નિદાનલક્ષી મૂલ્યાંકન

January, 1998

નિદાનલક્ષી મૂલ્યાંકન : તબીબ દ્વારા દર્દની તકલીફોના નિદાનની પ્રક્રિયા. દર્દીની તકલીફો પરથી તેને થયેલા રોગ, રોગનું કારણ, રોગનો તબક્કો તથા તેની આનુષંગિક (complicating) સમસ્યાઓ અંગેના નિર્ણયને નિદાન કહે છે. હાલ તેમાં સમસ્યાલક્ષી અભિગમ(problem-oriented approach)નો ખાસ ઉમેરો થયેલો છે.

દર્દીની શારીરિક સમસ્યાઓ અથવા તકલીફોની યાદી તથા તેમના ઉદભવનો સમયાનુક્રમ (chronological order) નોંધવામાં આવે છે. તેને ઉદભવ, સમયગાળો અને વિકાસ(origin, duration and progress)ના ત્રણ મુખ્ય તબક્કા રૂપે સમજવામાં આવે છે. નિદાનલક્ષી ઇતિહાસમાં આવરી લેવાતી માહિતી સારણીમાં દર્શાવી છે :

સારણી : દર્દીના નિદાનલક્ષી ઇતિહાસની નોંધ

ક્રમ માહિતીનો પ્રકાર માહિતી
1. વ્યક્તિગત માહિતી – દર્દીની ઉંમર, જાતિ (લિંગ), પ્રજાતિ (race), વ્યવસાય, સ્ત્રીઓની બાબતમાં તેમને થયેલી સુવાવડની સંખ્યા.
2. મુખ્ય તકલીફો – 4થી 5 શબ્દોમાં, દર્દીના જ શબ્દોમાં તથા દર્દીએ શા માટે તબીબની મુલાકાત લીધી છે તે હેતુ.
3. સારવારમાં જોડાયેલા અન્ય તબીબોની માહિતી – નામ, સરનામું, ટેલિફોન-નંબર, દર્દી સાથેનું સગપણ (જો હોય તો).
4. તકલીફોની માહિતી – દર્દીની તકલીફો સમયાનુક્રમ અનુસાર, શરૂઆત થયાનો સમય, કુલ સમયગાળો અને તેમાં વધારો-ઘટાડો.
– અગાઉ લીધેલી સારવાર અને તેની અસર.
– દર્દીની તકલીફને સમજવા માટે તબીબે પૂછેલા પ્રશ્નોના ટૂંકા ઉત્તર.
– દર્દીને અગાઉ થયેલી તકલીફો/રોગોની માહિતી.
5. પૂર્વ-તબીબી માહિતી – હૉસ્પિટલમાં દાખલ થયા હોય તો તેની નોંધ.
– રસીકરણ, ઍલર્જી, લોહી ચઢાવ્યું હોય તો તેની માહિતી.
– ચાલુ કે લાંબા સમયની દવાઓ.
– ટેવો/કુટેવો : તમાકુ, દારૂ, અફીણ અન્ય નશાકારક દ્રવ્યો, દવાઓ.
6. સામાજિક અને વ્યાવસાયિક માહિતી – માંદગીની રોજિંદા જીવન પર અસર.
– સારવાર માટેની આર્થિક સહાય હોય તો તેની માહિતી (કુટુંબ/મિત્રો/વીમો/ધંધાનો માલિક).
– વ્યવસાયનો પ્રકાર અને તેની માહિતી.
7. કૌટુંબિક માહિતી – કુટુંબમાં અન્ય વ્યક્તિને આ પ્રકારની કે અન્ય સંબંધિત માંદગી.
– કુટુંબની સામાન્ય આયુષ્ય-સંભાવના.
– કુટુંબની અન્ય વ્યક્તિઓનાં મૃત્યુનાં કારણો.

દર્દી સાથે કરેલી વાતચીત વડે લેવામાં આવેલી આ પ્રકારની નોંધને નિદાનલક્ષી ઇતિહાસ (clinical history) કહે છે. દર્દીએ જણાવેલી તકલીફોને લક્ષણ (symptom) કહેવામાં આવે છે. તબીબ દ્વારા શોધી કઢાયેલ વિકાર કે વિકૃતિસૂચક પરિસ્થિતિને ચિહન (sign) કહે છે. નિશ્ચિત કારણ જાણમાં હોય તેવા વિકાર(disorder)ને રોગ (disease) કહે છે. જેમાં ફક્ત લક્ષણો અને ચિહનોના સમૂહની ખબર હોય તેને સંલક્ષણ (syndrome) કહે છે. સંરચના(structure)માં આવેલા ફેરફારને વિકૃતિ અથવા સંરચનાલક્ષી કુરચના (structural anomaly) કહે છે. ક્રિયાલક્ષી ફેરફારને વિકાર (disorder) કહે છે. સામાન્યપણે ન હોય તેવી સ્થિતિ ઉદભવે ત્યારે તેને વિષમતા (abnormality) કહે છે. નિદાનલક્ષી ઇતિહાસની નોંધણીમાં દર્દીની સમસ્યાઓ, અગાઉથી જાણી કઢાયેલા વિકારો, વિકૃતિઓ, વિષમતાઓ, સંલક્ષણો અને રોગોની નોંધ પણ કરાય છે.

દર્દીની શારીરિક તપાસ (physical examination) દ્વારા રોગ કે વિકારનાં ચિહનો શોધી કઢાય છે. સામાન્ય રીતે તેને ઉપવિભાગોમાં વહેંચાય છે : સામાન્ય (general) શારીરિક તપાસ અને વિવિધ તંત્રલક્ષી (systemic) શારીરિક તપાસ. સામાન્ય શારીરિક તપાસમાં નાડી, શ્વસનદર, લોહીનું દબાણ, શરીરનું તાપમાન જેવા અગત્યના જૈવલક્ષી આંકડા (vital statistics) ઉપરાંત ચામડી, નખ, વાળ જેવા આવરણલક્ષી તંત્રના જુદા જુદા ભાગોની તપાસ કરાય છે. જે તે લક્ષણો(દર્દીની તકલીફો)ના જૂથને આધારે પાચનતંત્ર, શ્વસનતંત્ર, રુધિરાભિસરણતંત્ર કે ચેતાતંત્રની વ્યવસ્થિત તપાસ કરાય છે. પેટની અંદર ઘણાં જુદાં જુદાં તંત્રોના અવયવો આવેલા છે. ઉદરીય તપાસ(abdominal examination)નું તેથી ઘણું મહત્વ રહેલું છે. શારીરિક તપાસમાં મુખ્યત્વે ચાર પાસાં આવરી લેવાય છે. અવલોકન (inspection), સ્પર્શન (palpation), અંગુલિપ્રહાર (percussion) અને અધિશ્રવણ (auscultation). શરીરની સપાટી તથા તેના પરનાં છિદ્રો(આંખની ફાડ, મોંની બખોલ વગેરે)નું અવલોકન કરીને, શરીરની સપાટી તથા તેના પરની ગાંઠ/ગંડિકા કે દબાયેલા ભાગનો સ્પર્શ કરીને, છાતી તથા પેટ પર એક આંગળી મૂકીને બીજા હાથની આંગળીથી ટકોરા મારવાની – અંગુલિપ્રહારની પ્રક્રિયા કરીને તથા શ્રવણદર્શક અથવા સંશ્રવણક (stethoscope) વડે શ્વસનના, હૃદયના ધબકારાના તથા આંતરડામાંના વાયુ-પ્રવાહીના વહનના અવાજો સાંભળીને (અધિશ્રવણ) નિદાન કરાય છે. આંગળી વડે ટકોરા મારવાથી ચામડી નીચે વાયુ, પ્રવાહી કે ઘન પદાર્થ છે તે જાણી શકાય છે. આ ઉપરાંત ચેતાતંત્રની તપાસ માટે વિશિષ્ટ પ્રક્રિયાઓ પણ કરાય છે. સામાન્ય રીતે નિદાનલક્ષી ઇતિહાસનોંધ અને શારીરિક તપાસ વડે 95 %થી વધુ કિસ્સાઓમાં નિદાન કરી શકાય છે. તેને શારીરિક નિદાન (physical diagnosis) કહે છે.

જરૂર પડ્યે શારીરિક નિદાનને સાબિત કરવા, નિદાન અધૂરું હોય તો તે પૂર્ણ કરવા, રોગનો તબક્કો જાણવા તથા સારવારની અસર સમજવા માટે પ્રયોગશાળામાં કે તસવીરવિભાગ (imaging department) દ્વારા વધુ તપાસ કરાય છે. પ્રયોગશાળામાં દર્દીનાં લોહી, પેશાબ, પરસેવો, વીર્ય, ગળફો, મળ, લાળ વગેરે વિવિધ પ્રવાહીઓની તપાસ કરાય છે. દર્દીના શરીરમાંથી પેશીનો ટુકડો લીધો હોય તો તેની તપાસ પણ કરાય છે. તેને પેશી-પરીક્ષણ (biopsy) કહે છે. એક્સ-રે, અશ્રાવ્યધ્વનિ તથા વીજચુંબકીય માધ્યમો દ્વારા વિવિધ ચિત્રણો (images) મેળવી શકાય છે. એક્સ-રે-ચિત્રણો ઉપરાંત વિકિરણલક્ષી સ્કૅન અને સી.એ.ટી. સ્કૅનમાં પણ એક્સ-રેનો ઉપયોગ થાય છે. જ્યારે અશ્રાવ્યધ્વનિચિત્રણ (ultrasonography) અને એમ.આર.આઈ.માં તેનો ઉપયોગ થતો નથી. આ પ્રકારની વિવિધ કસોટીઓ અને ચિત્રણો વડે નિદાનની સ્પષ્ટતા 98 % જેટલી થવા જાય છે. બધાં પરીક્ષણો અને વારંવાર શારીરિક તપાસ છતાં 1 %થી 2 % કિસ્સામાં નિદાન સ્પષ્ટ થતું નથી. તેમાં ક્યારેક ઉપચારલક્ષી કસોટી (therapeutic trial) રૂપે દવાઓ આપીને તેની અસર નોંધવામાં આવે છે.

નિદાનલક્ષી મૂલ્યાંકનને આધારે સારવારની પદ્ધતિ અને તેના શક્ય પરિણામનું પૂર્વાનુમાન (prognosis) કરાય છે. નિદાનલક્ષી મૂલ્યાંકનને આધારે રોગની તથા સારવારની શક્ય આનુષંગિક તકલીફોની માહિતી મળે છે અને તેને અટકાવવાના ઉપાયો પણ યોજી શકાય છે. હાલ નિદાનલક્ષી માહિતીની નોંધણી અને તેના અર્થઘટનમાં કમ્પ્યૂટરનો ઉપયોગ પણ વધી રહ્યો છે.

નિદાનલક્ષી મૂલ્યાંકનને અંતે નિર્ણયો કરવામાં બે પ્રકારની પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવાય છે : (1) ચોક્કસ નિદાન અથવા બે કે વધુ રોગોના શક્ય નિદાન વચ્ચેનો નિદાનભેદ (differential diagnosis) તથા (2) દર્દીની સમસ્યાઓની નોંધણી અને ઉકેલનો અગ્રતાક્રમ. આ બંને પ્રક્રિયાઓ માટે ઘણી વખત તૈયાર વિચારધારાપથદર્શક કે ધારાદર્શકો (flow charts) મળે છે. ઘણી વખત તબીબ તેના અભ્યાસ અને અનુભવને આધારે તેનો નિર્ણય કરવાનો માર્ગ નક્કી કરે છે. આ ઉપરાંત અનેક નિદાન – ચિકિત્સાત્મક અભ્યાસો (clinical studies) દ્વારા શક્ય ઉપાય કે અભિગમ માટેની આંકડાકીય સાર્થકતા પણ ઉપલબ્ધ હોય છે.

તબીબી શાખા-ઉપશાખા પરત્વે વિશિષ્ટીકૃત (subspeciality-related) અભિગમને કારણે દર્દીની તકલીફમાં એકકેન્દ્રીપણું ન આવી જાય એ માટે હજુ પણ જનરલ ફિઝિશિયન(generalist physicion)નું મહત્વ જળવાઈ રહ્યું છે.

શિલીન નં. શુક્લ