નિરંજન : એજનરહિત અર્થાત્ નિર્લેપ, માયારહિત. ભારતની ઘણી ધર્મસાધનાઓમાં આ શબ્દ સમાનપણે પ્રયોજાય છે. ‘હઠયોગ-પ્રદીપિકા’માં નાદાનુસંધાન પછી સાધકનું ચિત્ત નિરંજનમાં વિલીન થતું હોવાનું જણાવ્યું છે. ‘ગોરક્ષ-સિદ્ધાંત-સંગ્રહ’માં પણ નિરંજનના સાક્ષાત્કારને પરમપદ કહ્યું છે. શાસ્ત્રોમાં એને શૂન્ય, નિરાકાર અન નિષેધાત્મક હોવાનું કહ્યું છે. એ અલખ (અલક્ષ્ય = અવ્યક્ત) હોવાથી તેને ‘અલખ-નિરંજન’ પણ કહેવામાં આવે છે. સિદ્ધોએ આ શબ્દપ્રયોગ શૂન્યરૂપતાના અર્થમાં કર્યો છે. તિલોપાએ કહ્યું છે કે સાધકોએ બધો વખત ‘હઉં જગ, હઉં બુદ્ધ, હઉં નિરંજન’નું સ્મરણ-રટણ કરતા રહેવું જોઈએ. કાણ્હપ્પાએ શૂન્ય તત્વને નિરંજન કહ્યું છે કેમ કે તે અંજન(માયા)રહિત હોય છે.
કબીરે આદિ પુરુષને વૃક્ષ અને નિરંજનને તેની ડાળી કહી છે. ઉત્તરકાળમાં અલખ-નિરંજનને માયાવી માની લેતાં કહેવાયું કે તે સંસાર ઉત્પન્ન કરીને સમગ્ર સંસારને એની ભુલભુલામણીમાં નાખનારું તત્વ છે. નિજાનંદ સંપ્રદાયમાં નિરંજનને મોહતત્વ કહેવામાં આવ્યું છે.
પ્રવીણચંદ્ર પરીખ