નિઝામાબાદ : તેલંગાણા રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો, જિલ્લામથક અને શહેર.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 18 07´થી 19 7´ ઉ. અ. અને 77 30´થી 78 48´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. જેની ઉત્તરે નિર્મલ જિલ્લો, પૂર્વે જગતીઆલ અને રાજન્ના સીરસીલ્લા જિલ્લા, દક્ષિણે કામારેડ્ડી જિલ્લો અને પશ્ચિમે મહારાષ્ટ્રનો નાંદેડ જિલ્લા સીમા બનાવે છે. આ જિલ્લાની મુખ્ય નદી ગોદાવરી જે આ જિલ્લાના કન્ડાકુરથી સ્થળેથી પ્રવેશે છે. દક્ષિણ સરહદ પર નિઝામસાગર સરોવર આવેલું છે. અહીંથી દક્ષિણ તરફ માંજરા નદી વહે છે.

ભૂસ્તરીય રચનાની દૃષ્ટિએ જોઈએ તો એક સપાટક્ષેત્ર છે. જે તેલંગાણાના ઉચ્ચપ્રદેશનો જ ભાગ છે. મુખ્યત્વે પ્રિ-કેમ્બ્રિયન યુગની નીસ-ખડક સંરચના ધરાવે છે. ધારવાડ અને કડપ્પાશ્રેણીના ખડક જોવા મળે છે. આ જિલ્લાની જમીન લાલ રંગની છે. એનો લાલ રંગ ફેરિક ઑક્સાઇડનાં તત્ત્વો છે. ઊંડાઈએ જતાં પીળા રંગમાં રૂપાંતર પામે છે. આ જમીનમાં લોહ, ફૉસ્ફરસ, નાઇટ્રોજન તત્ત્વો મુખ્ય છે.

અહીંની આબોહવા અર્ધ-શુષ્ક ઉષ્ણકટિબંધ પ્રકારની કહી શકાય. અહીં જુલાઈ માસ દરમિયાન તાપમાન 26થી 42 સે. જ્યારે જાન્યુઆરીમાં 13થી 29 સે. તાપમાન રહે છે. જ્યારે વરસાદ 500 મિમી.થી 1000 મિમી. જેટલો પડે છે.

આંધ્રપ્રદેશમાં નિઝામાબાદનું ભૌગોલિક સ્થાન

અર્થતંત્ર : આ જિલ્લાના લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. જમીનની ફળદ્રૂપતા અને પાણીની ઉપલબ્ધિને કારણે ખાદ્યાન્ન પાકોમાં ડાંગર, જુવાર, બાજરી અને ઘઉંની ખેતી લેવાય છે. જ્યારે રોકડિયા પાકોમાં શેરડી, તલ, મગફળી, કપાસ અને તમાકુ છે. શુષ્ક પાનખર જંગલોને કારણે અહીં સાગ, સાલ, પલાસ, ખેર, ટીમરુ, શેતૂર વગેરે વૃક્ષો જોવા મળે છે. અહીં ઇમારતી લાકડાની સો મિલો આવેલી છે. આ સિવાય જંગલોમાંથી લાખ, ગુંદર વગેરે જંગલપેદાશો મેળવાય છે. અહીં તલ, મગફળી વગેરે તેલીબિયાં પીલવાની મિલો આવેલી છે. આલ્કોહૉલ, રેશમી કાપડના એકમો આવેલા છે. કુટિરઉદ્યોગોમાં હૅન્ડલૂમ કાપડ, બીડી વાળવાના અને લાકડામાંથી ખેતીનાં ઓજારો, કાષ્ઠની કલાત્મક વસ્તુઓ બનાવાય છે. ખેતી અને ઘાસ ઉપર આધારિત પશુપાલનની પ્રવૃત્તિ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળે છે. તાલુકામથકો અને નિઝામાબાદ શહેર ખાતે કેટલાક ઔદ્યોગિક એકમો ઊભા થયેલા છે.

પરિવહન – પ્રવાસન : આ જિલ્લાનાં નગરો અને ગામડાંઓ રાજ્યપરિવહનના માર્ગો અને જિલ્લામાર્ગોથી ઘનિષ્ટ રીતે સંકળાયેલાં છે.  જિલ્લામથક પાસેથી બે રાષ્ટ્રીય ધોરી માર્ગો પસાર થાય છે. NH44 માર્ગ જે કન્યાકુમારી અને વારાણસીને સાંકળે છે. જ્યારે NH16 જે નિઝામાબાદથી શરૂ થાય છે અને તે છત્તીસગઢના કરીમનગર અને જગદાલપુરને જોડે છે. રાજ્યપરિવહનની ખાનગી બસો અને ટૅક્સીઓની ઉપલબ્ધિ છે.

નિઝામાબાદ મહત્ત્વનું રેલવેજંકશન છે. દક્ષિણ મધ્ય રેલવે વિભાગના હૈદરાબાદ વિભાગમાં આ જંકશન આવે છે. સિકંદરાબાદ અને મનમાડ રેલમાર્ગનું તે મહત્ત્વનું સ્ટેશન છે. નિઝામાબાદની પશ્ચિમે જનકામપેટ (Jankampet) જંકશન આવેલું છે.

નિઝામાબાદને હાલમાં કોઈ હવાઈ મથક ફાળવવામાં આવ્યું નથી. આ શહેરની નજીક હૈદરાબાદનું રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. જે આશરે 200 કિમી. દૂર છે. આંતરદેશીય હવાઈ મથક ‘શ્રી ગુરુગોવિંદ સિંઘજી’ જે મહારાષ્ટ્રના નાંદેડ ખાતે આવેલું છે. નિઝામાબાદ અને નાંદેડ વચ્ચેનું અંતર આશરે 110 કિમી. છે. નિઝામાબાદ ખાતે બે હેલિપૅડ આવેલાં છે.

નિઝામાબાદ અને મેડક જિલ્લાના સરહદી વિસ્તારના જંગલમાં પોચારામ (Pocharam) વન્યજીવ અભયારણ્ય આવેલું છે. તેનો વિસ્તાર આશરે 130 ચો.કિમી. છે. 20મી સદી પહેલાં નિઝામના શાસનકાળમાં નિઝામ આ વિસ્તારમાં શિકાર કરવા આવતા હતા. અહીં પોચારામ સરોવર અને અલીસાગર તળાવ આવેલું છે.

વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 4,288 ચો.કિમી. જ્યારે વસ્તી (2011 મુજબ) 15,71,022 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1044 છે. સાક્ષરતાનું પ્રમાણ 64.25% છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 13.83% અને 6.81% છે. આ જિલ્લાને કેન્દ્રસરકાર તરફથી Backward Regions Grant Fund Programme (BRGE) અંતર્ગત આર્થિક સહાય મળે છે. અહીં હિન્દુઓ 79.69%, મુસ્લિમ 18.57% અને ક્રિશ્ચિયનો 0.99% વસે છે. મોટે ભાગે અહીં તેલુગુ 71.58%, ઉર્દૂ 18.26%, લમ્બાડી 5.63%, મરાઠી 2.17% અને અંગ્રેજી ભાષા બોલાય છે.

અહીંની એન્જિનિયરિંગ કૉલેજોમાં ક્ષત્રિય કૉલેજ ઑફ એન્જિનિયરિંગ, અરમૂર વિજય રૂરલ એન્જિનિયરિંગ કૉલેજ જે જવાહરલાલ ટૅકનૉલૉજિકલ યુનિવર્સિટી હૈદરાબાદ સાથે જોડાયેલી છે. રાજીવ ગાંધી યુનિવર્સિટી ઑફ નૉલેજ ટૅકનૉલૉજી બસાર ખાતે આવેલી છે. આ સ્વાયત્ત યુનિવર્સિટી છે. આ સિવાય આર્ટ્સ, કૉમર્સ અને સાયન્સ કૉલેજો આવેલી છે. રાજ્યસરકાર દ્વારા સંચાલિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે.

નિઝામાબાદ (શહેર) : તેલંગાણા રાજ્યના નિઝામાબાદ જિલ્લાનું શહેર અને જિલ્લામથક.

તે 18 41´ ઉ. અ. અને 78 6´ પૂ. રે. પર સ્થિત છે. આ શહેર ઉત્તરે નિર્મલ, ઈશાને જગતીલ, પૂર્વે કરીમનગર, દક્ષિણે કામારેડ્ડી અને પશ્ચિમે મહારાષ્ટ્રના નાંદેડ શહેરની સીમાથી ઘેરાયેલું છે. આ શહેરનો વિસ્તાર 42.9 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2011 મુજબ) 3,11,152 છે. અહીં હિંદુઓ 59.77%, મુસ્લિમો 38.01% અને ક્રિશ્ચિયનો 1.13% છે. સાક્ષરતાનું પ્રમાણ 78.52% છે. મોટે ભાગે તેલુગુ ભાષા (53.90%) બોલાય છે, ઉપરાંત ઉર્દૂ (37.62%), મરાઠી (4.25%) અને હિન્દી (1.71%) ભાષા પણ બોલાય છે. વહીવટી સરળતા ખાતર આ શહેરને ઉત્તર નિઝામાબાદ, દક્ષિણ નિઝામાબાદ (શહેર) અને ગ્રામ્ય નિઝામાબાદ – એમ ત્રણ વિભાગમાં વિભાજિત કર્યું છે. નિઝામાબાદમાં મ્યુનિસિપાલિટી કૉર્પોરેશન છે. આ જિલ્લો સમુદ્ર સપાટીથી આશરે 395 મીટરની ઊંચાઈ ધરાવે છે.

આ શહેરની દક્ષિણે નિઝામસાગર સરોવર આવેલું છે. શહેરની ઉત્તરે ગોદાવરી નદી અને દક્ષિણે માંજરા નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે. જેના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે.

આ શહેર સમુદ્રકિનારાથી દૂર આવેલું હોવાથી આબોહવા ઉષ્ણકટિબંધીય સવાના પ્રકારની કહી શકાય. ઉનાળાનું સરેરાશ તાપમાન 46 સે. જ્યારે શિયાળાનું સરેરાશ તાપમાન 18 સે. રહે છે, પરંતુ 2015ના મે માસમાં તાપમાન ઉનાળામાં 47 સે. કરતાં વધુ નોંધાયું હતું. શિયાળામાં 5 સે. જેટલું નીચું તાપમાન પણ નોંધાયેલ છે. સરેરાશ વરસાદ 1108 મિમી. પડે છે.

અહીં ખેતપેદાશોનું ખરીદ અને વેચાણ થાય છે. ધાન્ય અને કપાસને લગતા નાના પાયા પરના ઔદ્યોગિક એકમો વિકસ્યા છે. રિલાયન્સ અને વૉલમાર્ટના મૉલ આવેલા છે. મોટા ભાગના લોકોની આવક સરકારી અને ખાનગી નોકરી પર આધારિત છે. કેટલાક લોકો ગલ્ફ દેશોમાં નોકરી કરવા ગયા હોવાથી અહીંના લોકોનું જીવનસ્તર સુધર્યું છે. સરકાર તરફથી સારંગપુર અને નહેરુનગર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રિયલ પાર્ક ઊભા કરાયા છે. નિઝામના શાસનકાળ દરમિયાન ‘નિઝામ શુગર ફૅક્ટરી’ સ્થપાઈ હતી. જે એક સમયે એશિયાની સૌથી મોટી ગણાતી હતી. ‘સ્પાઇસ પાર્ક’ પણ અહીં આવેલો છે. ડાંગરનું ઉત્પાદન આ જિલ્લામાં વધુ હોવાથી અહીં ત્રણ ડાંગર છડવાની મિલો આવેલી છે. 2018 પછી અહીં અનેક ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી (IT) ક્ષેત્રના એકમો સ્થપાયા છે.

આ શહેર પાસેથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 44 અને નં. 63 પસાર થાય છે. અહીં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જે રસ્તાઓ નિર્માણ કરાયા છે તેની લંબાઈ આશરે 772 કિમી. છે. રાજ્ય પરિવહનની અને પાડોશી રાજ્યોની પરિવહનની બસો તેમજ ખાનગી બસોની સુવિધા રહેલી છે. હૈદરાબાદ રેલવે વિભાગનું નિઝામાબાદ જંકશન મહત્ત્વનું ગણાય છે. દિલ્હી-ચેન્નાઈને સાંકળતો ‘ગ્રાન્ડ ટ્રંક માર્ગ’ આ જંકશનેથી પસાર થાય છે. 2023માં આ જંકશનનો ‘અમૃત ભારત સ્ટેશન યોજના’માં સમાવેશ કરાયો છે. આ શહેરને આંતરદેશીય હવાઈ મથકની સુવિધા પ્રાપ્ત નથી, પરંતુ ‘હેલિપૅડ’ ઊભાં કરાયાં છે.

અહીં જોવાલાયક સ્થળોમાં ગુરુદ્વારા, નિઝામાબાદ ફોર્ટ, તિલક ગાર્ડન પાસે ‘આર્કિયોલૉજિકલ અને હેરિટેજ મ્યુઝિયમ’, અલીસાગર પાર્ક, (33 એકરમાં વિસ્તરેલ છે.) અશોક સાગર લેક, નીલકંઠેશ્વર મંદિર, બડાપહાડ દરગાહ વગેરે આવેલાં છે. હિન્દુઓના તહેવાર ગણેશ ચતુર્થી, દીપાવલી વગેરે ઊજવાય છે. મુસ્લિમોના ઇદ-ઉલ-ફિત્ર, ઈદ-અલ-અધા ધામધૂમથી ઊજવાય છે. અહીં વસતા લોકોની વાનગીઓમાં વિવિધતા છે. ડોસા, વડા, પૂરી અને ઈડલી તેમજ હૈદરાબાદી બિરિયાની, હરીસ, હલીમ અને નીહારી વધુ જાણીતી છે.

તેલંગાણા રાજ્યમાં આ શહેરે શિક્ષણક્ષેત્રે સારી પ્રગતિ કરી છે. 10 એન્જિનિયરિંગ કૉલેજો, વીરાજ ગ્રામ્ય એન્જિનિયરિંગ કૉલેજ વગેરે છે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પણ આવેલી છે. ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ, ગવર્નમેન્ટ ડિગ્રી કૉલેજો આવેલી છે. તેલંગાણા યુનિવર્સિટીની માન્યતા ધરાવતી 149 કૉલેજો નિઝામાબાદ અને અદીલાબાદ ખાતે આવેલી છે. શિકાગો યુનિવર્સિટી સાથે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો સાથેનો ‘એક્સચેન્જ પ્રોગ્રામ’ પણ થાય છે.

આ શહેર ઇનધુરુ અથવા ઇન્દ્રપુરી તરીકે ઓળખાતું હતું. આઠમી સદીમાં ઇન્દ્ર વલ્લભ પન્થયા વસરહા (vasrha) ઇન્દ્ર સોમના હસ્તક હતું. આ શહેર નિઝામના તાબામાં આવ્યું પછી તે નિઝામાબાદ તરીકે ઓળખાયું. નિઝામનો અર્થ ‘નિઝામ ઑફ હૈદરાબાદ’ જ્યારે આબાદ એટલે શહેર થાય છે. 1724માં તે હૈદરાબાદ રાજ્યનો એક ભાગ હતું. તે 1947 સુધી રહ્યો હતો. 1947 પછી ભારત સ્વતંત્ર થતાં સરદાર વલ્લભભાઈએ ચાણક્ય નીતિ વાપરીને તેનો ભારતમાં સમાવેશ કરાવ્યો હતો.

ગિરીશ ભટ્ટ

નીતિન કોઠારી