નારાયણન્, કે. આર. (કોચેરિલ રમણ) (જ. 27 ઑક્ટોબર, 1920, ઉઝહવ્વુર, કેરળ; અ. 9 નવેમ્બર, 2005 નવી દિલ્હી) : ભારતના તેરમા રાષ્ટ્રપ્રમુખ અને અનુભવી પ્રશાસક. પિતાનું નામ રમણ વૈદ્યન્. દલિત વર્ગમાંથી રાષ્ટ્રપ્રમુખના સર્વોચ્ચ પદ સુધી પહોંચનાર તેઓ દેશના પ્રથમ નાગરિક છે. 199297 દરમિયાન તેઓ ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ હતા.
તેઓ અંગ્રેજી વિષય સાથે એમ.એ. અને ત્યારબાદ લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી અર્થશાસ્ત્ર મુખ્ય વિષય સાથે બી.એસસી. થયા.
1943માં ત્રાવણકોર યુનિવર્સિટીમાંથી તેમણે અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. એક વર્ષ બાદ 1944માં ચેન્નાઈના ‘ધ હિંદુ’ના સંપાદક-વિભાગમાં જોડાઈને પત્રકારત્વના ક્ષેત્રે કાર્ય શરૂ કર્યું. ત્યારબાદ મુંબઈના ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં ખબરપત્રી તરીકે જોડાયા. 1945થી 1948 દરમિયાન મુંબઈના ‘સોશિયલ વેલ્ફેર’ સાપ્તાહિકના લંડન ખાતેના ખબરપત્રી રહ્યા.
1949માં તેઓ ભારતીય વિદેશસેવામાં જોડાયા અને 1960 સુધી તેના વિવિધ હોદ્દા પર કાર્યરત રહ્યા. રંગૂન ખાતેના ભારતીય મિશનના સેક્રેટરીપદનો પણ તેમાં સમાવેશ થાય છે. 1961–62માં તેઓ ઑસ્ટ્રેલિયા ખાતે ભારતના હાઈકમિશનર, 1962–63માં હેનોઈ ખાતે કોન્સલ જનરલ, 1963–64માં વિદેશ મંત્રાલયના એક્સ્ટર્નલ પબ્લિસિટી વિભાગના નિયામક, 1964થી 1967 દરમિયાન વિદેશવિભાગના ચાઇના ડિવિઝનના નિયામક, 1967થી 1969 દરમિયાન થાઇલૅન્ડ ખાતે ભારતના એલચી, 1969થી 1970 દરમિયાન નીતિ-આયોજન વિભાગના સંયુક્ત સેક્રૅટરી, 1973થી 1975ના ગાળામાં તુર્કસ્તાન ખાતે ભારતના એલચી, 197576માં વિદેશમંત્રાલયમાં આફ્રિકા, પશ્ચિમ એશિયા અને અગ્નિ એશિયાના વધારાના સેક્રૅટરી એમ અનેક મહત્વનાં પદો પર કામ કર્યું.
1976માં તેઓ ભારત સરકારના વિદેશમંત્રાલયના સેક્રેટરી બન્યા. 1976–1978 દરમિયાન તેમણે ચીન પ્રજાસત્તાકના પાટનગર બેજિંગ ખાતે ભારતના એલચી તરીકે કામ કર્યું. 1978–80 દરમિયાન જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિપદે હતા. 1979માં યુનોની સામાન્ય સભામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમને મોકલવામાં આવેલા. 1980–84 દરમિયાન તેઓ અમેરિકા ખાતે ભારતના રાજદૂત રહ્યા. 1984, 1989 અને 1991ની સામાન્ય ચૂંટણીઓમાં તેઓ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા. 1985માં તેઓ કેન્દ્ર-સરકારમાં આયોજન ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અને 1985–86માં વિદેશ-મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાનપદે અને ત્યારબાદ ઍટમિક ઍનર્જી, વિજ્ઞાન, ટૅકનૉલૉજી અને સમુદ્રીય વિકાસ (ocean development) ખાતાના મંત્રી બન્યા. 1986 તથા 1992માં ‘અન્કટાડ’ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારતીય પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા.
1970–72 દરમિયાન તેમને બિનજોડાણની નીતિનો અભ્યાસ કરવા બદલ જવાહરલાલ નેહરુ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી. 1972થી તેઓ લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સના તથા સેંટર ફૉર ડેવલપમેન્ટલ સ્ટડીઝ, ત્રિવેન્દ્રમના ફેલો હતા. અમેરિકાની ટોલેડો યુનિવર્સિટી તરફથી તેમને ડૉક્ટરની માનાર્હ પદવી એનાયત થઈ હતી. જુલાઈ, 1997માં તેઓ ભારતના પ્રમુખ તરીકે ચૂંટાયા. 29 એપ્રિલ, 1998ના રોજ વિશ્વની લબ્ધપ્રતિષ્ઠ આંતરરાષ્ટ્રીય સંસ્થા અપીલ ઑવ્ કૉન્શ્યન્સ ફાઉન્ડેશન દ્વારા તેમને ‘વર્લ્ડ સ્ટેટ્સમૅન ઍવૉર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. 1998માં 12મી લોકસભાની મધ્યસત્ર ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પક્ષ અથવા રાજકીય પક્ષોનું જોડાણ સ્પષ્ટ બહુમતી મેળવી શક્યું નહીં ત્યારે રાષ્ટ્રપ્રમુખના પદની ગરિમા અનુસાર કેંદ્રમાં સ્થિર સરકારની રચના અંગે નિષ્પક્ષ નિર્ણય લેવાની જરૂર ઊભી થઈ. આ સમયે તેમણે રાજકીય કુનેહ દર્શાવી, પોતાની આગવી કોઠાસૂઝથી એક પછી એક તમામ રાજકીય પક્ષોના નેતાઓને ચર્ચાવિચારણા કરવા આમંત્ર્યા અને તે વિચારવિમર્શને અંતે કાર્યસાધક બહુમતી પુરવાર કરી શકે તેવા નેતા તરીકે ભારતીય જનતા પક્ષના નેતાને સરકાર રચવા આમંત્રણ આપ્યું અને તેમને પંદર દિવસમાં પોતાની બહુમતી પુરવાર કરવા જણાવેલું. આમ, રાજકીય પૂર્વગ્રહોથી દૂર રહી તેમણે નવી સરકારની રચનાનું ગૂંચવાયેલું કોકડું ઉકેલી પોતાની રાજકીય દૂરંદેશી પુરવાર કરી હતી.
દેશની સામાન્ય ચૂંટણીમાં મતદાનમાં ભાગ લેનાર તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ હતા.
તેમણે કેટલાંક પુસ્તકો લખ્યાં છે, જેમાં ‘ઇન્ડિયા ઍન્ડ અમેરિકા’, ‘એસેઝ ઇન અન્ડરસ્ટૅન્ડિંગ’, ‘નૉન-એલાયનમેન્ટ ઇન કન્ટેમ્પરરી ઇન્ટરનેશનલ રિલેશન્સ’ (પ્રો. કે. પી. મિશ્રા સાથે સંયુક્ત) અને ‘ઇમેજિઝ ઍન્ડ ઇનસાઇટ્સ’નો સમાવેશ થાય છે.
રક્ષા મ. વ્યાસ