નિબૂર, બાર્થોલ્ડ જ્યૉર્જ (જ. 1776; અ. 1831) : જર્મન ઇતિહાસકાર. નિબૂર આધુનિક ઇતિહાસલેખનપદ્ધતિનો અગ્રણી હતો. તે મૌલિક તેમજ મૂળ દસ્તાવેજોને આધારે જ ઇતિહાસ લખવાના મતનો હતો. તે દસ્તાવેજોની ચકાસણી કરવામાં દૃઢપણે માનતો. આમ નિબૂરે આધુનિક ઇતિહાસવિદ્યામાં અનુભવમૂલક (empirical) તેમજ વિવેચનાત્મક (critical) ઇતિહાસલેખનનો પાયો નાખ્યો, જેનો વિકાસ પછીથી રાન્કેએ કર્યો. નિબૂરે જર્મન, અંગ્રેજી તથા ફ્રેન્ચ સહિત 18 યુરોપીય ભાષાઓ ઉપરાંત હિબ્રૂ, અરબી તેમજ ફારસી ભાષાઓની જાણકારી મેળવી હતી. તેણે પોતાનો મોટાભાગનો અભ્યાસ જર્મનીની કીલ વિદ્યાપીઠમાં કર્યો. ઇતિહાસ, પુરાતત્વવિદ્યા અને ભાષા ઉપરાંત ગણિત તથા વિજ્ઞાનમાં પણ તેને રસ હતો. તેને પુરાણી હસ્તપ્રતોમાં ખાસ રુચિ હતી. આ માટે તે પુરાતત્વ ખાતાંઓ, સંગ્રહાલયો વગેરેમાં અધ્યયન માટે જતો. તેમાંથી તેને હોમર અને વર્જિલની કૃતિઓ માટે ચાહના વધી. તેણે તારણ કાઢ્યું કે પ્રાચીન ગ્રીસ તથા પ્રાચીન રોમની સંસ્કૃતિના અધ્યયન વગર યુરોપની આધુનિક સંસ્કૃતિનો અભ્યાસ થઈ શકે નહિ. આમાંથી તેના વિખ્યાત પુસ્તક ‘રોમન ઇતિહાસ’નું આલેખન થયું.
નિબૂરે આ ગ્રંથથી આધુનિક ઇતિહાસલેખનપદ્ધતિનો પ્રારંભ કર્યો. આ પહેલાં થોડો સમય નિબૂરે કૉપનહેગન (ડેન્માર્ક) તથા બર્લિન(જર્મની)માં નાણામંત્રી તરીકે સેવાઓ આપી, જેનો વહીવટી અનુભવ તેને રોમનો ઇતિહાસ લખવામાં ઉપયોગી નીવડ્યો. પ્રાચીન રોમના ઇતિહાસને લગતા અસલ દસ્તાવેજોનો તેણે 15 વર્ષ સુધી ઊંડો અભ્યાસ કર્યો તથા આ વિષય પર બર્લિન વિદ્યાપીઠમાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં. ત્યારબાદ તેણે રોમનો ઇતિહાસ (The History of Rome) લખ્યો. તેના બે ગ્રંથ તેના અવસાન પહેલાં તથા ત્રીજો ગ્રંથ તેના અવસાન બાદ (1832) પ્રસિદ્ધ થયા. તેમાં રોમના ઉદભવથી માંડીને ઈ. સ. પૂર્વે બીજી સદી સુધી(પ્યુનિક યુદ્ધો)નો ઇતિહાસ છે. તેમાં રોમન રાજ્યતંત્ર, કાનૂનો, રાજકીય સંસ્થાઓ વગેરેનું દસ્તાવેજોને આધારે વિવરણ કરવામાં આવ્યું છે.
નિબૂરે આ ગ્રંથ લખવા માટે રોમના ઇતિહાસને લગતા અસલ દસ્તાવેજો, સમકાલીન હસ્તપ્રતો, લોકસાહિત્ય, દંતકથાઓ વગેરેનો ઉપયોગ કરતાં પહેલાં તેમની વાસ્તવિકતાની ચકાસણી કરી તથા તેમાંની શંકાશીલ બાબતોને રદ કરી. નિબૂરે આ ગ્રંથ લખવા માટે રોમન ઇતિહાસકારો લીવી તથા ટેસિટસનાં લખાણોનો ઉપયોગ કર્યો છે. નિબૂરે પ્રાચીન રોમન ઇતિહાસકારોની ભૂલો પણ સુધારી છે. આમ ચોકસાઈ અને વાસ્તવિકતા એ નિબૂરકૃત રોમના ઇતિહાસનું હાર્દ છે. નિબૂરનો રોમનો ઇતિહાસ યથાર્થ તથા સમતોલ છે. તેમાં તેણે પ્રાચીન રોમના ઇતિહાસનાં મૂળ સાધનો, તેની રાજકીય સંસ્થાઓ, પરરાજ્યસંબંધો, આર્થિક પ્રવાહો વગેરેનું આધારભૂત વિવેચન કર્યું છે.
નિબૂર રૂઢિચુસ્ત હોવા છતાં તર્કશુદ્ધ અને તટસ્થ હતો. તે સંકુચિત રાષ્ટ્રવાદથી પર હતો. તેણે રોમના પેટ્રિશિયનો (ઉમરાવો) તથા પ્લેબિયન (નીચલા થરના લોકો) અને સેનેટ (ઉમરાવોની સભા) તથા ટ્રિબ્યુન (આમ પ્રજાની સભા) વચ્ચેના સંઘર્ષમાં પ્લેબિયન તેમજ ટ્રિબ્યુનની તરફેણ કરેલી છે. નિબૂર ક્રાન્તિ દ્વારા થતા પ્રજાતંત્રનો વિરોધી હતો, પરંતુ આપખુદશાહીનો સમર્થક ન હતો. તેણે ઇંગ્લૅન્ડની બંધારણીય લોકશાહીની પ્રશંસા કરેલી છે. રોમના ઇતિહાસના લેખનમાં નિબૂર આભિલેખિક તેમજ અવશેષીય સામગ્રીનો ઉપયોગ કરતો નથી. તે યથાર્થ હોવા છતાંયે નિબૂરે દસ્તાવેજી સામગ્રીનો ઉપયોગ ચકાસણી બાદ જ કર્યો છે. આથી તેણે આધુનિક ઇતિહાસલેખનની વિવેચનાત્મક પદ્ધતિનો પાયો નાખ્યો હોવાનું કહી શકાય. નિબૂરનું બીજું પુસ્તક ‘રોમનાં સાધનોનું સંકલન’ પણ નોંધપાત્ર છે.
રમણલાલ ક. ધારૈયા