક્રિયાકાળ 2 ગણો વધે છે.
સારણી 8 : મેરુરજ્જવી નિશ્ચેતનાનો સમયગાળો
નિશ્ચેતક | સાંદ્રતા (%) (concentration) | માત્રા કદ (મિલિ.) | કુલ માત્રા (dose) (મિગ્રા.) | ક્રિયાકાળ (મિનિટ) | |
1. | લિડોકેઇન | 1.5થી 5 | 1થી 2 | 15થી 100 | 60થી 90 |
2. | મેપિવેકેઇન | 4 | 1થી 2 | 40થી 80 | 60થી 90 |
3. | ટેટ્રાકેઇન | 0.25થી 0.5 | 1થી 3 | 5થી 20 | 90થી 150 |
4. | લ્યુપિબેકેઇન | 0.5થી 0.75 | 2થી 3 | 15થી 20 | 90થી 150 |
5. | ડિબ્યુકેઇન | 0.25થી 0.5 | 1થી 2 | 2.5થી 10 | 120થી 180 |
સગર્ભા સ્ત્રીઓમાં પાછલા મહિનાઓમાં દવાની માત્રા ઓછી અપાય છે. મેરુરજ્જુ-નિશ્ચેતના વધુ સુરક્ષિત છે. તેમાં પીડાનાશન અને સ્નાયુશિથિલન પૂરતું થાય છે; પરંતુ સભાનાવસ્થા ઘટતી નથી. વળી તે હૃદય, ફેફસાં કે મૂત્રપિંડની ખાસ કોઈ તકલીફો કરતી નથી. સામાન્ય રીતે તે પગ, શ્રોણિ (pelvis), પેટના નીચલા ભાગની વિવિધ શસ્ત્રક્રિયાઓમાં વપરાય છે; જેમ કે, હાડકાં બેસાડવાં, સ્ત્રીઓમાં શસ્ત્રક્રિયાથી શિશુજન્મ કરાવવા (cesarian section) જેવી શસ્ત્રક્રિયાઓ કરવી, પુરુષોમાં પુર:સ્થગ્રંથિ-ઉચ્છેદન (prostectomy) વગેરે. મેરુરજ્જુ-નિશ્ચેતનાની આનુષંગિક તકલીફો ઓછી હોય છે. એ તકલીફોમાં શ્વસનક્રિયાનો લકવો, લોહીનું ઘટતું દબાણ, માથામાં દુખાવો, પરુવાળો સપૂય તનિકાશોથ (septic meningitis), ઊબકા અને પેશાબ તથા મળત્યાગ પરનું ઘટેલું નિયંત્રણ વગેરેનો સમાવેશ થાય છે. મગજનાં આવરણોમાં ચેપ ફેલાય તેને તાનિકાશોથ (meningitis) કહે છે. મેરુરજ્જુ-નિશ્ચેતનાના ઇન્જેક્શન સાથે જો ચેપના જીવાણુઓ પ્રવેશે તો મગજની આસપાસનાં આવરણોમાં ચેપ ફેલાય છે. તેને સપૂય તાનિકાશોથ કહે છે. શરીરમાં પાણી ઘટેલું હોય, લોહીનું દબાણ ઘટેલું હોય, દર્દી અસહકારી હોય, માનસિક બીમારી હોય, નાની ઉંમર હોય (બાળકો અને શિશુ), કરોડના મણકાની વિકૃતિઓ હોય કે ઇન્જેક્શનની જગ્યાએ ચેપ હોય તો મેરુરજ્જુ-નિશ્ચેતના આપી શકાતી નથી.
અધિદૃઢતાનિકાકીય (epidural) નિશ્ચેતના : મગજની માફક કરોડરજ્જુ પર ત્રણ આવરણો છે, જેમાંનું સૌથી ઉપરનું આવરણ જાડું હોય છે. તેને દૃઢતાનિકા (duramater) કહે છે. દૃઢતાનિકા અને કરોડના મણકા વચ્ચે અર્ધપ્રવાહી ચરબી ભરાયેલી હોય છે, જેમાંથી ચેતામૂળ (nerve roots) પસાર થતાં હોય છે. આ જગ્યાને અધિદૃઢતાનિકા અવકાશ (epidural space) કહે છે. તેમાં અપાયેલું નિશ્ચેતકનું ઇન્જેક્શન ચેતામૂળમાંની સંવેદનાઓના વહનને રોકે છે. તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે : વક્ષીય (thoracic), કટીય (lumber) અને પુચ્છીય (caudal). પીઠના વચલા મણકાઓ વચ્ચેની જગ્યાએથી અપાતા ઇન્જેક્શનથી વક્ષીય અધિદૃઢતાનિકારોધ થાય છે. અહીં જગ્યા ઓછી હોવાથી થોડી દવાની જરૂર પડે છે. સામાન્ય રીતે છાતીના નીચલા ભાગ અને પેટના ઉપલા ભાગની શસ્ત્રક્રિયા માટે આ પદ્ધતિ વપરાય છે. કેડના વિસ્તારના મણકામાંથી અપાતું નિશ્ચેતક વધુ માત્રામાં આપવું પડે છે. તે પેટના નીચલા ભાગ, શ્રોણિ અને પગમાં નિશ્ચેતના સર્જે છે. તેમાં મેરુરજ્જુ-નિશ્ચેતના જેવી જ સ્થિતિ હોય છે. કરોડસ્તંભની સૌથી નીચે ત્રિકાસ્થિ (sacrum) નામનું એક હાડકું છે. તેમાંના એક છિદ્રને ત્રિકાસ્થિદ્વાર (sacral hiatus) કહે છે. તેમાં ઇન્જેક્શન દ્વારા સ્થાનિક નિશ્ચેતક આપવાથી કરોડરજ્જુના નીચલા છેડે અશ્વપુચ્છ (cauda equina) નામના ચેતામૂળના સમૂહમાં સંવેદનાનો અવરોધ થાય છે. તેથી તેને પુચ્છીય અધિઢતાનિકારોધ (caudal epidural block) કહે છે. તે યોનિ (vagina), મળાશય, ગુદા તથા પુરુષોના પ્રજનન અવયવો અને મૂત્રમાર્ગની શસ્ત્રક્રિયા માટે ઉપયોગી રહે છે. સામાન્ય રીતે તે માટે લિડોકેઇન કે બ્યુપિવેકેઇન વપરાય છે. તે મેરુરજ્જુ-નિશ્ચેતના કરતાં વધુ મુશ્કેલ અને વધુ ઔષધ વાપરતી પદ્ધતિ છે. હૃદય અને રુધિરાભિસરણની આડઅસરો તો બંને પદ્ધતિઓમાં એકસરખી છે, પરંતુ માથું દુખવું કે અન્ય કેન્દ્રીય ચેતાતંત્રીય તકલીફો અધિઢતાનિકારોધમાં ઓછી રહે છે. બ્યુપિવેકેઇન વાપરવામાં આવે તો પ્રસૂતિ-સમયે પીડા થતી નથી. માતાના સ્નાયુઓનો લકવો થઈ જતો નથી અને તે પ્રસૂતિક્રિયામાં સક્રિય ભાગ લઈ શકે છે. અધિદૃઢતાનિકા અવકાશમાં એક નાની નળી પરોવી દેવામાં આવે તો લાંબા સમય સુધી દવા આપીને ચેતારોધ કરી શકાય છે.
શિલીન નં. શુક્લ
બિપીન મ. પટેલ