નારનોલ : વાયવ્ય ભારતમાં આવેલા હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢ જિલ્લાનું શહેર અને વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 28° 03’ ઉ.અ. અને 76° 07’ પૂ.રે.. રાજ્યની છેક દક્ષિણ સરહદ નજીક છલક નદી પર તે આવેલું છે. નારનોલથી 25 કિમી. દૂર ઉત્તર તરફ મહેન્દ્રગઢ આવેલું છે. આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું છે. આજુબાજુના પ્રદેશમાં કપાસ, તેલીબિયાં અને શેરડીનું વાવેતર કરવામાં આવે છે. આજુબાજુના પ્રદેશ માટે નારનોલ વ્યાપાર અને વાહનવ્યવહારનું મુખ્ય મથક છે, તેથી રાજ્યનાં અન્ય શહેરો સાથે ધોરી માર્ગથી જોડાયેલું છે. અહીં હાથવણાટનું કાપડ, ચૂનો અને ગાડાં બનાવવાનો વ્યવસાય વિકસ્યો છે. 1906માં અહીં મ્યુનિસિપાલિટીની સ્થાપના કરવામાં આવેલી છે. શહેરની વસ્તી આશરે 1,45,897 (2011) જેટલી છે. આ શહેર અગાઉના વખતમાં મુસ્લિમ સંસ્કૃતિ સાથે સંકળાયેલું હતું. શહેનશાહ ઔરંગઝેબ (1672) સામે સતનામીઓ દ્વારા કરાયેલા ધાર્મિક બળવાનું કેન્દ્ર પણ રહેલું.
ગિરીશ ભટ્ટ