નિયમન (control) : વિશિષ્ટ કાર્ય અથવા ઉદ્દેશ અસરકારક રીતે દક્ષતાપૂર્વક પાર પાડવાની ખાતરી આપતી સભાન, આયોજિત, સંકલિત અને સંમિલિત પ્રક્રિયા. ધંધાકીય એકમોનાં વિશાળ કદ, અન્ય ઉત્પાદકો તરફથી હરીફાઈ, સરકારી દરમિયાનગીરી, સામાજિક વિચારસરણીમાં પરિવર્તન, પર્યાવરણના ફેરફારો વગેરે પરિબળોએ નિયમનપ્રક્રિયાની જરૂરિયાત ઊભી કરી છે. ઉત્પાદનપ્રવૃત્તિ, નાણાકીય સંચાલન અને કર્મચારીવિષયક નિર્ણયો નિયમન વગર સફળ થતા નથી. નિયમનપ્રક્રિયાના ક્ષેત્રમાં જમીન, મકાન, યંત્રો, માલસામગ્રી ઇત્યાદિ સાધનોની પ્રાપ્તિ, માહિતીસંચાર, લક્ષ્યો અને પરિણામો વચ્ચે તુલના, નબળાઈઓ અને ભૂલોની ખોજ, તેમને દૂર કરવાના ઉપાય, વિવિધ કાર્યો વચ્ચે સમતુલા, અસરકારક અને દક્ષતાપૂર્વક કાર્ય પાર પાડવાની તકેદારી, લક્ષ્યની દિશામાં પ્રવૃત્તિઓની દોરવણી, ઉદ્દેશોનું સતત મૂલ્યાંકન, ભવિષ્ય તરફ નજર ઇત્યાદિ કામગીરીનો સમાવેશ થાય છે. નિયમનનું કાર્ય સંચાલનની જુદી જુદી સપાટીએ થતું હોય છે. વરિષ્ઠ સપાટીના સંચાલકો વ્યૂહાત્મક બાબતો વિશે આયોજન વ્યવસ્થા અને દોરવણીનાં કાર્ય કરે છે. મધ્ય સપાટીના સંચાલકો તેમના ઉપરીની દોરવણી હેઠળ પ્રયુક્તિલક્ષી સંચાલકીય કાર્યો કરે છે અને તળસપાટીના કર્મચારીઓ વરિષ્ઠ તથા મધ્યસપાટીના સંચાલકોના નિયમન હેઠળ વાસ્તવિક ઉત્પાદન કરે છે.

નિયમનની પ્રક્રિયામાં સામાન્ય રીતે પાંચ ઘટકો અથવા તબક્કા હોય છે : (1) કાર્યપરિણામનાં ધોરણોની સ્થાપના, (2) વાસ્તવિક કાર્યપરિણામનું માપન, (3) આદર્શ અને વાસ્તવિક કાર્યપરિણામ વચ્ચે તુલના, (4) આદર્શ પરિણામથી વાસ્તવિક કાર્યપરિણામના વિચલનની નોંધ અને (5) સુધારાત્મક પગલાં.

કાર્યપરિણામનાં ધોરણોની સ્થાપના અને તેમનું વિગતવાર નિર્દેશન અસરકારક નિયમનનો પ્રથમ તબક્કો છે. સ્પષ્ટ રૂપે આલેખાયેલાં ઉદ્દેશો, લક્ષ્યો, નીતિઓ, કાર્યવિધિ અને નિયમો વડે કાર્યપરિણામનાં ધોરણો નિશ્ચિત કરીને એકમની પ્રવૃત્તિઓને દિશાદોરવણી આપી શકાય છે.

ઉત્પાદનનાં વાસ્તવિક પરિણામોનું માપન નિયમનનો બીજો તબક્કો છે. આવું માપન વજન, ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ, કાર્ય પૂરું કરવામાં લાગેલો સમય વગેરે પરત્વે કરવામાં આવે છે. જો કાર્યપરિણામો ગુણાત્મક હોય તો આવું માપન ગુણાત્મક પરિણામોમાં કરવામાં આવે છે.

સ્થાપેલાં ધોરણો અને ઉત્પાદિત કાર્ય વચ્ચે તુલના કરવી તે નિયમનનો ત્રીજો તબક્કો અને તેમાં થયેલું વિચલન શોધવું તે નિયમનનો ચોથો તબક્કો છે. ઉત્પાદિત કાર્ય સ્થાપિત ધોરણોને અનુરૂપ થયું હોય તો તેવી પરિસ્થિતિ નિયમનની પ્રક્રિયાની સક્ષમતા દર્શાવે છે, પરંતુ ઉત્પાદિત કાર્ય સ્થાપિત ધોરણોથી વિચલિત થયું હોય તો તેવું કાર્ય ધોરણોને આંબી ગયેલું અતિકાર્ય હોય અથવા સ્થાપિત ધોરણો કરતાં ઊતરતી કક્ષાનું અલ્પકાર્ય સંભવી શકે. સ્થાપિત ધોરણો સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય તેવાં ઉદાર હોય અથવા ઉત્પાદિત કાર્યને સમયે કોઈ અણધાર્યાં પરિબળોનો લાભ મળ્યો હોય તો જ અતિકાર્ય સંભવી શકે. અલ્પકાર્ય નીપજવું તે તો સંચાલનની સ્પષ્ટ બિનકાર્યક્ષમતાનું ફળ છે.

નિયમનના અંતિમ/પાંચમા તબક્કામાં અતિકાર્યનું વિશ્લેષણ કરવાથી જો ધ્યેય, લક્ષ્ય, કાર્યવિધિ અને ધંધાકીય નીતિમાં ફેરફાર કરવા જેવું જણાય તો તેમ કરવું જરૂરી છે. અલ્પકાર્યનાં કારણોનું વિશ્લેષણ કરવાથી ભૂલો કે ત્રુટિઓ જાણવામાં આવે તો તે છુપાવ્યા વગર ભૂલોમાંથી સુધરવાની વૃત્તિ રાખવી પણ જરૂરી ગણાય છે. આમ અતિકાર્ય અથવા અલ્પકાર્ય રૂપે થયેલા વિચલનનું વિશ્લેષણ કરવાથી જો માપનપદ્ધતિમાં, સત્તાસોંપણીની તરાહમાં, જવાબદારીઓના માળખામાં તથા પ્રક્રિયા સાથે સંકળાયેલાં વ્યક્તિ, સાધન અને વ્યવસ્થામાં ફેરફાર કરવા જરૂરી છે તેવું તારણ નીકળે તો રચનાત્મક વલણ અપનાવીને અને ત્રુટિઓનો સ્વીકાર કરીને સુધારા અને નિવારણ માટેનાં પગલાં વેળાસર ભરવાં જોઈએ.

જયન્તિલાલ પો. જાની

બંસીધર શુક્લ