નિવેદિતા, ભગિની (. 28 ઑક્ટોબર 1867, આયર્લૅન્ડ; . 13 ઑક્ટોબર 1911, દાર્જિલિંગ) : ભારતીય સંસ્કૃતિનાં અનુરાગી અને સેવાભાવી પરદેશી મહિલા. ભગિની નિવેદિતાનું મૂળ નામ માર્ગરેટ ઈ. નોબેલ હતું. માતાનું નામ મૅરી અને પિતાનું નામ સૅમ્યુઅલ ઇચમન્ડ નોબેલ હતું. પિતા ખ્રિસ્તી ધર્મગુરુ હતા. તેમને વક્તૃત્વ અને સેવાની ભાવના પિતા પાસેથી વારસામાં મળ્યાં હતાં. તેમને મે નામની એક બહેન અને રિચમન્ડ નામનો એક ભાઈ હતો. 1884માં તેમણે કૉલેજની છેલ્લી પરીક્ષા પસાર કરી. 1884માં કેસ્વિક શહેરની એક નિશાળમાં સ્વેચ્છાએ શિક્ષિકા તરીકે કાર્ય કર્યું. 1886માં રેક્સહામની શાળામાં શિક્ષિકાનું કામ સ્વીકાર્યું. અહીં એક એન્જિનિયર મિત્રના પરિચયમાં આવ્યાં. પરિચય પ્રેમમાં પરિણમ્યો, પરંતુ વિવાહની જાહેરાત થાય તે પહેલાં મિત્રનું મૃત્યુ થયું. દુ:ખ અને આઘાતથી ખૂબ જ નિરાશા અનુભવી, પણ ધર્મના દૃઢ સંસ્કારે જીવનના દિવસો પસાર કરતાં રહ્યાં.

બુદ્ધના જીવનચરિત્રની તેમના માનસ પર ઊંડી અસર થઈ. એવામાં 1895માં સ્વામી વિવેકાનંદ લંડન ગયા. તે સમયે નિવેદિતા સ્વામીજીને મળવા અને સાંભળવા ગયાં હતાં. વિવેકાનંદનાં વ્યક્તિત્વ અને વ્યાખ્યાનની ઊંડી છાપ તેમના મન પર પડી. 1896માં સ્વામીજીએ હિંદુ ધર્મના વર્ગો શરૂ કર્યા તેમાં તેઓ જોડાયાં. હિન્દુ ધર્મ વિશે તેમણે ઇંગ્લૅન્ડમાં જ ખૂબ જ્ઞાન મેળવ્યું. તે ખૂબ જ પ્રશ્નો કરતાં ને ચર્ચામાં ઊતરતાં. વિવેકાનંદે આ સ્ત્રીમાં રહેલું ‘હીર’ પારખ્યું. સ્વામી વિવેકાનંદે ઇંગ્લૅન્ડમાં રહીને જ સેવા કરવાનું કામ તેમને સોંપ્યું. જ્યારે તેમની ખૂબ આતુરતા વધી ત્યારે ભારત આવવાની અનુમતિ આપી. 1898ના જાન્યુઆરીની 28મી તારીખે તેઓ ભારત આવ્યાં. કૉલકાતાના બેલૂરના એક મકાનમાં રહેવાનું શરૂ કર્યું. 25મી માર્ચ, 1898, શુક્રવારે હિંદુ ધર્મની દીક્ષા લીધી અને ‘નિવેદિતા’ નામ ધારણ કર્યું.

સૌપ્રથમ તેમણે સ્વામીજી સાથે ભારતમાં ઉત્તરનાં સ્થાનો અલમોડા, અમરનાથ, શ્રીનગર  કાશ્મીરનો પ્રવાસ કર્યો. ભારતનાં ધર્મ, ઇતિહાસ, રીતરિવાજો, સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી. પ્રવાસમાંથી પાછાં ફર્યા બાદ કૉલકાતા બોઝપરા વિસ્તારમાં કન્યાઓ માટે 1898ના નવેમ્બરની 14મી તારીખે પ્રાથમિક શાળા શરૂ કરી. આ શાળાનું નામ ‘ભગિની નિવેદિતા ગર્લ્સ સ્કૂલ’ રાખવામાં આવ્યું હતું. દીન-હીન સ્થિતિમાં સબડતી ભારતની સ્ત્રીઓ અને બાલિકાઓનાં શિક્ષણ અને ઉત્કર્ષ માટે તેમણે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી, પ્રેમ, નિષ્ઠા અને આત્મસમર્પણથી આ શાળાનો વિસ્તાર માત્ર બાલિકાઓ પૂરતો સીમિત ન રહ્યો. બાલવિધવાઓ, ત્યક્તાઓ, મોટી ઉંમરની સ્ત્રીઓ પણ આશ્વાસન, સહાય અને જ્ઞાન મેળવવા આવતી. એમાંથી જ ‘બહેનોના ઘર’ની યોજના જન્મ પામી. અહીં શિક્ષણ, ચિત્રકામ, સીવણવર્ગ ચાલતા અને વિધવાઓનું જીવન પ્રવૃત્તિમય રહે, આવક વધે, જ્ઞાન મળે એવી યોજનાઓ થતી રહેતી. શાળાની આર્થિક મુશ્કેલીમાં યુરોપ-અમેરિકાના પ્રવાસે જઈ ફંડ પણ એકઠું કર્યું.

ભગિની નિવેદિતા

જુદી જુદી સંસ્થાઓના આશ્રયે તેમણે જુદા જુદા વિષયો પર ભાષણો આપ્યાં. એમાં આલ્બર્ટ હૉલમાં અપાયેલું ‘કાલી’ વિશેનું અને કાલિઘાટ મંદિરમાં અપાયેલું ‘કાલીપૂજા’ વિશેનું ભાષણ નોંધપાત્ર છે. તેમણે લખેલું પુસ્તક ‘Kali  the Mother’ નોંધપાત્ર છે.

કૉલકાતામાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે તે અવિરત શ્રમ કરી સતત ગરીબોની વસ્તીમાં ફરતાં રહ્યાં. પૂર્વ બંગાળમાં રેલ અને દુકાળનું સંકટ આવી પડ્યું ત્યારે ડૉક્ટરની સલાહને અવગણીને પણ સેવાકાર્ય સતત ચાલુ રાખ્યું.

ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં તેમણે ઝંપલાવ્યું ને સમગ્ર ભારતમાં ફર્યાં, વ્યાખ્યાનો આપ્યાં. બંગભંગની લડતમાં અને સ્વદેશીની ચળવળમાં પોતાની તમામ શક્તિથી જોડાયાં અને જાગૃતિ લાવવાના સતત પ્રયાસો કર્યા. પોતે સદા સ્વદેશી વસ્તુઓ જ વાપરતાં. અરવિંદ ઘોષ, ગોપાળ કૃષ્ણ ગોખલે, સ્વીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, જગદીશચંદ્ર બોઝ વગેરે સાથે તેમને ઘણા સારા સંબંધો હતા.

જીવનનાં છેલ્લાં ત્રણ વર્ષ તેમણે ઇંગ્લૅન્ડ–અમેરિકામાં ગાળ્યાં. 1911માં ભારત પાછાં આવ્યાં. દાર્જિલિંગમાં 1911ના ઑક્ટોબરની 13 તારીખે પાર્થિવ દેહ ત્યજ્યો. એમની ઇચ્છા મુજબ તેમના દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો.

આ વિદેશી મહિલા ભારતમાં ચિત્રકલા હોય કે રાષ્ટ્રીય ચળવળ, વિજ્ઞાન હોય કે ધર્મ, સાહિત્ય હોય કે શિક્ષણ પ્રત્યેક ક્ષેત્રમાં છવાઈ ગયાં હતાં. કૉલકાતાનાં કલાકેન્દ્રોમાં, સભાસ્થાનોમાં, શિક્ષણસંસ્થાઓમાં, સાધનામંદિરોમાં કે પછી ગંદી ગલીઓમાં ને મજૂરોનાં ઝૂંપડાંમાં સર્વત્ર તેમનું સ્થાન ને માન હતાં. તેમણે અગિયારેક પુસ્તકો લખ્યાં, જેમાં આ મહત્વનાં ગણાય : ‘માસ્ટર ઍઝ આઈ સૉ હિમ’ ; ‘ધ વેબ ઑવ્ ઇન્ડિયન લાઇફ’ ; ‘ક્રેડલ સૉંગ્ઝ ઑવ્ હિન્દુઇઝમ’.

પ્રિયબાળાબહેન શાહ