નારલા, વી. આર. (. 1 ડિસેમ્બર 1908, જબલપુર, મધ્યપ્રદેશ; . 13 માર્ચ 1985) : તેલુગુ ભાષાના નાટ્યકાર, કવિ અને નિબંધકાર. તેમની નાટ્યકૃતિ ‘સીતાજોસ્યમ્’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1934માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી હતી. તેઓ વ્યવસાયે પત્રકાર હતા અને અનેક વર્ષો સુધી ‘આંધ્રપ્રભા’ તથા ‘આંધ્રજ્યોતિ’ના સંપાદક રહ્યા હતા. તેમણે રાષ્ટ્રના સ્વાતંત્ર્યઆંદોલનમાં પણ ભાગ લીધો હતો. 1958–70 દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય અને 10 વર્ષ સુધી કેન્દ્રીય સાહિત્ય અકાદમીના સભ્ય રહ્યા હતા. રાજ્ય તથા રાષ્ટ્રકક્ષાની અનેક સમિતિઓ સાથે તેઓ સંકળાયેલા રહ્યા હતા. તેઓ અંગ્રેજીમાં પણ લખતા હતા અને સાહિત્ય અકાદમી અન્વયે 3 મહાન તેલુગુ લેખકો વિશેનાં લઘુ પુસ્તકો પણ તેમણે લખી આપેલાં. તેમણે પ્રગટ કરેલા 25 ગ્રંથોમાં 3 નાટકો, 2 કાવ્યસંગ્રહો, 2 નિબંધસંગ્રહો તેમજ સાંસ્કૃતિક ઇતિહાસ વિશેના અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. તેમણે વ્યાપક રીતે વિદેશપ્રવાસ ખેડ્યો હતો અને 1958માં યુનેસ્કોની સામાન્ય પરિષદમાં ઑલ્ટરનેટ ડેલિગેટ તરીકે પણ ભાગ લીધો હતો.

‘રામાયણ’ના વિષયવસ્તુની નવતર માવજત, દૃઢ તર્કસંગત અભિગમ, સરળ આયાસરહિત શૈલી તેમજ અરૂઢ પાત્રચિત્રણ જેવી વિશેષતાઓને કારણે તેલુગુ સાહિત્યમાં તેમનું પુરસ્કૃત નાટક ગણનાપાત્ર પ્રદાન લેખાયું છે.

મહેશ ચોકસી