નારીવાદી આંદોલનો

January, 1998

નારીવાદી આંદોલનો : સ્ત્રી-પુરુષ વચ્ચેની સામાજિક અસમાનતાઓ નાબૂદ કરવા માટેના વૈચારિક, સંગઠનાત્મક અને કાનૂની પ્રયાસો. માનવસમાજમાં અનેક પ્રકારનાં ભેદ અને અસમાનતા જોવા મળે છે. વર્ગભેદ, જ્ઞાતિભેદ, રંગભેદ વગેરેનો તેમાં સમાવેશ થાય છે. આ તમામ પ્રકારની અસમાનતાઓ ઉપરાંત સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાનતા અંગે માહિતી અને જાગૃતિ વીસમી શતાબ્દીમાં ધ્યાનાકર્ષક બની છે. નારીસ્વાતંત્ર્ય એ સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતામાંથી મુક્તિ મેળવવાનો એક વિચાર અને આચાર છે. ઇતિહાસકારો અને માનવશાસ્ત્રીઓ તેમજ સમાજશાસ્ત્રીઓમાં એક એવો મત છે કે વિશ્વમાં ઘણા પ્રદેશોમાં સદીઓ પહેલાં માતૃપ્રધાન સમાજવ્યવસ્થા હતી. આજે પણ આ વ્યવસ્થાના અંશો વિશ્વમાં હયાત છે. માતૃપ્રધાન સામાજિક વ્યવસ્થામાં સ્ત્રીનું મહત્વ અને આધિપત્ય હશે, એવું ચોક્કસ માની શકાય; પરંતુ પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા સર્વવ્યાપી બની ત્યારથી પુરુષના આધિપત્ય હેઠળ સ્ત્રીએ પોતાનું વ્યક્તિસ્વાતંત્ર્ય અને માનવઅધિકાર ગુમાવ્યાં. સ્ત્રી એક મિલકત છે, ઉપભોગનું સાધન છે, એવી વિચારસરણી આજે પણ જોવા મળે છે. ઓગણીસમી સદીમાં સ્ત્રીએ પોતે અને કેટલાક પુરુષ સમાજસુધારકોએ સ્ત્રી-સ્વાતંત્ર્ય વિશે આંદોલન જગાડ્યું. ગુજરાતમાં નર્મદ અને કરસનદાસ મૂળજી તેમાં અગ્રેસર રહ્યા હતા.

ઘરમાં, ખેતરમાં, કારખાનામાં કે પછી ધાર્મિક વિધિ-વિધાનોમાં સ્ત્રીની સ્વતંત્રતાનો સતત ઇન્કાર કરવામાં આવ્યો છે. શિક્ષણનો ઇન્કાર, મિલકતનો ઇન્કાર, વાણી અને વિચાર વ્યક્ત કરવાનો ઇન્કાર સ્ત્રીઓએ સદીઓ સુધી મૂંગા મોઢે સહી લીધો. સ્ત્રી અબળા છે અને માનસિક રીતે ઊતરતી છે એવી માન્યતા કેટલાક ધર્મગ્રંથોએ ક્યારેક સ્પષ્ટ રીતે તો ક્યારેક પુરુષોના આધિપત્યને દૈવી આધાર આપીને દોહરાવ્યા કરી છે. સામાજિકીકરણની પ્રક્રિયામાં કિશોરીને ઘરકામ અને સેવા માટે તૈયાર કરવામાં આવે છે. બીજી તરફ સ્ત્રી તરીકેની તેની સ્વતંત્રતા આ પ્રક્રિયામાં સમય જતાં ઓછી કરવામાં આવે છે. ભારતમાં બાળકીને દૂધપીતી કરવી, સ્ત્રીને સતી બનાવવી, વિધવાને વૈધવ્યની ફરજ પાડવી, દહેજના પ્રશ્ને તેને મોતના મુખમાં ધકેલવી વગેરે અમાનુષી સમસ્યાઓ ભૂતકાળમાં હતી અને તેમાંથી કેટલીક આજે પણ જોઈ શકાય છે. આજે ગર્ભપરીક્ષણને બહાને કન્યાને ગર્ભમાં મારી નાખવાનો રિવાજ માનવીય ગૌરવનું હનન છે. માનવસહજ સ્વાતંત્ર્યના અભાવને કારણે જગતભરની સ્ત્રીઓનો વિકાસ રૂંધાયો હતો. ક્યારેક એકલદોકલ તો ક્યારેક સંગઠિત પ્રયત્નો સ્ત્રીઓએ પોતાની મુક્તિ માટે કર્યા છે. સ્ત્રીઓએ ગુલામી અને અસમાનતાની પરિસ્થિતિ સામે સંગઠિત રીતે લડત આપવાની શરૂઆત કરી ત્યારથી સ્ત્રી-મુક્તિ આંદોલનનો પ્રારંભ થયો. ઓગણીસમી સદીથી આવાં આંદોલનો દુનિયાભરમાં થયાં છે.

અમેરિકામાં સ્વાતંત્ર્યયુદ્ધ અને ગુલામીનાબૂદી પછી પણ સ્ત્રીઓને મતાધિકાર મેળવવા માટે દાયકાઓ સુધી લડત આપવી પડી હતી. યુરોપના કેટલાક દેશોમાં વીસમી સદીના સાતમા દશક સુધી સ્ત્રીઓને મતાધિકાર આપવામાં આવ્યો ન હતો. આધુનિક લોકશાહીનો જ્યાં જન્મ થયો એ ઇંગ્લૅન્ડમાં પણ વીસમી સદીના પ્રારંભમાં મતાધિકાર માટે લડત કરવા બદલ સ્ત્રીઓની હાંસી થતી હતી; એટલું જ નહિ, પણ તેમને જેલવાસ ભોગવવો પડતો હતો અને પોલીસનો માર ખાવો પડતો હતો ! ભારતમાં 1955 અને 1956ના લગ્ન, છૂટાછેડા, વારસો વગેરે સાથે સંકળાયેલા હિન્દુ કોડ બિલને કાયદાના સ્વરૂપે પસાર કરાવવા માટે સ્ત્રીસંસ્થાઓએ મોટી લડત આપી હતી. સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન આપતો કાયદો 1972 માં ઘડાયો; અસંગઠિત ક્ષેત્રની સ્ત્રીઓને તેનો લાભ હજુ પહોંચ્યો નથી. 1980 પછી ભારતમાં સ્ત્રીઓના પ્રશ્નોમાં, ખાસ કરીને દહેજમૃત્યુ અને બળાત્કાર સામેનાં આંદોલનો ધ્યાનાકર્ષક રહ્યાં છે.

નારીસ્વાતંત્ર્ય વિશ્વવ્યાપી બને તે માટે 1975ના વર્ષને યુનાઇટેડ નૅશન્સે મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું. સ્ત્રીઓના પ્રશ્નોને સમગ્ર વિશ્વમાં વધુ ને વધુ અગ્રિમતા મળે તે માટે 1975થી 1985ના દસકાને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દશક’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામમાં સ્ત્રીઓની ભાગીદારી અને આઝાદી પછી સ્ત્રીશિક્ષણમાં થતો ઉત્તરોત્તર વધારો સ્ત્રીસ્વાતંત્ર્યની દિશામાં મહત્વનાં પરિબળો બન્યાં છે. બીજી તરફ નારીવાદી વિચારસરણીને વરેલાં અનેક ગ્રામીણ–શહેરી સંગઠનોએ તેમના પ્રયત્નો દ્વારા સદીઓ-જૂની સ્ત્રીઓની પરતંત્રતાને પડકારી છે અને સ્ત્રી-પુરુષ સમાન છે એ બાબતને વિશ્વમાં સ્વીકૃત બનાવી છે. જોકે આ દિશામાં હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે.

ગૌરાંગ જાની