નિર્જલન (dehydration) : શરીરમાંનો પાણીનો પુરવઠો ઘટવો તે. ખરેખર તો તે એક છેતરે એવી સંજ્ઞા છે, કેમ કે સામાન્ય રીતે એકલા પાણીની ઊણપ હોતી નથી, પરંતુ સાથે સાથે ક્ષારની પણ ઊણપ હોય. ક્ષાર અને પાણીની ઊણપ એકસરખી હોય અથવા ન પણ હોય. તેથી નિર્જલનના 3 પ્રકાર ગણાય છે : (અ) સોડિયમ કરતાં પાણીનો વધુ ઘટાડો, (આ) પાણી કરતાં સોડિયમનો વધુ ઘટાડો અને (ઇ) પાણી અને સોડિયમનો સપ્રમાણ ઘટાડો.
(અ) સોડિયમ કરતાં પાણીનો વધુ ઘટાડો હોય એવું નિર્જલન: તે સૌથી જોખમી પ્રકારનું નિર્જલન છે. તે મુખ્યત્વે પાણી ઓછું પીવાને કારણે થાય છે. અશક્ત કે બેભાન દર્દીઓમાં તે વધુ જોવા મળે છે. મધુપ્રમેહના દર્દીમાં લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે છે. અને તેથી વધુ પ્રમાણમાં પેશાબ થાય છે. તેમાં પણ ક્ષાર કરતાં પાણી વધુ જાય છે. મધુપ્રમેહને કારણે થતી અતિઅમ્લતા(acidosis)માં આ પ્રકારનું નિર્જલન થાય છે. ઝાડા થયા હોય તેવા દર્દીને સારવાર રૂપે ઘરે વધુ ક્ષારવાળું પ્રવાહી આપવાથી પણ આ સ્થિતિ થાય છે. ગંભીર ઈજા થયેલી હોય ત્યારે શરૂઆતના તબક્કામાં પ્રોટીન-નાઇટ્રોજનનો સંગ્રહ કરવાની ક્ષમતા ઘટે છે. તે સમયે વધુ પડતો પ્રોટીનયુક્ત ખોરાક યુરિયાનું ઉત્પાદન વધારે છે, જે પેશાબ દ્વારા બહાર જાય ત્યારે મુખ્યત્વે વધુ પડતા પાણી સાથે બહાર જાય છે. પાણીનો આમ વિવિધ રીતે વધુ પડતો નિકાલ અને ઓછા પ્રમાણમાં થયેલી ઉપલબ્ધિ નિર્જલન કરે છે, જે મૂળ વિકારને વધુ તીવ્ર બનાવે છે. તેમાં વળી તેનું નિદાન સામાન્ય રીતે મોડું થાય છે.
અતિમૂત્રમેહ (diabetes insipidus) નામનો એક વ્યાધિ કેન્દ્રીય ચેતાતંત્રના રોગો અને વિકારોમાં જોવા મળે છે. તેમાં મૂત્રનલિકાઓ (renal tubules) દ્વારા પાણીનું પુન:શોષણ ઘટે છે. તેથી પુષ્કળ પ્રમાણમાં અલ્પસાંદ્રિત (dilute) પેશાબ ઉત્પન્ન થાય છે. તેની સારવારમાં પિટ્રેસિનનો ઉપયોગ થાય છે. પુષ્કળ ગરમી પડે ત્યારે પરસેવા દ્વારા ક્ષાર કરતાં પાણીનો વ્યય વધુ થાય છે. જોકે આ સમયે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવામાં આવે અને ક્ષાર ન લેવામાં આવે અને છતાંયે જો નિર્જલન રહી જાય તો તેવા નિર્જલનમાં પાણી કરતાં ક્ષારની ખોટ વધુ રહી ગયેલી જોવા મળે છે. આમ પાણી ગુમાવવાનાં કારણો તથા તેથી સારવારમાં વપરાયેલ પ્રવાહીનું કદ અને તેમાં ક્ષાર-પાણીનું પ્રમાણ તેની અંતિમ સ્થિતિ નક્કી કરે છે.
જ્યારે પણ ક્ષાર કરતાં પાણી વધુ ગુમાવેલું હોય ત્યારે લોહીની આસૃતિ (osmolality) વધે છે અને તેમાં સોડિયમ આયનોનું પ્રમાણ પણ વધે છે. તેને અતિસોડિયમ-રુધિરતા (hypernatraemia) કહે છે. તેની તીવ્રતાને આધારે યોગ્ય પ્રમાણમાં મોં વાટે એકલું પાણી કે નસ વાટે અલ્પ-આસૃતિમય ક્ષારજળ (hypotonic saline) અપાય છે. નસ વાટે 5 % ડેક્સટ્રોઝવાળું પ્રવાહી અપાતું નથી, કેમ કે તેનું આસૃતિબળ વધુ હોય છે.
(આ) પાણી કરતાં સોડિયમનો ઘટાડો વધુ હોય એવું નિર્જલન : પેટમાં બંને મૂત્રપિંડોની ટોચ પર અધિવૃક્ક (adrenal) નામની ગ્રંથિઓ આવેલી છે. તેના બહારના પડને બહિ:સ્તર (cortex) કહે છે. અધિવૃક્ક ગ્રંથિના બાહ્યકનું કાર્ય ઘટે ત્યારે તેના અંત:સ્રાવોનું પ્રમાણ ઘટે છે. તે વિકારને અધિવૃક્કબાહ્યક અપર્યાપ્તતા (adrenocortical insufficiency) કહે છે. તેમાં આ પ્રકારનું નિર્જલન જોવા મળે છે. તેના પાછલા તબક્કામાં લોહીમાંનું સોડિયમ પણ ઘટે છે. તેને શાસ્ત્રીય રીતે અલ્પસોડિયમરુધિરતા (hyponatraemia) કહે છે. આ વિકારમાં લોહીમાં નિર્જલન હોવાને કારણે લોહીનું કદ ઘટે છે. મૂત્રપિંડમાં તેનું ગાળણ ઘટે છે અને તેથી તેમાં ઝેરી પદાર્થો વધે છે (મૂત્રવિષ રુધિરતા, azothermia); અને પેશાબનું પ્રમાણ ઘટે છે; પરંતુ તે સમયે કોષોમાં પાણીનો ભરાવો થયેલો હોય છે (અતિજલાન્વિતતા, over-hydration), તે સમયે લોહીમાં પોટૅશિયમનું પ્રમાણ પણ વધે છે. દર્દીનું લોહીનું દબાણ ઘટે છે, ગ્લુકોઝ ઘટે છે અને તે તેની સભાનતા ગુમાવે છે. સારવારમાં જરૂરી અંત:સ્રાવો અને શર્કરા ઉપરાંત નસ વાટે પુષ્કળ પ્રમાણમાં અને ઘણી જ ઝડપથી ક્ષાર અને પાણી અપાય છે. જોકે ઓછા આસૃતિદાબવાળું દ્રાવણ ન અપાય તેનું ધ્યાન રખાય છે.
લાંબા સમયની મૂત્રપિંડની નિષ્ફળતાને દીર્ઘકાલીન મૂત્રપિંડી અપર્યાપ્તતા (chronic renal insufficiency) પણ કહે છે. તેમાં પણ ક્યારેક શરીરમાં ક્ષારને જાળવી રાખવામાં મુશ્કેલી પડે છે. વ્યક્તિને મીઠું ખાવાનું ઘટાડવાનું કહેવામાં આવે ત્યારે આ વિકાર છતો થાય છે. તેથી મૂત્રપિંડની નિષ્ફળતાના દર્દીમાં ક્ષાર ન ખાવાનું સૂચવતા પહેલાં આ વિકારની સંભાવના ચકાસી લેવાનું સૂચવાય છે.
(ઇ) પાણી અને ક્ષારનો સપ્રમાણ ઘટાડો હોય તેવું નિર્જલન : સામાન્ય રીતે જઠર–આંતરડાંમાંથી ઝાડા-ઊલટી રૂપે જ્યારે પ્રવાહી બહાર જતું રહે ત્યારે પાણી અને ક્ષારનો લગભગ સમાન ઘટાડો થાય છે; પરંતુ ત્યારબાદ દર્દી તેને માટે શું પ્રતિભાવ રૂપે કરે છે તેને આધારે વધુ પાણી કે વધુ ક્ષારના ઘટાડાવાળું નિર્જલન થાય છે. જો દર્દી મોં વાટે કે નસ વાટે પ્રવાહી ન લે તો તેનો પરસેવા દ્વારા અજ્ઞાત પ્રસ્વેદ (insensible perspiration) અને પેશાબ દ્વારા તે ક્ષાર કરતાં પાણી વધુ ગુમાવે છે. જો તે દર્દી પાણી પીધા કરે અને ઊલટીઓ થયા કરે તો ક્ષારનો ઘટાડો વધી જાય છે. આમ ઝાડા-ઊલટીના દર્દીને અપાતી ક્ષાર-પાણીની સારવાર યોગ્ય પ્રમાણ અને યોગ્ય કક્ષાની હોવી જરૂરી ગણાય છે. જ્યારે શરીરમાંથી બાયકાર્બોનેટ આયનો (HC ) પુષ્કળ પ્રમાણમાં બહાર નીકળી જાય છે ત્યારે દેહવ્યાપી અતિઅમ્લતા (systemic acidosis) થાય છે. જઠરના આંતરડા તરફના છેડા તરફ અવરોધ થયેલો હોય તો ઊલટીમાં પાણીની સાથે હાઇડ્રોજન અને ક્લોરાઇડના આયનો પણ શરીરમાંથી નીકળી જાય છે. લાંબા સમય સુધી ઝાડા થાય તો પાણી સાથે મૅગ્નેશિયમ આયનો પણ ઘટે છે. તેથી પ્રયોગશાળાકીય તપાસમાં લોહીમાં પ્રોટીન, યુરિયા, ક્રિએટિનિન તથા ઇલેક્ટ્રૉલાઇટ્સનું પ્રમાણ, લોહીનું pH મૂલ્ય તથા લોહીમાંનો કાર્બન-ડાયૉક્સાઇડનો આંશિક દાબ જાણવામાં આવે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, ઝાડાની તપાસ તથા કૉલેરાના નિદાન માટેની તપાસ પણ કરાય છે. આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈને સારવાર નિશ્ચિત કરાય છે.
સારવાર : નિર્જલનની સારવારમાં યોગ્ય પ્રમાણમાં મોં વાટે, નસ વાટે કે પરિતનગુહામાં પાણી અને ક્ષાર આપવામાં આવે છે. નિર્જલન કરતા મૂળ કારણરૂપ વ્યાધિની સારવાર પણ જરૂરી બને છે. નિર્જલનની સાથે જો લોહી કે શરીરના phમાં થયેલા ફેરફારથી અતિઅમ્લતા કે અતિઆલ્કલિતા(alkalosis)ના વિકારો થયેલા હોય તો તેની પણ યોગ્ય સારવારની જરૂર પડે છે. તે ઉપરાંત દર્દીના પોષણની સ્થિતિની જાણકારી પણ નોંધવામાં આવે છે. કુપોષણ હોય તો કૅલરીયુક્ત આહાર અપાય છે. ભૂખમરો કરવાથી આંતરડાની ક્ષમતા ઘટે છે. માટે તે ન થાય તે ખાસ જોવાય છે. ઝાડા મટતા હોય ત્યારે વધુ આહાર અપાય છે. અને સ્તન્યપાન છોડાવાતું હોય તો આહારમાં તેલ/ઘી પણ ઉમેરાય છે.
સારણી 1 : નિર્જલનનું નિદાન
લક્ષણ અને ચિહન |
અલ્પ નિર્જલન | મધ્યમ નિર્જલન |
તીવ્ર નિર્જલન |
|
1. | ઝાડા | 4થી ઓછા | 4થી 10 | 10થી વધુ |
2. | ઊલટી | ક્યારેક | થોડીક | વારંવાર |
3. | સામાન્ય સ્થિતિ | સજાગ બાળક | અકળાયેલું અને ઘેનમાં | ઘેનમાં કે બેભાન
|
4. | પેશાબ | સામાન્ય | સામાન્ય | 6 કલાકમાં પેશાબ ન થયો હોય |
5. | માથામાં આગળનો પોચો ભાગ (અગ્ર કપાલી પટલ, anterior fontanel) | સામાન્ય | દબાયેલો | દબાયેલો |
6. | આંસુ | હોય | હોય | ન હોય |
7. | આંખો | સામાન્ય | ઊંડી ઊતરેલી | પુષ્કળ ઊંડી ઊતરેલી |
8. | મોંની શ્લેષ્મકલા | સામાન્ય | સૂકી | સૂકી |
9. | ચામડીની સ્થિતિસ્થાપકતા | સામાન્ય | ઘટેલી | ખૂબ ઘટેલી |
10. | નાડી | સામાન્ય | સામાન્ય | ઝડપી |
11. | લોહીનું દબાણ | સામાન્ય | સામાન્યથી ઓછું | ઓછું |
12. | શ્વસન-દર | સામાન્ય | વધુ | વધુ |
13. | વજનનો ઘટાડો | 4 % થી 5 % | 6 %થી 9 % | 10 %થી વધુ |
14. | પ્રવાહીની અંદાજિત તૂટ | 40થી 50 મિલિ./કિગ્રા. વજન | 60થી 90 મિલિ./કિગ્રા. વજન | 100થી 110 મિલિ./કિગ્રા. વજન |
બાળકોમાં નિર્જલન : નિર્જલન કોઈ પણ ઉંમરે થાય છે; પરંતુ તે બાળકોમાં વધુ વખત અને ઝડપથી થતું જોવા મળે છે. વળી તે તેમના જીવન માટે સંકટરૂપ પણ બની રહે છે. સામાન્ય રીતે ચાર મહિનાની ઉંમર સુધી સ્તન્યપાન (breast-feeding) કરતા બાળકને વધારાના પાણીની જરૂર પડતી નથી. તેથી ઉનાળામાં માતાને તેના બાળકને વધુ વખત સ્તન્યપાન કરાવવાનું સૂચવાય છે. બાળકને મોં વાટે અપાતું પાણી ચોખ્ખું અને એક વખત ગરમ કરેલું હોવું જોઈએ એવું મનાય છે. જો બાળકને ઝાડા-ઊલટી થાય તો તેને વધારાનાં પાણી અને ક્ષારની જરૂર પડે છે. તેને પુનર્જલન (rehydration) કહે છે. સામાન્ય રીતે તે મોં વાટે કરવાનું સૂચન કરાય છે. તેથી તેને મુખમાર્ગી પુનર્જલન-ચિકિત્સા (oral rehydration theraphy) કહે છે. (જુઓ ‘ક્ષારજળ-ચિકિત્સા’). જો બાળકને સ્તન્યપાન કરાવાતું હોય તો તેના ક્ષારજળ-ચિકિત્સાના પ્રવાહીમાં 2 ભાગ દૂધ ઉમેરીને આપી શકાય છે.
નાના બાળકમાં નિર્જલનનું નિદાન કરવાના કેટલાક સાદા સિદ્ધાંતો છે.
બાળકે જો 4થી 10 વખત પ્રવાહી ઝાડો કર્યો હોય તો મધ્યમ સ્તરનું અને 10થી વધુ વખત પ્રવાહી ઝાડો કર્યો હોય તો તેને તીવ્ર કક્ષાનું નિર્જલન થાય છે. સાથે જો ઊલટી થઈ હોય, તે પાણી ન પી શકતું હોય અને તેણે છેલ્લા 6 કલાકમાં પેશાબ ન કર્યો હોય તો તે તીવ્ર નિર્જલનની સંભાવના ગણાય છે. બાળકનું વધુ પડતું સૂવાનું, સુક્કાં મોં અને ચામડી, માથાના આગલા ભાગમાં ખાડો પડ્યો હોય તેવી સ્થિતિ, ઊંડી ઊતરી ગયેલી સુક્કી આંખો, ચામડીમાં સહેલાઈથી કરચલી પડવી અને તેનું લાંબો સમય ટકી રહેવું, ઝડપી અને ઓછા ઉછાળાવાળી નાડી વગેરે વિવિધ ચિહનો અને લક્ષણો તીવ્ર પ્રકારનું નિર્જલન સૂચવે છે.
સારવાર કે પૂર્વનિવારણ (prevention) રૂપે, જે બાળકને પાતળા ઝાડા થતા હોય તેને ઝડપથી પુષ્કળ પ્રવાહી અપાય છે. તેને ચોખાનું ઓસામણ, ઘેંશ, ચા, સૂપ, તથા સાદું પાણી પુષ્કળ પ્રમાણમાં અપાય છે. તેને ખવડાવતાં રહેવાનું સૂચવાય છે. મુખમાર્ગી ક્ષાર-જલ- સારવાર ઉપરાંત સ્તન્યપાન કરાવતાં રહેવાનું કહેવામાં આવે છે. ક્ષાર-જલ-સારવાર માટે 1 લિટર પાણીમાં 1 ચમચી મીઠું અને 8 ચમચી ખાંડનું દ્રાવણ બનાવાય છે. અથવા 1 લિટર ઉકાળેલા શુદ્ધ પાણીમાં બે ચમચી મીઠું અને ચાર ચપટી ખાંડ તથા ત્રણથી ચાર ટીપાં લીંબુનો રસ નાંખીને પણ દ્રાવણ બનાવાય છે. આવું પ્રવાહી આંખના આંસુ કરતાં સહેજ ઓછું ખારું હોવું જોઈએ એવું ખાસ જણાવાય છે. તેની સાથે ફળનો રસ, નારિયેળનું પાણી, ચોળી કાઢેલું ચોખ્ખું પાકું કેળું પણ અપાય છે. તે જરૂરી પોટૅશિયમ પૂરું પાડે છે. ખાંડને બદલે ધાન્યનો લોટ પણ આપી શકાય. ક્ષાર-જલ-ચિકિત્સાનું પ્રવાહી 5થી 7 મિનિટ ઉકાળીને પછી ઠંડું પાડીને અપાય છે. ઠંડું પડેલું પ્રવાહી બને એટલી ઝડપથી બાળકને અપાય છે. જોકે બાળકને ધાન્યના લોટવાળું પ્રવાહી અપાતું હોય તો તેને દરેક વખતે લોટ ચાળીને જ આપવાનું સૂચવાય છે, જેથી કરીને તે બગડી ગયેલો ન હોય. આ પ્રકારનું પેય (drink) સ્થાનિક રીતનું અને સ્વાદવાળું હોય તે જરૂરી છે. હવે ખાંડ-મીઠું, સોડા અને પોટૅશિયમવાળાં મુખમાર્ગી-પુનર્જલન-ચિકિત્સાનાં પડીકાં મળે છે. તે પડીકાં પર જણાવેલ પ્રમાણ મુજબ પાણીમાં તે દ્રવ્યો ભેળવીને અપાય છે. આવા પેયને પણ 5થી 7 મિનિટ ઉકાળીને પછી આપવું જરૂરી ગણાય છે.
સારવાર કરતાં તેનું પૂર્વનિવારણ વધુ અસરકારક અને તેથી હિતાવહ છે. ઝાડા-ઊલટીની શરૂઆતથી જ આ સારવારની શરૂઆત કરાય તે ઇચ્છવાયોગ્ય છે. પૂર્વનિવારણ માટે 1 લિટર પાણીમાં 2 ચમચી મધ (અથવા ખાંડ) અને 3 ચમચી મીઠું તથા 3 ચમચી સોડા અથવા વધારાનું મીઠું નાંખીને દ્રાવણ બનાવાય છે. તેને લીંબુ મોસંબી કે નારંગીના રસ સાથે લેવાનું સૂચવાય છે. 4થી 6 કલાકમાં કેટલું પુનર્જલન પ્રવાહી આપવું જોઈએ તેનાં સૂચનો સારણી 2માં દર્શાવ્યાં છે :
સારણી 2 : બાળકને આપવાના પુનર્જલન–પ્રવાહીના માપ અંગેનાં સૂચનો
ઉંમર | કિલોગ્રામમાં વજન | 4થી 6 કલાકમાં અપાતા પેય(drink)નું પ્રમાણ |
0થી 7 મહિના | 6 કિગ્રા. કે ઓછું | 200થી 400 મિલિ. (1થી 2 ગ્લાસ) |
7થી 12 મહિના | 6થી 9 કિલોગ્રામ | 400થી 600 મિલિ. (2થી 3 ગ્લાસ) |
1થી 3 વર્ષ | 9થી 13 કિલોગ્રામ | 600થી 800 મિલિ. (3થી 4 ગ્લાસ) |
3થી 8 વર્ષ | 13થી 20 કિલોગ્રામ | 800થી 1000 મિલિ. (4થી 5 ગ્લાસ) |
8થી 15 વર્ષ | 20થી 40 કિલોગ્રામ | 1,000થી 2,000 મિલિ. (1થી 2 લિટર |
16 વર્ષ કે વધુ | 40 કિલોગ્રામથી વધુ | 2,000થી 4,000 મિલિ. (2થી 4 ગ્લાસ) |
ઝાડા-ઊલટી હોય ત્યારે પણ ખોરાકના ગ્લુકોઝ, ઍમિનોઍસિડ જેવા અણુઓ સાથે પાણી તથા સોડિયમ અને અન્ય ક્ષારોનું અવશોષણ ચાલુ રહે છે; માટે મોં વાટે પ્રવાહી અને ક્ષારો આપવાથી નિર્જલન ઘટે છે અને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત પણ ઘટે છે.
સામાન્ય રીતે ઝાડા બંધ થાય ત્યાં સુધી પુનર્જલન-પ્રવાહી અપાયા કરે છે. જો ઊલટીઓ બંધ ન થાય તો તબીબની સહાય લેવી અતિઆવશ્યક ગણાય છે. જો દર્દી વધુ પ્રવાહી માંગે તો તેને તે વધુ અપાય છે; પરંતુ જો દર્દીની આંખ આસપાસ સોજો આવવા માંડે તો પ્રવાહી બંધ કરાય છે અને તબીબની સલાહ લેવાનું અનિવાર્ય બને છે. બાળકની વારંવાર તપાસ કરતાં રહેવાનું સૂચવાય છે. આ ઉપરાંત બાળકની શારીરિક સફાઈ જાળવવી પણ મહત્વની બની રહે છે. બાળકને ઊલટીઓ કે ઝાડા થતાં રહે, તેને પુષ્કળ તરસ લાગ્યાં કરે, તેના ડોળા સુક્કા અને ઊંડા ઊતરેલા હોય, તેને તાવ આવતો હોય, તે પ્રવાહી પી ન શકતું હોય કે તેની તબિયત સુધરતી ન હોય તો તેને હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર અપાય છે.
શિલીન નં. શુક્લ
બિંજન ઉ. ત્રિપાઠી