નાળુકેટ્ટુ ઘરો

January, 1998

નાળુકેટ્ટુ ઘરો : કેરળનાં ઘરો. તે સ્થાપત્યની દૃષ્ટિએ એક અત્યંત આગવી શૈલી ધરાવે છે. ઘરોની રચના તેની બાજુઓની સંખ્યા પ્રમાણે નામ ધારણ કરે છે. નાળુકેટ્ટુ એટલે ચાર બાજુવાળું ઘર. આવી જ રીતે એટ્ટુકેટ્ટુ એટલે આઠ બાજુવાળું ઘર. દરેક પાંખ(wing)માં જુદી જુદી સગવડોની રચના કરાયેલ હોય છે. વચ્ચે એક આંગણું હોય છે. એટ્ટુકેટ્ટુ ઘરોમાં બે આંગણાં હોય છે.

કેરળનાં ઘરો એક દીવાલની અંદર સુરક્ષિત પ્રાંગણમાં રચાયેલાં હોય છે, જેમાં પ્રવેશમંડપ અને મુખ્ય ઘર તેમજ કુળદેવતાનું મંદિર અને ગૌશાળા તથા મહેમાનઘર અને કોઠારનો મુખ્યત્વે સમાવેશ થયેલો હોય છે.

નાળુકેટ્ટુ ઘરો : આલેખમાં

આ ઘરોની રચનામાં કાષ્ઠકલાનો ઉત્તમ ઉપયોગ કરાયેલ છે અને ચારેબાજુ સ્તંભો તથા બારીઓની બારીક રચનાથી કાષ્ઠકલાની ઉચ્ચ કારીગરીનો સમાગમ થયેલો હોય છે. છાપરું અને તેના પર માટીની લાદીઓનું તથા લાકડાનું કામ આ ઘરોનો મુખ્ય ભાગ હોય છે, તે ચારેતરફ ફરતી પગથાર ઉપર છવાયેલ હોય  છે, જેથી વરસાદથી રક્ષણ મળે અને પવન ઘરની અંદર સદંતર આવતો રહે. સ્થાનિક માલસામાન અને આબોહવાને લક્ષમાં લઈને આ ઘરોની રચના ખરેખર એક અદભુત પ્રણાલીને જીવંત રાખે છે અને ત્યાંની લાક્ષણિક જીવનશૈલીને સાકાર કરે છે.

રવીન્દ્ર વસાવડા