નિમિયેર, ઑસ્કર (. 15 ડિસેમ્બર 1907, રીયોડીજાનેરો, બ્રાઝિલ, . 5 ડિસેમ્બર 2012, રિયોડીજાનેરો, બ્રાઝિલ) : બ્રાઝિલના સ્થપતિ. તેમણે બ્રાઝિલના અર્વાચીન સ્થાપત્યના વિકાસમાં ઉલ્લેખનીય ફાળો આપ્યો. પ્રારંભિક અભ્યાસ રિયો-ડી-જાનેરોમાં કરી 1934માં સ્થપતિની ઉપાધિ મેળવી. 1936માં તેમને લ કાર્બુઝયે સાથે કામ કરવાની તક મળી. ત્યારબાદ તેમણે પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. તેમણે સ્વતંત્ર રીતે ડિઝાઇન કરેલાં મકાનોમાં પૅમ્પુલાનું સંત ફ્રાન્સિસ ચર્ચ મુખ્ય છે. બ્રાઝિલની નવી રાજધાની બ્રાઝિલિયાની રચના કરવા બનાવાયેલ ટીમના તે શરૂઆતમાં સભ્ય હતા, પરંતુ પાછળથી 1957માં તે ટીમના મુખ્ય સ્થપતિ બન્યા. તે પદ પર રહીને તેમણે ડિઝાઇન કરેલી ઇમારતોમાં 1958માં બનાવાયેલ હોટેલ, પ્રમુખનો મહેલ, પાર્લમેન્ટ હાઉસ તથા ત્યાંનું ચર્ચ મુખ્ય છે. 1953માં તેમણે ડિઝાઇન કરેલ પોતાના આવાસનો પણ તેમની ઉલ્લેખનીય ઇમારતોમાં સમાવેશ થાય છે. ઉપયોગિતાને મહત્વ આપતા તેમના સ્થાપત્યથી બ્રાઝિલના અર્વાચીન સ્થાપત્યને નવી દિશા મળી હતી. તેમણે Minha Experiencia en Brasila નામનું પુસ્તક પણ લખ્યું છે.

હેમંત વાળા