નિભાડો : પ્રાચીન કાળથી માટીનાં વાસણો તેમજ ઈંટોને પકવવા માટે વપરાતી એક પ્રકારની ભઠ્ઠી. કુંભાર લોકો સદીઓથી માટલાં, કોઠી, નળિયાં જેવાં માટીનાં પાત્રોને પકવવા માટે નિભાડાનો ઉપયોગ કરતા આવ્યા છે અને હજુ પણ ગ્રામીણ વિસ્તારમાં તેનો વપરાશ ચાલુ છે. નિભાડાની ખાસિયત એ છે કે તેમાં બહુ ઊંચું તાપમાન મળતું નથી, પણ તેમાં દહનક્રિયા ધીમી, અને એકધારી લાંબા સમય સુધી ચાલે છે. આને કારણે માટી ધીમે ધીમે પાકે છે. દહન માટેનાં બળતણ તરીકે લાકડાં, છાણાં, કોલસીનો ભૂકો તેમજ બળી શકે તેવો કોઈ પણ પ્રકારનો કચરો વપરાય છે. અન્ય ભઠ્ઠીઓને પ્રથમ ચોક્કસ આકારમાં બાંધવામાં આવે છે અને જે વસ્તુને પકવવી કે પિગાળવી હોય તેને પછી ભઠ્ઠીમાં મૂકવામાં આવે છે. નિભાડાની ભઠ્ઠીમાં પકવવાની વસ્તુઓને પ્રથમ ચોક્કસ રીતે ગોઠવવામાં આવે છે અને તે પ્રમાણે તેનો આકાર તૈયાર થાય છે. તેમાં કોઈ સ્થાયી બાંધકામ હોતું નથી.

નિભાડામાં માટીનાં કાચાં વાસણો, ઈંટો વગેરેની ગોઠવણી તેમજ તેની આસપાસ ઈંધણની ગોઠવણી એ અગત્યની બાબત છે. સામાન્ય રીતે દહનક્રિયા કેન્દ્રમાંથી શરૂ થાય છે અને ક્રમશ: બહારની તરફ જાય છે. જે વાસણો કે વસ્તુઓને વધારે ગરમી આપી પકવવાની જરૂર હોય તેને મધ્યમાં ગોઠવવામાં આવે છે. નિભાડામાં વાસણો તથા ઈંધણ વગેરે ગોઠવાઈ ગયા બાદ બહારની સપાટીને માટી જેવા અવાહક પદાર્થથી છાંદી દેવામાં આવે છે. આથી અંદરની ગરમી લાંબા સમય સુધી જળવાઈ રહે છે. દહનક્રિયા માટે જરૂરી હવા મળી રહે તે માટે નીચેના ભાગે અમુક અમુક અંતરે પોલાણ રાખેલ હોય છે. તેવી જ રીતે દહનને લીધે ઉત્પન્ન થતા વાયુઓ ધીમી ગતિએ બહાર નીકળી શકે તે માટે ઉપરના ભાગે પણ અમુક પ્રમાણમાં પોલાણ રાખવામાં આવે છે.

નિભાડો પાકતાં આશરે 10, 15 કે 20 દિવસ લાગે છે. અસ્થાયી બાંધકામ, નિમ્ન સ્તરનું ઈંધણ, ધીમી અને લાંબા સમય સુધી ચાલતી દહનક્રિયા એ નિભાડાની ખાસિયતો છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ