નારીનરકેશિતા (hirsutism) : સ્ત્રીના શરીર પર પુરુષોની માફક વ્યાપક વિસ્તારમાં અને વધુ પ્રમાણમાં ઊગતા વાળવાળો વિકાર. વ્યક્તિના શરીર પર 2 પ્રકારના વાળ હોય છે : રુવાંટી અથવા રોમ (vellus) અને પુખ્ત કેશ (terminal hair). રોમ ઝીણું અને રંગ વગરનું હોય છે અને તે બાળકોમાં જોવા મળે છે. કેશ જાડા (coarser) અને રંગવાળા હોય છે. પુરુષોમાં અંત:સ્રાવોની અસર હેઠળ વિકસીને તે છાતી, મૂછ અને દાઢી પર ઊગે છે અથવા અંત:સ્રાવોની અસર વગર માથા પર, ભમર રૂપે ને પાંપણ રૂપે ઊગે છે.
25 %થી 35 % સામાન્ય યુવાન સ્ત્રીઓને પુરુષોની માફક પેટના નીચલા ભાગમાં, સ્તનની ડીંટડીની આસપાસ કે મૂછની જગ્યાએ ઉપલા હોઠ પર વાળ ઊગે છે. વધતી ઉંમર સાથે તેનું પ્રમાણ વધે છે. પરંતુ મોટાભાગની સ્ત્રીઓને આ સામાન્ય પ્રકારે વિકસતા વાળ પણ અસ્વીકાર્ય હોય છે. સ્ત્રીઓના શરીર પર પુરુષો જેવા વાળ ઊગવાનું કારણ ક્યારેક પુરુષોના અંત:સ્રાવનું ઉત્પાદન થાય એવો રોગ થયેલો હોય છે. જોકે તેનું પ્રમાણ ઘણું ઓછું છે. મોટાભાગના કિસ્સામાં કોઈ વિકાર વગર અને ખાસ કોઈ વિશેષ અન્ય ખરાબ અસર વગર સ્ત્રીના શરીરમાં પુરુષોના અંત:સ્રાવોનું પ્રમાણ વધુ થયું હોય એવું બને છે.
કારણવિદ્યા : પુરુષોના અંત:સ્રાવોને પુંઅંત:સ્રાવો (androgens) કહે છે. ટેસ્ટોસ્ટિરોન પુરુષમાં બનતો મુખ્ય પુંઅંત:સ્રાવ છે. નારીનરકેશિતાનાં કારણોને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચાય છે : (1) પુંઅંત:સ્રાવ-પ્રભાવિત વિકાર અથવા (2) પુંઅંત:સ્રાવોથી અપ્રભાવિત (independent) વિકાર. પુંઅંત:સ્રાવ-પ્રભાવિત વિકાર હોય તો યુવાન પુરુષોની માફક સ્ત્રીઓને મૂછ, દાઢી વગેરે જગ્યાઓએ વાળ ઊગે છે. સામાન્ય રીતે સ્ત્રીઓના અંડપિંડ (ovary) તથા અધિવૃક્ક (adrenal) ગ્રંથિમાં પુંઅંત:સ્રાવો બને છે. ક્યારેક બહારથી કોઈ રોગની સારવાર માટે પણ તે અપાયેલા હોય છે. ક્યારેક મૂછ-દાઢીની જગ્યાની ચામડીની પુંઅંત:સ્રાવો માટેની સંવેદનશીલતા વધી હોય ત્યારે પણ આવો વિકાર થઈ આવે છે.
સાઇક્લોસ્પોરિન, ગ્લુકોકોર્ટિકોઇડ્ઝ, મિનૉક્સિડિલ, ડાયાઝૉક્સાઇટ, ફેનિટોઇન જેવી દવાઓ કે ભૂખમરો પણ નારીનરકેશિતાનો વિકાર સર્જે છે. તેવો વિકાર પુંઅંત:સ્રાવથી પ્રભાવિત હોતો નથી. ક્યારેક આવો વિકાર વારસાગત લક્ષણોને લીધે પણ થાય છે. પોરફાયરિયાના દર્દીઓમાં પણ તે ક્યારેક જોવા મળે છે. જો પુંઅંત:સ્રાવોની અસર હેઠળનો વિકાર ન હોય તો શરીર પર વ્યાપકપણે વાળ ઊગે છે, જેમાં કપાળ અને પડખાં(flanks)નો પણ સમાવેશ થાય છે.
જે સ્ત્રીમાં ટેસ્ટોસ્ટિરોન નામના પુંઅંત:સ્રાવને ડાઇહાઇડ્રોટેસ્ટોસ્ટિરોનમાં રૂપાંતરિત કરતા 5-આલ્ફા-રિડક્ટેઝ નામના ઉત્સેચકનું પ્રમાણ વધુ હોય તેઓમાં ક્યારેક પુંઅંત:સ્રાવ-પ્રભાવિત નારીનરકેશિતા થાય છે. અંડપિંડની કે અધિવૃક્કગ્રંથિની ગાંઠો કે પીયૂષિકા (pituitary) ગ્રંથિના વિકારોમાં પુંઅંત:સ્રાવનું પ્રમાણ વધે છે. ક્યારેક અન્ય ગાંઠોમાંથી પણ જો અધિવૃક્ક ગ્રંથિના બાહ્યક(adrenal cortex)ને ઉત્તેજિત કરતો એડ્રિનોકોર્ટિકો ટ્રૉફિન હૉર્મોન (ACTH) નામનો અંત:સ્રાવ ઝરે તો તે નારીનરકેશિતા કરે છે. જો અંડપિંડમાં પ્રવાહી ભરેલી પોટલીઓ જેવી ઘણી કોષ્ઠો (cysts) આવેલી હોય તોપણ આવો વિકાર થાય છે. તેને બહુકોષ્ઠીય અંડપિંડ સંલક્ષણ (polycytic ovary syndrome) કહે છે.
લક્ષણો, ચિહનો અને નિદાન : યુવાવયે સામાન્ય રીતે માસિક આવવાનું પ્રથમ વાર શરૂ થાય ત્યારે પુંઅંત:સ્રાવ પ્રભાવિત વિકાર થાય છે અને તે વધતી જતી ઉંમર સાથે વધુ તીવ્ર બને છે. ઘણી વખત આવો વિકાર કુટુંબમાં અન્ય સ્ત્રીઓને પણ થયેલો હોય છે. શરૂઆતમાં પેટના નીચલા ભાગમાં, સ્તન ઉપર તથા ઉપલા હોઠની ઉપર વાળ ઊગે છે. વધુ વ્યાપક વિકારમાં પીઠનો તેમજ પેટનો ઉપલો ભાગ તથા છાતી પણ અસરગ્રસ્ત થાય છે. કેટલાકને 5-આલ્ફા-રિડક્ટેઝના સ્થાનિક વિકારને કારણે ફક્ત મોઢા પર જ વાળ ઊગે છે.
નાની ઉંમરે ઝડપથી વધતી જતી નારીનરકેશિતા કોઈ ગાંઠ થયાનું સૂચન કરે છે. તેમાં પુરુષોનાં અન્ય લક્ષણો પણ જણાઈ આવે છે; જેમ કે અવાજ ઘેરો થવો, સ્નાયુઓનો વિકાર થવો અને સ્ત્રીશિશ્ન (clitoris) મોટું થવું. આ વિકારોને પુંકારી (virilizing) વિકારો કહે છે. જોકે આવી ગાંઠો ભાગ્યે જ થાય છે અને તેથી વધુ તીવ્ર વિકારવાળી સ્ત્રીના અંડપિંડમાં કોષ્ઠો થઈ હોવાની શક્યતા વધુ રહે છે. જો દર્દીને મોં, પેટ તથા પીઠ પર ચરબી જમા થતી હોય; લોહીનું દબાણ ઘટ્યું હોય; મધુપ્રમેહ થયો હોય અને ચામડી પાતળી થયેલી હોય તો પીયૂષિકા ગ્રંથિમાં થતો કુશિંગનો રોગ હોવાની સંભાવના રહે છે. નિદાન માટે નારીનરકેશિતાવાળી સ્ત્રીના પુરુષલક્ષી અને સ્ત્રીલક્ષી અંત:સ્રાવો તથા પીયૂષિકા ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા ACTH, LH, FSH અને પ્રોલૅક્ટિન નામના અંત:સ્રાવોનું પ્રમાણ જાણી લેવાય છે. અંડપિંડમાંની ગ્રાફિયન પુટિકા(follicle)નું ઉત્તેજન કરતા અંત:સ્રાવને પુટિકા ઉત્તેજક અંત:સ્રાવ (follicle stimulating hormone, FSH) અને અંડપિંડમાં પીતપિંડને ઉત્પન્ન કરીને જાળવતા અંત:સ્રાવને પીતપિંડકારી અંત:સ્રાવ (leutinizing hormone, LH) કહે છે. જરૂર પડ્યે તે કિસ્સામાં સવારે 17-હાઇડ્રૉક્સિ-પ્રોજેસ્ટિરોનનું પ્રમાણ પણ જાણી લેવામાં આવે છે.
સારવાર અને પરિણામ : નરનારીકેશિતા દેખાવને બગાડે છે. માટે તે એક સૌંદર્યલક્ષી (cosmetic) અને મનોવિકાર સર્જક સ્થિતિ છે. નારીનરકેશિતા પોતે કોઈ રોગ ન હોવાથી તેની સારવાર એના કારણરૂપ રોગ પર અવલંબે છે. જો થોડો વિકાર હોય તો વધારાના વાળને કાઢી નંખાય અથવા રંગવિહીન (bleaching) કરાય છે. વાળ કાઢવા માટે કેશકર્તન (shaving), લુંચન (plucking) કે મીણચિકિત્સા કરાય છે. વીજલયન(electrolysis)ની પ્રક્રિયા પણ સુરક્ષાપૂર્ણ અને અસરકારક છે; જોકે તે મોંઘી છે. મીણચિકિત્સામાં મીણના લેપ વડે વાળ દૂર કરાય છે તથા જો વીજળી વડે વાળના મૂળનો નાશ કરવામાં આવો તો તેને વીજલયન કહે છે.
ક્યારેક દવા વડે સારવાર કરવા માટે સ્પાયરોનોલૅક્ટોન, સિપ્રોટિરોન એસિટેટ કે ફ્લુટામાઇડ વપરાય છે. તેઓ કોષોમાંના પુંઅંત:સ્રાવોના સ્વીકારકોને અવરોધે છે. 70 % દર્દીઓમાં તે સફળ રહે છે. તેનાથી ક્યારેક માસિક ઋતુસ્રાવનું પ્રમાણ વધે છે. તેનું નિયમન કરવા મુખમાર્ગી ગર્ભનિરોધક દવાઓ આપી શકાય છે. ફલ્યુટામાઇડ અને સિપ્રોટિરોન ક્યારેક યકૃતમાં સોજો લાવે છે. ફિનાસ્ટેરાઇડ નામની 5-આલ્ફા-રિડક્ટેઝને અવરોધતી દવા શોધાઈ છે. તે પુરુષોની પુર:સ્થ ગ્રંથિ(prostate gland)ની વૃદ્ધિ ઘટાડવા વપરાય છે. તેનો ઉપયોગ કરતી સગર્ભા સ્ત્રીના પુત્રોમાં ક્યારેક જનન-અવયવોનો વિકાર જોવા મળે છે.
ગર્ભનિરોધક ગોળી અંડપિંડનું કાર્ય ઘટાડીને નારીનરકેશિતા ઘટાડે છે. તે બહુકોષ્ઠી અંડપિંડ સંલક્ષણમાં ઉપયોગી છે; પરંતુ જો તેમની સાથે ઇસ્ટ્રોજન ન અપાય તો ઋતુસ્રાવસ્તંભન (menopause) વખતે થતા અન્ય વિકારો થઈ આવે તેવી સંભાવના રહે છે જન્મજાત અધિવૃક્ક અતિવિકસન(congenital adrenal hyperplasia)ના રોગમાં ક્યારેક કોર્ટિકોસ્ટીરોઇડ અપાય છે. મૂળરોગની સારવાર ઉપરાંત ઉપર જણાવેલ લાંબા ગાળાના ઔષધીય અને સૌંદર્યલક્ષી ઉપચારોથી મોટાભાગની સ્ત્રીઓમાં લાભકારક પરિણામ મેળવી શકાય છે.
શિલીન નં. શુક્લ
પ્રેમલ ઠાકોર