નારાયણ (ઋષિ) :  વૈદિક ઋષિ. વેદ અને પુરાણ મુજબ તે અદભુત સામર્થ્યવાળા ગણાયા છે. સકળ જગતના આધાર પરમાત્મા તરીકે તેમને માનવામાં આવ્યા છે. ઋગ્વેદના પ્રસિદ્ધ પુરુષસૂક્ત(10/90)ના દ્રષ્ટા ઋષિ નારાયણ છે. શતપથ બ્રાહ્મણ અને શાંખાયન શ્રૌતસૂત્રમાં નારાયણ વિષ્ણુનો પર્યાય શબ્દ લેખાયો છે, જ્યારે તૈત્તિરીય આરણ્યક અને મહાભારત નારાયણને વિષ્ણુ કે કૃષ્ણ માને છે. વેદમાં નારાયણને કાશ્યપ કહેવામાં આવ્યા છે. કેટલીક વાર સાધ્ય દેવોમાં અગ્રસ્થાને રહેલા  દેવને આંગિરસ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ સાધ્ય દેવો ધર્મ નામના ઋષિ અને સાધ્યાના પુત્રો હતા. નારાયણ 12 સાધ્ય દેવોમાં આગળ પડતા છે. નર નામના ઋષિ મૂર્તિ અને ધર્મ ઋષિના પુત્ર હોવાથી નારાયણ નર ઋષિના ભાઈ હતા. કેટલીક વાર નારાયણને ‘નરનારાયણ’ એવું બીજું નામ આપવામાં આવ્યું છે.

આ નરનારાયણ કે નારાયણ ઋષિ બદરિકાશ્રમમાં તપ કરી રહ્યા હતા ત્યારે ઇન્દ્રે તેમની પરીક્ષા કરવા કામદેવ અને વસંત સાથે અપ્સરાઓને મોકલી, પરંતુ નારાયણ ઋષિ અવિચળ રહેવાથી છોભીલા પડેલા ઇન્દ્ર વગેરેએ તેમની સ્તુતિ કરી. વળી અપ્સરાઓ શરમાઈ. નારાયણ ઋષિએ પોતાના સાથળમાંથી એક સ્ત્રી (હરિવંશ મુજબ ઉર્વશી નામની અપ્સરા) ઉત્પન્ન કરી સ્વર્ગમાં ઇન્દ્ર પાસે ભેટ તરીકે મોકલી આપી એમ ભાગવત પુરાણ જણાવે છે.

મનુસ્મૃતિમાં નારાયણને બ્રહ્મા માનવામાં આવ્યા છે એ ધ્યાન ખેંચે તેવી વાત છે. નરના સંતાન કે નરોનો સમૂહ એટલે ‘નાર’ અને ‘અયન’ એટલે નરોની ગતિ કે ગંતવ્ય સ્થાન એવી વ્યુત્પત્તિ આપીને પરમાત્મા કે પરબ્રહ્મ તરીકે પણ તત્વજ્ઞાનીઓ તેમને ઓળખે છે. તેથી તેમને પુરાણપુરુષ પણ કહ્યા છે.

પ્ર. ઉ. શાસ્ત્રી