નિશાનબાજી (shooting) : રમતપ્રવૃત્તિનો એક પ્રકાર. રમતપ્રવૃત્તિ તરીકે આ રમતનાં બે સ્પષ્ટ સ્વરૂપો છે : (1) નિશાનફલક(target)થી સજ્જ મેદાનમાં નિયત અંતરે ગોઠવેલા નિશાનને તાકવું. (2) રમતનિયમાનુસાર પશુ યા પક્ષીનો શિકાર કરવો. ઑલિમ્પિક રમત તરીકે નિશાનબાજીની સ્પર્ધામાં રાઇફલ તથા પિસ્તોલ વડે ટાર્ગેટ શૂટિંગ, ક્લે-પિજન શૂટિંગ અને સિલ્હૂટ શૂટિંગનો સમાવેશ થાય છે.
રાઇફલ શૂટિંગ : સ્પર્ધા માટે ઉપયોગમાં લેવામાં આવતી રાઇફલના પ્રકારને અનુલક્ષીને રાઇફલ નિશાનબાજીના – 1. સ્મૉલ બોર (5.6 મિમી. વ્યાસ) શૂટિંગ; 2. બિગ બોર (8 મિમી. વ્યાસ) શૂટિંગ; 3. ઍર-રાઇફલ (4.5 મિમી. વ્યાસ) એમ ત્રણ વિભાગ પડે છે. તે જ પ્રમાણે રાઇફલથી નિશાન લેવા માટે નિશાનબાજની સ્થિતિને અનુલક્ષીને વધુ ત્રણ પેટા વિભાગો 1. જમીન પર ઊંધા સૂઈને (prone-position); 2. ઘૂંટણ પર બેસીને (kneeling position) તથા 3. ઊભા રહીને (standing position) એ પ્રમાણે પડે છે.
રાઇફલ-શૂટિંગ માટેની રેન્જ 30 મી.થી 500 મી. સુધીની લંબાઈની હોય છે અને જાનહાનિ ન થાય તે માટે તેની ચારેય બાજુ ઊંચી ટેકરી અથવા દીવાલોથી સલામત બનાવેલી હોય છે. આ મેદાન બટ ગ્રાઉન્ડ તથા શૂટિંગ સ્ટેશન યા ફાયર-લાઇન એમ બે વિભાગમાં વહેંચાયેલું હોય છે. બટ ગ્રાઉન્ડમાં ટાર્ગેટનું સ્થાન હોય છે તથા તેની પાછળ માટીની કાચી જાડી દીવાલ ચણવામાં આવે છે અને તેની પાછળ પાકી ચણેલી દીવાલ હોય છે. હરીફ જ્યાંથી નિશાન લેવા માટે ઊભો રહે છે તેને શૂટિંગ-સ્ટેશન અથવા ફાયરિંગ-લાઇન કહે છે. આ સ્થાનની પહોળાઈ 10 મી.ની રેન્જ માટે 1 મી. અને બાકી બધી રેન્જ માટે 1.6 મી. જેટલી હોય છે. શૂટિંગ-સ્ટેશનની લંબાઈ ટાર્ગેટની સંખ્યાના પ્રમાણમાં હોય છે. સામાન્યત: સ્પર્ધક ટુકડી નેતા સાથે પાંચ ખેલાડીઓની બનેલી હોય છે અને સ્પર્ધા – 1. સ્મૉલ બોર ફ્રી ઇંગ્લિશ મૅચ; 2. સ્મૉલ બોર ફ્રી રાઇફલ-શૂટિંગ, 3. સ્મૉલ બોર સ્ટાન્ડર્ડ રાઇફલ શૂટિંગ; 4. એર રાઇફલ-શૂટિંગ; 5. બિગ બોર ફ્રી રાઇફલ-શૂટિંગ, 6. બિગ બોર સ્ટાન્ડર્ડ શૂટિંગ – એમ છ પ્રકારની યોજાય છે. ઍરરાઇફલ શૂટિંગ માટે 10 મી.; સ્મૉલ બોર માટે 50 મી. તથા બિગ બોર માટે 300 મી.ની રેન્જ હોય છે. ટાર્ગેટ સફેદ જાડા કાગળ પર કાળાં કૂંડાળાં દોરી બનાવેલ હોય છે. ટાર્ગેટ સ્ટૅન્ડ કે જે લાકડાની ફ્રેમનું બનાવેલું હોય છે, તેની સપાટી ઉપર આ નિશાન ચોંટાડવામાં આવે છે. ટાર્ગેટનું કદ રેન્જના અંતર પ્રમાણે નાનુંમોટું હોય છે, પરંતુ નાનામાં નાનું કદ 30. સેમી. હોય છે. નિશાન પર કાળા રંગનાં સમકેન્દ્રી કૂંડાળાં દોરી તેને અંદરથી બહાર તરફ એમ અનુક્રમે 1થી 10 ગુણમાં વિભાજિત કરવામાં આવે છે. સ્પર્ધકે નિયત સ્થિતિમાં રહીને નિયત સમયમર્યાદામાં નિયત સંખ્યામાં ગોળીઓ (કારતૂસ) તાકવાની હોય છે અને નિશાન પર ગોળી જ્યાં વાગે તેને અનુલક્ષીને પ્રાપ્ત ગુણના આધારે વિજયક્રમ નક્કી થાય છે.
પિસ્તોલ–શૂટિંગ : આમાં એક હાથ વડે પકડેલી પિસ્તોલ યા રિવૉલ્વરથી ટાર્ગેટને તાકવાનું હોય છે. આ માટે 50 મી. રેન્જનો ઉપયોગ થાય છે. ફાયરિંગ લાઇન તથા ટાર્ગેટ વચ્ચેનું અંતર 25 મી. જેટલું હોય છે.
ક્લે–પિજન શૂટિંગ : આમાં નદીની રેતીમિશ્રિત માટીમાંથી બનાવેલ ગોળ રકાબી આકારનું ટાર્ગેટ, ‘ટ્રૅપ’ મશીનની સહાયથી હવામાં ફંગોળવામાં આવે છે, અને તેને ફાયરિંગ લાઇન પર ઊભેલા નિશાનબાજે પોતાની તૈયાર રાખેલી શૉટગન વડે ગોળી છોડી અધ્ધર તોડી પાડવાનું હોય છે. આ નિશાનબાજીના ત્રણ પ્રકાર તે 1. ઑલિમ્પિક ટ્રૅન્સ શૂટિંગ, 2. સ્કિટ શૂટિંગ, તથા 3. ડાઉન ધ લાઇન શૂટિંગ.
સિલ્હૂટ શૂટિંગ : સિલ્હૂટ એટલે છાયા-આકાર; અર્થાત્, આ રમતમાં ચોક્કસ આકાર ધરાવતાં ટાર્ગેટોનો ઉપયોગ થાય છે; અને તે કોઈ ચોક્કસ સ્થિતિમાં ન રહેતાં ધીમે ધીમે જમીનથી ઉપર આવે છે અને નિયત સમયમર્યાદામાં ટાર્ગેટની દિશા ફેરવાય છે. આમ ટાર્ગેટ દેખાય કે તરત જ નિશાન લેવાનું હોય છે. 25 મી.ના અંતરેથી ટાર્ગેટ પર પિસ્તોલમાંથી ગોળી છોડવાની હોય છે.
ગુજરાતમાં નિશાનબાજીની રમતને વિકસાવવામાં તથા વિસ્તારવામાં અમદાવાદ રાઇફલ ઍસોસિયેશનનો તથા તેના સ્થાપક અને પ્રેરક કેશવ ગોવિંદ પ્રભુનો અદ્વિતીય ફાળો છે. રાઇફલ-શૂટિંગમાં ગુજરાતના નામને, કેરવાડાના ઠાકોર માનસિંહજી ભાસાહેબ રાણા, બીલીમોરાના જમશેદજી ગબ્બા તથા ચૂડાનરેશ ધર્મેન્દ્રસિંહજીએ રોશન કર્યું છે, જ્યારે પિસ્તોલ-શૂટિંગમાં અમદાવાદના ઉદયન ચીનુભાઈ તથા સુરેન્દ્ર શાહે ગૌરવપ્રદ વિક્રમો સ્થાપ્યા છે. આ ક્ષેત્રમાં પંચ તરીકે નાનુભાઈ સૂરતીએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે.
ચિનુભાઈ શાહ