નારી-લૈંગિક અંત:સ્રાવો (female sex hormones)

January, 1998

નારી-લૈંગિક અંત:સ્રાવો (female sex hormones) : સ્ત્રીઓના લૈંગિક વિકાસ, જાળવણી અને નિયંત્રણ માટે કાર્યરત અંત:સ્રાવો. સ્ત્રીઓના અંડપિંડમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટિન જૂથના અંત:સ્રાવોનું નિયંત્રિત અને ચક્રીય (cyclic) રીતે ઉત્પાદન થાય છે. ઇસ્ટ્રોજન જૂથનો પ્રમુખ અંત:સ્રાવ ઇસ્ટ્રેડિઓલ છે અને પ્રમુખ પ્રોજેસ્ટિનને પ્રોજેસ્ટિરોન કહે છે. સગર્ભાવસ્થા સમયે નિતંબના હાડકાંના સાંધા ઢીલા કરવા માટે શિથિલિન (relaxin) નામનો અંત:સ્રાવ પણ ઉત્પન્ન થાય છે. પુરુષના શુક્રકોષના પ્રવેશનો સ્વીકાર, અંડકોષનું ફલીકરણ અને ત્યારબાદ ગર્ભનો વિકાસ તેમજ અન્ય સ્ત્રીસહજ લાક્ષણિક ક્રિયાઓનું આ અંત:સ્રાવો નિયમન કરે છે. ઈ. સ. 1900ની સાલમાં નૌર અને હલ્વેનના અલગ અલગ પ્રયોગો દ્વારા અંડપિંડ દ્વારા કરાતું આવું લૈંગિક પ્રક્રિયાઓનું નિયમન જાણી શકાયું. લોવેએ 1925માં સૌપ્રથમ સ્ત્રી-અંત:સ્રાવ શોધી બતાવ્યો. સ્ત્રીઓના લૈંગિક અંત:સ્રાવો બે પ્રકારના હોય છે : (1) ઇસ્ટ્રોજન અને (2) પ્રોજેસ્ટિરોન.

(1) ઇસ્ટ્રોજન : ઘણા સ્ટીરૉઇડ અને બિનસ્ટીરૉઇડ દ્રવ્યોમાં ઇસ્ટ્રોજન જેવી ક્રિયાક્ષમતા હોય છે; દા.ત., ઇસ્ટ્રેડિઓલ, ઇથિનાયલ ઇસ્ટ્રેડિઓલ, મેસ્ટ્રેનોલ, ક્વિનેસ્ટ્રોલ જેવાં સ્ટીરૉઇડ દ્રવ્યો અને ડાયઇથાયલ સ્ટીલ્બેસ્ટ્રોલ અને ક્લૉરોટ્રાઆનિસેનમાં. માણસમાં રહેલું 17-બીટા ઇસ્ટ્રાડિઓલ સૌથી વધુ અસરકારક દ્રવ્ય છે. ફ્લૅવોન અને આઇસોફ્લૅવોન જેવાં વનસ્પતિજન્ય બિનસ્ટીરૉઇડ દ્રવ્યો પણ ઇસ્ટ્રોજન જેવી ક્રિયાક્ષમતા ધરાવે છે. ડાયઇથાયલ સ્ટીલ્બેસ્ટ્રોલ એક સંશ્ર્લેષિત (synthesized) દ્રવ્ય છે. એન્ડોસ્ટિનીડિઓન અને ટેસ્ટૉસ્ટિરોનમાંથી સ્ટીરૉઇડ ઇસ્ટ્રોજન બને છે. ઋતુસ્રાવ થતો હોય તેવી ઉંમરે સ્ત્રીઓમાં મુખ્યત્વે અંડપિંડમાં ઇસ્ટ્રોજન(ઇસ્ટ્રાડિઓલ)નું ઉત્પાદન થાય છે. માથામાં આવેલી અગ્ર પીયૂષિકા (anterior pituitary) ગ્રંથિના જનનપિંડ(gonads)નું ઉત્તેજન કરતા અંત:સ્રાવો તેનું ઉત્પાદન વધારે છે. જનનપિંડનું ઉત્તેજન કરતા અંત:સ્રાવોને જનનપિંડ-ઉત્તેજક અંત:સ્રાવો (gonadotrophins) કહે છે. ઇસ્ટ્રેડિઓલનું યકૃત(liver)માં એસ્ટ્રોન અને એસ્ટ્રિઑલમાં રૂપાંતર થાય છે. તે ત્રણેય પદાર્થો ગ્લુકુરોનાઇડ કે સલ્ફેટ રૂપે પેશાબ દ્વારા શરીરની બહાર જાય છે. પુરુષોમાં તથા ઋતુસ્રાવ બંધ થઈ ગયો હોય તેવી સ્ત્રીઓના અધિવૃક્કગ્રંથિના બાહ્યક(adrenal cortex)માં ડિહાઇડ્રો-એપિ-ઍન્ડ્રોસ્ટિરોન બને છે જેમાંથી મેદપેશી અને અન્ય પેશીઓમાંથી એસ્ટ્રોન બને છે. સગર્ભાવસ્થામાં ઑર(placenta)માં પણ એસ્ટ્રોન અને એસ્ટ્રિઓલ બને છે. આમ 3 જુદા જુદા અવયવોમાં ઇસ્ટ્રોજનનું ઉત્પાદન થાય છે – અંડપિંડ, અધિવૃક્ક ગ્રંથિ તથા ઑર, ઇસ્ટ્રોજન નિયમનમાં અગ્ર પીયૂષિકા  ગ્રંથિના જનનપિંડ-ઉત્તેજક અંત:સ્રાવો કાર્યરત રહે છે.

(1–અ) ઇસ્ટ્રોજનની દેહધર્મગત અને ઔષધીય ક્રિયાઓ : યુવાન છોકરીઓમાં યૌવનારંભે (at puberty) થતા ફેરફારો ઇસ્ટ્રોજનને કારણે હોય છે. તેથી તેમની યોનિ (vagina), ગર્ભાશય અને અંડનલિકાઓ વિકસે છે, સ્તનની ગ્રંથિઓ, નલિકાઓ અને ચરબી પણ વિકસે છે અને તેથી તે મોટાં થાય છે. સ્તનના વિકાસમાં પીયૂષિકા ગ્રંથિના અંત:સ્રાવો પણ અમુક અંશે કારણરૂપ હોય છે. હાડકાંનો ઘાટ, બગલ તથા પેટના નીચલા ભાગ પરના વાળ તેમજ સ્તનની ડીંટડી (nipple), તેની આસપાસનો પરિવેશ (areola) તથા જનનાંગોમાં ઉદભવતો ગાઢો રંગ પણ ઇસ્ટ્રોજનને કારણે હોય છે. અન્ય પ્રાણીઓમાં મદચક્ર (estrus) સમયે ઉદભવતું જાતીય વર્તન પણ ઇસ્ટ્રોજનને કારણે હોય છે. ઇસ્ટ્રોજનને કારણે ગર્ભાશયની અંદરની દીવાલ જાડી થાય છે અને તેનું પ્રમાણ ઘટે ત્યારે ઋતુસ્રાવ થાય છે. આ પ્રક્રિયા ચક્રીય સ્વરૂપે થયા કરે છે. ઋતુસ્રાવચક્રના વચગાળામાં (14મા દિવસે) અંડકોષ છૂટો પડે છે અને તે વખતે પ્રોજેસ્ટિરોનનું પ્રમાણ વધે છે, જે ગર્ભાશયની અંદરની દીવાલ તથા સ્તનમાં કેટલાક ફેરફાર લાવે છે.

પ્રયોગશાળામાં એકલા ઇસ્ટ્રોજનથી માદાનો સંપૂર્ણ લૈંગિક વિકાસ કરી શકાય છે તથા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટિરોનની મદદથી ઋતુસ્રાવ ચક્રની પ્રક્રિયા પણ સર્જી શકાય છે, પરંતુ તેના વડે અંડપિંડમાં કોઈ ફેરફાર થતો નથી માટે ઇસ્ટ્રોજન-પ્રોજેસ્ટિરોનની સારવારથી અંડકોષ છૂટો પાડી શકાતો નથી.

જોકે સ્ત્રીઓમાં ઉદભવતા લૈંગિક વિસ્તારોના વાળ માટે ઇસ્ટ્રોજન ઉપરાંત અંડપિંડ અને અધિવૃક્ક ગ્રંથિમાંથી ઝરતા પુંઅંત:સ્રાવો પણ જવાબદાર હોય છે. તેથી ઇસ્ટ્રોજન ખીલની સારવારમાં ઔષધ રૂપે અપાય છે.

મોટી ઉંમરે ઋતુસ્રાવ બંધ થયા પછી થતા વિકારોને ઋતુસ્રાવસ્તંભન સંલક્ષણ (menopausal syndrome) કહે છે. તેના મોટાભાગના વિકારો ઇસ્ટ્રોજનથી શમે છે. કેટલાક નિષ્ણાતોને મતે તેની સાથે થોડા પ્રમાણમાં ઍન્ડ્રોજન (પુંઅંત:સ્રાવ) આપવાથી બધા જ વિકારો શમે છે.

પીયૂષિકા ગ્રંથિના અંત:સ્રાવો ઇસ્ટ્રોજનના ઉત્પાદન અને બહિ:સ્રાવનું નિયમન કરે છે તેથી એવું મનાય છે કે ઇસ્ટ્રોજન વડે પ્રતિપોષી (feedback) પ્રક્રિયા દ્વારા પીયૂષિકા ગ્રંથિનું કદાચ અવદાબન થાય છે. જોકે સંપૂર્ણપણે તે નિશ્ચિત કરી શકાયેલું નથી. અંડપિંડમાંથી અવદાબિન (inhibin) નામનું એક ગ્લાયકોપેપ્ટાઇડ રસાયણ ઝરે છે તે અગ્રપીયૂષિકાના પુટિકા-ઉત્તેજક અંત:સ્રાવ(FSH)નું અવદાબન કરે છે.

ઇસ્ટ્રોજનની થોડાક પ્રમાણમાં ચયાપચયી અસરો છે. તેનાથી શરીરમાં થોડાંક પાણી અને ક્ષાર જમા થાય છે તથા પ્રોટીન સંશ્લેષણ વધે છે (ચયપ્રક્રિયા – anabolic action). જો મોટી માત્રામાં ઇસ્ટ્રોજન અપાય તો ક્યારેક સોજા આવે છે. તે અલ્પ ઘનતાવાળા મેદપ્રોટીનનું પ્રમાણ ઘટાડે છે અને તેને લીધે હૃદયરોગનો હુમલો થવાની સંભાવના ઘટે છે. તેને કારણે ઋતુસ્રાવની પ્રક્રિયા ચાલતી હોય તેવી ઉંમરે સ્ત્રીઓને હૃદયરોગ સામે રક્ષણ મળે છે. ઇસ્ટ્રોજન હાડકાં બનાવતા અસ્થિબીજકોષો(osteoblasts)નું કાર્ય વધારે છે અને હાડકાના અધિદંડ(epiphysis)ને મધ્યદંડ (shaft) સાથે ચોંટાડે છે. તેથી સ્ત્રીઓની ઊંચાઈ સહેજ ઓછી રહે છે.

ઇસ્ટ્રોજનનું સેવન કેટલાક પ્રકારની ગાંઠોનું પ્રમાણ વધારે છે. સગર્ભાવસ્થાના પ્રથમ 3 મહિનામાં જો ડાયઇથાયલ સ્ટીલ્બેસ્ટ્રોલ લેવાયેલું હોય તો જન્મનાર બાળકમાં 20થી 25 વર્ષની વયે યોનિ તથા ગર્ભાશય-ગ્રીવામાં ગ્રંથિકૅન્સર (adenocarcinona) થવાની સંભાવના રહે છે. ઋતુસ્રાવ બંધ થયા પછી જો ઇસ્ટ્રોજન લેવાય તો તે ક્યારેક ગર્ભાશયની અંદરની દીવાલનું કૅન્સર કરે છે. ઇસ્ટ્રોજનવાળી ગર્ભનિરોધક ગોળીઓને કારણે સ્તનનું કૅન્સર વધુ થાય છે તે સાબિત થયેલું નથી, જ્યારે તેને કારણે યકૃતમાં ગાંઠ થાય છે તે નિશ્ચિત થઈ શકેલું છે.

આકૃતિ : (અ) ચિત્રાત્મક નિર્દેશન, (આ) અંત:સ્રાવોનું કાર્ય અને આંતરક્રિયાઓ : (1) આદિ પુટિકા, (2,3) ગ્રાફિઅન પુટિકા, (4) અંડકોષમોચન (ovulation), (5) છૂટો પડેલો અંડકોષ, (6) પીતપિંડ, (7) શ્વેતપિંડ, (8) ગર્ભાશયકલાનું ઉપલું સ્તર, (9) ગર્ભાશયકલાનું નીચલું સ્તર, (10) ઋતુસ્રાવ, (11) ગર્ભાશયકલાનું પુન:ઘડતર, (12) ફલિત અંડકોષનો સ્વીકાર અને અંત:સ્થાપન માટે અંત:સ્રાવ, FSH – પુટિકા-ઉત્તેજક અંત:સ્રાવ, LHRH –પીતપિંડકારી અંત:સ્રાવવિમોચક, FSHRH – પુટિકા-ઉત્તેજક અંત:સ્રાવ-વિમોચક.

(1-આ) ઇસ્ટ્રોજનનો સારવારલક્ષી ઉપયોગ : ઇસ્ટ્રોજન ચામડી તથા આંતરડાં વડે સહેલાઈથી શોષાય છે. તે પાણીમાં અદ્રાવ્ય છે; પરંતુ તેલમાં ઓગળે છે. સ્નાયુમાં તૈલી દ્રાવણ રૂપે અપાયેલું ઇસ્ટ્રોજનનું સંયોજન લાંબા સમય સુધી ધીમે ધીમે શોષાય છે, અને તેથી તેની લાંબા સમય સુધી અસર રહી શકે છે. મુખ્યત્વે યકૃતમાં ઇસ્ટ્રોજન નાશ પામે છે. ઇથિનાયલ ઇસ્ટ્રેડિઓલનું યકૃત અને અન્ય પેશીમાં વિઘટન ધીમું થાય છે માટે તેને મુખમાર્ગે આપી શકાય છે. બિનસ્ટીરૉઇડી ઇસ્ટ્રોજનનું વિઘટન પણ ધીમું હોય છે. ઇસ્ટ્રોજનની મુખ્ય આડઅસર ઊબકા આવવા તે છે. ક્યારેક ભારે માત્રામાં ઔષધ લેવાય તો ઊલટી, ઝાડા અને અરુચિ થાય છે. જોકે સમય જતાં તે ઘટે છે. ઇસ્ટ્રોજનના મુખ્ય ઔષધીય ઉપયોગોમાં ગર્ભનિવારણ (contraception), ઋતુસ્રાવસ્તંભન સંલક્ષણ (menopausal syndrome), પીડાકારક ઋતુસ્રાવ, દુષ્ક્રિયાશીલ ગર્ભાશયી રુધિરસ્રાવ (dysfunctional uterine bleeding), અંડપિંડી નિષ્ફળતા (ovarian failure) વગેરેની સારવાર મુખ્ય ગણાય છે. ક્યારેક ખીલ થવા કે પુરુષો જેવા વાળ ઊગવા જેવી પરિસ્થિતિઓમાં તેમજ અસ્થિછિદ્રલતા(osteoporosis)ની સારવારમાં પણ તેનો ઉપયોગ થાય છે. પુર:સ્થ (prostate) ગ્રંથિના કૅન્સરમાં ઇસ્ટ્રોજન વપરાય છે. શિશુજન્મ પછી જો માતાનું દૂધ એટલે કે સ્તન્યસ્રાવ (lactation) અટકાવવો હોય તોપણ તે ઉપયોગી છે.

(1-ઇ) પ્રતિઇસ્ટ્રોજન (antiestrogen) સંયોજનો : ઇસ્ટ્રોજનના કાર્યની વિરુદ્ધનું કાર્ય કરનારા કે તેનું કાર્ય અટકાવનારાં સંયોજનોને પ્રતિઇસ્ટ્રોજન સંયોજનો કહે છે. ક્લોમરિન અને ટૅમૉક્સિફિન એ બે ઇસ્ટ્રોજનના સ્વીકારકો માટે સ્પર્ધા કરીને ઇસ્ટ્રોજનનું કાર્ય અટકાવે છે. તેમને સ્પર્ધાત્મક વિષમધર્મી દ્રવ્યો (competitive antagonists) કહે છે. ક્લોમિફિન અંડપિંડનું ઉત્તેજન વધારે છે. જેમને બાળક ન થતું હોય તેવાં દંપતીની ફલિતતા (fertility) વધારવા માટે તેનો ઉપયોગ કરાય છે. જોકે તેમાં જોડકાં બાળકો જન્મવાનો ભય રહેલો હોય છે (6 %થી 8 %). જનનપિંડ-ઉત્તેજક અંત:સ્રાવો અને ક્લોમિફિનની સંયુક્ત સારવારનો એક વિશિષ્ટ ઉપયોગ બહિર્દેહી ફલીકરણ(in-vitro fertilization)માં અથવા સામાન્ય ભાષામાં જેને ટેસ્ટ-ટ્યૂબ-બેબી કહે છે તેના માટેની પ્રક્રિયામાં પણ થાય છે. કેટલાક કિસ્સામાં પુરુષોની ફલનક્ષમતા વધારવા માટે પણ ક્લોમિફિન વપરાય છે. ટૅમૉક્સિફિનનો મુખ્ય ઉપયોગ સ્તનના કૅન્સરની સારવારમાં થાય છે.

(2) પ્રોજેસ્ટીન્સ : આ જૂથનો મુખ્ય અંત:સ્રાવ પ્રોજેસ્ટિરોન છે. આ ઉપરાંત થોડા પ્રમાણમાં 17-આલ્ફાહાઇડ્રૉક્સિ પ્રોજેસ્ટિરોન પણ ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે તે ઋતુસ્રાવના પાછલા પખવાડિયામાં અંડપિંડમાંના પીતપિંડ (corpus luteum) નામની પેશીમાં બને છે. સગર્ભાવસ્થાના ચોથા મહિનાથી ગર્ભની ઑર(placenta)માં પ્રોજેસ્ટિરોન બને છે. ઇસ્ટ્રોજનની માફક પ્રોજેસ્ટિરોન પણ એક સ્ટીરૉઇડ છે અને તે કોલેસ્ટેરૉલમાંથી બને છે. લોહીમાંના ઍલ્બ્યુમિન અને ચોક્કસ પ્રકારના ગ્લોબ્યુલિન સાથે જોડાઈને પ્રોજેસ્ટિરોન લોહીમાં પરિભ્રમણ કરે છે. મોટા ભાગનું પ્રોજેસ્ટિરોન યકૃતમાં પ્રેગ્નેન્ડિઓલ નામના અસક્રિય પદાર્થમાં રૂપાંતરિત થાય છે. જોકે 10 % પ્રોજેસ્ટિરોન મૂળ સ્વરૂપે પેશાબ દ્વારા બહાર જાય છે.

(2-અ) પ્રોજેસ્ટિરોનની દેહધર્મલક્ષી અને ઔષધીય ક્રિયાઓ : પ્રોજેસ્ટિરોનનું મુખ્ય કાર્ય ઋતુસ્રાવ-ચક્રના પાછલા પખવાડિયામાં ગર્ભાશયની અંદરની દીવાલમાં સ્રાવલક્ષી (secretary) ફેરફારો લાવવાનું છે. જો અંડકોષ ફલિત થાય તો તેને સ્વીકારી શકે એવી રીતે ગર્ભાશયની અંદરની દીવાલ વિકસિત થાય છે. જો અંડકોષ ફલિત ન થાય તો પ્રોજેસ્ટિરોનનો સ્રાવ બંધ થાય છે અને ઋતુસ્રાવ રૂપે ગર્ભાશયની વિકસિત દીવાલના ટુકડા અને લોહી બહાર વહી જાય છે. તેને ઋતુસ્રાવ (menstruation) કહે છે. પ્રોજેસ્ટિરોન ગર્ભાશયનાં સંકોચનોની તીવ્રતા અને સંખ્યાને પણ ઘટાડે છે. પ્રોજેસ્ટિરોનની અસર હેઠળ અંડવાહિની નલિકામાં વિશિષ્ટ સ્રાવ ઝરે છે, જે ફલિત અંડકોષના વહનને સરળ બનાવે છે. પ્રોજેસ્ટિરોનની અસર હેઠળ સ્તનની ગ્રંથિઓના કોષો વિકસે છે. જોકે તેમના દૂધના ઉત્પાદન પર પ્રોજેસ્ટિરોનની કોઈ અસર નથી. ઇસ્ટ્રોજન અને અન્ય સ્ટીરૉઇડ અંત:સ્રાવોની માફક પ્રોજેસ્ટિરોન શરીરમાં પાણી અને ક્ષારોનો ભરાવો કરે છે. જોકે આલ્ડોસ્ટીરોનની વિરુદ્ધની અસર રૂપે તે તેમનો મૂત્રમાર્ગે નિકાલ પણ વધારે છે. આ બંને પ્રક્રિયાઓની સંયુક્ત અસર રૂપે શરીરમાંનાં પાણી અને ક્ષારમાં ઘટાડો થાય છે.

(2-આ) પ્રોજેસ્ટિરોનના સારવારલક્ષી ઉપયોગો : સામાન્ય રીતે પ્રોજેસ્ટોરોનને જો મોં વાટે અપાય તો તે યકૃતમાં નાશ પામતું હોવાથી બિનઅસરકારક રહે છે. તેથી તેની તૈલી બનાવટનાં ઇન્જેક્શન સ્નાયુમાં અપાય છે. તેનું ચયાપચયી શેષ સ્વરૂપ પ્રેગ્નેન્ડિઓલ છે. તેનું પેશાબમાંનું પ્રમાણ જાણવાથી શરીરમાં ઉદ્ભવતા પ્રોજેસ્ટિરોન વિશે જરૂરી માહિતી મળે છે. પ્રોજેસ્ટિરોનના કેટલાક સમધર્મી પદાર્થોનો યકૃતમાં નાશ થતો નથી. તેમને મોં વાટે અપાય છે; દા.ત., મેડ્રોક્સિ પ્રોજેસ્ટિરોન, મેજેસ્ટ્રોલ વગેરે.

ઇસ્ટ્રોજનની સાથે પ્રોજેસ્ટિરોન ભેળવીને ગર્ભનિરોધક ગોળીઓ બનાવાય છે. દુષ્ક્રિયાજન્ય ગર્ભાશયી રુધિરસ્રાવ(dysfunctional uterine bleeding) રૂપે થતો વારંવાર અને અનિયમિત ઋતુસ્રાવ, ઋતુસ્રાવ પહેલાં થતો માનસિક તણાવ અને શારીરિક તકલીફ, ઋતુસ્રાવ વખતે ઊપડતો દુખાવો, વારંવાર થતો ગર્ભપાત, શિશુજન્મ પછી ચાલુ રહેતો સ્તન્યસ્રાવ (lactation) વગેરે વિવિધ વિકારો અને રોગોમાં તે ઉપયોગી છે. શિશુજન્મ પછી માતાના સ્તનમાંથી દૂધ આવે છે તેને સ્તન્યસ્રાવ કહે છે. ગર્ભાશયની અંદરની દીવાલ અન્યત્ર પણ જોવા મળે તો તેને અન્યસ્થાની ગર્ભાશયકલા વિસ્થાન (endometriosis) કહે છે. ગર્ભાશયની અંદરની દીવાલના કૅન્સરની સારવારમાં, સ્તનના કૅન્સરની સારવારમાં તથા અતિશ્વસનતા(hyperventilation)ના વિકારના ઉપચારમાં પણ પ્રોજેસ્ટિરોન વપરાય છે. ઝડપી અને છીછરા શ્વાસ લેવાના એક માનસિક વિકારને અતિશ્વસનતા કહે છે.

(2-ઇ) પ્રતિ પ્રોજેસ્ટિરોન ઔષધો : તેમનો ઉપયોગ ગર્ભપાત કરાવવા માટે થાય છે.

શિલીન નં. શુક્લ

પ્રેમલ ઠાકોર