નાસિર હુસેન (જ. 16 નવેમ્બર 1926, ભોપાલ; અ. 13 માર્ચ 2002, મુંબઈ) : હિંદી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક. મૂળ નામ મોહમદ નાસિર હુસેન. નાસિર હુસેને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત એ. આર. કારદાર સાથે કામ કરીને કરી. 1948માં તેઓ ફિલ્મિસ્તાન સાથે જોડાયા અને સુબોધ મુખરજીની ફિલ્મોની પટકથા લખવાનું શરૂ કર્યું. દિગ્દર્શક તરીકે તેમની પ્રથમ ફિલ્મ ‘તુમ સા નહીં દેખા’ 1957માં બની, જેને અસાધારણ સફળતા મળી. અભિનેતા શમ્મી કપૂરની પણ તે પ્રથમ સફળ ફિલ્મ હતી. તે ફિલ્મથી પાશ્ચાત્ય રૉક સંગીતની અસર નીચે તૈયાર થયેલાં ગીતોએ ધૂમ મચાવી હતી. 1960માં નાસિર હુસેને પોતાની સ્વતંત્ર નિર્માણસંસ્થા નાસિર હુસેન ફિલ્મ્સ શરૂ કરી, જેમાં ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ (1961), ‘યાદોં કી બારાત’ (1973), ‘હમ કિસી સે કમ નહીં’ (1977) અને ‘કયામત સે કયામત તક’ (1973) જેવી સફળ ફિલ્મોનું નિર્માણ થયું. ‘કયામત સે કયામત તક’નું દિગ્દર્શન તેમના પુત્ર મન્સૂરે સંભાળ્યું હતું. ફિલ્મની મુખ્ય ભૂમિકામાં તેમનો ભત્રીજો આમિરખાન ચમક્યો, જે આ દાયકાના સફળ અભિનેતાઓમાં સ્થાન પામ્યો.
એમણે અગિયાર ફિલ્મોનું નિર્માણ કરેલું. તેર ફિલ્મોનું દિગ્દર્શન કરેલું અને પાંચ ફિલ્મોના લેખક હતા.
પીયૂષ વ્યાસ