નાસપાતી : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી(ગુલાબાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pyrus communis Linn. (ગુ. નાસપાતી, કા., પં., ઉ.પ્ર. બાગુગોશા; અં. કૉમન અથવા યુરોપિયન પે’અર) છે. તે યુરોપ અને એશિયાના સમશીતોષ્ણ પ્રદેશોમાં થાય છે.

બાહ્ય લક્ષણો : તેનું વૃક્ષ પહોળો પિરામિડ આકારનો પર્ણમુકુટ ધરાવે છે. પર્ણો વર્તુળી-અંડાકાર(orbicularovate)થી માંડી ઉપવલયાકાર (elliptic), કુંઠદંતીદંતુર (crenate-serrate) હોય છે. પુષ્પવિન્યાસ થોડાંક જ પુષ્પો ધરાવતો સમશિખકલગી (corymb) પ્રકારનો હોય છે.  પુષ્પો સફેદ રંગનાં હોય છે. ફળ પોમ(pome) પ્રકારનું ભમરડા આકાર  કે ઉપગોલાકાર (subglobose) હોય છે. વજ્ર દીર્ઘસ્થાયી (persistent) હોય છે. ગર કઠણ અને કણીદાર હોય છે.

નાસપાતી : 1. પાન અને પુષ્પો સાથેની શાખા; 2. નાસપાતીનું ફળ.

નાસપાતીની જાતો : આ જાતિ ઘણી જાતો (varieties) ધરાવે છે. તે પૈકી બે મહત્વની છે : (1) var communis (syn. P. communis var pyraster Linn; P. pyraster (Linn) Borkh.) અને (2) var, sativa Lam. et DC. (syn. P. domestica Medik; P. sativa Lam. et DC). var. communis માં જંગલી નાસપાતીનો સમાવેશ થાય છે.  તે સામાન્યત: કાંટાળું વૃક્ષ હોય છે. તેના પુષ્પનો વ્યાસ 2.0થી 2.5 સેમી. અને ફળોનો વ્યાસ 1.5થી 2.0 સેમી. હોય છે. તે મધ્ય અને દક્ષિણ યુરોપ, એશિયા માઇનર, કૉકેસસ અને ઉત્તર ઈરાનમાં થાય છે. sativa જાત મોટાં પર્ણો અને પુષ્પો અને મોટાં રસાળ ફળો ધરાવે છે અને તેમાં નાસપાતીના લગભગ બધા જ વાવવા યોગ્ય પ્રકારોનો સમાવેશ થાય છે. જોકે તે પૈકી કેટલીક સંકર જાતો છે. તેની કેટલીક શોભન જાતો છેદિત (cut), ખંડિત (lobed) કે બહુવર્ણી (variegated) પર્ણો ધરાવે છે.

સમશીતોષ્ણ ફળ-પાકોમાં વિશ્વમાં કુલ ઉત્પાદન અને પ્રકારોની વિભિન્નતા(5,000થી વધારે પ્રકારો)ની દૃષ્ટિએ સફરજન પછી નાસપાતી આવે છે. યુરોપમાં જર્મની, ઇટાલી, ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લૅન્ડ અને યુ.એસ. અને જાપાન નાસપાતીના વિશ્વના કુલ વાર્ષિક ઉત્પાદનનાં અર્ધાથી વધારે નાસપાતી ઉત્પન્ન કરે છે; જે લગભગ 50.0 લાખ મેટ્રિક ટન જેટલું થવા જાય છે. ભારતમાં સફરજન કરતાં નાસપાતીનું વાવેતર ઘણા ઓછા પ્રમાણમાં થાય છે.  ભારતમાં મુખ્યત્વે પંજાબ, કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ચેન્નાઈમાં તે વવાય છે. થોડા પ્રમાણમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ, આસામ અને બંગાળમાં વાવવામાં આવે છે.

બાગુગોશા (citron des carmes) પંજાબ અને કાશ્મીરમાં ઉગાડાતી મુખ્ય જાત છે. તે આ પ્રદેશમાં વવાતી બીજી મહત્વની જાત છે. તે જાત મોડી પાકે છે. પણ તેના ફળની ટકાઉ શક્તિ સારી હોય છે. બાગુગોશા જાતનું ફળ ડબ્બાબંધી(canning)માં વધારે સારું રહે છે. આ પ્રદેશોમાં બીજી મહત્વની વવાતી જાત બાટર્લેટ (Williams’ Bon Chritien) છે. બીજી વાવેતર માટે ભલામણ કરાયેલી જાતો આ પ્રમાણે છે: ‘કૉન્ફરન્સ’, ‘ક્લેપ્સ ફેવરિટ’, ‘વિન્ટર નેલિસ’, ‘ટોમ્પસન’, ‘ડોયેને ડુ કોમિસ’, ‘ઇસ્ટર બ્યુરે’, ‘ડૉ. જ્યુલસ્ ગાઇઓટ’, ‘એમિલે દ’ હેઇસ્ટ’ અને અન્ય જાતો. દક્ષિણ ભારતના કોડાઈકૅનાલ વિસ્તારમાં કાઈફર (kieffer) જાત ઉગાડાય છે. અંત:સ્રાવી ચિકિત્સા આપી નાસપાતી અને સફરજનની સંકરજાતો સફળતાપૂર્વક ઉત્પન્ન કરવામાં આવી છે.

નાસપાતીની મૂળભૂત રંગસૂત્ર સંખ્યા સફરજનની જેમ 2n = 34 છે. ઘણી જાતો ત્રિગુણિત (3n = 51, triploid) છે. બહુ ઓછી ચતુર્ગુણિત (tetraploid, 4n = 68) હોય છે.

આબોહવા અને જમીન : નાસપાતી ઓછી સહિષ્ણુ (hardy) વનસ્પતિ છે. તેની સુષુપ્તાવસ્થા તોડવા માટે આશરે 900-1000 કલાક માટે 70 સે. તાપમાન જરૂરી હોય છે. ભારતમાં પંજાબ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર, ઉત્તરપ્રદેશ અને આસામમાં 1200-1800 મી.ની ઊંચાઈએ અને નીલગિરિમાં 1600-2000 મી.ની ઊંચાઈએ વાવવામાં આવે છે. તે ભેજ જાળવી રાખતી ઊંડી અને ઉષ્ણ જમીનમાં સૌથી સારી રીતે થાય છે; છતાં સામાન્ય રીતે ઓછી ફળદ્રૂપ અને સીમાવર્તી જમીનમાં ઉગાડવામાં આવે છે. ચોમાસા દરમિયાન જલાક્રાન્ત (waterlogged) સ્થિતિની તુલનામાં ઓછી અસર થાય છે.

પ્રજનન : નાસપાતીમાં કલિકા (budding) અને રોપણ(grafting) દ્વારા ક્યારીમાં પહેલાંથી ઉગાડેલ મૂલકાંડ (rootstock) પર કૃત્રિમ પ્રજનન કરાવી ધરુવાડિયામાં ઉગાડવામાં આવે છે. મૂલકાંડ માટે ઉપયોગમાં લેવાતી જાતિઓમાં ઉત્તર ભારતમાં P. pashia (શિઆરા) અને નીલગિરિ P. pyrifolia(દેશી નાસપાતી)નો સમાવેશ થાય છે. આસામમાં ઘણા સમયથી મૂલકાંડ તરીકે sorbus khasiana અને Malus baccata(બનમહેલ)નો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકા અને યુરોપમાં બાટર્લેટ અને વિન્ટર નેલિસના રોપાઓ ઉપર કલિકારોપણ કે રોપણ કરવામાં આવે છે. પરંતુ અમેરિકી પરિસ્થિતિમાં વિકસતી આ કલમો દગ્ધશીર્ણતા(fireblight)ના રોગની સંવેદી હોય છે. જોકે બીજા વૈકલ્પિક મૂલકાંડ માટે પ્રયાસો કરવામાં આવ્યા છે; પરંતુ સંતોષકારક મૂલકાંડ હજુ સુધી પ્રાપ્ત થયા નથી. નાસપાતીના વામનીકરણ (dwarfing) માટે અમૃતફળ[Cydonia oblonga, ક્વિન્સ (સફરજનની એક જાત)]નો મૂલકાંડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જોકે કેટલીક નાસપાતીની જાતો ક્વિન્સ સાથે અસંગતતા (incompatibility) દર્શાવે છે. તે માટે ક્વિન્સ સાથે સંગત એવી નાસપાતીની મધ્યમ જાતનો ઉપયોગ કરવામાં આવે છે.

ભારતની બહાર P. nivalis, P. betulaefolia, P. calleryana, P. ussuriensis અને Crataegus અને S Sorbus spp.નો નાસપાતીના મૂલકાંડ તરીકે ઓછી વધતી સફળતા સાથે ઉપયોગ કરવામાં આવે છે.

વાવણી : નાસપાતીની વાવણી ઉત્તરના વિસ્તારોમાં પાનખર કે શિયાળામાં અને નીલગિરિમાં જાન્યુઆરીમાં 6–7 મી.ના અંતરે કરવામાં આવે છે. ક્વિન્સ મૂલકાંડ પર રોપિત છોડ વચ્ચે 3.5–4.5 મી.નું અંતર રાખવામાં આવે છે. પાક સારો ઊતરે તે માટે નાસપાતીને ઉત્તમ પર્યાવરણ પૂરું પાડવામાં આવે છે. પરંતુ પાછોતર ઉનાળામાં વધારે પડતી વૃદ્ધિ થાય તો કરમાવા(blight)ના ચેપની સંભાવના રહે છે. ભૂમિ-સંરક્ષી પાક (cover crop) પાણી અને ખોરાક માટે સ્પર્ધા કરતો હોવાથી નાસપાતીની થતી આ વધારે પડતી વૃદ્ધિને અવરોધે છે. નાસપાતીની વૃદ્ધિ ધીમી થતી હોવાથી નીલગિરિની ટેકરીઓમાં ગૂઝબરી, સ્ટ્રૉબેરી કે ટ્રી ટમાટો જેવા આંતરપાક (intercrop)ની ભલામણ કરવામાં આવી છે.

નાસપાતીની છાંટણી (pruning) કરવામાં આવે છે અને પિરામિડ, ક્ષુપ, ઇસ્પૅલિઅર (espalier  દીવાલ પાસે વાવેલ છોડની શાખાઓ દીવાલને સમાંતર ભૌમિતિક આકૃતિમાં વિકાસ પામે તેવી માવજત) અને કૉર્ડન (તારની જાળી પર છોડને વિકસાવવાની પદ્ધતિ) બનાવવા માવજત આપવામાં આવે છે. મોટા કદનાં ફળોની પ્રાપ્તિ માટે અને દ્વિવાર્ષિક ફળનિર્માણ ટાળવા માટે શાખાઓની છાંટણી અને ફળોનું વિરલન (thinning) આવશ્યક ગણાય છે.

રોગો અને જીવાત : નાસપાતીને પ્રમાણમાં બહુ ઓછા રોગ કે જીવાત લાગુ પડે છે. છાલવ્રણ (bark canker) Nectaria sp. દ્વારા થાય છે. તે કલિકાના ક્ષત-ચિહન (scar) કે ઈજાગ્રસ્ત ભાગોમાં દેખાય છે. 12થી 15 વર્ષનાં વૃક્ષોને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. તેના પ્રતિકારક ઉપયોગમાં – (1) રોગગ્રસ્ત મૃત ભાગોને બાળી નાખવામાં આવે છે. (2) વ્રણયુક્ત ભાગો સ્વચ્છ કરી બોર્ડોનો મલમ લગાડવામાં આવે છે.

Ganoderma sp. દ્વારા મૂળ અને મૂળ-કંઠ(root collar)નો સફેદ સડો થાય છે. તે વૃક્ષની 10–15 વર્ષની ઉંમર સુધી વિનાશકારી હોય છે. ચેપગ્રસ્ત મૂળનો કે ઉગ્રપણે રોગિષ્ઠ વૃક્ષોનો તત્કાળ નિકાલ કરવામાં આવે છે. કપાયેલા છેડાવાળાં ચેપગ્રસ્ત મૂળ, થડ કે કંઠપ્રદેશ અને આસપાસની જમીનને યોગ્ય ચિકિત્સા આપવામાં આવે છે.

Venturia pirina દ્વારા ભીંગડાનો રોગ (scab disease) થાય છે. પુષ્પનિર્માણ પહેલાં બે વાર અને પછી એક વાર ચૂના અને સલ્ફરના મિશ્રણનો છંટકાવ કરવાથી ચેપનું નિયંત્રણ થાય છે.

કાળા થડનો રોગ Conithecium chromatosporum, ગુલાબી રોગ corticum salmonicolor અને બદામી સડો Sclerotinia fructigena સફરજન અને નાસપાતીમાં થતા સામાન્ય રોગો છે.

ધ સાન જૉઝ શલ્ક (scale) કીટક (ભીંગડાવાળું ચૂસિયું)  (Quadraspidiotus perniciosus) નાસપાતીને લાગુ પડતી મુખ્ય જીવાત છે. તે સફરજન અને કાષ્ઠફળો ઉપર પણ આક્રમણ કરે છે. આ જીવાતનું પરિક્ષેપણ (dispersion) ધરુવાડિયાના મૂળકાંડ, કલમ અથવા કાગડો, કાબર અને બુલબુલ જેવાં પક્ષીઓ દ્વારા થાય છે. ફળની લણણી દરમિયાન પણ એક વનસ્પતિ પરથી બીજી વનસ્પતિ પર ડિંભક (nymph) દ્વારા થાય છે. તેઓ જમીન પર ઘસડાઈને નવી વનસ્પતિ પર આક્રમણ કરે છે. આ જીવાતનું અનેક કુદરતી જીવો અને પરભક્ષીઓ (predators) ભક્ષણ કરે છે. તેનાં વૃક્ષો પર સુષુપ્ત ઋતુ (નવેમ્બર–ફેબ્રુઆરી) અને ઉનાળા દરમિયાન પોટાશ  ફિશ-ઑઇલ-સૉપ અને ડીઝલ તથા પાણીનો છંટકાવ નિયંત્રણ કરે છે. ધરુવાડિયામાં મૂળકાંડ પર ધૂમન (fumigation)ની ચિકિત્સા આપવામાં આવે છે.

પંજાબ, હિમાચલપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ઘણા પ્રકારના ભમરા નાસપાતીનું વિપત્રણ (defoliation) કરે છે. તેમના નિયંત્રણ માટે DDT અને લેડ આર્સેનેટનો છંટકાવ કરવામાં આવે છે. નીલગિરિના પ્રદેશમાં તેને અનેક નાશક જીવાત લાગુ પડે છે. BHC અને પેરાથિયૉનના છંટકાવ દ્વારા આ જીવાતોનું સંતોષકારક રીતે નિયંત્રણ થાય છે.

લણણી અને ઉત્પાદન : રોપણ પછી નાસપાતી લગભગ સાત વર્ષે ફળસર્જનનો પ્રારંભ કરે છે. તેની લાભદાયી ફળસર્જનની ક્રિયા લગભગ 60–70 વર્ષ સુધી થાય છે. ઉત્તર ભારતમાં વિલંબિત જાતો(late varieties)ના કિસ્સાઓમાં લણણી જૂનથી નવેમ્બર સુધી અને દક્ષિણ ભારતમાં મેથી સપ્ટેમ્બર સુધીમાં કરવામાં આવે છે. ફળો સંપૂર્ણ પરિપક્વ થયાં હોય અને છતાં કઠણ અને લીલાં હોય ત્યારે લણણી કરાય છે. અગ્રિમ (early) જાતનાં ફળો થોડાંક વહેલાં ચૂંટવામાં આવે છે અને પરિવહન માટે જે સમય લેવાય તે ગાળામાં તેઓ પૂરતાં પાકી જાય છે. ઉત્તરના વિસ્તારોમાં વૃક્ષદીઠ 75–120 કિગ્રા. જેટલાં ફળ ઊતરે છે; જ્યારે કૂનૂરમાં તેનો ઉતારો માત્ર અડધો જ હોય છે.

સંગ્રહ : સફરજન કરતાં નાસપાતી વધારે સહેલાઈથી બગડી જાય છે. દરેક જાત માટે સંગ્રહના સમયની લંબાઈ જુદી જુદી હોય છે. તેમનો સંગ્રહ જાતને આધારે 10 સે. તાપમાને 27 માસ સુધી કરી શકાય છે. સંગ્રહ દરમિયાન ગેરુના સડાથી રક્ષણ મેળવવા ફળોને વીંટાળવાના કાગળ તાંબાથી તરબોળ કરવામાં આવે છે. ફળ પાકવા માટેનું અનુકૂલતમ તાપમાન લગભગ 180 સે. છે.

રાસાયણિક બંધારણ : ભારતમાં વવાતી નાસપાતીની મહત્વની જાતોના ખાદ્ય ભાગનું રાસાયણિક બંધારણ સારણી-1માં આપવામાં આવ્યું છે :

સારણી 1 : ભારતમાં વવાતી નાસપાતીની મહત્વની જાતોના ખાદ્ય ભાગનું રાસાયણિક બંધારણ

રાસાયણિક ઘટક

બાગુગોશા કાશ્મીરી કન્ટ્રી

કાઈફર

પાણી ગ્રા./100 ગ્રા. 86.5 83.6 86.0 86.3
પ્રોટીન ગ્રા/100 ગ્રા. 0.4 0.2 0.2 0.2
લિપિડ ગ્રા./100 ગ્રા. 0.1 0.3 0.1 0.2
ખનિજ દ્રવ્ય ગ્રા./100 ગ્રા. 0.3 0.4 0.3 0.2
રેસા ગ્રા./100 ગ્રા. 2.1 0.6 1.0 1.4
અન્ય કાર્બોદિતો ગ્રા./100 ગ્રા. 10.6 14.9 12.4 11.7
કૅલ્શિયમ મિ.ગ્રા./100 ગ્રા. 20 20 6 10
ફૉસ્ફરસ મિ.ગ્રા./100 ગ્રા. 20 20 10 10
લોહ મિ.ગ્રા./100 ગ્રા. 1.5 1.0 1.0 0.4
વિટામિન A આઇ.યુ./100 ગ્રા. 0 0 14 9
થાયેમિન મિગ્રા./100 ગ્રા. 0.02 0.03
રાઇબોફ્લેવિન મિ.ગ્રા./100 ગ્રા. 0.03 0.02
નિકોટીનિક ઍસિડ મિગ્રા./100 ગ્રા. 0.2 0 0.2 0
વિટામિન C, મિગ્રા./100 ગ્રા. 1 3 0 7

કાશ્મીરી નાસપાતી ઍસિડ (મૅલિક ઍસિડ રૂપે) 0.24 %, અપચાયી (reducing) શર્કરાઓ 8.2 %, કુલ શર્કરા (invert-પ્રતીપ) 10.8 % અને ટેનિન્સ 0.04 % ધરાવે છે. નાસપાતીમાં રહેલાં અલ્પ તત્વો (trace elements)માં બોરોન, તાંબું (119.5, માઇક્રોગ્રા./100 ગ્રા.), મોલિબ્ડિનમ(3.4 માઇક્રોગા./100 ગ્રા.) જસત, કોબાલ્ટ (44.9 માઇક્રોગા./100 ગ્રા.), આર્સેનિક, ફ્લોરિન(0.03મિગ્રા./100 ગ્રા.)નો સમાવેશ થાય છે. અપચાયી શર્કરાઓ ફ્રુકટૉઝ મુખ્ય શર્કરા (કુલ શર્કરાના 80 %) છે.

નાસપાતીમાં આવેલાં વિટામિનોનું પ્રમાણ આ મુજબ છે : વિટામિન A < 50 આઇ.યુ., થાયમિન 2-50 માઇક્રોગા, રાઇબોફ્લેવિન 7-30 માઇક્રોગા. અને ઍસ્કોર્બિક ઍસિડ 1-11 મિગ્રા. /100 ગ્રા.. આ ઉપરાંત તે બાયોટિન, પૅન્ટોથેનિક ઍૅસિડ, ફૉલિક ઍસિડ અને વિટામિન B12 ધરાવે છે. નાસપાતીના રસમાં ઇનોસિટૉલ (240 મિગ્રા. / લિ.) અને વિટામિન B6 (0.13 મિગ્રા. / લિ.) પણ હોય છે. વિટામિન C અને બાયોટિન ગર કરતાં છાલમાં વધારે પ્રમાણમાં હોય છે.

પૉલિફિનૉલોમાં ગૅલિક, ઇલેજિક, ક્લોરોજનિક અને આઇસો-ક્લોરોજનિક ઍસિડનો સમાવેશ થાય છે. નાસપાતીમાં ઍન્થોસાયનિન અને ફ્લેવોન રંજક દ્રવ્ય (pigments) હોય છે.

નાસપાતીના બીજમાં (શુષ્ક દ્રવ્યના આધારે) અશુદ્ધ પ્રોટીન 33.4 %, લિપિડ 24.8 %, લેસિથિન 1.2 %, શર્કરાઓ (પ્રતીપ શર્કરા રૂપે) 5.1 % પૅન્ટોસન્સ 6.7 %, રેસો 10.9 % અને ભસ્મ 3.8 % હોય છે. તે અલ્પ પ્રમાણમાં ઍમાયગ્ડેલિન ધરાવે છે. બીજમાંથી સ્વચ્છ પીળું મેદીય તેલ પ્રાપ્ત થાય છે. તે અત્યંત મંદ વાસ અને સ્વાદ ધરાવે છે. તેલમાં સંતૃપ્ત ફૅટી ઍસિડ 10 % અને અસંતૃપ્ત ફૅટી ઍસિડ 90 % હોય છે. તેનો રાંધવામાં ઉપયોગ થઈ શકે તેમ છે.

નાસપાતીની ઊપજો :

ડબ્બાબંધ (canned) નાસપાતી : ડબ્બાબંધી માટે બાટર્લેટ જાત પસંદ કરવામાં આવે છે, કારણ કે તેનો એકસરખો આકાર, સફેદ રંગ અને પ્રમાણમાં ઓછી કણિકાઓ હોય છે. ફળના બે ટુકડા કરી તેની છાલ કાઢી ગરને બદામી રંગનો થતો અટકાવવા 1–2 % મીઠાના દ્રાવણમાં રાખવામાં આવે છે. ત્યાર બાદ તેનું શરબત બનાવી જીવાણુરહિત કરી તરત જ ડબ્બામાં હવાચુસ્તપણે ભરીને નીચા તાપમાને રાખવામાં આવે છે.

નકામું દ્રવ્ય : છાલ અને બીજ કાઢવાની અને સ્ટેમિંગ(stemming)-ની પ્રક્રિયા દરમિયાન પ્રાપ્ત થતું નકામું દ્રવ્ય લગભગ 30–35 % જેટલું હોય છે. આ નકામા દ્રવ્યનો ઍસિટિક ઍસિડ (વિનેગાર), દારૂ કે વિકૃત (denatured) આલ્કોહૉલ બનાવવામાં ઉપોયગ થાય છે. કેટલાંક નકામાં દ્રવ્યમાંથી ડબ્બાબંધ નાસપાતી માટે યોગ્ય શરબત પણ બનાવાય છે. તેના નકામાં દ્રવ્યને સૂકવી, તેના પર પ્રક્રિયા કરી ઢોરો માટે આહાર બનાવવામાં ઉપયોગ થાય છે. નાસપાતીનું નકામું દ્રવ્ય જમીન-સુધારણા માટે તેમજ ખાતર બનાવવા માટે ઉપયોગી છે.

નાસપાતીનો રસ : બાટર્લેટ જાતમાં આનંદદાયી સુવાસવાળો સ્વચ્છ રસ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયા માટે પૅકિટક ઉત્સેચક જરૂરી હોય છે. નાસપાતીના રસમાંથી જૅલી અને શરબત તથા ઍસિડીકરણ (asidification) કર્યા પછી પીણું બનાવાય છે.

નાસપાતીની સુકવણી : નાસપાતીના મર્યાદિત જથ્થાને સૂર્યપ્રકાશમાં સૂકવી પરિરક્ષિત કરવામાં આવે છે. આખાં નાસપાતીને બદલે ડબ્બાબંધી દરમિયાન વીણેલાં નાસપાતીનો સુકવણી માટે ઉપયોગ કરવામાં આવે છે. ખાવા માટે લીલાં હોય તેવાં ફળોને 810 દિવસ માટે પકવવામાં આવે છે. ત્યારબાદ 72 કલાક માટે સલ્ફરની ચિકિત્સા આપી 12 દિવસ માટે સૂર્યપ્રકાશમાં પછી છાંયડામાં રાખવામાં આવે છે. તેથી બનતી ઊપજ આકર્ષક, સુંવાળી, લવચીક અને પારભાસક (translucent) તથા આછા રંગની હોવી જરૂરી છે. સૂકાં નાસપાતીમાં પ્રોટીન 4.4–5.1 %, કાર્બોદિતો 63.2–64.4 % અને ભસ્મ 1.2–1.4 %, કૅલ્શિયમ 25–29 મિગ્રા., ફૉસ્ફરસ 29.2–39.2 મિગ્રા., લોહ 0.25–0.64 મિગ્રા. અને પોટૅશિયમ 534–741 મિગ્રા., કૅરોટિન (વિટામિન A તરીકે) 20 આઇ.યુ. /100 ગ્રા. હોય છે. નિર્જલીકરણ(dehydration) માટે, પાકાં નાસપાતીની છાલ ઉતારી, કાપી 15–20 મિનિટ માટે સલ્ફરની ચિકિત્સા આપી તેમને 60–630 સે.તાપમાને 15–24 કલાક માટે રાખવામાં આવે છે. તેનું ઉત્પાદન 14–19 % જેટલું થાય છે. આ ઊપજ સૂર્યપ્રકાશમાં કરેલી સુકવણી કરતાં રાંધવા માટે વધારે ઉત્તમ હોય છે. નાસપાતીની કૅન્ડી અને ગળ્યાં અથાણાં બનાવવામાં આવે છે.

અન્ય ઉપયોગો : નાસપાતીનો તાજો રસ Micrococcus pyogenes var. aureus  અને Escherichia coli સામે સારી સક્રિયતા દર્શાવે છે. પર્ણોનો જલીય નિષ્કર્ષ E. coliની કેટલીક જાતો સામે પ્રક્રિયા દાખવે છે. વૃક્ષનાં વાનસ્પતિક અંગોમાં ક્લોરોજનિક ઍસિડ હોય છે. પર્ણો ઍર્બુટિન, આઇસોક્વિર્સૅટિન, સોર્બિટૉલ, ઉર્સોલિક ઍસિડ, ઍસ્ટ્રાગેલિન અને ટૅનિન (0.82.9 %) ધરાવે છે. તેઓ રંગબંધિત (mordanted) ઊનને પીળા અને બદામી રંગની છાયા આપે છે. છાલમાં ફ્રાઇડેલિન (C30H50O, ગ.બિં. 254–560 સે.), એપિફ્રાઇડેલિનૉલ (C30H52O), ગ.બિં. 275–760 સે.) અને b- સિટોસ્ટેરૉલ હોય છે. મૂળની છાલમાં ફ્લોરિડ્ઝિન હોય છે.

આયુર્વેદ અનુસાર નાસપાતી મધુર, શીતવીર્ય, હળવી, રુચિકર્તા, ઝાડો અટકાવનાર, વાયુકર્તા, પૌષ્ટિક અને હૃદય માટે હિતકર હોય છે. તેનો નબળાઈ, હરસ, રક્તપિત્ત, શ્વેતપ્રદર, લોહીવા, ફેફસાંના રોગો, યકૃતની નબળાઈ, મરડો, ગાંડપણ, લોહીની ઊણપ, સંગ્રહણી, મંદાગ્નિ, તૃષા, પાંડુતા અને પિત્તરોગમાં ઉપયોગ કરવામાં આવે છે.

જ. પુ. ભટ્ટ

બળદેવભાઈ પટેલ