નિયતિવાદ (ભારતીય) : બધું જ પહેલેથી નિશ્ચિત થયેલું છે એવો સિદ્ધાંત. દરેક વ્યક્તિ કે પદાર્થની બધી જ અવસ્થાઓ પહેલેથી જ નિયત થયેલી છે, તેમાં ફેરફારને કોઈ જ અવકાશ નથી. અમુક માણસ શું શું કરવાનો છે, તેની શી શી દશાઓ થવાની છે, તે સુખ ભોગવવાનો છે કે દુ:ખ, તેના એક પછી એક કયા કયા જન્મો થવાના છે, તે દરેકમાં તે કેવી રીતે વર્તવાનો છે, તેના મનોભાવો કેવા રહેવાના છે, તેની માન્યતાઓ શી રહેવાની છે, તેનો છેલ્લો જન્મ કયો છે, પછી તેનો મોક્ષ થવાનો છે – આ બધું નિયત થયેલું જ છે. માણસ જે કંઈ કરે છે, જે કંઈ વિચારે છે, જે કંઈ પામે છે, જે કંઈ ભોગવે છે તે બધું જ પૂર્વનિયત છે. તેનો સદાચાર કે દુરાચાર, તેનો યશ કે અપયશ, તેની સિદ્ધિઓ કે અસિદ્ધિઓ બધું પહેલેથી જ નિયત થયેલું છે. આવો સિદ્ધાંત નિયતિવાદ છે.

ભારતીય પરંપરામાં નિયતિવાદના પુરસ્કર્તા આજીવિકો છે. તેમનો મુખ્ય નેતા મંખલિપુત્ર ગોશાલક છે. તે ચોવીસમા જૈન તીર્થંકર મહાવીરનો સમકાલીન હતો. જૈન આગમો અને બૌદ્ધ પિટકોમાં નિયતિવાદનું વર્ણન અને ખંડન મળે છે. સુશ્રુતસંહિતા અને શ્વેતાશ્વતર ઉપનિષદમાં તેનો ઉલ્લેખ આવે છે.

બ્રાહ્મણ,  બૌદ્ધ અને જૈન ધર્મમાં નિયતિવાદને સ્થાન નથી. તેમના અનુસાર મનુષ્યની સમૃદ્ધિ, તેનો સામાજિક મોભો, તેનું સુખદુ:ખ બધું છેવટે તેની સ્વતંત્ર ઇચ્છાશક્તિનું પરિણામ છે. તેમણે સ્વીકારેલ કર્મસિદ્ધાંતમાં સ્વતંત્ર ઇચ્છાશક્તિનો (પુરુષ-સ્વાતંત્ર્યનો) સ્વીકાર છે. મનુષ્યની વર્તમાન દશા તેણે પોતે વર્તમાન જન્મમાં કે પૂર્વજન્મમાં કરેલાં કર્મોનું ફળ છે. સન્માર્ગને સ્વતંત્રપણે પસંદ કરી તેને અનુસરી જીવ પોતાનું ભાવિ સુધારે છે અને છેવટે પોતાના જ પ્રયત્નથી દુ:ખમુક્તિ પ્રાપ્ત કરે છે. આ સિદ્ધાંતનો ગોશાલક વિરોધ કરે છે. અજ્ઞાનને કારણે લોકો સ્વતંત્ર ઇચ્છાશક્તિમાં, પુરુષપ્રયત્નની અસરકારકતામાં અને કર્મફળમાં માને છે. મૂર્ખ અને પંડિત બધાનાં દુ:ખનો અંત સંસારભ્રમણથી થવાનો છે, તે નિયત જ છે, તેમાં તેમણે કંઈ જ કરવાનું નથી. સંસરણમાર્ગ ચુસ્તપણે નિયત થયેલો છે. તેમાં કર્મ, સ્વતંત્ર ઇચ્છાશક્તિ, બળ, પ્રયત્ન વગેરેનું કંઈ ચાલતું નથી. કર્મ વગેરે વ્યર્થ છે, ભ્રાન્તિ છે. સંસરણની આખી પ્રક્રિયા પુરુષની ઇચ્છાશક્તિ યા પ્રયત્ન વિના જ સંપૂર્ણપણે પૂર્વનિયતાનુસાર ચાલે છે. મનુષ્ય જે સુખદુ:ખ ભોગવે છે તેનું કોઈ કારણ નથી. નિયતિવાદીની આવી માન્યતાને કારણે તેને અહેતુકવાદી અને અક્રિયાવાદી ગણવામાં આવ્યો છે.

અક્રિયાવાદી એટલે કર્મોની (ક્રિયાઓની-પ્રવૃત્તિઓની) અસરકારકતામાં ન માનનાર. સમાન સામર્થ્યવાળી બે વ્યક્તિઓ સમાન સાધનોથી સમાન ક્રિયા કરે છે : તેમાંથી એકને અર્થસિદ્ધિ વરે છે અને બીજાને વરતી નથી તેનું કારણ એ કે તેમ થવું જ નિયત હતું. વળી એક નિયતિવાદમાં માને છે અને બીજો પુરુષાર્થમાં માને છે કારણ કે તેમનું એમ માનવું જ પૂર્વનિયત છે. મૂર્ખાઓ જ પોતાનાં દુ:ખ માટે પોતાને જવાબદાર ગણે છે. નિયતિ જ મનુષ્યોને  એમની ઇચ્છાવિરુદ્ધ એવું કરાવે છે જેથી તે દુ:ખપરંપરા ભોગવે. નિયતિવાદી આજીવક શ્રમણો સદાચાર પાળે છે, તપ કરે છે કારણ કે તેમને માટે એ રીતે જીવવાનું પૂર્વનિયત છે. એથી ઊલટું, કર્મસિદ્ધાંતમાં, સ્વતંત્ર ઇચ્છાશક્તિમાં માનનારા શ્રમણો શિથિલાચાર કરે છે કારણ કે તેમને માટે એવું જીવન પૂર્વનિયત છે.

નિયતિવાદનો એક ફલિતાર્થ એ છે કે વ્યક્તિ કે પદાર્થની બધી ક્રમિક અવસ્થાઓ કાર્યકારણભાવથી નિયંત્રિત નથી. તે બધી એક પછી એક ગોઠવાયેલી પડી છે. કાર્યકારણભાવ, વિકાસ, પરિવર્તન બધું ભ્રાન્તિ છે. આખું જગત સ્થિર, અપરિવર્તિષ્ણુ (static) છે. મનુષ્યની અવસ્થાઓ ખરેખર અવસ્થાઓ નથી, ઘટનાઓની એક શૃંખલા છે. ઘટનાઓ ઘટતી નથી, બનતી નથી, છે જ, પણ બધી આપણા દૃષ્ટિપથમાં એકસાથે આવતી નથી, એક પછી એક આવે છે.

તેથી જ નિયતિવાદનો જ્યોતિષવિદ્યા સાથે ગાઢ સંબંધ છે અને બંને પરસ્પરનાં પોષક છે. આજીવકોના મૂળ આગમગ્રંથોમાં ‘અષ્ટાંગ મહાનિમિત્ત’ જેવા જ્યોતિષવિષયક ગ્રંથોનું મહત્વનું સ્થાન છે.

નિયતિવાદમાં જ સર્વજ્ઞને સ્થાન હોઈ શકે કારણ કે સામાન્યપણે ‘સર્વજ્ઞ’નો અર્થ ‘બધાં જ દ્રવ્યોને તેમની બધી જ ત્રૈકાલિક અવસ્થાઓ સાથે જાણનાર’ એવો કરવામાં આવે છે. સર્વજ્ઞનો આવો અર્થ સ્વતંત્ર ઇચ્છાશક્તિ, કર્મ, પુરુષપ્રયત્ન બધાંનો છેદ ઉડાડી દે છે અને નિયતિવાદનો જ પોષક બની રહે છે.

નિયતિવાદના ખંડનમાં સામાન્ય રીતે આ પ્રમાણે દલીલો કરવામાં આવે છે : (1) હકીકતમાં નિયતિવાદ મોજશોખ અને શિથિલાચારનો પોષક છે. (2) ઉવાસગદસાઓ ગ્રંથમાં જૈન ઉપાસક કુંડકોલિય આજીવિક દેવને પૂછે છે કે શું તેણે દેવત્વ સ્વપ્રયત્નથી પ્રાપ્ત કર્યું છે કે સ્વપ્રયત્ન વિના ? દેવ જણાવે છે કે વિના પ્રયત્ન. કુંડકોલિય તેને કહે છે કે તો પછી બીજા જીવો જે પ્રયત્ન કરતા નથી તેમને દેવત્વ કેમ પ્રાપ્ત થયું નથી ? (3) તે જ ગ્રંથમાં નિયતિવાદી કુંભાર સદ્દાલપુત્રને મહાવીર પૂછે છે : ‘સદ્દાલપુત્ર, માટીનાં આ બધાં પાત્ર તારા પ્રયત્નથી બન્યાં છે કે તારા પ્રયત્ન વિના ?’ સદ્દાલપુત્ર કહે છે : ‘મારા પ્રયત્નથી નહિ પણ નિયતિના બળે બન્યાં છે.’ મહાવીર પૂછે છે : ‘જો કોઈ માણસ લાકડીથી તારાં પાત્રો ફોડી નાખે, અથવા તારી પત્ની પર બળાત્કાર કરે તો સાચું કહે સદ્દાલપુત્ર, એ કુકૃત્યોની જવાબદારી એ માણસ પર નાખીશ કે એ માણસ પર નહિ નાખતાં નિયતિ પર નાખી શાન્ત રહીશ ?’ સદ્દાલપુત્રે કહ્યું : ‘એ વખતે હું શાન્ત નહિ રહું. એ માણસને બરાબર ટીપી નાખીશ.’ મહાવીરે કહ્યું : ‘આનો અર્થ એ થયો કે આપણે નિયતિવાદમાં માની શકીએ નહિ. દરેક માણસ પોતાના કૃત્ય માટે જવાબદાર છે.’ (4) નિયતિવાદી દૃષ્ટ પુરુષપ્રયત્નનો ત્યાગ–પ્રતિષેધ કરીને અષ્ટ નિયતિના સિદ્ધાંતનો આશરો લઈ પોતાને મેધાવી મહાવિવેકી તરીકે ઓળખાવે છે. (5) નિયતિવાદ જીવનસુધારનો દુશ્મન છે. પોતાના જીવનને સત્કર્મોથી, સંયમ-તપથી સુધારવાની કોઈ શક્યતા નિયતિવાદમાં નથી. (6) બધું નિયત જ હોય તો પ્રયત્નની (ક્રિયાની) કોઈ દરકાર રહેવાની નહિ અને હિંસા-અહિંસા, પાપ-પુણ્ય બધું નિરસ્ત થઈ જાય. કોઈ માણસના શરીરમાં શસ્ત્ર હુલાવી એની હત્યા કરનારને હિંસા કે પાપ નહિ લાગવાનાં કારણ કે એ હત્યારા માણસનો એવો ભાવ બનવાનો જ હતો, મરનારનું એ રીતે મરવાનું પહેલેથી નિયત હતું, બીજી કોઈ રીતે કે બીજા કોઈ માણસ વડે તેનું મરણ થવાનું હતું જ નહિ. આ બધું નિયત હતું. પછી હત્યારાનો શો વાંક ? કેવો ભયંકર વાદ ! સમગ્ર ન્યાયવ્યવસ્થા નિરાધાર અને ઠઠ્ઠારૂપ પુરવાર થાય. (7) વૈયક્તિક યા સામાજિક વિકાસ જેવું નિયતિવાદમાં સંભવિત નથી. તે કેવળ ભ્રાન્તિ છે. નિયતિવાદમાં ભવિષ્યનિર્માણ શક્ય જ નથી. બધું ભવિષ્ય નક્કી થઈને જ પડ્યું હોય ત્યાં આગળનો વિચાર કે યોજના કરવાની વાત જ રહેતી નથી. (8) નિયતિવાદના સહારે શાન્તિ મળતી હોવાનું કહેવાય છે પણ ખરી રીતે તે શાન્તિ નથી પણ જડતા છે.

ઉપરની દલીલોમાં મહદંશે સામાન્ય બુદ્ધિને અપીલ કરવામાં આવી છે. નિ:શંકપણે આજીવકો પાસે સામાન્ય બુદ્ધિને કરેલી આ અપીલનો ઉત્તર હતો. તેમને તેમના સબળ તર્કો હતા. આપણે કહી શકીએ કે સ્વતંત્ર ઇચ્છાશક્તિના દેખીતા અસ્તિત્વને સમજાવવા તેઓ સત્યની બે કોટિની ધારણા સ્વીકારતા હતા અને તે ધારણા વડે નિયતિ અને સ્વતંત્ર ઇચ્છાશક્તિ વચ્ચેનો દેખીતો વિરોધ દૂર કરતા હતા. દૈનંદિન જીવનમાં અને બધાં વ્યાવહારિક પ્રયોજનો ખાતર વ્યાવહારિક દૃષ્ટિએ સ્વતંત્ર ઇચ્છાશક્તિ, કર્મફળ અસ્તિત્વ ધરાવે છે, અને આજીવિક ગૃહસ્થ સદ્દાલપુત્ર એ દૃષ્ટિને અનુસરી વર્ત્યો. પરંતુ. પરમાર્થદૃષ્ટિએ તો સ્વતંત્ર ઇચ્છાશક્તિ, કર્મફળ ભ્રાન્તિ છે, નિયતિ જ પરમાર્થ છે, બધું જ નિયત છે એ છેવટનું સત્ય છે. આપણી દૃષ્ટિ (જ્ઞાન) ભાવિને જોઈ શકતી ન હોઈ ભાવિ નિયત થઈને પડેલું છે એ આપણે જોઈ શકતા નથી અને ભ્રમમાં પડી જઈએ છીએ કે ભાવિ આપણા કર્મનું (પ્રયત્નનું) ફળ છે.

નગીનભાઈ જીવણલાલ શાહ