નારાયણગંજ : બાંગ્લાદેશમાં આવેલા ઢાકા જિલ્લાનો વહીવટી વિભાગ અને શહેર. આ વિભાગ 23° 34´ થી 24° 15´ ઉ. અ. અને 90° 27´થી 90° 56´ પૂ. રે.. વચ્ચે આવેલો છે. તે 759.6 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. પ્રાદેશિક ભૌગોલિક અનુકૂળતાને કારણે વસ્તીનું પ્રમાણ ગીચ છે. દર ચોકિમી. મુજબ લગભગ 575 વ્યક્તિઓ અહીં વસે છે.

શહેર : ઢાકા નજીક આવેલું જિલ્લાનું મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 23° 37´ ઉ. અ. અને 90° 30´ પૂ. રે. ધાલેશ્વરી અને લાખ્યા (મેઘનાની શાખા) નદીઓના સંગમસ્થાને બંને કાંઠા પર તે વસેલું છે.

ઢાકા માટે તે મુખ્ય નદી-બંદર ગણાય છે. દેશના મુખ્ય બંદર ચિતાગૉંગ તેમજ મુખ્ય ટાપુઓનાં ઘણાં અન્ય બંદરો સાથે તે સ્ટીમરો મારફતે જળમાર્ગે સંકળાયેલું રહે છે. આ દૃષ્ટિએ તે ઢાકા માટેનું પ્રવેશદ્વાર છે.

બાંગ્લાદેશમાં આ શહેર વ્યાપાર માટેનું ધમધમતું બજાર ધરાવે છે અને તે ઢાકાને સમકક્ષ ઔદ્યોગિક કેન્દ્ર ગણાય છે. ચામડાં, ખાલ અને શણના બજાર તરીકે તેનું ઘણું મહત્વ છે. શણ માટેનાં જિન અને તેના પર પ્રક્રિયા કરતી મિલો તથા સુતરાઉ કાપડની મિલો અહીં આવેલી છે. વહાણોનું સમારકામ અહીં થાય છે. વળી ઘણી ઉત્પાદકીય ચીજવસ્તુઓના એકમો અહીં વિકસ્યા છે. આ શહેરમાં કૉલેજ, હૉસ્પિટલ અને પુસ્તકાલય આવેલાં છે. અહીનાં જોવાલાયક ઐતિહાસિક સ્થળોમાં 1801માં બાંધવામાં આવેલ કદમ રસૂલની કબર, બંગાળના બારભૈયા(જમીનદારો)નો 16મી સદીનો કિલ્લો અને જેના પરથી આ શહેરનું નામ પડેલું છે તે 12મી સદીમાં બંધાયેલા લક્ષ્મીનારાયણ મંદિરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મીર જુમલાના આરાકાનીઓ દ્વારા થયેલા આક્રમણથી રક્ષણ કરવા માટે બંધાયેલા અનેક કિલ્લા આજુબાજુના ભાગોમાં નજરે પડે છે.

1876માં અહીં નગરપાલિકાની રચના કરવામાં આવી ત્યારથી આ શહેરનું મહત્વ અંકાય છે. 2012 મુજબ આ શહેરની વસ્તી આશરે 15,72,386 છે.

ગિરીશ ભટ્ટ