નારદ : પ્રાચીન ભારતીય પરંપરામાં ઉલ્લેખ પામતા દેવર્ષિ. બ્રહ્માના માનસપુત્ર નારદ દશ પ્રજાપતિઓમાંના પણ એક છે. વિષ્ણુના પરમભક્ત તરીકે, દેવો-મનુષ્યો વચ્ચે સંદેશવાહક તરીકે અને સમર્પિત વિશ્વહિતચિંતક તરીકે, પૌરાણિક સાહિત્યમાં, નારદ ત્રિલોકમાં નિત્યપ્રવાસી બન્યા છે. મસ્તક પર ઊભી શિખા, હાથમાં વીણા અને હોઠે-હૈયે ભગવન્નામરટણ. નારદનું આ લોકપ્રતિષ્ઠિત વર્ણન છે. એ જ અનુસંધાનમાં રત્નાકર ભીલનું તેમણે વાલ્મીકિમાં પરિવર્તન કર્યાનું નોંધાયું છે. ભિન્ન સંદર્ભમાં બ્રહ્માનો બે વાર શાપ પામનાર નારદે મહર્ષિ પર્વતને શાપની સામે શાપ આપ્યો હતો. વિષ્ણુના પ્રીતિપાત્ર તો એવા કે ખાનગી વાતો પણ ભગવાન તેમને કહે અને અંગત પ્રશ્નોમાં તેમની સલાહ પૂછે. ગમ્મત ખાતર વ્યક્તિઓને લડાવી મારતા નારદ ‘કલિપ્રિય’ કહેવાયા છે, જેના પરિણામસ્વરૂપ ‘નારદવેડા’ શબ્દ લોકવ્યવહારમાં પ્રચલિત થયો છે. પરંતુ મહાભારતમાં એક મહત્વના ઋષિપાત્ર તરીકેનું તેમનું નિરૂપણ છે. 30 લાખ શ્લોકોવાળું મહાભારત તેમણે દેવોને સંભળાવ્યું, એવો ઉલ્લેખ આદિપર્વમાં છે. દક્ષપુત્રોને સાંખ્યનો અને ધૌમ્યમુનિને સૂર્યનાં અષ્ટોત્તરશતનામનો તેમણે ઉપદેશ આપ્યો. કામ્યક-વનમાં પાંડવોને મળીને તેમને જરૂરી હૂંફ-હિંમત આપ્યાં. ભીષ્મને પરશુરામ પર પ્રસ્થાપનાસ્ત્રનો પ્રયોગ કરતાં તેમણે રોક્યા. અનેક રાજાઓ–ભક્તોનાં તેમણે કરેલાં ચરિત્રવર્ણનો દ્રોણપર્વમાં મળે છે. શરશય્યા પરના ભીષ્મનાં દર્શને આવેલા ઋષિઓમાં નારદ પણ હતા. રાજસૂય યજ્ઞમાં અવભૃથસ્નાન-પ્રસંગે યુધિષ્ઠિરનો અભિષેક તેમણે કર્યો હતો અને તેમના અશ્વમેધ યજ્ઞમાં પણ તેઓ ઉપસ્થિત હતા. શુકદેવ જેવાને પણ તેમણે જ્ઞાન-વૈરાગ્યનો ઉપદેશ આપ્યો હતો. ‘‘સામ્બના પેટમાંથી મુસળ પેદા થશે’’ એવો શાપ આપનાર ઋષિઓમાં નારદ પણ હતા.
એક કુશળ માનસવૈદ્ય તરીકે ‘અસંપન્ન’ અને ‘અસંતુષ્ટ’ વ્યાસના મનોવ્યાધિની સમુચિત ચિકિત્સા કરીને નારદે તેમને ‘ભાગવત’ ગ્રંથરચનાની પ્રેરણા આપી હતી એ તો વ્યાસે પોતે નોંધ્યું છે. એ જ રીતે વાલ્મીકિને રામકથા સંભળાવીને રામાયણ-આલેખનની પૂર્વભૂમિકા તેમણે રચી હતી, એનો સ્પષ્ટ ઉલ્લેખ એ મહાકાવ્યના આરંભમાં જ મળે છે.
આ ઉપરાંત ‘નારદ-પાંચરાત્ર’, ‘નારદસંહિતા’, ‘નારદસ્મૃતિ’, ‘નારદપુરાણ’, ‘બૃહન્નારદીય-ઉપપુરાણ’ વગેરે ગ્રંથોનું કર્તૃત્વ એમને નામે ચઢ્યાની એક અસમર્થિત પરંપરા પણ પ્રચલિત છે અને ‘નારદ-ભક્તિસૂત્ર’નું સ્થાન તો ભક્તિગ્રંથોમાં અત્યંત મૂલ્યવાન અને મહત્વનું સિદ્ધ થાય છે.
જયાનંદ દવે