નારળીકર, જયન્ત વિષ્ણુ

January, 1998

નારળીકર, જયન્ત વિષ્ણુ (. 19 જુલાઈ 1938, કોલ્હાપુર) : ભારતના એક અગ્રણી વૈજ્ઞાનિક અને ગણિતજ્ઞ. વિજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિનો સમન્વય ધરાવતા કુટુંબમાં જન્મ. તેમના પિતા વિષ્ણુ વાસુદેવ નારળીકર બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં તથા પુણે યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર હતા અને તેઓ ભારતમાં આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાંત ઉપર ગાણિતિક સંશોધનની પરંપરા શરૂ કરનાર અગ્રણી તરીકે જાણીતા હતા. જયન્તનાં માતા સુમતિ નારળીકર સંસ્કૃતનાં વિદુષી હતાં. એમણે સંસ્કૃતમાં આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ ‘સુમતિદર્શનમ્’ પુસ્તકાકારે પ્રગટ થયો છે.

કૉલેજશિક્ષણ જ્વલંત કારકિર્દી સાથેનું. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી 1957માં બી.એસસી. થયા. ત્યારબાદ પિતાને પગલે ગણિતમાં ટ્રાઇપૉસ (રૅંગ્લરની પરીક્ષા) કરવા કેમ્બ્રિજ ગયા. તે માટે તેમને જે. એન. ટાટા શિષ્યવૃત્તિ એનાયત થઈ હતી. ત્યાંની પરીક્ષાઓ પાસ કરીને, 1959માં રૅંગ્લર થયા તથા આઇઝેક ન્યૂટન સ્ટુડન્ટશિપ મેળવી ખગોળ અને ખ-ભૌતિકમાં સંશોધન-કારકિર્દી શરૂ કરી. દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી બી.એ. (1960), એમ.એ. (1964), પીએચ.ડી. (1963) તથા ડી.એસસી.(1976)ની પદવીઓ મેળવી. હૉઈલ અને નારળીકરનું નામ સાપેક્ષતાના ક્ષેત્રમાં કેટલાંયે તલસ્પર્શી સંશોધનોને લીધે વિશ્વમાં જાણીતું થયું છે.

જયન્ત વિષ્ણુ નારળીકર

હૉઈલ અને નારળીકરના ગુરુત્વાકર્ષણ સિદ્ધાંતથી જયંત ભારતમાં જાણીતા થયા છે. આ સિદ્ધાંત જૂન, 1964માં રૉયલ સોસાયટી, લંડન સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

પદાર્થનું વજન તેમાં સમાયેલા દ્રવ્યને કારણે છે, જેના માપ માટે વૈજ્ઞાનિકો દ્રવ્યમાન શબ્દનો ઉપયોગ કરે છે. આમ, દરેક પદાર્થને તેનું પોતાનું દ્રવ્યમાન છે. દ્રવ્યમાનની આ સામાન્ય સમજણને આધારભૂત લઈ ન્યૂટને પદાર્થના ગતિનિયમો તારવ્યા અને આધુનિક યંત્રવિદ્યાનો જન્મ થયો.

પરંતુ ઓગણીસમી સદીમાં અર્ન્સ્ટ મૅક નામના તત્વજ્ઞાનીએ દ્રવ્યમાનની આ સામાન્ય સમજણનું ઊંડું વિશ્લેષણ કર્યું. તેમની દલીલ અનુસાર એવો કોઈ પદાર્થ A વિચારીએ જેના સિવાય વિશ્વમાં અન્ય કોઈ પદાર્થ નથી, તો પછી વિશ્વમાં એકલાઅટૂલા રહેલા આ પદાર્થનું દ્રવ્યમાન માપી શકાય? મૅકની માન્યતા પ્રમાણે આ પ્રશ્નનો જવાબ ‘ના’ છે. પદાર્થમાં રહેલા દ્રવ્યનું પ્રમાણ એકલાઅટૂલા પદાર્થ માટે કેવી રીતે જાણી શકાય ? આવા પ્રકારની દલીલો ઉપરથી મૅકે તારવ્યું કે પદાર્થનું દ્રવ્યમાન એ પદાર્થનો સ્વતંત્ર ગુણધર્મ નથી, પણ બાકીના વિશ્વમાં રહેલા કુલ દ્રવ્ય ઉપર તે આધારિત છે.

ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો નિયમ દ્રવ્યમાનની સામાન્ય સમજણ ઉપર રચાયેલો છે અને તેનું ગણિત મૅકની ફિલસૂફીને અનુસરતું નથી. આઇન્સ્ટાઇને જ્યારે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને સ્થાને પોતાનો સાપેક્ષતાનો સિદ્ધાંત સ્થાપ્યો, ત્યારે પહેલાં તો તેને લાગ્યું કે તેનો નવો સિદ્ધાંત મૅકની ફિલસૂફીને આવરી લે છે. પણ પાછળથી ગણતરી કરતાં સ્પષ્ટ થયું કે સાપેક્ષતાના ગણિતમાં દ્રવ્યમાન એ પદાર્થનો પોતાનો ગુણધર્મ છે અને તેને વિશ્વરચના સાથે કશો જ સંબંધ નથી.

આમ, મૅકના તત્વચિંતનને અનુરૂપ ગુરુત્વાકર્ષણનો નિયમ રચવાનો પ્રશ્ન વણઊકલ્યો રહ્યો હતો. હૉઈલ અને નારળીકરે પદાર્થના દ્રવ્યમાનને અચળ લેવાને બદલે તેને સમગ્ર વિશ્વના ગુણધર્મના દ્યોતક તરીકે લઈને જ શરૂઆત કરી અને તે ઉપરથી ગુરુત્વાકર્ષણનો નિયમ તારવવામાં તેઓ સફળ થયા. મૅકની ફિલસૂફીને સમાવતો નિયમ તેઓ મેળવી શક્યા તે તેમની વિશિષ્ટ સિદ્ધિ છે.

હૉઈલ સાથે સંશોધનની જ્વલંત કારકિર્દી પછી જયંત ભારતમાં સ્થિર થયા છે. શરૂઆતમાં મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફંડામેન્ટલ રિસર્ચમાં ખ-ભૌતિકના પ્રોફેસર તરીકે (1972–83) કાર્ય કર્યું, પણ 1989થી દેશની સઘળી યુનિવર્સિટીઓમાં ખગોળ અને ખ-ભૌતિકતાના અભ્યાસ અને સંશોધનને ઉત્તેજન આપવાના હેતુથી પુણેમાં      સ્થપાયેલી આંતર-યુનિવર્સિટી સંસ્થા(Inter-University Centre for Astronomy and Astrophysics, IUCAA)ના અધ્યક્ષ તરીકે કામ કર્યુ. હવે નિવૃત્તિ પછી પણ પોતાના ક્ષેત્રમાં હજી સંશોધન કરે છે અને સંશોધકોને પ્રેરણા પૂરી પાડે છે.

1963થી તેઓ રૉયલ ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટીના તથા કેમ્બ્રિજ ફિલૉસૉફિકલ સોસાયટીના ફેલો છે. તેઓ 1962–63 દરમિયાન ફિટ્સ-વિલિયમ હાઉસ, કેમ્બ્રિજ ખાતે ગણિતના અધ્યાપનના સંચાલક છે. ઉપરાંત તેઓ કિંગ્ઝ કૉલેજ, કેમ્બ્રિજ ખાતે બેરી રૅમ્સે ફેલો (1969–72) હતા. 1967–72 દરમિયાન તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ થિયરેટિકલ ઍસ્ટ્રૉનૉમી સંસ્થાના અધ્યાપન તથા સંશોધન વિભાગના સદસ્ય છે. 1973–75 દરમિયાન તેઓ જવાહરલાલ નહેરુ ફેલો હતા. 1974થી તેઓ ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝના ફેલો છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીએ તેમને 1960માં ખગોળશાસ્ત્રનું ટાયસન પદક, 1962માં સ્મિથ પારિતોષિક તથા 1967માં ઍડમ્સ પારિતોષિક એનાયત કરી સન્માન્યા હતા. 1965માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ એનાયત કર્યો હતો. માત્ર 27 વર્ષની નાની ઉંમરે દેશના બીજા ક્રમનો ખિતાબ પ્રાપ્ત કરી તેમણે એક નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. 1973માં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સીઝ, મુંબઈએ તેમને સુવર્ણ મહોત્સવ ચંદ્રક અર્પણ કર્યો હતો. 1978માં તેમને શાંતિસ્વરૂપ ભટનાગર ઍવૉર્ડ, 1985માં વિશ્વભારતી યુનિવર્સિટી તરફથી રવીન્દ્ર ઍવૉર્ડ તથા 1990માં ઇન્દિરા ગાંધી ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા છે. ભારત સરકારે 2004નો ‘પદ્મવિભૂષણ’ એમને પ્રદાન કર્યો છે તો 2011માં એમને ‘મહારાષ્ટ્ર ભૂષણ’ પુરસ્કાર એનાયત થયો છે.

પ્રોફેસર જયંત નારળીકર મરાઠી, અંગ્રેજી તથા સંસ્કૃત ભાષાઓ ઉપર સરસ કાબૂ ધરાવે છે. અંગ્રેજી કે મરાઠીમાં વિજ્ઞાનનાં ગહન સત્યોને લોકભોગ્ય રીતે રજૂ કરવાની તેમની ખાસ હથોટી છે. અંગ્રેજી ભાષામાં વિજ્ઞાનવિષયક કલ્પનાસાહિત્ય (science fiction) ખૂબ વિકસ્યું છે. પ્રો. નારળીકરે મરાઠીમાં વૈજ્ઞાનિક સત્યોની આસપાસ વાર્તાઓ લખીને આ દિશામાં પહેલ કરી છે. તેમનો આવો વાર્તાઓનો સંગ્રહ ‘યક્ષાંચી દેણગી’ નામે પ્રગટ થયો છે અને ‘પ્રેષિત’ નામે એક લઘુનવલ પણ પ્રગટ થઈ છે. તેમણે આર. જે. ટેલર, ડબ્લ્યૂ. ડેવિડસન અને એમ. એ. રૂડરમન સાથે ‘ઍસ્ટ્રૉફિઝિક્સ’ (1969) અને ફ્રેડ હૉઈલ સાથે ‘ઍક્શન ઍટ એ ડિસ્ટન્સ ઇન ફિઝિક્સ ઍન્ડ કૉસ્મૉલૉજી’ (1974)  આ બે ગ્રંથો લખ્યા છે. ઉપરાંત ખ-ભૌતિક, ગુરુત્વાકર્ષણ અને અવકાશવિજ્ઞાન પર તેમના ઘણા સંશોધનલેખો પ્રકાશિત થયા છે.

પ્ર. ચૂ. વૈદ્ય