નિમ્બાર્કાચાર્ય (આશરે ચૌદમી સદી) : વેદાન્તના એક જાણીતા સંપ્રદાયના સ્થાપક. નિંબાર્ક, નિંબાદિત્ય કે નિયમાનંદ તૈલંગ બ્રાહ્મણ હતા. તેઓ સંભવત: ચેન્નાઈ ઇલાકાના નિંબ કે નિંબપુર ગામના વતની હતા. ‘દશશ્લોકી’ પરની હરિવ્યાસદેવની ટીકા પરથી જ્ઞાત થાય છે કે તેમના પિતાનું નામ જગન્નાથ હતું અને માતાનું સરસ્વતી. પણ નિમ્બાર્કાચાર્યના સમય અંગે મતભેદ છે અને તેમનો સમય નક્કી કરવો મુશ્કેલ છે. ડૉ. આર. જી. ભાંડારકર નિંબાર્કાચાર્યને રામાનુજાચાર્ય પછી મૂકે છે. બીજા કેટલાકના મતે તેઓ રામાનુજની પહેલાં થઈ ગયા. જોકે એ શક્ય લાગતું નથી, કારણ કે નિમ્બાર્કાચાર્યના લખાણ પર તેમજ તેમની પ્રતિપાદનશૈલી પર રામાનુજાચાર્યનો પ્રભાવ જણાય છે. તેમનું અવસાન ઈ. સ. 1165માં થયું એમ ભાંડારકરનું માનવું છે જ્યારે સુરેન્દ્રનાથ દાસગુપ્ત તેમનો સમય ચૌદમી સદીનો મધ્યભાગ માનતા જણાય છે.
નીચેના ગ્રંથો નિમ્બાર્કાચાર્યના મનાય છે : વેદાન્તપારિજાતસૌરભ (બ્રહ્મસૂત્ર પર ભાષ્ય), દશશ્લોકી, કૃષ્ણસ્તવરાજ, ગુરુપરમ્પરા, મધ્વમુખમર્દન, વેદાન્તતત્વબોધ, વેદાન્તસિદ્ધાંતપ્રદીપ, સ્વધર્માધ્વબોધ, શ્રીકૃષ્ણસ્તવ. આમાં પહેલા ત્રણ નિમ્બાર્કાચાર્યના જ છે એમ ખાતરીપૂર્વક કહી શકાય.
રામાનુજાચાર્યનો સંપ્રદાય જેમ શ્રીસંપ્રદાય તેમ નિંબાર્કાચાર્યનો સંપ્રદાય સનક સંપ્રદાય કહેવાય છે. અત્યંત પ્રાચીન કાળમાં જે સનક આદિ ચાર કુમાર કે નિત્ય બ્રહ્મચારીઓ થઈ ગયા કહેવાય છે તેમાંના એકના નામ ઉપરથી સનક સંપ્રદાય નામ પડ્યું જણાય છે. રામાનુજના સંપ્રદાયમાં પરમાત્માનું મુખ્ય નામ નારાયણ કે વાસુદેવ છે અને તેમની શક્તિનું નામ લક્ષ્મી છે, જ્યારે નિંબાર્કના સંપ્રદાયમાં તેમને સ્થાને કૃષ્ણ અને રાધાનાં નામ છે. વળી રામાનુજની ભક્તિની વિભાવનામાં જ્ઞાનનો અંશ ભળેલો છે જ્યારે નિંબાર્કની ભક્તિ રસરૂપ વિશેષ છે. રામાનુજે બાદરાયણના બ્રહ્મસૂત્ર કે વેદાંતસૂત્રની બોધાયન વૃત્તિનો આધાર લીધો છે. નિંબાર્કના સિદ્ધાંતને મૂળ ઔડુલોમિ(બાદરાયણે જેમનો ઉલ્લેખ કર્યોં છે તે વેદાંતાચાર્ય)ના સિદ્ધાંતનું અવલંબન છે એમ ગણાય છે.
નિંબાર્ક મતની પરંપરા પ્રમાણે શંકરપુત્ર સ્કંદ પાસેથી નારદે બ્રહ્મવિદ્યા મેળવી. તે શંકરપુત્ર સ્કંદ તે બ્રહ્માના માનસપુત્ર સનત્કુમાર ગણાય છે. બ્રહ્મપુત્ર સનત્કુમાર (અથવા શિવપુત્ર સ્કંદ) પાસે નારદે બ્રહ્મવિદ્યા મેળવ્યાનું વર્ણન છાંદોગ્યોપનિષદમાં છે અને નારદ ઋષિની પરંપરામાં પ્રથમાવતાર વિષ્ણુસ્વામી (દ્રાવિડ), બીજો અવતાર નિંબાદિત્ય (નિંબાર્ક), ત્રીજો અવતાર મધ્વાચાર્ય અને ચોથો અવતાર રામાનુજાચાર્ય ગણાય છે.
હરિગુરુસ્તવમાલામાં ગુરુપરંપરા મળે છે તે પ્રમાણે નિંબાર્ક સંપ્રદાયના આદિ આચાર્ય હંસ(કૃષ્ણ-રાધાની યુતિ) છે. તેમના શિષ્ય તે ચતુર્વ્યૂહાત્મક કુમાર. કુમારના શિષ્ય નારદ જે ત્રેતાયુગમાં પ્રેમભક્તિના આચાર્ય હતા. નારદના શિષ્ય નિંબાર્ક જે નારાયણના સુદર્શનનો અવતાર હતા. તેમણે દ્વાપર યુગમાં કૃષ્ણ-ભક્તિનો પ્રચાર કર્યો. તેમના શિષ્ય શ્રીનિવાસ જે નારાયણના શંખનો અવતાર મનાય છે. શ્રીનિવાસના શિષ્ય વિશ્વાચાર્ય, તેમના પુરુષોત્તમ અને તેમના સ્વરૂપાચાર્ય, જેમને ભક્તો તરીકે વર્ણવ્યા છે. આમ શિષ્ય-પરંપરા ઉત્તરોત્તર આગળ ચાલી.
નિમ્બાર્કાચાર્યે બ્રહ્મસૂત્ર પર વેદાન્તપારિજાતસૌરભ નામક ભાષ્ય લખ્યું, જેના પર તેમના પ્રત્યક્ષ શિષ્ય શ્રીનિવાસે વેદાંતકૌસ્તુભ લખ્યું અને કેશવકાશ્મીરી ભટ્ટે વેદાન્તકૌસ્તુભ પર વેદાન્તકૌસ્તુભપ્રભાની રચના કરી.
નિંબાર્કના ‘દશશ્લોકી’ (બીજું નામ સિદ્ધાંતરત્ન’) પર ત્રણ મુખ્ય ટીકાઓ છે. પુરુષોત્તમ પ્રસાદની વેદાન્તરત્નમંજૂષા, અજ્ઞાતકર્તૃક લઘુમંજૂષા અને હરિવ્યાસમુનિની ટીકા. પુરુષોત્તમ પ્રસાદે નિંબાર્કના ‘શ્રીકૃષ્ણસ્તવ’ પર ‘શ્રુત્યન્ત સુરદ્રુમ’ નામની વિસ્તૃત ટીકા લખી, જેમાં તેમણે શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય અને મધ્વના મતોનું ખંડન કર્યું છે. ‘શ્રીકૃષ્ણસ્તવ’ પર એક બીજી અજ્ઞાતકર્તૃક ટીકા છે ‘શ્રુતિસિદ્ધાંતમંજરી’. નિંબાર્ક સંપ્રદાયના માધવમુકુંદે પોતાના ‘પરપક્ષગિરિવજ્ર’ કે ‘હાર્દસંચય’ નામના ગ્રંથમાં શંકરાચાર્યના કેવલાદ્વૈત પર સખત પ્રહાર કર્યા છે. તે જ પ્રમાણે ભરદ્વાજ ગોત્રના અને વૃંદાવનની પાસેના ગામમાં રહેતા વનમાલી મિશ્રે પોતાના ‘વેદાંતસિદ્ધાંતસંગ્રહ’ કે ‘શ્રુતિસિદ્ધાંતસંગ્રહ’ નામના ગ્રંથમાં નિંબાર્ક સંપ્રદાયના મુખ્ય સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે અને શંકરાચાર્યના કેવલાદ્વૈતનું ખંડન કર્યું છે.
નિમ્બાર્કાચાર્યનો મત સ્વાભાવિક ભેદાભેદ કે દ્વૈતાદ્વૈત પ્રકારનો છે, જે પ્રમાણે પરમ બ્રહ્મ. પોતાની ચિદચિત્-શક્તિથી જીવો અને જડ જગત તરીકે ઉદભવે છે કે આવિષ્કાર પામે છે. જેમ પ્રાણનો જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો રૂપે આવિષ્કાર થાય છે અને છતાં તે પોતાનાં સ્વાતંત્ર્ય, અખંડિતતા અને આ ઇન્દ્રિયોથી ભેદ જાળવે છે, તેમ બ્રહ્મ જડ જગત અને જીવ રૂપે આવિષ્કાર પામીને પણ પોતાનાં સ્વાતંત્ર્ય, અખંડિતતા અને તેમનાથી ભેદ જાળવી શકે છે.
રામાનુજની જેમ નિંબાર્ક પણ ‘કેવલ અદ્વૈત’માં માનતા નથી; પણ રામાનુજ ‘વિશિષ્ટ અદ્વૈત’માં માને છે, અર્થાત્, ચિત્ અને અચિત્થી વિશિષ્ટ જે એક તત્વ છે તે તત્વની સાથે એ વિશેષણોનો અભેદ છે. તેને સ્થાને નિંબાર્કનું એમ માનવું છે કે ચિત્ અને અચિત્ (જીવ અને જડ) બ્રહ્મથી ભિન્ન છે તેમજ અભિન્ન પણ છે. આ રીતે તેમનો સિદ્ધાંત દ્વૈતાદ્વૈત કે સ્વાભાવિક ભેદાભેદ તરીકે જાણીતો થયો (તેઓ ભાસ્કરાચાર્યની જેમ ઔપાધિક ભેદ, ઉપાધિને લીધે થયેલો ભેદ માનતા નથી માટે ‘સ્વાભાવિક ભેદાભેદ’). ભેદ અને અભેદ સમાન કક્ષાએ સાચા છે. જીવ અણુ છે અને પ્રત્યેક દેહે જુદો છે. વળી સર્વવ્યાપક અન્તર્યામી ઈશ્વર (કૃષ્ણ) અને જીવ અને જડનો અત્યંત અભેદ હોઈ શકે નહિ; તેમ માનતાં, અનેક શ્રુતિઓ છે જેમાં તેમના ભેદનું કથન છે તેમનો વિરોધ થાય; તેમનો અત્યંત ભેદ પણ હોઈ શકે નહિ કારણ કે એમ હોય તો ઉપનિષદોમાં પ્રતિપાદિત અદ્વૈતનો વિરોધ થાય. તેથી જીવ અને જડનો બ્રહ્મથી તદ્દન સાચો ભેદ અને તદ્દન સાચો અભેદ – સ્વાભાવિક ભેદાભેદનો સંબંધ છે. (જુઓ ‘વેદાંતપારિજાતસૌરભ’ 2.1.14; ‘કૌસ્તુભ’ 1.1.1; 1.4.20, 21 વગેરે). બ્રહ્મમાં પરિણાયિની ચિત્-અચિત્-શક્તિ છે જેમાંથી જીવો અને જડ ઉદભવે છે (કૌસ્તુભ 2.1.9). તેમ છતાં બ્રહ્મ પોતાની અખંડિતતા, સ્વાતંત્ર્ય અને જીવ-જડથી ભેદ જાળવી શકે છે. જેમ કરોળિયો પોતામાંથી જાળું ઉત્પન્ન કરે છે અને છતાં તેનાથી સ્વતંત્ર રહી શકે છે તેમ અનેક જીવ અને જડ જગત ઉત્પન્ન કરીને પણ ઈશ્વર પોતાની પૂર્ણતા અને શુદ્ધતા જાળવી શકે છે. જીવોની સત્તા અને તેમના સર્વ વ્યાપાર ઈશ્વરને અધીન છે, કારણ કે ઈશ્વર તેમનું સર્વનું ઉપાદાન તેમજ નિયંત્રણ કરનાર કારણ છે (જુઓ ‘સૌરભ’ 1.1.1-3 અને તેના પરની ટીકાઓ). બ્રહ્મનું સ્વરૂપ જ એવું છે કે તે જીવ-જડ સૃષ્ટિથી ભિન્ન તેમજ અભિન્ન છે અને તે પણ કોઈ અધ્યાસ કે અવિદ્યાથી નહિ, પણ તેની ચિદચિત્ શક્તિથી. જો ઉપનિષદોનો એવો અર્થ કરવામાં આવે કે ઈશ્વરથી જીવ અને જડનો તદ્દન ભેદ છે તો ઈશ્વરને માત્ર કર્તૃકારણ કે નિમિત્ત કારણ માની શકાય, અને એમ હોય તો ઈશ્વરને ઉપાદાન કારણ કહેનારી શ્રુતિઓનો બાધ થાય. કેવલાદ્વૈત મત પ્રમાણે ઉપનિષદોનો અર્થ કરી શકાય નહિ કારણ કે આવું નિર્ગુણ બ્રહ્મ કોઈ પ્રત્યક્ષાદિ પ્રમાણથી કે શબ્દપ્રમાણથી પણ જાણી શકાય નહિ, એ શ્રુતિવચનોથી વાચ્ય હોઈ શકે જ નહિ અને જો બ્રહ્મનું જ્ઞાન કોઈ પ્રમાણથી ન થઈ શકતું હોય તો તેને શશવિષાણવત જ માનવું જોઈએ અને જો એ સ્વયં પ્રકાશ છે તેથી પ્રમાણની જરૂર નથી એમ કહેવામાં આવે તો સર્વ શાસ્ત્રો નિરર્થક થઈ જાય. બ્રહ્મ એકમાત્ર તત્ત્વ છે જે સદા સર્વથા શુદ્ધ અને અવિકારી વગેરે છે એમ માનતાં મોક્ષપ્રાપ્તિનો ઉપદેશ આપતાં શાસ્ત્ર-વચનો નિરર્થક થઈ જાય. વળી અધ્યાસના સિદ્ધાંતથી પણ આ સમજાવી ન શકાય; કારણ કે અધ્યાસને માટે પણ સામાન્ય અને વિશેષ ગુણોવાળું અધિષ્ઠાન જરૂરી છે. જ્યારે કેવલાદ્વૈતવાદમાં તો બ્રહ્મને નિર્ગુણ માન્યું છે. વળી તેમાં અજ્ઞાનનો આશ્રય કે વિષય બનાવવો પણ મુશ્કેલ બની જાય છે; કારણ કે બ્રહ્મ જ્ઞાનસ્વરૂપ કે પ્રકાશસ્વરૂપ છે અને જીવ તો અજ્ઞાનનું કાર્ય છે (રામાનુજની જેમ નિમ્બાર્ક સંપ્રદાયના આચાર્યોએ પણ કેવલાદ્વૈતનું ખંડન કરવાનો ખૂબ પરિશ્રમ કર્યો છે અને તેનું ખંડન કરીને જ પોતાના વાદની સ્થાપના કરવામાં ઔચિત્ય માન્યું છે).
નિંબાર્કના મતે આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેમ જ્ઞાતા (જ્ઞાનક્રિયા-કર્તા) પણ છે. સૂર્ય પ્રકાશ તેમજ પ્રકાશક બંને છે. પાણીનું એક ટીપું બીજામાં ભળી જાય છતાં તેમનો ભેદ રહે જ છે, ભલે એ જ્ઞાત ન થતો હોય. આત્માને જ્ઞાનસ્વરૂપ ઉપરાંત જ્ઞાતા માનવો જ જોઈએ. અન્ત:કરણવૃત્તિમાં શુદ્ધ ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે માટે તેને જ્ઞાતા માનવામાં આવે છે એમ જે શાંકર વેદાંતમાં કહ્યું છે તે બરાબર નથી, કારણ કે બિંબપ્રતિબિંબની પ્રક્રિયા માટે બે પ્રત્યક્ષ વસ્તુઓ જોઈએ, જે અહીં નથી, અને વળી પ્રતિબિંબ જ્ઞાતાની ગરજ ન સારી શકે. ‘અહમ્’ જ્ઞાન થાય છે તે આત્માને વિશે જ થાય છે અને તેમાં કોઈ અધ્યાસને સ્થાન નથી. આ અહમ્-જ્ઞાન માત્ર સુષુપ્તિમાં જ નહિ, પણ મુક્તિની અવસ્થામાં પણ ચાલુ રહે છે અને નિત્યમુક્ત ઈશ્વરને પણ આ અહમ્-જ્ઞાન છે જ. તે પરમ કૃપાળુ અને આપણી સર્વ શક્તિ અને સર્વ વ્યાપારોનું નિયંત્રણ કરનાર છે, નિયંતા છે. જો ઈશ્વર સ્વભાવથી જ કર્તા ન હોત તો માયાના યોગથી પણ જગતનો કર્તા ન થઈ શકયો હોત. પણ ઈશ્વરને કર્મેન્દ્રિયોની જરૂર પડતી નથી જ્યારે જીવોને પડે છે. જીવોની સત્તા અને તેમનું કર્તૃત્વ ઈશ્વરને અધીન છે, પણ ઈશ્વર પક્ષપાતી કે મરજી પ્રમાણે વર્તનાર જોહુકમીવાળો છે એમ માનવાને કારણ નથી. તે જીવોને તેમની યોગ્યતા પ્રમાણે સુખ-દુ:ખ ભોગવાવે છે અને તેમનાં કર્મોનું નિયંત્રણ કરે છે; પણ સર્વશક્તિમાન હોવાથી, કર્મના નિયમનો સર્વાધિષ્ઠાતા હોવાથી તે તેનાથી બંધાયેલો નથી અને જીવો પર કૃપા કરીને ગમે ત્યારે મુક્ત કરી શકે છે. (વેદાંતરત્નમંજૂષા, પૃ. 14). ઈશ્વર પરમ તત્વ હોઈને જીવો અને જડ પ્રકૃતિ તેમનું સ્વરૂપ, ઈશ્વરમાંથી મેળવે છે તેથી તેના પર સંપૂર્ણ નિર્ભર છે તેને અધીન છે સત્તા માટે અને સર્વ વ્યાપારો માટે.
જીવાત્માઓ સંખ્યામાં અનંત છે અને પરિમાણમાં અણુ છે, પણ તેમનો જ્ઞાનગુણ સર્વવ્યાપી હોઈને શરીરના કોઈ પણ ભાગમાં થતી વેદનાઓનો અનુભવ કરી શકે છે. અણુ અને અવિભાજ્ય હોવા છતાં તેઓ સર્વવ્યાપી ઈશ્વરથી સર્વથા વ્યાપ્ત છે. અનાદિ કર્મોના યોગથી દેહાદિ બંધન તેમને પ્રાપ્ત છે, તેમ છતાં ગુરુ પાસેથી શાસ્ત્રજ્ઞાન મેળવી તેમના સંશયો દૂર થતાં, અને શ્રવણ-મનન-નિદિધ્યાસનથી બ્રહ્મમાં એકરૂપ થઈ જાય છે ત્યારે ઈશ્વર તેમના પર કૃપા કરી તેમને મુક્તિ બક્ષે છે. કૃપા વરસાવવામાં ઈશ્વર તદ્દન સ્વતંત્ર અને અપરાધીન છે, પણ તે સારાં કર્મ અને ભક્તિ દ્વારા યોગ્યતા મેળવી હોય તેવાઓ પર જ કૃપા વરસાવે છે. પરમાત્મા તેમની પરમ અવસ્થામાં જીવ-જગત-ઈશ્વરથી પણ પર છે અને તેમનું આ તદ્દન અવિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ઈશ્વરસ્વરૂપે તે પોતાનો જ અનંત આનંદ આ અસંખ્ય જીવો જે પોતાના જ અંશો છે તેમના દ્વારા ભોગવે છે. જીવાત્માના અનુભવો તે ઈશ્વરના જ છે કારણ કે તેના જ ‘ઈક્ષણ’ દ્વારા જીવોના અનુભવોને સમજાવી શકાય. આમ જીવાત્માઓ એક અર્થમાં ઈશ્વરથી ભિન્ન છે તો બીજા અર્થમાં ઈશ્વરના જ અંશો છે. પણ બંધની અવસ્થામાં જીવ ઈશ્વરથી પોતાના અભેદનું જે પાસું છે તે ભૂલી જાય છે અને પોતાને સર્વ બાબતોમાં તદ્દન સ્વતંત્ર માને છે. પણ પ્રેમપૂર્વકના નિર્મમભાવથી તેને સમજાય છે કે તે ઈશ્વરના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે અને ઈશ્વરનો અંશ છે ત્યારે તેને સર્વ સંસારી ક્રિયાઓ પત્યે વૈરાગ્ય ઉદભવે છે અને તેને તેમાં કોઈ સુખ મળતું નથી. પરમ પ્રયોજન એ જ છે કે તે ઈશ્વર સાથેના પોતાના સંબંધનો સાક્ષાત્કાર કરે અને તેને પ્રતીતિ થાય કે તે ઈશ્વરનો અંશ છે. આ થયા પછી તેને સંસારનું બંધન નડતું નથી અને ઈશ્વરની પ્રેમભક્તિમાં તે નિત્ય આનંદનો અનુભવ કરે છે. તાદાત્મ્યનો અનુભવ કરીને વિશ્વરૂપ ભગવાનમાં તેની શક્તિ રૂપે રહે છે (પરપક્ષગિરિવજ્ર, પૃ. 391).
આમ મુક્તિની અવસ્થામાં પણ ઈશ્વર અને મુક્ત જીવો વચ્ચે ભેદ હોય છે, જોકે તેના પરમ આનંદનો અનુભવ તેઓ કરતા હોય છે. ઈશ્વરનો અને તેની સાથેના પોતાના સંબંધનો સાક્ષાત્કાર થતાં સંચિત કર્મ નાશ પામે છે અને હવે પછી જે કર્મો થાય તે ચોંટતાં નથી (બંધનકારક થતાં નથી), પ્રારબ્ધ કર્મો જેમણે ફળ આપવાની શરૂઆત કરી દીધી છે તેમનો, આ દેહથી કે અન્ય દેહોથી ફળ ભોગવ્યા સિવાય, ક્ષય થતો નથી અને વિદેહમુક્તિ ક્ષય કર્યા પછી જ શક્ય બને છે. ધ્યાનના પરિપાકથી ધ્રુવસ્મૃતિ-પરભક્તિ નામનું જ્ઞાન પ્રાપ્ત થવું એ પરમ પ્રયોજન છે, જે પ્રાપ્ત થતાં સંચિત અને ક્રિયમાણ કર્મોથી કોઈ દૂષણ રહેતું નથી. (વેદાંતકૌસ્તુભપ્રભા 4.1.13) વર્ણાશ્રમધર્મો જ્ઞાન-પ્રાપ્તિમાં સહાયભૂત છે તેથી જ્ઞાનની પ્રાપ્તિ પછી પણ ચાલુ રાખવા જોઈએ, કારણ કે દીપની જ્યોતને ટકાવી રાખવી જોઈએ. પ્રારબ્ધ કર્મોનાં ફળ ભોગવી લીધા પછી જ્ઞાની ભક્ત સુષુમ્ણા નાડી દ્વારા સ્થૂલ શરીરને છોડી દે છે અને પ્રાકૃત મંડલથી બહાર વિરમ નદી કે જે પ્રાકૃત મંડલ અને વિષ્ણુલોકની વચ્ચે છે ત્યાં પહોંચે છે. ત્યાં તે સૂક્ષ્મ શરીરને છોડી દે છે અને ઈશ્વરના પરમ સ્વરૂપમાં પ્રવેશ કરે છે (વેદાંતકૌસ્તુભપ્રભા 4.2.15). આમ મુક્ત જીવો ઈશ્વરમાં તેની વિભિન્ન શક્તિઓ રૂપે રહે છે, અને ઈશ્વર પોતાના પ્રયોજન માટે તેમનો ઉપયોગ કરી શકે છે. પણ ઈશ્વર તેમને સંસાર ભોગવવા માટે ફરી નથી મોકલતો. મુક્ત જીવો ઈશ્વર સાથે સાધર્મ્ય થઈ ગયા પછી પણ જગત પર તેમનું કોઈ નિયંત્રણ નથી. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ આદિ ઈશ્વરને જ અધીન છે (વેદાંતકૌસ્તુભપ્રભા 3.3.27; 4.4.20).
જીવો ઈશ્વરની ઇચ્છા અનુસાર જ સ્વપ્નના અનુભવો કરે છે અને જીવોના બધા અનુભવો દરમિયાન ઈશ્વર વ્યાપેલો હોય છે અને નિયંત્રણ કરતો હોય છે છતાં તે જીવોના સાંસારિક અનુભવોથી દૂષિત થતો નથી (વેદાન્તકૌસ્તુભ અને તેની પરની પ્રભા 3.2.11). આપણા અનુભવના વિષયો પોતે સુખ-દુ:ખરૂપ નથી, પણ ઈશ્વર આપણાં કર્માનુસાર ફળ આપવા માટે તેમને તેવા કરે છે.
જીવ અણુ છે અને શરીરે શરીરે ભિન્ન છે. તેના શુદ્ધ સ્વરૂપનો બંધ-અવસ્થામાં અવિદ્યાના યોગને કારણે તિરોભાવ થઈ જાય છે. જીવ આ અવિદ્યાના કાર્યરૂપ કર્મવશાત્ સ્થૂલ અને સૂક્ષ્મ જડથી આવૃત હોઈ તેને તેના શુદ્ધ સ્વરૂપનું ભાન નથી રહેતું. ઈશ્વર જીવના પૂર્વજન્મોનાં કર્મ અનુસાર તેની શક્તિઓનો તિરોભાવ કે સંકોચ કરે છે. જીવ ચિત્-અચિતનો ભેદ સમજી શકતો નથી, અને જડ કે અનાત્મા એવા દેહાદિ પ્રત્યે અહંતા-મમતા રાખે છે અને પોતાને ઈશ્વરથી સ્વતંત્ર માને છે, તે અવિદ્યાને કારણે છે. અવિદ્યાને કર્માત્મિકા માની છે, કારણ કે તેનાથી કર્મ ઉદભવે છે અને જીવ સંસાર અને પુનર્જન્મની પરંપરામાં ફસાય છે. જીવ બ્રહ્મનો અંશ હોવા છતાં કર્માત્મિકા અવિદ્યાથી વિમોહિત થયેલો હોઈ ભગવત્-પરાઙમુખ બને છે. બદ્ધાવસ્થામાં તેના સત્યસંકલ્પત્વાદિ સ્વાભાવિક હોવા છતાં તિરોહિત થઈ ગયેલાં હોય છે, જે જ્ઞાન થતાં અને ઈશ્વરની કૃપા થતાં ફરી મૂળ સ્વરૂપમાં આવિર્ભાવ પામે છે (વેદાંતપારિજાતસૌરભ 3.2.6; કૌસ્તુભ 3.2.5,6; 4.4.2).
નિમ્બાર્કાચાર્યના મતે કશું આભાસ કે મિથ્યા નથી. સ્વપ્નજગત પણ ઈશ્વરનું જ સર્જન છે અને તે માયા-માત્ર એ અર્થમાં છે કે એ કશુંક આશ્ચર્યરૂપ છે, ઈશ્વરની અસાધારણ શક્તિનો આવિર્ભાવ છે (3.2.3). ઈશ્વર અને જગતનો સંબંધ સર્પ અને તેના કુંડલ સમાન છે. સર્પ ગૂંચળું વળેલો હોય ત્યારે તેની કુંડલ-અવસ્થા સર્પથી તદ્દન ભિન્ન નથી તેમ તદ્દન અભિન્ન નથી. તેવી જ રીતે ઈશ્વરનો જીવો સાથેનો સંબંધ પણ દીપ અને તેની પ્રભા જેવો છે કે સૂર્ય અને તેના પ્રકાશ જેવો છે. ઈશ્વર પોતે અવિકારી રહીને પોતાની શક્તિથી ચિત્-શક્તિ કે અચિત્-શક્તિ રૂપે પરિણામ પામે છે. જીવોની જેમ જગતનું પણ ઈશ્વરથી અલગ કોઈ અસ્તિત્વ હોઈ શકે નહિ, અને આ અર્થમાં જડ જગત પણ ઈશ્વરનો એક અંશ છે અને તેનાથી અભિન્ન છે. પણ જડ જગતનો સ્વભાવ ઈશ્વરના સ્વરૂપથી ભિન્ન હોઈને તેનો તેનાથી ભેદ છે (વેદાંતકૌસ્તુભપ્રભા, 3.2.29-30).
નિંબાર્ક-સંપ્રદાયમાં પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ – એ ત્રણ પ્રમાણો માન્યાં છે. શાસ્ત્રોનું વાચકત્વ ઈશ્વરમાંથી સીધું ઉદભવે છે. આ સંપ્રદાયમાં પ્રમાણોનું સ્વત:પ્રામાણ્ય માન્યું છે. નિંબાર્કના મતે ધર્મ-સંબંધી જ્ઞાન મેળવ્યા પછી એવી પ્રતીતિ થાય કે પુણ્યાદિથી પણ જે ભોગ પ્રાપ્ત થાય છે તે અનિત્ય છે અને તેનાથી નિત્ય આનંદની પ્રાપ્તિ સંભવતી નથી, તે પછી જ બ્રહ્મજિજ્ઞાસા સંભવે છે. આવું આપાતત: ઉપરઉપરથી સમજ્યા પછી અને શાસ્ત્રોથી એવું ઉપરછલ્લું જ્ઞાન પ્રાપ્ત થાય કે ઈશ્વરના સાક્ષાત્કારથી જ નિત્ય ધ્રુવ આનંદની પ્રાપ્તિ થઈ શકે છે ત્યારે તે ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત કરવા ઉત્સુક બને છે અને યોગ્ય ગુરુ પાસેથી બ્રહ્મજ્ઞાન મેળવવા આદરપૂર્વક જાય છે. બ્રહ્મ કે શ્રીકૃષ્ણ જ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક એવું મૂળ કારણ છે. આ પરમ તત્વનો સાક્ષાત્કાર શ્રવણ-મનન-નિદિધ્યાસન અને ભક્તિથી જ સંભવે.
એસ્થર સૉલોમન