નારાયણ સરોવર

January, 1998

નારાયણ સરોવર : કચ્છ જિલ્લામાં લખપત તાલુકાના પશ્ચિમ છેડે કોરી ખાડી પર આવેલું સરોવર તેમજ પ્રસિદ્ધ વૈષ્ણવ તીર્થધામ. ભૌગોલિક સ્થાન : 23° 35’ ઉ. અ. અને 68° 30’ પૂ. રે.. આ સ્થળ કચ્છના રણની પશ્ચિમ ધાર પર આવેલું હોવાથી તેની આજુબાજુનો પ્રદેશ શુષ્ક, વેરાન અને તદ્દન આછી વનસ્પતિ ધરાવે છે. અહીં કાંટાળાં બાવળનાં વૃક્ષો તથા અન્ય મરુપ્રિય વનસ્પતિ (xerophytes) માત્ર જોવા મળે છે. નારાયણ સરોવર જિલ્લામથક ભુજથી વાયવ્ય ખૂણામાં સડકમાર્ગે લગભગ 147 કિમી.ના અંતરે આવેલું છે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસો તેમજ ખાનગી વાહનો મારફતે અહીં યાત્રિકોની અવરજવર રહે છે. નારાયણ સરોવર જતાં માર્ગમાં ભુજથી આશરે 100 કિમી. અંતરે ‘માતાનો મઢ’ નામે નાનું ગામ આવેલું છે, ત્યાં આશાપુરા માતાનું ભવ્ય દેવસ્થાન છે.

નારાયણ સરોવર (મંદિરોના સંકુલને આવરી લેતા કોટ તેમજ પગથિયાં અને ઘાટ સાથે)

શ્રીમદભાગવત પુરાણમાં નારાયણ સરોવરનો ઉલ્લેખ છે, તેમાં સિંધુ નદી જ્યાં અરબી સમુદ્રને મળે છે, ત્યાં નારાયણ સરોવર આવેલું હોવાનું દર્શાવાયું છે. ભૌગોલિક સંદર્ભમાં જોતાં સિંધુ નદી પહેલાં આ સ્થળે સમુદ્રને મળતી હતી અને ક્રમે ક્રમે તે પશ્ચિમ તરફ ખસેલી છે. સિંધુ નદીના ત્રિકોણપ્રદેશીય ફાંટાઓ પૈકી કોરી ખાડી તેનો જ એક નદી-ફાંટો હોવાનું મનાય છે. કોરીના મુખ નજીક નારણસર નામનું નાનકડું ગામ આવેલું છે. આ ગામની ફરતે કોટ બાંધેલો છે. આ ગામના પરિસરમાં જ નારાયણ સરોવર આવેલું છે. ત્યાંથી અડોઅડ  દરિયાકિનારો હોવા છતાં આ સરોવરનું જળ મીઠું છે. યાત્રાળુઓ તેમાં સ્નાન કરે છે, તેમાં સ્નાન કરવાનું ઘણું માહાત્મ્ય છે. અનુશ્રુતિ મુજબ પ્રાચીન કાળમાં અહીં આદિનારાયણનું મંદિર હતું અને તેના પર શૈવપંથી કાનફટ્ટા બાવાઓનું ખૂબ વર્ચસ હતું. ઈ. સ. 1550માં નારણગર નામના બાવાએ તેમની પાસેથી આ મંદિર અને સરોવર લઈ લીધાં અને સરોવરની આસપાસ ઘાટ અને પગથિયાંનું બાંધકામ કરાવ્યું.

કચ્છના રાઓ દેશળજીની રાણી મહાકુંવરે (1718થી 1742) દ્વારકાના પૂજારીઓ સાથે અણબનાવ થતાં, તેમની હરીફાઈમાં નારાયણ સરોવરતીર્થનો મહિમા વધારવાના હેતુથી અહીં આજુબાજુમાં જ આરસજડિત સાત મોટાં મંદિરોનું બાંધકામ કરાવ્યું; તેમાં લક્ષ્મીનારાયણ, ત્રિકમજી, આદિનારાયણ, ગોવર્ધનનાથ, દ્વારકાનાથ, લક્ષ્મીજી અને કલ્યાણરાયનાં મંદિરોનો સમાવેશ થાય છે. અહીં દર વર્ષે કારતક સુદ અગિયારશથી પૂર્ણિમા સુધી મેળો ભરાય છે. નારાયણ સરોવરની યાત્રા કરીને યાત્રિકો અહીંથી આશરે બે કિમી. દૂર સમુદ્રકાંઠે આવેલી ટેકરી પરનાં કોટેશ્વર અને નીલકંઠનાં શિવમંદિરોની પણ અચૂક મુલાકાત લે છે. જૂના સમયમાં કોટેશ્વર પણ પાશુપત આચાર્યોનું વર્ચસ ધરાવતું એક મોટું તીર્થ હોવાનું અનુમાન છે. કોટેશ્વર ભારત-પાકિસ્તાનની સરહદ પરનું વ્યૂહાત્મક સ્થળ હોવાથી અહીં સીમાસુરક્ષાદળના જવાનો ચોકીપહેરો ભરતા નજરે પડે છે.

બીજલ પરમાર