નિવાસી કરદાતા : આવકવેરાનો વ્યાપ નિશ્ચિત કરવા માટે ભારતમાં કરેલા વસવાટના આધારે વર્ગીકૃત કરેલા કરદાતાઓમાંનો એક વર્ગ. જે વ્યક્તિ કોઈ પણ નાણાકીય વર્ષમાં 182 દિવસ અથવા વધારે ભારતમાં રહી હોય તો તે નિવાસી (resident) બને છે, અથવા ચાલુ વર્ષમાં 60 દિવસ અથવા વધારે અને ચાલુ વર્ષની પહેલાંનાં ચાર વર્ષના 365 દિવસ અથવા વધારે ભારતમાં રહી હોય તો તે પણ નિવાસી બને છે. આ છેલ્લી બાબતના બે અપવાદ છે. જો ભારતીય નાગરિક નોકરી માટે અથવા ભારતીય વહાણના કાફલાના સભ્ય તરીકે ભારત બહાર જાય તો 60ને બદલે 182 દિવસ જરૂરી છે. તેવી જ રીતે મૂળ ભારતીય અથવા ભારતીય નાગરિક જે ભારત બહાર રહેલો હોય તે ભારતની મુલાકાતે આવે તો 60ને બદલે 150 દિવસ જરૂરી છે. જે વ્યક્તિ ચાલુ વર્ષમાં નિવાસી હોય, ચાલુ વર્ષ પહેલાંનાં 7 વર્ષમાં 730 દિવસ ભારતમાં રહી હોય અને ચાલુ વર્ષ પહેલાંનાં 10 વર્ષમાંથી 9 વર્ષમાં નિવાસી હોય એમ આ ત્રણેય શરતોનું પાલન કરે તો તે સામાન્ય નિવાસી ગણાય છે. જે નિવાસીની શરતો પૂર્ણ ન કરે તે બિનનિવાસી (non-resident) ગણાય છે. રહીશ અને સામાન્ય નિવાસી માટે ભારતમાં ઉદભવેલી અથવા મળેલી તથા પરદેશમાં ઉદભવેલી કે મળેલી આવક કરપાત્ર છે.
ભાઈલાલભાઈ ઠક્કર