નિ:શસ્ત્રીકરણ

January, 1998

નિ:શસ્ત્રીકરણ : યુદ્ધ બાદ પરાજિત દેશને નિ:શસ્ત્ર કરવાની પ્રક્રિયા. અગાઉના વખતમાં કોઈ ટુકડી કે ટોળી કે આક્રમક હુમલાખોર લડાઈમાં સામા પક્ષને હરાવે ત્યારે તેને નિ:શસ્ત્ર બનાવી દેવાતો અને તેના માણસોને તાબેદાર કે ગુલામ તરીકે રખાતા અથવા મારી નખાતા. તેમને છોડી મૂકવાનું તો ભાગ્યે જ બનતું. અર્વાચીન સમયમાં પહેલા કે બીજા વિશ્વયુદ્ધ જેવાં નિર્ણાયક યુદ્ધો ખેલાયાં ત્યારે પરાજિત દેશોને નિ:શસ્ત્ર કરી દેવાયા હતા અથવા શસ્ત્રોનો સાવ ઓછો ઉપયોગ કરવા દેવાયો હતો; પરંતુ વખત જતાં, આ પરાજિત રાષ્ટ્રો પૂરતાં શક્તિશાળી બન્યાં અને આવા અન્યાયી વર્તાવ તરફ વાંધો ઉઠાવવા લાગ્યાં. પૂર્વીય જૂથના દેશો, પશ્ચિમી દેશો, વિકાસશીલ દેશો તથા અલ્પવિકસિત દેશો વચ્ચે પોતપોતાનાં રાષ્ટ્રીય હિતોની સલામતી અંગે તથા શસ્ત્રીકરણ માટેની પોતપોતાની જરૂરતો અંગે મતભેદો ઊભા થયા. બીજા દેશોની શસ્ત્રદોડ થંભાવવા તથા વિકાસશીલ બિન-અણુરાષ્ટ્રો દ્વારા અણુશસ્ત્રો વિકસાવવા પરના પ્રતિબંધ ઉપરાંત શસ્ત્રનિયંત્રણ માટે અમેરિકા તથા રશિયા જેવાં શક્તિશાળી રાષ્ટ્રોએ પ્રયાસો આરંભ્યા.

શસ્ત્રનિયંત્રણ એટલે લશ્કરી સામર્થ્ય જમાવવા, ફેલાવવા અને ઉપયોગમાં લેવાની બાબતમાં સંયમ વાપરવો. વળી તેમાં મુત્સદ્દીઓ સંયમિત આચરણ કરવા પ્રેરાય એવાં એટલે કે કટોકટી હલ કરવાની (crisis management) પ્રયુક્તિઓ વિકસાવવી વગેરે જેવાં પગલાં પણ આવરી લેવાયાં છે.

નિ:શસ્ત્રીકરણ એક પ્રક્રિયા છે અને પરિણામ પણ છે. પ્રક્રિયા તરીકે તેમાં પ્રચલિત યુદ્ધ-પ્રણાલી બાબત નિવારણ, ઘટાડો કે નાબૂદીનાં પગલાં અપનાવવાનો સમાવેશ થાય છે. પરિણામ રૂપે તેમાં શસ્ત્રવિહીન વિશ્વની સ્થાપના તથા ત્યારબાદ ફરીથી શસ્ત્રીકરણ થતું અટકાવવાનાં પગલાંનો સમાવેશ થાય છે. નિ:શસ્ત્રીકરણ પ્રાદેશિક હોય કે વૈશ્વિક હોય; તે એકપક્ષી હોય, દ્વિપક્ષી હોય કે બહુપક્ષી હોય. તે આંશિક હોય કે સંપૂર્ણ. તે અમુક જ શસ્ત્રપ્રણાલી પૂરતું સીમિત હોય અથવા તમામ શસ્ત્રપ્રકારો માટે પણ હોય. આ પરથી એટલું ફલિત થાય છે કે આ તમામ પ્રકારોમાં સર્વગ્રાહી તથા સંપૂર્ણ નિ:શસ્ત્રીકરણ જ સૌથી વિસ્તૃત બની રહે. વિજેતા રાષ્ટ્ર કે રાષ્ટ્રો પરાજિત રાષ્ટ્રને તત્કાળ નિ:શસ્ત્ર બનાવી દે; ઘણે ભાગે પાછળથી શાંતિ-કરાર કે સંધિ દ્વારા તેનું સમર્થન કરાય. પરાજિત રાષ્ટ્રને અમુક પ્રકારનાં કે અમુક પ્રમાણમાં નિર્ધારિત કક્ષાનાં શસ્ત્રો પ્રાપ્ત કરવાનો પ્રતિબંધ પણ ફરમાવવામાં આવે.

અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન તથા ફ્રાન્સ અણુશસ્ત્રો તથા તે શસ્ત્રોનો પ્રયોગ કરવાનાં સાધનો ધરાવે છે. ભારત, પાકિસ્તાન, ઇઝરાયલ તથા જર્મની જેવા કેટલાક દેશો અણુશસ્ત્રો વિકસાવવાની જાણકારી ધરાવે છે અને/અથવા આવાં શસ્ત્રો ધરાવે છે એવું મનાય છે.

અણુશસ્ત્રોની વિનાશક શક્તિ બીજા દેશોના હાથમાં ન પહોંચી જાય તે માટે અમેરિકા જેવાં રાષ્ટ્રોએ ‘અણુશસ્ત્રોના બિનપ્રસારની સંધિ’ (Treaty on the Non-Proliferation of Nuclear Weapons) ઘડી કાઢી છે. તેની મુખ્ય બાબતો આ પ્રમાણે છે : અણુશસ્ત્રોના બિન-પ્રસારની સંધિ : કલમ 1 : આ સંધિમાં જોડાનાર દરેક અણુશસ્ત્રધારી રાષ્ટ્ર કોઈ પણ અન્ય રાષ્ટ્રને અણુશસ્ત્રોનું અથવા અન્ય કોઈ સ્ફોટક અણુ-પ્રયુક્તિનું કે આવાં અણુશસ્ત્રો અથવા આવી સ્ફોટક પ્રયુક્તિ પરત્વેના નિયંત્રણનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હસ્તાંતરણ (transfer) નહિ કરવાની બાંયધરી આપે છે તેમજ અણુશસ્ત્ર નહિ ધરાવતા કોઈ પણ રાજ્યને અણુશસ્ત્રો કે અન્ય કોઈ સ્ફોટક અણુ-પ્રયુક્તિ બનાવવા અથવા પ્રાપ્ત કરવામાં કે આવાં અણુશસ્ત્રો કે આવી સ્ફોટક પ્રયુક્તિ પરત્વે નિયંત્રણ પ્રાપ્ત કરવામાં કોઈ પણ રીતે સહાય, પ્રોત્સાહન કે પ્રલોભન નહિ આપવાની બાંયધરી આપે છે.

કલમ 2 : આ સંધિમાં જોડાનાર અને અણુશસ્ત્ર નહિ ધરાવનાર દરેક રાષ્ટ્ર કોઈ પણ હસ્તાંતરણકર્તા પાસેથી અણુશસ્ત્રોનું કે અન્ય કોઈ સ્ફોટક અણુ-પ્રયુક્તિનું અથવા આવાં અણુશસ્ત્રો કે અન્ય કોઈ સ્ફોટક અણુ-પ્રયુક્તિ પરત્વેના નિયંત્રણનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હસ્તાંતરણ નહિ સ્વીકારવાની બાંયધરી આપે છે તેમજ અણુશસ્ત્રો કે અન્ય કોઈ સ્ફોટક અણુપ્રયુક્તિઓ નહિ બનાવવાની કે અન્ય કોઈ રીતે પ્રાપ્ત નહિ કરવાની તથા અણુશસ્ત્રો કે અન્ય કોઈ સ્ફોટક અણુ-પ્રયુક્તિઓ બનાવવામાં કોઈ સહાય નહિ માગવાની કે નહિ મેળવવાની બાંયધરી આપે છે.

કલમ 3 : (1) આ સંધિમાં જોડાનાર અને અણુશસ્ત્ર નહિ ધરાવનાર દરેક રાષ્ટ્ર અણુશસ્ત્રોના શાંતિમય ઉપયોગની કેવળ ખરાઈ અંગેના હેતુસર, ‘આંતરરાષ્ટ્રીય અણુ-ઊર્જા સંગઠન’ (International Atomic Energy Agency –  IAEA) સાથે ચર્ચાવિચારણા કરીને ઠરાવાયેલી સુરક્ષા વ્યવસ્થા સ્વીકારવાની બાંયધરી આપે છે.

(2) સંધિમાં જોડાનાર દરેક રાષ્ટ્ર (ક) વિશિષ્ટ અણુસ્ફોટક સામગ્રી કે સાધન અથવા (ખ) વિશિષ્ટ રીતે ડિઝાઇન કરાયેલ કે નિર્માણ કરાયેલ સરંજામ કે સામગ્રી વિશિષ્ટ અણુપ્રસ્ફોટક સામગ્રીની પ્રક્રિયા, ઉપયોગ કે નિર્માણ માટે કોઈને પૂરાં નહિ પાડવાની બાંયધરી આપે છે અને એ અંગે આ કલમની સુરક્ષા-વ્યવસ્થા તેને બંધનકર્તા રહે છે.

(3) આ કલમમાં ઠરાવાયેલા સુરક્ષાપ્રબંધનો અમલ આ સંધિની કલમ 4ને સુસંગત રહે એ રીતે થવો જોઈએ અને વૈજ્ઞાનિક તથા ટૅકનૉલૉજિકલ વિકાસ માટેના શાંતિપૂર્ણ અણુ-સહકારને તે બાધક બનવો ન જોઈએ.

(4) આ સંધિમાં સહી કરનારાં અને અણુશસ્ત્રો નહિ ધરાવનારાં રાષ્ટ્રોએ આ કલમની જોગવાઈઓનું પાલન કરવા, આ સંધિના અમલ માટે સંમત થયાની મૂળ તારીખથી 180 દિવસની અંદર ‘આંતરરાષ્ટ્રીય અણુ-ઊર્જા સંગઠન’ સાથે વ્યક્તિગત રીતે કે બીજા રાજ્ય સાથે સમૂહ રૂપે કરાર કરી લેવા.

કલમ 4 : (1) આ સંધિની કોઈ પણ જોગવાઈનું અર્થઘટન, આ સંધિમાં સહી કરનારાં તમામ પક્ષકાર રાષ્ટ્રોનો શાંતિપૂર્ણ હેતુઓ માટે અણુ-ઊર્જાના વિકાસ, સંશોધન, ઉત્પાદન તથા ઉપયોગ કરવાનો હક જોખમાય એ રીતે કરવામાં નહિ આવે.

(2) અણુ-ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ માટેનાં સાધનસરંજામ, સામગ્રી તેમજ વૈજ્ઞાનિક અને ટૅકનૉલૉજિકલ માહિતીના બને તેટલા સંપૂર્ણ વિનિમય માટે, આ સંધિનાં સૌ પક્ષકાર રાજ્યો સગવડ કરી આપવા બંધાય છે અને એવા વિનિમયમાં સહભાગી થવાનો પણ એ સૌ પક્ષકારોને હક રહેશે.

કલમ 5 : અણુ–અખતરા શાંતિપૂર્ણ રીતે પ્રયોજવા માટેની પ્રક્રિયા તથા નિરીક્ષણ સુવિધા, અણુશસ્ત્રો નહિ ધરાવતા સંધિ પક્ષકારોને આ સંધિની જોગવાઈ અનુસાર વધુ ને વધુ સુલભ થઈ શકે તે માટે આ સંધિના પ્રત્યેક પક્ષકાર યોગ્ય પગલાં લેવાની બાંયધરી આપે છે.

કલમ 6 : અણુશસ્ત્ર-દોડ વહેલી તકે રોકવા તથા અણુ-નિ:શસ્ત્રીકરણ પ્રયોજવાને લગતાં અસરકારક પગલાં લેવા બાબતમાં પ્રત્યેક સંધિ-પક્ષકાર પ્રામાણિકપણે વાટાઘાટો ચાલુ રાખવા બાંયધરી આપે છે.

કલમ 7 : આ સંધિની કોઈ પણ જોગવાઈથી, સંપૂર્ણ અણુ-નિ:શસ્ત્રીકરણ માટે પ્રાદેશિક સંધિઓ કરવા અંગે રાષ્ટ્રોના કોઈ જૂથના હકને બાધ આવશે નહિ.

કલમ 8 : (1) આ સંધિના કોઈ પણ પક્ષકાર આ સંધિમાં સુધારો સૂચવી શકશે. આવો સૂચિત સુધારો સંધિધારક સરકારોને મોકલવાનો રહેશે અને એ સરકારે સંધિના સૌ પક્ષકારોને તે પરિપત્રિત કરવાનો રહેશે. સંધિધારક સરકારે સંધિના સૌ પક્ષકારોને નિમંત્રણ પાઠવી સંમેલન બોલાવવાનું રહેશે. આવું સંમેલન બોલાવવા સંધિધારક સરકારને 1/3 સભ્ય-દેશોનો ટેકો મળવો જોઈએ.

(2) આ સંધિમાં કોઈ પણ સુધારો કરવા માટે, આ સંધિનાં પક્ષકાર બનેલાં અણુશસ્ત્રધારી તમામ રાષ્ટ્રોના મત સહિત તમામ સભ્ય-રાષ્ટ્રોના મત પૈકી બહુમતીથી નિર્ણય લઈ શકાશે.

(3) આ સંધિના અમલનાં પાંચ વર્ષ પછી, સંધિના પક્ષકારોની જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે પરિષદ યોજવાની રહેશે જેથી આ સંધિના ઉદ્દેશ તથા હેતુ ફળીભૂત થયા છે કે કેમ તેની ખાતરી કરવા આ સંધિના અમલની સમીક્ષા કરી શકાય.

કલમ 9 : (1) આ સંધિ સહી કરવા સારુ સૌ રાષ્ટ્રો માટે ખુલ્લી રખાશે.

(2) આ સંધિ, તેમાં સહી કરનારાં રાષ્ટ્રોની સંમતિને અધીન રહેશે.

(3) જે રાષ્ટ્રોની સરકાર નિર્દિષ્ટ સંધિધારક હોય તે રાષ્ટ્રોની સંમતિ મળ્યા પછી આ સંધિ અમલમાં આવશે. અણુશસ્ત્રધારી રાજ્ય એટલે અણુશસ્ત્રનું કે અન્ય કોઈ અણુસ્ફોટક સામગ્રીનું 1 જાન્યુઆરી, 1967 પહેલાં ઉત્પાદન કે સ્ફોટન કર્યું હોય એવું રાષ્ટ્ર.

કલમ 10 : (1) કોઈ પક્ષકાર રાષ્ટ્રને એમ લાગે કે સંધિની જોગવાઈઓને લગતી કોઈ અસામાન્ય ઘટનાઓને પરિણામે પોતાના દેશનાં સર્વોચ્ચ હિતો જોખમાયાં છે તો સંબંધિત રાષ્ટ્રને પોતાના રાષ્ટ્રીય સાર્વભૌમત્વની રૂએ સંધિમાંથી નીકળી જવાનો હક રહેશે.

(2) આ સંધિના અમલનાં 25 વર્ષ પછી, આ સંધિ અનિશ્ચિત મુદત માટે ચાલુ રાખવી કે વધારાના નિયત સમય માટે જ લંબાવવી તે નક્કી કરવા સંમેલન બોલાવવાનું રહેશે. આ અંગેનો નિર્ણય સંધિના પક્ષકારોની બહુમતીથી લેવાશે.

કલમ 11 : અંગ્રેજી, રશિયન, ફ્રેન્ચ, સ્પૅનિશ અને ચીની ભાષામાં એકસરખા અધિકૃત પાઠ ધરાવતી આ સંધિ, સંધિકારક સરકારોના દફતરસંગ્રહમાં રાખવાની રહેશે અને તેની યોગ્ય રીતે પ્રમાણિત કરેલી નકલો અન્ય સભ્યોને પણ મોકલવાની રહેશે.

કેવળ નામ પૂરતાં સમકક્ષ જણાતાં રાષ્ટ્રો યુદ્ધની તાકાતનું પારખું કર્યા વિના, મંત્રણા દ્વારા સમજૂતી કરવા માગે તો તેમાં જુદા જ અભિગમની આવશ્યકતા રહે અને તેનું પરિણામ પણ જુદું જ આવે. આવી સમજૂતીમાં પક્ષકારોએ એટલું સ્વીકારી લેવું પડે છે કે શસ્ત્રસ્પર્ધા કરતાં પરસ્પર સહકાર ઇચ્છનીય છે. આવી આપલે વખતે, પોતાનું પલ્લું સતત નમતું રહે તેવી વ્યૂહરચનાથી જ પહેલ કરાય છે અને સમજૂતીનાં ક્ષેત્રો તરફથી આંશિક કે મર્યાદિત પગલાં લેવા તરફ આગળ વધવાનું વલણ રખાય છે. પ્રમાણભેદે આ શસ્ત્રનિયંત્રણ જ છે. કેટલાય દાખલામાં એવું બન્યું છે કે રાજકારણીઓ તથા મુત્સદ્દીઓએ આવી બે પ્રકારની વિચારસરણીની સેળભેળ કરવાથી તાત્વિક મૂંઝવણ ઉકેલવામાં મુશ્કેલી પડી છે. સંપૂર્ણ નિ:શસ્ત્રીકરણના પુરસ્કર્તા તથા શસ્ત્રનિયંત્રણના પુરસ્કર્તા એ બંને વચ્ચે મૂળગામી તફાવત હોય તો તે શસ્ત્રસ્પર્ધા તથા તે પ્રત્યેના વલણના કારણે; કેમ કે શસ્ત્રનિયંત્રણવાદીઓ એમ માને છે કે શસ્ત્રસ્પર્ધાની ગતિવિધિ તંગદિલી વધારે છે, હિંસા પ્રેરે છે. ટૂંકમાં, શસ્ત્રદોડ સંઘર્ષ તથા હિંસાનું કેવળ એકાદ છૂટુંછવાયું લક્ષણ નથી, એક સાર્વત્રિક ઘટના છે. કેટલીક વાર તંગદિલી નિવારવાની પદ્ધતિ સમા નિ:શસ્ત્રીકરણના કારણે જ તંગદિલી સર્જાતી હોય એવું બને છે.

ઘણા દેશોએ આ સંધિ પર સહી કરી છે, ભારત પણ તેમાં જોડાયું છે; પરંતુ તે પૂર્વે અણુસત્તાઓની જ તરફદારી કરનારી કૉમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બાન ટ્રીટી(CTBT)ની મંજૂરી સામે પણ ભારતે પોતાના વિશેષ મતાધિકાર(veto)નો ઉપયોગ કર્યો હતો.

હસમુખ માણેકલાલ પટેલ

અનુ. મહેશ ચોકસી