નિચુકનિ ગીત : આસામી સાહિત્યનાં હાલરડાં. એમાં બાળકો પ્રત્યેની કોમળ લાગણી તથા કલ્પના જોવા મળે છે. ખૂબ પ્રચલિત એવા નિચુકનિ ગીતમાં કહ્યું છે :

જો ન બાઈ એ એ જી એટિ વિયા.

(હે ચન્દ્રમા, સોય આપ. એના વડે હું થેલી સીવીશ. થેલીમાં ધન ભરીશ. ધનથી હાથી ખરીદીશ ને હાથી પર મારા લાડકડાને બેસાડીશ.)

શ્રીધર કંદલી નામના કવિએ નિચુકનિ શૈલીમાં કાનખોવા (કાનખજૂરો) કવિતા લખી હતી, જેમાં યશોદામાતા કૃષ્ણને ડરાવીને ઊંઘાડી દેવા કાનખજૂરાને લાવવાની વાત કરે છે.

ઘુમટિ જાઓ રે, અરે કાનાઈ, હુરે કાનખોવા આસે,

સકલો શિશુર કાણ ખાઈ ખાઈ આસે તોમાર પાસે.

(અરે કાના, સૂઈ જા. અરે કાનખજૂરો આવે છે. બધા છોકરાઓના કાન કરડીને એ તારી પાસે આવે છે.)

ચન્દ્રકાન્ત મહેતા