નારાયણ, શ્યામ

January, 1998

નારાયણ, શ્યામ (. 25 જુલાઈ 1922, ખાહિ કાસિમ, સિંધ; . 10 જાન્યુઆરી 1989, દિલ્હી) : સિંધી કવિ. તેમનું મૂળ નામ નારાયણ ગોકળદાસ નાગબાણી હતું, પણ નારાયણ તરીકે તે જાણીતા છે. 18 વરસની ઉંમરે કાવ્ય રચવાની પ્રેરણા થઈ હતી. 1970માં તેમને ‘વારીખ ભર્યો પલાંદ’ (1968) કાવ્યસંગ્રહ માટે સાહિત્ય એકૅડેમીનું પારિતોષિક મળ્યું હતું. પછી તેમને સાહિત્ય અકાદમીના સિંધી ભાષાના કન્વીનર તરીકે નિયુક્ત કરાયા.

સિંધીના ઊર્મિશીલ, સૌંદર્યદર્શી અને પ્રકૃતિપ્રેમી આ કવિની કવિતા બહુધા પરંપરાગત છંદોમાં છે; પરંતુ તેમણે તે પારંપરિક દોહા, બાઈ, કાફી, ગઝલ, ગીત અને રુબાઈને નવો ક્લાસિક્લ સ્પર્શ આપ્યો છે. રહસ્યવાદ, સૂફીવાદ અને પરંપરાને નવી શૈલી, નવાં પ્રતીકો અને નવી વિભાવનાનાં આવરણ પરિધાન કરાવીને તેમણે સિંધીમાં નવી ક્લાસિકલ કાવ્યધારાનો પ્રવાહ વહેતો કરેલ હતો.

કાવ્યસંગ્રહ ‘માક ભિન્ના રાબેલ’(1965)માં તેમણે બેત, દોહાઓને સૉનેટનો આકાર આપ્યો હતો. જાપાની હાઈકુને તેમણે પોણા દોહાના આકારમાં છંદોબદ્ધ કરીને ‘તસવીર’ નામે નવી ધારાનો પ્રવાહ વહેતો કર્યો હતો. તેમણે ફ્રેન્ચ પ્રયોગ ટ્રાયોલેટને ‘તરાઈલ’ નામથી છંદોબદ્ધ કરીને નવો પ્રયોગ કર્યો હતો : કાવ્યમાં ચાર ચાર પંક્તિનાં બે પદોમાં કુલ આઠ પંક્તિઓ હોય, પ્રથમ બે પંક્તિઓ છેલ્લી બે પંક્તિઓમાં પુનરાવર્તન પામે ને પહેલી પંક્તિ ચોથી પંક્તિમાં પુનરાવર્તન પામે. આમ પહેલી, ચોથી, સાતમી પંક્તિ એક જ હોય જ્યારે બીજી તથા આઠમી પંક્તિ પણ સમાન હોય, તેમ છતાં કવિતામાં સાતત્ય અને ભાવાર્થ જળવાઈ રહે. તેમના આ પ્રયોગથી પ્રેરાઈને જમિયત પંડ્યાએ ગુજરાતીમાં પણ ‘ત્રિસંધિ’ નામે પ્રયોગ કર્યો હતો.

સૂક્ષ્મ ચિંતનકાર શ્યામ પ્રકૃતિ અને સાંપ્રત માનવજીવનના અંતરમનના કુશળ ચિત્રકાર હતા. કવિના કોમળ હૃદયમાંથી પીડાનો સ્રોત સહજભાવે વહી નીકળે છે.

સાંપ્રત યુગબોધની સંચેતના પ્રત્યે સતત જાગ્રત અને મનમાં ભારોભાર પીડા લઈને બેઠેલા શ્યામ નિરાશાવાદી નહોતા. પુરુષ અને પ્રકૃતિના સનાતન પરિઘની અંદર તાણાવાણા વણવાની તેમની વિશેષતા રહી છે. રોજિંદા જીવનના વિષયો લઈને તેમણે અંતરમનની અનુભૂતિને વાચા આપી હતી. માનવીય વિડંબના પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

સૌમ્ય અને શાંત રસ પીરસતા શ્યામના 8 કાવ્યસંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે. ‘માક ફુડા’ (1953) હરિ દિલગીર સાથેનો સંયુક્ત સંગ્રહ હતો. અન્ય સંગ્રહો છે : ‘પંખડિયું’ (1955), ‘રંગ રતી લહર’ (1957), ‘રોશન છાંવરો’ (1962), ‘માક ભિના રાબેલ’ (1964), ‘વારીખ ભર્યો પલાંદ’ (1968), ‘આ છીંદે લજ મરાં’ (1978), ‘મહકી વેલા સુબહજી’ (1983).

જયંત રેલવાણી