નિર્વાત પટ્ટા (doldrums) : મંદ ગતિના સમુદ્રના પ્રવાહ અને હળવા પવનોનો વિષુવવૃત્તીય વિસ્તાર. આ વિસ્તારમાં ઉત્તર ગોળાર્ધના ઈશાની વ્યાપારી પવનો અને દક્ષિણ ગોળાર્ધના અગ્નિ દિશાના વ્યાપારી પવનો વાય છે. વિરુદ્ધ દિશાના આ બે પવનોના મિલનથી અત્યંત મંદ ગતિના પવન ઉત્પન્ન થાય છે. પહેલાંના સમયમાં, સઢવાળા વહાણના ખલાસીઓ આ વિસ્તારમાંથી પસાર થતાં  ડરતા હતા કારણ કે મંદ પવનને લીધે તેમનાં વહાણની ગતિ ધીમી પડી જતી હતી.

હિંદી મહાસાગર તથા પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં નિર્વાત વાયુપટ્ટા વિષુવવૃત્તની સમાંતરે હોય છે જ્યારે આફ્રિકા અને મધ્ય અમેરિકાના પશ્ચિમ કિનારે તેમનું સ્થાન વિષુવવૃત્તથી થોડું દૂર હોય છે. વાતાવરણવિજ્ઞાનમાં હવે નિર્વાત વાયુપટ્ટા સામાન્ય રીતે આંતર-ઉષ્ણકટિબંધીય અભિસારી પટ્ટા(Inter-Tropical Convergence Zones  ITCZ)ના નામથી ઓળખાય છે. હવાની ગતિ અભિસારી પ્રકારની હોય ત્યારે એ ઉપર ચઢે છે અથવા નીચે ઊતરે છે. વિષુવવૃત્તીય વિસ્તારમાં ગરમ થયેલાં ભૂમિ અથવા સમુદ્રને લીધે નીચલા સ્તરની હવા ગરમ હોય છે તેથી તેને ઉપરની દિશામાં વધારે ગતિ મળે છે. ઉપર જતી હવા ઠંડી થવાથી તેની ભેજ-ગ્રહણ-શક્તિ ઘટી જાય છે. આ કારણથી આ વિસ્તારની મુખ્ય લાક્ષણિકતા અધિક પ્રમાણમાં વાદળ અને વરસાદ છે. આ વાદળો આ  વિસ્તારમાં છૂટાંછવાયાં જોવા મળે છે.

દક્ષિણ-પશ્ચિમની વર્ષાઋતુમાં હિંદી મહાસાગરનો અભિસારી પટ્ટો (Convergence Zone) ખૂબ અશાંત (disturbed) હોય છે. ઉપગ્રહ દ્વારા મળતાં વાદળ-ચિત્રોમાં કોઈ વખત આ વિસ્તારમાં બે સ્પષ્ટ અભિસારી પટ્ટા જોવા મળે છે; એક વિષુવવૃત્તની ઉત્તરમાં અને બીજો, થોડો અસ્પષ્ટ, દક્ષિણમાં.

પ્રકાશચંદ્ર ગોવર્ધન જોશી

પરંતપ પાઠક