નિર્ગુણસંપ્રદાય : નિર્ગુણ તત્વમાં આસ્થા રાખનાર લોકોનો સંપ્રદાય. નિર્ગુણ એટલે સત્વ, રજ અને તમ એ ત્રણેય ગુણોથી રહિત એવી અનિર્વચનીય સત્તા, જેને બહુધા પરમતત્વ, પરમાત્મા કે બ્રહ્મ જેવી સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. જ્યાં ગુરુપરંપરાથી ઉપદેશ અપાતો હોય ત્યાં નિર્ગુણ સંપ્રદાયનું તાત્પર્ય એ પ્રકારની શ્રદ્ધા રાખવાનો ઉપદેશ અપાતો હોય એવી પદ્ધતિ અથવા એવા પ્રકારના નિયમોનું પાલન થતું હોય એવા લોકોની વિચારધારાને નિર્ગુણ-મત કહે છે. નિર્ગુણ-મતને માનનારાને નિર્ગુણિયા પણ કહેવામાં આવે છે. વળી આ મતને નિર્ગુણપંથ કે નિર્ગુણ-માર્ગ પણ કહેવામાં આવે છે.

મૂળમાં નિર્ગુણ શબ્દ શ્વેતાશ્વતર ઉપનિષદ(6/11માં અદ્વિતીય દેવ (પરમાત્મા)ના એક વિશેષણ રૂપે પ્રયોજાયો છે, જે બધા ભૂતમાત્રમાં સમાવિષ્ટ છે, જે સર્વવ્યાપી છે, બધાં કર્મોના અધિષ્ઠાતા છે, બધાના સાક્ષી છે તેમજ સહુને ચેતનતત્વ પ્રદાન કરનાર છે અને તે નિરૂપાધિ છે.  ગીતા (13-14)માં કહ્યું છે, જેમાં બધી ઇન્દ્રિયોના ગુણોનો આભાસ છે, પણ જેને કોઈ ઇન્દ્રિય નથી તે સહુથી અલગ રહીને સહુનું પાલન કરે છે અને નિર્ગુણ હોવા છતાં ગુણોનો ઉપભોગ કર્યા કરે છે. વળી (7-12,13) પણ કહ્યું છે કે એમ સમજી લો કે જે કંઈ સાત્વિક, રાજસ કે તામસ ભાવ અર્થાત્ પદાર્થ છે તે બધા મારામાંથી જ પ્રગટ્યા છે, એ બધા મારામાં છે પણ હું એમાં નથી. આ ત્રણ ગુણોથી મોહિત થઈને આ સમગ્ર સંસાર એનાથી પર (અર્થાત્ નિર્ગુણ) એવા મને જાણતા નથી. આથી જે કંઈ ત્રિગુણાત્મક પદાર્થ દેખાય તે મારી ‘ગુણમયી’ માયાના અંશ છે, જ્યારે પરમાત્મા તત્વ તો માયાતીત છે.

વસ્તુતઃ ગુણાતીત હોવાને લઈને તે ‘નિર્ગુણ’ કહેવાય છે. લોકો એને ‘અજર’ અને ‘અમર’ કહે છે, પરંતુ સત્ય તો એ છે કે એ ‘અલખ’ હોવાને કારણે અનિર્વચનીય છે. તેને કોઈ રૂપ નથી તેમ કોઈ વર્ણ પણ નથી તેમ છતાં એ ઘટ-ઘટમાં વ્યાપ્ત છે એ હકીકત છે. તેને ન તો આદિ છે કે ન તો અંત છે. આથી કબીરે હરિને આ બધાથી વિલક્ષણ અર્થાત્ ‘સરગુન’ની અપેક્ષાએ ‘નિરગુનરૂપે’ જ જાણવા યોગ્ય કહ્યા છે.

એમ લાગે છે કે નિર્ગુણ સંપ્રદાય કે નિર્ગુણ પંથનો પહેલ-વહેલો પ્રયોગ સગુણોપાસક ભક્તોના સંપ્રદાયોથી એની ભિન્નતા બતાવવા માટે થયો અને નિર્ગુણ મતના સર્વ પ્રથમ પ્રચારક હોવાને કારણે સંત કબીરને એની સ્થાપનાનું શ્રેય અપાયું છે. પાછળથી નિર્ગુણ મત ધરાવનાર બધા પંથોના અનુયાયી સંતો, ભક્તો વગેરે પણ નિર્ગુણપંથી કહેવાયા. તેથી તેમની કૃતિઓમાં પણ નિર્ગુણધારાનાં તત્વો વ્યક્ત થતાં જોવામાં આવે છે.

પ્રવીણચંદ્ર પરીખ