નારંગી : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી (Rutaccae) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus reticulata Bhanco (હિં. ગુ. નારંગી, સંતરા; બં કામલા લેબુ; ક. કિત્તાલે; મ. સંતરા; મલા. મધુરનારક; તા. કામલા, કૂર્ગ કુડગુ ઑરેન્જ; તે. નારંગમુ; ફા. નારંજ, અં લૂઝ-સ્કિન્ડ ઑરેન્જ, મૅન્ડરિન, ટજરિન મૅન્ડરિન ઑરેન્જ) છે. લીંબુ, મોસંબી, પપનસ વગેરે તેની સહસભ્ય વનસ્પતિઓ છે. તેનું મૂળવતન મલાયા, ભારત કે ચીન ગણાય છે. ભારતમાં ગુજરાત, મધ્યપ્રદેશ, આસામ, બંગાળ, મહારાષ્ટ્ર-પુણે, ધૂળિયા અને નાગપુરમાં વિપુલ પ્રમાણમાં વાવવામાં આવે છે.
બાહ્ય લક્ષણો : તે કાંટાળું નાનું વૃક્ષ છે અને પાતળી શાખાઓ ધરાવતી ઘટાદાર ટોચ ધરાવે છે. ભારતમાં ઈ. સ.ની આઠમી સદીમાં ક્યારેક પ્રવેશ થયો હોવાનું મનાય છે. પર્ણો એક-પંજાકાર(એકપર્ણી પંજાકાર – unifolate Palmate) પર્ણ, પર્ણિકા ડિમ્બાકાર, 10-12.5 સેમી. લાંબાં, સપક્ષ (winged) પર્ણદંડવાળાં, પર્ણિક અને પર્ણદંડ વચ્ચે સાંધો ધરાવતાં અને એકાંતરિત ગોઠવાયેલાં હોય છે. પુષ્પો સફેદ રંગનાં, સુગંધિત, એકલ અથવા અશાખી પુષ્પવિન્યાસ સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ નારંગ (hepiridium) પ્રકારનાં, 5–10 સેમી. વ્યાસવાળાં, પાકે ત્યારે પીળાં, ગુલાબી, કેસરી કે નારંગી રંગનાં હોય છે. ફળ ઉપરથી ચપટું કે ખાડાવાળું અને નીચેથી ગોળ હોય છે. તેની છાલ ચમકતી, જાડી, અનિયમિત સપાટી ધરાવતી અને શિથિલ હોય છે. છાલ અને ફળનો ગર્ભ સહેલાઈથી છૂટો પાડી શકાય છે. ગર્ભ 10–14 ખાનાં(ચીરીઓ)માં વહેંચાયેલો, પ્રત્યેક ખાનાના મધ્ય ભાગમાં 1-4 સફેદ રંગનાં ચાંચ જેવો પ્રવર્ધ ધરાવતાં બીજ ચોંટેલો હોય છે.
આબોહવા : તે જમીનની વિવિધ પરિસ્થિતિઓમાં સારી રીતે ઊગી શકે છે. લગભગ 2.4 મી. ઊંડાઈ સુધી એકસરખા બંધારણવાળી ફળદ્રૂપ ગોરાડુ જમીન વાવેતર માટે આદર્શ ગણાય છે. નાગપુર વિસ્તારની જમીન ભારે હોવા છતાં નીચેના થરમાં મૂરમ હોવાથી ને સારા નિતારવાળી હોવાથી પાકને અનુકૂળ રહે છે. આબોહવામાં પણ નાગપુરની સૂકી ગરમ આબોહવાથી માંડીને આસામની ભેજવાળી તથા દાર્જિલિંગની ઠંડી આબોહવામાં પણ પાક લઈ શકાય છે. નાગપુરના 750 મિમી. વરસાદથી માંડી 2,500 મિમી. વરસાદવાળા પ્રદેશમાં તેમજ કુર્ગ અને આસામની 1,000 મી.ની ઊંચાઈ સુધીની ટેકરીઓ ઉપર પણ આ પાક ઉગાડી શકાય છે. તાપમાનનો આંક સામાન્યત: 32° સે.થી અધિક રહે છે. નાગપુરમાં ઉનાળા દરમિયાન 41° સે. સુધીનું તાપમાન પણ થાય છે.
પ્રસર્જન : તેનું પ્રસર્જન બીજથી તથા કલિકારોપણ (bud grafting) દ્વારા થાય છે. મૂલકાંડ તરીકે જંબૂરી અથવા જટ્ટીખટ્ટી વપરાય છે. ઉત્તરપ્રદેશમાં મૂલકાંડ તરીકે કર્ણાખટ્ટાનો ઉપયોગ થાય છે. જોકે હાલમાં નારંગી માટે મૂલકાંડ તરીકે રંગપુર લાઇમ વપરાય છે, કારણ કે તે ટ્રીસ્ટેઝા વાઇરસના રોગ સામે પ્રતિકારશક્તિ વધારે છે.
વાવણી : જમીનને પૂર્વખેડથી સારી તૈયાર કર્યા બાદ એક મી. લાંબા, પહોળા અને ઊંડા ખાડા 6 × 6 અથવા 8 × 8 મી.ના અંતરે ખોદવામાં આવે છે અને તેમાં ખાડાદીઠ 25 કિગ્રા. છાણનું ખાતર, 2.5 કિગ્રા. રાખ અને 1.0 કિગ્રા. હાડકાંનો ભૂકો માટી સાથે મિશ્ર કરીને ખાડા ભરવામાં આવે છે. એક વર્ષની કલમરોપણી વસંતઋતુમાં અથવા ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદ બાદ કરવામાં આવે છે. આસામ તથા કુર્ગ વિસ્તારમાં નારંગીનું વાવેતર રોપથી કરવામાં આવે છે. તેની રોપણી 6 × 9 કે 8 × 8 મીટરના અંતરે કરવામાં આવે છે. રોપથી થયેલ વાવેતરમાં પાકની શરૂઆત મોડી થાય છે, પરંતુ પાકની ઉંમર લાંબા સમયની રહે છે. રોપણી બપોર બાદ સાંજના સમયમાં કરવામાં આવે છે. ત્યારબાદ તુરત પાણી આપવામાં આવે છે.
ગરમ હવામાનવાળા પ્રદેશોમાં હવે પાકનું અંતર વધુ રખાતું હોવાથી જો પિયતની સવલત હોય તો શાકભાજીના પાકો મિશ્ર પાક તરીકે લેવાય છે. કેટલીક જગ્યાએ વચલા પાક તરીકે કૉફીનો પાક પણ લેવાય છે. ચોમાસા દરમિયાન લીલા પડવાળા પાકો તરીકે ચૉળી અથવા શણનો પાક લેવાથી નીંદામણ ઘટાડી શકાય છે અને પાકને નાઇટ્રોજનયુક્ત સેંદ્રિય ખાતરનો લાભ મળે છે.
ખાતર : સિટ્રસ પ્રજાતિના પાકોમાં ખાતરની જરૂરિયાત વધુ રહે છે. જોકે ભારતમાં પૂરતા પ્રમાણમાં ખાતર અપાતું નથી. ખાતરનું પ્રમાણ પ્રદેશવાર વિવિધ રહે છે. પંજાબમાં વૃક્ષદીઠ 600 ગ્રામ નાઇટ્રોજન એેમોનિયમ સલ્ફેટ(DNA) તથા છાણિયા ખાતરના રૂપમાં આપવામાં આવે છે. છાણિયું ખાતર શિયાળા દરમિયાન અપાય છે, જ્યારે એમોનિયમ સલ્ફેટની અડધી માત્રા પુષ્પ બેસવાની શરૂઆત પહેલાં તથા બાકીની અડધી માત્રા ફળનિર્માણના એક માસ બાદ આપવામાં આવે છે. મધ્ય ભારતમાં વૃક્ષદીઠ તેની ઉંમર પ્રમાણે 10થી 120 કિગ્રા. જેટલું છાણિયું ખાતર ચોમાસાની શરૂઆતમાં આપવાની ભલામણ કરવામાં આવી છે. પુણે વિસ્તારમાં પુખ્ત વયના વૃક્ષને 10 કિગ્રા. છાણિયું ખાતર, 5 કિગ્રા. હાડકાંનો ભૂકો, 8 કિગ્રા. રાખ, 5 કિગ્રા. ખોળ આપવામાં આવે છે. આંધ્રપ્રદેશમાં વૃક્ષદીઠ 1.5 કિગ્રા. નાઇટ્રોજન, છાણિયું ખાતર, મગફળીનો ખોળ અને ઍમોનિયમ સલ્ફેટ આપવામાં આવે છે.
સિટ્રસ વર્ગના પાકોમાં સૂક્ષ્મ તત્વોની ઊણપ ખાસ કરીને જસતની – જલદી વરતાય છે. આસામમાં જસત ઉપરાંત લોહ, તાંબું, મૅગ્નેશિયમ વગેરે સૂક્ષ્મ તત્વોની ઊણપ પણ માલૂમ પડેલ છે. કુર્ગ વિસ્તારમાં પણ તાંબાની ઊણપ વરતાય છે. આ સૂક્ષ્મ તત્વોની ઊણપની ઓળખ મુશ્કેલીરૂપ હોવાથી સામાન્ય રીતે 0.5 % ઝિન્ક સલ્ફેટ, 0.3 % કૉપર સલ્ફેટ, 0.2 % મૅન્ગેનીઝ સલ્ફેટ, 0.2 % ફેરસ સલ્ફેટ, 0.1 % બોરૉન તથા 0.9 % ચૂનો વગેરે તત્વોનું મિશ્રણ પાક ઉપર છાંટવામાં આવે છે. ભારતમાં સિટ્રસ પ્રજાતિનાં ફળોમાં કણી પડવાનું સામાન્ય હોય છે. ફળની પેશીઓ રસથી ભરપૂર રહેવાને બદલે પેશીનો થોડો ભાગ સુકાયેલો રહે છે. તેને ફળનું કણિકાયન (granulation) કહે છે.
સૂર્યના સીધા પ્રકાશમાં આવતાં ફળોમાં આ ઉપદ્રવ વધારે પ્રમાણમાં રહે છે. ફળોને થોડાં વહેલાં ઉતારી લેવા સિવાય આનો કોઈ ઉપાય નથી.
લક્ષણો અને ઉત્પાદન : પુષ્પ આવ્યા બાદ આશરે નવ માસમાં ફળ ઉતારવાલાયક થાય છે. સામાન્ય રીતે ફળનો રંગ બદલાય ત્યારે ઉતારવામાં આવે છે. જોકે આના ઉપર સંપૂર્ણ આધાર રાખી ન શકાય. ફળમાં શર્કરાનું પ્રમાણ 8.0 % હોય ત્યારે તે ઉતારવાલાયક ગણાય. નારંગી પરિપક્વ થયેથી તુરંત ઉતારવી જોઈએ. પરિપક્વ ફળનો રંગ ખૂબ આકર્ષક હોય છે. તેના નામ ઉપરથી નારંગી રંગ જાણીતો થયેલ છે. ફળોનું ગ્રેડિંગ કુર્ગ સિવાય અન્ય પ્રદેશોમાં સામાન્ય રીતે થતું નથી. ફક્ત સિક્કિમ રાજ્યમાં જ નારંગી ફળોનું પૅકિંગ લાકડાનાં ખોખાંમાં થાય છે. હવે ભારતીય માનક સંસ્થાએ આ ફળોના વેચાણ માટેનાં ધોરણો મુકરર કરવાની શરૂઆત કરેલ છે. તેનું ઉત્પાદન પાકની માવજત તથા પ્રદેશ ઉપર આધાર રાખે છે અને હેક્ટરે 4.53 થી 13.61 મેટ્રિક ટન જેટલું રહે છે. નાગપુર વિસ્તારમાં હેક્ટરદીઠ વધુમાં વધુ ઉત્પાદન 10.88થી 13.61 મેટ્રિક ટનનું મળે છે. જ્યારે પંજાબમાં 4.53થી 5.44 મેટ્રિક ટનનું મળે છે.
રોગો અને જીવાત : સિટ્રસ ડિક્લાઇન : સિટ્રસ પ્રજાતિના પાકોમાં આ ઉપદ્રવ લગભગ અઢારમી સદીથી જાણીતો થયો છે. છેલ્લાં 30–40 વર્ષથી ભારતમાં લગભગ બધી જગ્યાએ આ ઉપદ્રવ જણાય છે. ખાસ કરીને આસામ, કુર્ગ, નાગપુર, પંજાબ અને અહમદનગર પ્રદેશમાં આ ઉપદ્રવમાં વાવેતરના 15થી 20 દિવસ બાદ વૃક્ષનું સુકાવાનું શરૂ થાય છે અને કાળક્રમે આખું વૃક્ષ સુકાઈ જાય છે. આ ઉપદ્રવનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પણ વિવિધ કારણો અને પરિસ્થિતિ જવાબદાર હોવાનું મનાય છે; દા. ત., પૂરતા નિતારનો અભાવ, ભારે જમીન, સૂક્ષ્મ તત્વોનો અભાવ અને અછત, ફૂગનો ઉપદ્રવ, કૃમિનો ઉપદ્રવ, છાલ કોરી ખાનાર ઇયળનો ઉપદ્રવ વગેરે. જોકે હાલમાં મુખ્ય જવાબદાર પરિબળ વાઇરસજન્ય રોગ ગણવામાં આવે છે. તે ટ્રીસ્ટેઝા વાઇરસ તથા ગ્રીનિંગ વાઇરસને નામે ઓળખાય છે. આ રોગોનો પ્રતિકાર કરી શકે તેવા મૂલકાંડનું સંશોધન ચાલુ છે અને રંગપુર લાઇમ મૂલકાંડ આવી પ્રતિકારશક્તિ ધરાવતો આશાસ્પદ મૂલકાંડ ગણાય છે. તેનો ઉપયોગ હવે કલિકારોપણથી રોપણકલમો તૈયાર કરવામાં થાય છે. સામાન્ય રીતે અપૂરતી પાકવ્યવસ્થા અને જમીનની નબળી નિતારશક્તિ મહત્વનાં કારણ ગણી શકાય.
નારંગીના પાકમાં અગત્યના રોગોમાં શ્યામવ્રણ (anthracnose) તથા ગુંદરિયાના રોગનો સમાવેશ થાય છે. શ્યામવ્રણનું નિયંત્રણ સપ્ટેમ્બર માસમાં બોર્ડો મિશ્રણ અથવા તાંબાયુક્ત ફૂગનાશક દવાના છંટકાવથી થઈ શકે છે. ગુંદરિયાના નિયંત્રણ માટે રોગગ્રસ્ત ભાગને ક્રિયોઝોટ ઑઇલનો લેપ કરવાથી અથવા જમીનમાં બોર્ડો મિશ્રણ પ્રવાહી આપવાથી કાબૂમાં લઈ શકાય છે.
લીંબુનાં પતંગિયાં (Papilio demoleus Linn.) જેવાં કે કથીરી ચીકટો વગેરેની ઇયળ થડ કોરી ખાય છે. આ ઇયળનું નિયંત્રણ કરવા ઉપદ્રવવાળા ભાગમાંથી તે કાઢી લેવાય છે, તેના કારણે પડેલા કાણાને પેટ્રોલ અથવા કાર્બન બાઇસલ્ફાઇડના પૂમડાથી પૂરી દેવાય છે. પતંગિયાના નિયંત્રણ માટે 0.1 % ઍન્ડ્રીન અથવા 0.25 % બી. એચ. સી. પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરાય છે. કથીરીનું નિયંત્રણ 0.1 % પૅરેથિયૉન પ્રવાહી મિશ્રણના છંટકાવથી થઈ શકે છે.
રાસાયણિક બંધારણ અને ઔષધીય ગુણધર્મો : તેના ફળના એક વિશ્ર્લેષણ મુજબ તે ભેજ, 89.8 %; પ્રોટીન, 0.7 %; કાર્બોદિતો, 9.1 %; મેદ, 0.1 %; ખનિજ દ્રવ્ય, 0.3 %; કૅલ્શિયમ, 0.02 % અને ફૉસ્ફરસ, 0.02 % ધરાવે છે. તેમાં લોહ, 0.2 મિગ્રા./100 ગ્રા. જેટલું હોય છે.
નારંગી વિટામિન ‘સી’, ફલેવોનૉઇડો, સાઇટ્રિક ઍસિડ, બાષ્પશીલ તેલ અને બર્ગેપ્ટેન જેવાં કાઉમેરિન ધરાવે છે. બર્ગેપ્ટેનથી ત્વચામાં સૂર્યની હાજરીમાં સંવેદના ઉદભવે છે. ચર્મશોધનની પ્રક્રિયામાં કેટલીક વાર બર્ગેપ્ટેન ઉમેરવામાં આવે છે. ફળના રસમાં તાંબું, નિકલ, મૅંગેનીઝ, બૉરોન, કૅડમિયમ, ઍલ્યુમિનિયમ અને સીસું સારા પ્રમાણમાં હોય છે. વિટામિન ‘સી’ શક્તિશાળી પ્રતિ-ઉપચાયક (antioxidant) છે અને મુક્ત મૂષકોની હાનિકારક અસરો સામે રક્ષણ આપે છે. આ અસરથી આયુષ્ય અને સ્વાસ્થ્યમાં વધારો થાય છે. તેનો સૌંદર્ય પ્રસાધનમાં ખાસ અપશલ્કક (exfoliant) તરીકે ઉપયોગ થાય છે. ખાવાના ઉપયોગમાં નહિ લેવાયેલાં ફળોમાંથી પીણાં, મુરબ્બો અને જેલી બનાવાય છે.
ફળ વમનરોધી (antiemetic), વાજીકર (aphrodisiac), સ્તંભક (astringent), મંદ વિરેચક (laxative) અને બલ્ય (tonic) હોય છે. પુષ્પો ઉત્તેજક (stimulant) હોય છે.
ફલાવરણ (pericarp) વેદનાહર (analgesic), દમરોધી (antiasthmatic), પ્રતિ-કોલેસ્ટેરૉલરક્ત (anticholesterolemic), શોથરોધી (anti-inflammatory), સ્કર્વીરોધી (antiscorbutic), જંતુઘ્ન (antiseptic), કાસરોધી (antitussive), વાયુસારી (carminative), કફઘ્ન (expectorant) અને ક્ષુધાવર્ધક (stomachic) હોય છે. તેનો ઉપયોગ અજીર્ણ (dyspepsia), જઠરાંત્રીય આધ્માન (gastrointestinal distension) અને કફમાં થાય છે. કાચું લીબું બાહ્યફલાવરણ (exocarp) વાયુસારી અને ક્ષુધાવર્ધક છે. તેનો ઉપયોગ છાતી, ઉદર, જઠરાંત્રીય આધ્માન, યકૃતનો અને બરોળનો સોજો તથા સોરાયસીસની પીડામાંની ચિકિત્સામાં થાય છે. બીજ વેદનાહર અને વાયુસારી હોય છે. તેનો ઉપયોગ સારણગાંઠ (hernia), કટિશૂળ (lumbago), સ્તનશોથ (mastitis) અને શુક્રપિંડોના સોજાથી થતી પીડામાં થાય છે.
છાલની બહારની સપાટી ઘેરા નારંગી રંગની અને રુક્ષ હોય છે. તેના પર તૈલીગ્રંથિઓ આવેલી હોય છે. છાલની અંદરની સપાટી પીળાશ પડતી સફેદ હોય છે. તે સુગંધિત અને સ્વાદે કડવી હોય છે. છાલના જાડા છેદમાં હાઇડ્રોક્લોરિક ઍસિડનાં ટીપાં મૂકવાથી લીલો રંગ આપે છે. મીઠી છાલ આ ક્રિયા દર્શાવતી નથી. કડવી છાલ ક્ષુધાવર્ધક, સુવાસિત, વાતાનુલોમક, વાસ-સ્વાદસુધારક અને કટુબલ્ય હોય છે.
છાલમાંથી પ્રાપ્ત થતું બાષ્પશીલ તેલ ખોરાકને સુવાસિત બનાવવા, અત્તર-ઉદ્યોગમાં અને ઔષધોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનું ઉત્પાદન 0.5 % જેટલું થાય છે. પર્ણો અને તરુણ શાખાઓમાંથી પ્રાપ્ત થતા બાષ્પશીલ તેલને ‘પેટિટગ્રેઇન ઑઇલ’ કહે છે.
છાલની કડવાશ ઑરેન્શિયામેરિન, ઑરેન્શિયામેરિક ઍસિડ, નારંગીન, આઇસોહૅસ્પિરિડિન અને લિમોનિનને કારણે છે. નારંગીની છાલના નિષ્કર્ષમાં હૅલિસ્પિરિડિન 80.9 અને નૉરિરુટિન 15.3 મિગ્રા. /ગ્રા. હોય છે. આ ઉપરાંત નિષ્કર્ષમાં વિટામિન ‘સી’ અને પૅક્ટિન હોય છે. બાષ્પશીલ તેલમાં 90 % ટર્પિન, લિમોનિન અને સિટ્રલ તથા સિટ્રૅનેલોલ જેવાં આલ્ડિહાઇડ હોય છે. તેલની લાક્ષણિક વાસ તેમાં રહેલા મિથાઇલ ઍન્થ્રેનિસેટ ઍસ્ટરને કારણે હોય છે. છાલનું તેલ Aspergillus nidulans, A. niger, Fusarium oxysporium અને Cladosporium herbarum સામે ફૂગરોધી (antifungal) પ્રક્રિયા દાખવે છે.
નારંગીનું બાષ્પશીલ તેલ ઉદરમાં ફુપ્ફુસીય તંતુમયતા(pulmonary Fibrosis)ને અવરોધે છે. છાલનો નિષ્કર્ષ મુક્તમૂલક (free radical) અપમાર્જક (scavenging) પ્રક્રિયા અને લિપિડ પૅરૉક્સિડેશન સામે રક્ષણાત્મક અસર દર્શાવે છે. નારંગીની છાલનું ચૂર્ણ સાંશ્લેષિક પ્રતિ-ઉપચાયકો (anti-oxidants) માટે ઉપયોગમાં લેવાય છે; જેથી ખાદ્ય ઊપજોની લાંબા સમય સુધી જાળવણી થઈ શકે અને તેમાં રહેલ લિપિડ અને તેલોનો વ્યક્તિને સ્વાસ્થ્ય-લાભ પ્રાપ્ત થઈ શકે.
આયુર્વેદ અનુસાર, તે કફ, પિત્ત અને આમને કરનાર તથા દુર્જર, સારક, અતિ ખાટું, વાતહારક, અતિઉષ્ણ અને મધુર હોય છે. તે ખાટું હોય તો હૃદ્ય, બલપ્રદ, વિશદ, ગુરુ, રુચિકર, સારક, ઉષ્ણ, સુગંધી તથા સ્વાદુ છે અને આમ, કૃમિ, વાયુ, શ્રમ અને શૂળનો નાશ કરે છે. કૃમિ અને શીતજ્વર પર નારંગીની છાલનું ઔષધ બનાવી આપવામાં આવે છે.
જ. પુ. ભટ્ટ
કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ
બળદેવભાઈ પટેલ