નારણ, દુરૈક્કણ્ણન (. 1906, મયિલાનુર, ચેન્નાઈ; . 1990) : તમિળ લેખક. તખલ્લુસ ‘જીવા’. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ચેન્નાઈમાં. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે ઉચ્ચ શિક્ષણ લઈ શક્યા નહિ અને મૅટ્રિક થઈને છાપખાનામાં પ્રૂફરીડર તરીકેનું કામ લીધું. પછી ધીમે ધીમે લેખન કરવા માંડ્યું. ઉત્તરોત્તર ‘આનંદબોધિની’, ‘પ્રચંડ વિકટન’ જેવી પત્રિકાઓ એમના તંત્રીપદે પ્રગટ થવા માંડી. બીજાં અનેક સામયિકોના તંત્રીમંડળમાં પણ એમને નિમંત્રવામાં આવ્યા. એમની સાહિત્યિક પ્રતિભા બહુમુખી હતી. વાર્તાઓ, નવલકથાઓ, નાટક, જીવનચરિત્રો, નિબંધ જેવા સાહિત્યપ્રકારોમાં એમણે ખેડાણ કર્યું. એમની પ્રસિદ્ધ રચનાઓ છે ‘હંસાનંદી’, ‘વેનિલ વન્દુ’, ‘અપાબિકે’, ‘દેવકીચપલમ્’ વગેરે વાર્તાસંગ્રહો. ‘ઈબ્બુલમૈ તિરુબિપારૈન’, ‘યાંન અને પેણ્ણાય પિરદેન’, ‘ઉયિરો-વિયન’, ‘ત્યાગ’, ‘દાસી રમણી’, ‘તું પુંવુ’, ‘તરંગિણી’, ‘શ્રીમાન શુયનલમ્’, ‘નડુ તેરુ નારાયણન્’ વગેરે તેમની નવલકથાઓ; ‘તીડાદાર યાર’, ‘શંદુરંગમ્’, ‘બંધપાશમ્’, ‘વળ્ળ્લાર’, ‘કુમીર મુદલ કાશ્મીર વેરે’ આદિ નાટકો; ‘અરિબુક્કુવિરુદુ’, ‘અરશિયલ શિન્દ નૈહલ’, ‘લક્ષિય કુખ’, ‘તમિલહત્તિન તનિ તરૈદલહલ’, ‘મરિમલૈ અડિહળ’ જેવા નિબંધસંગ્રહો; ‘પુદુડિલ્લિ પયણન’, ‘બધાય પારીર’ (યાત્રાસાહિત્ય) તથા ‘ઈદયગોદમ’, ‘અરૂટ્ટિકવિ અનુદમ’, ‘તિરામયિલૈ કવિરાવર કવિદૈહળ’ કાવ્યસંગ્રહો છે.

એમની વાર્તાઓમાં તથા નવલકથાઓમાં નારીસ્વાતંત્ર્ય, વિધવા-વિવાહ, દલિતપીડિતોનો ઉત્કર્ષ, ધાર્મિક અને સામાજિક સમન્વય વગેરે સમસ્યાઓનું નિરૂપણ છે. એમની સ્વાતંત્ર્ય પૂર્વેની રચનાઓમાં સમાજસુધારાનો સૂર મુખ્ય છે, જ્યારે સ્વાતંત્ર્યોત્તર કાળની રચનાઓમાં સમકાલીન યુગની આર્થિક, રાજકીય, સામાજિક સમસ્યાઓનું ચિત્રણ છે. એમનાં નાટકો પ્રસિદ્ધ વ્યક્તિઓનાં જીવન પર આધારિત છે. આ ઉપરાંત એમણે ધર્મગુરુઓ, વૈજ્ઞાનિકો, ભક્તો, નેતાઓ તથા મહાપુરુષોનાં જીવનચરિત્રો પણ લખ્યાં છે. તમિળનાડુ સરકારે એમને સુવર્ણચંદ્રક આપી એમનું ગૌરવ કર્યું હતું.

ચન્દ્રકાન્ત મહેતા