નારવેલ (Morning Glory  Railway Creeper)

January, 1998

નારવેલ (Morning Glory  Railway Creeper) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વોલ્વુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomoea cairica (Linn.) sweet syn. I. palmata Forsk; Convolvulus cairia (ગુ. નારવેલ, પાંચ પત્તી) છે. તે વળવેલ (twiner) હોવાથી અત્યંત ઝડપથી વૃદ્ધિ પામે છે. મંડપ અગર ટ્રેલિસ ઉપર એ ખૂબ જલદી વધીને એને ભરી દે છે. પર્ણો સાધારણ મોટાં અને પંજા આકારનાં હોય છે. પંજાના ખાંચા ઘણી વખત છેક ડીંટા સુધી આવી ગયેલા હોય છે. પુષ્પ મોટાં, જાંબલી પડના ભૂરા રંગનાં, અને ગળણી-આકારનાં થાય છે અને તે લગભગ બારેય માસ આવે છે. આના પુષ્પની ખૂબી એ છે કે એ સવારે ઊઘડે છે અને બપોર પછી બિડાઈ જાય છે. માટે એનું નામ ‘મૉર્નિંગ ગ્લૉરી’ પડ્યું છે.

મંડપ ઉપર આ વેલ ઝડપથી પ્રસરી જાય છે, પણ એકાદ વર્ષ પછી મંડપ નીચેથી જોતાં એની સૂકી ડાળીઓ જ દેખાય છે; પર્ણો દેખાતાં નથી. તેથી આ વેલનું ચોમાસાની શરૂઆતમાં મુખ્ય થડ રાખીને તેનું કૃંતન (pruning) કરવામાં આવે છે, જેથી નવી ફૂટ આવીને ચોમાસું પૂરું થતાં થતાં મંડપ ભરાઈ જાય.

તેની વંશવૃદ્ધિ કટકા રોપીને થાય છે. ઘણી વખત મૂળ આગળથી પીલાં ફૂટે છે તે છૂટાં કરીને પણ વંશવૃદ્ધિ થઈ શકે છે. તેના ઉછેરમાં સાધારણ ખાતર-પાણી પૂરતાં થઈ પડે છે.

સમુદ્રવેલ (Ipomea biloba), સક્કરિયાં (I. batatas) વગેરે તેની સહજાતિઓ છે.

  1. learii નામની વેલને પણ કેટલાક મૉર્નિંગ ગ્લૉરી કહે છે. તેનાં પુષ્પો પણ ભૂરા રંગનાં હોય છે અને પાકટ થતાં લાલ થઈ જાય છે. આ જાત ગુજરાતમાં બહુ જાણીતી નથી.

મ. ઝ. શાહ