નિરૂપ્ય–નિરૂપક ભાવ

January, 1998

નિરૂપ્ય–નિરૂપક ભાવ : નવ્યન્યાયમાં સ્વીકારેલા કેટલાક સંબંધોમાંનો એક સંબંધ. નવ્યન્યાયના સ્વરૂપસંબંધનો આ એક ઉપ-પ્રકાર છે. સ્વરૂપ-સંબંધ એટલે જે સંબંધ, સંબંધી પદાર્થોથી ભિન્ન અસ્તિત્વ ધરાવતો નથી તે. ટેબલ અને પુસ્તકનો સંયોગ થાય ત્યારે, સંયોગ નામના ગુણપદાર્થનું સ્વતંત્ર અસ્તિત્વ ન્યાયમાં સ્વીકારાય છે. તંતુ-પટ એ બંને સંબંધી પદાર્થોથી, સમવાય સંબંધનું, ભિન્ન અસ્તિત્વ માનેલ છે; પરંતુ, જ્યારે બે પદાર્થોની વચ્ચે નિરૂપ્ય-નિરૂપક ભાવ હોય ત્યારે, આ સંબંધને સંબંધી પદાર્થોના સ્વરૂપથી ભિન્ન માનવામાં આવતો નથી.

ભીમાચાર્ય ઝળકીકર તેમના ન્યાયકોશમાં ‘નિરૂપક’નું લક્ષણ આ પ્રમાણે આપે છે : જે પદાર્થ દ્વારા, જે વસ્તુ નિરૂપિત થાય, તે પદાર્થ તે વસ્તુનો નિરૂપક કહેવાય. ડૅનિયલ એચ. એચ. ઇન્ગાલ્સ ‘નિરૂપિત’નો અર્થ ‘અમુક દ્વારા વર્ણિત’ એવો આપે છે. આ સંદર્ભમાં તે મહેશચંદ્રની, ‘નિરૂપિત’ શબ્દ ઉપરની બે ટિપ્પણીઓ નોંધે છે : (1) એક દ્વારા બીજો પદાર્થ વિશિષ્ટ બને અને તે રીતે બીજો પદાર્થ નિશ્ચિત થાય છે. (2) એકબીજાની અપેક્ષા રાખે છે અથવા બીજા ઉપર આધારિત હોય છે.

નિરૂપ્ય-નિરૂપક સંબંધને ઉદાહરણ દ્વારા સમજીએ : પર્વતમાં અગ્નિ છે. આ વિધાનમાં પર્વત એ આધાર કે અધિકરણ છે; અગ્નિ એ આધેય (= આધારમાં રહેનાર પદાર્થ) છે. પર્વતમાં આધારતા ધર્મ રહેલો છે; અને અગ્નિમાં આધેયતા છે. હવે આધારતા-આધેયતા એવા ધર્મો છે કે એકને બીજાની અપેક્ષા રહે છે. પર્વત આધાર તરીકે ન હોય તો અગ્નિને આધેય ન કહેવાય. આથી ઊલટું, અગ્નિ આધેય તરીકે ન હોય તો, પર્વતને આધાર ન કહી શકાય. એટલે અહીં પર્વતમાં રહેલી આધારતા એ નિરૂપિત કે નિરૂપ્ય કહેવાય; અને અગ્નિમાં રહેલી આધેયતા એ નિરૂપક બને. અહીં અગ્નિનિષ્ઠ આધેયતા, પર્વતનિષ્ઠ આધારતાને વિશેષ રીતે નિશ્ચિત કરી આપે છે. અર્થાત, આધેય તરીકે રહેલા અગ્નિને સમજવાથી, પર્વતને આધાર કેમ કહ્યો એ વાત સ્પષ્ટ થાય છે. આનાથી ઊલટું અગ્નિનિષ્ઠ આધેયતા પર્વતનિષ્ઠ આધારતાને સમજવાથી સ્પષ્ટ થાય છે. અહીં આધેયતા એ નિરૂપિત અથવા નિરૂપ્ય છે, જ્યારે આધારતા નિરૂપક છે. આમ નિરૂપ્ય-નિરૂપક ભાવ કે સંબંધ, એક પદાર્થને બીજા પદાર્થ દ્વારા વિશેષ રીતે નિશ્ચિત કરી આપે છે. कारणता-कार्यता, विषयता-विषयिता વગેરે પદાર્થોની વચ્ચે નિરૂપ્ય-નિરૂપક સંબંધ રહેલો છે.

લક્ષ્મેશ વ. જોશી