નિમાડ (હવે પૂર્વ નિમાડ તે ખંડવા અને પશ્ચિમ નિમાડ તે ખરગાંવ)

January, 1998

નિમાડ (હવે પૂર્વ નિમાડ તે ખંડવા અને પશ્ચિમ નિમાડ તે ખરગાંવ) : મધ્યપ્રદેશના પૂર્વ નિમાડ અને પશ્ચિમ નિમાડ નામના બે જિલ્લા. અગાઉના ખંડવા, ખરગાંવ જિલ્લાઓનું મધ્યપ્રદેશ રાજ્યની રચના થયા બાદ ઉપર મુજબના બે અલગ જિલ્લાઓમાં વિભાજન કરવામાં આવેલું છે.

1. ખંડવા (પૂર્વ નિમાડ) : ભૌગોલિક સ્થાન : 22° 00´ ઉ. અ. અને 76° 30´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. આ જિલ્લાનું ક્ષેત્રફળ 10,779 ચોકિમી. છે અને વસ્તી 13,09,443 (2011) છે. તેની ઉત્તરમાં દેવાસ, ઈશાનમાં હર્દા, પૂર્વમાં બેતુલ અને અમરાવતી, દક્ષિણમાં બુલદાના અને જલગાંવ તથા પશ્ચિમમાં પશ્ચિમ નિમાડ જિલ્લાઓ આવેલા છે. ખંડવા તેનું જિલ્લામથક છે.

2. ખટગાંવ (પશ્ચિમ નિમાડ) : ભૌગોલિક સ્થાન : 21° 50´ ઉ. અ. અને 75° 45´ પૂ. રે. ની આજુબાજુનો વિસ્તાર. આ જિલ્લાનું ક્ષેત્રફળ 13,450 ચોકિમી. છે અને વસ્તી 18,72,413 (2011) છે. તેની ઉત્તરમાં ઇન્દોર, ઈશાનમાં દેવાસ, પૂર્વે પૂર્વ નિમાડ, દક્ષિણમાં જલગાંવ, નૈર્ઋત્યમાં ધૂળે, પશ્ચિમમાં બરવાજા અને વાયવ્યમાં ધાર જિલ્લા આવેલ છે. ખરગાંવ તેનું જિલ્લામથક છે.

પૂર્વ નિમાડ જિલ્લાનું ભૂપૃષ્ઠ ટેકરીઓ અને મેદાનોથી બનેલું છે. ઉત્તરમાં વિંધ્ય પર્વતો આવેલા છે. પૂર્વ નિમાડના ઉત્તર ભાગમાંથી નર્મદા નદી અને દક્ષિણ ભાગમાંથી તાપી નદી વહે છે. ઉત્તરમાં નર્મદાથી દક્ષિણમાં સાતપુડા હારમાળા વચ્ચે પશ્ચિમ નિમાડ જિલ્લો વિસ્તરેલો છે. પશ્ચિમ નિમાડની મુખ્ય નદી નર્મદા છે. તેની કાંપની જમીનો ફળદ્રૂપ છે, પરંતુ બાકીનો ભાગ સાતપુડા પર્વતોની ટેકરીઓથી બનેલો છે. બંને જિલ્લાઓમાં સાતપુડા પર્વતશ્રેણી આવેલી છે. બંને જિલ્લાઓની આબોહવા સામાન્ય રીતે તો સ્વાસ્થ્યપ્રદ ગણાય છે, પરંતુ ઉનાળા ગરમ રહે છે. ચોમાસામાં થોડોઘણો વરસાદ પડે છે અને ઠંડી હવા ઋતુને ખુશનુમા બનાવે છે. વાર્ષિક સરેરાશ વરસાદનું પ્રમાણ 800 મિમી. જેટલું છે. પૂર્વ નિમાડના નર્મદા ખીણપ્રદેશમાં સિંચાઈ વગર પણ ઘઉંની પેદાશ લેવાય છે, જોકે બંને જિલ્લાઓની ખેતીની મુખ્ય પેદાશો તો કપાસ અને જુવાર છે. અન્ય પેદાશોમાં ઘઉં, ચણા, તલ, ચોખા, મગફળી તથા કઠોળ છે. બાંધકામ માટેના રેતીખડક સિવાય ખનિજોની ઊપજ વિશેષ નથી. પૂર્વ નિમાડમાં બરહનપુર, ખંડવા અને નેપાનગર તથા પશ્ચિમ નિમાડમાં ખરગાંવ, મહેશ્વર, બડવાહ, બડવાની, રાજપુર અને કાસરવાડ મુખ્ય નગરો છે.

પૂર્વ નિમાડ જિલ્લાનો લગભગ 40 % વિસ્તાર ગીચ જંગલોથી છવાયેલો છે. જંગલો આવક માટેનો મુખ્ય સ્રોત છે. ચાંદની ખાતે આવેલું ઉષ્મીય ઊર્જામથક અહીંના પશ્ચિમ વિભાગને ઊર્જા પૂરી પાડે છે. ગોદરપુરા ખાતે આવેલાં હિંદુ મંદિરો જોવાલાયક છે.

પશ્ચિમ નિમાડમાં જંગલ-ઉદ્યોગ મહત્વનો બની રહેલો છે. મહેશ્વર અને બડવાની ઐતિહાસિક તેમજ વ્યાપારી નગરો છે. આ જિલ્લો મુઘલકાળમાં માળવા પ્રાંતનો એક ભાગ હતો, પરંતુ 1740માં તે મરાઠાઓના અને 1778માં હોળકરના શાસન હેઠળ આવેલો અને 1947 સુધી તેમના કબજામાં રહ્યો હતો.

ગિરીશભાઈ પંડ્યા