નાયિકાપ્રભેદો : સંસ્કૃત રૂપકની નાયિકાના પ્રકારો. સંસ્કૃત ‘નાટક’ વગેરે રૂપકોમાં નાયકની સાથે નાયિકા પણ મહત્વનું સ્થાન ધરાવે છે. વિશેષત: શૃંગારરસપ્રધાન રૂપકમાં તો તે લગભગ કેન્દ્રસ્થાને રહે છે.. સાહિત્યાચાર્યોએ વિવિધ દૃષ્ટિએ તેના અનેક પ્રકારો પાડ્યા છે.

(1) આચાર્ય ભરતે કુલીનતાની દૃષ્ટિએ ચાર ભેદ પાડ્યા : દિવ્યા, રાજરાણી, કુલસ્ત્રી અને ગણિકા. ‘નાટ્યદર્પણ’માં રાજરાણીને ક્ષત્રિયા કહી છે. આમાંની પ્રથમ ત્રણ ઉચ્ચ સદગુણોને કારણે નાટકોમાં ઉચ્ચ સ્થાન પામે જ છે. ગણિકા જો કેવળ પણ્યાંગના જ હોય તો તે કંઈક ઊતરતી કક્ષાની નાયિકા બની રહે છે. તેનો પ્રયોગ કેવળ પ્રહસન વગેરે એકાંકીઓમાં થયો છે, પરંતુ, ગણિકા હોવા છતાં જો કુલીન સ્ત્રીના ગુણો ધરાવતી અને કલાઓમાં કુશળ તથા સાચા પ્રેમને સમર્પિત હોય તો તે પ્રકરણની નાયિકા તરીકે શોભી ઊઠે છે. (જેમ કે, ‘મૃચ્છકટિક’ની વસંતસેના.)

(2) અવસ્થા કે કામભાવનાની દૃષ્ટિએ આ નાયિકાઓના પુન: ત્રણ વિભાગ પડે છે : મુગ્ધા, મધ્યા અને પ્રગલ્ભા. મુગ્ધા યૌવનના ઉઘાડની અવસ્થાવાળી હોઈ લજ્જાશીલ અને કામકેલિમાં સંકોચશીલ નાયિકા છે. મધ્યા યૌવનમાં મધ્યમ અવસ્થાએ પહોંચી હોઈ રતિપરાઙ્મુખ નથી હોતી. તે માનિની પણ હોય છે; જ્યારે પ્રગલ્ભા નાયિકામાં યૌવન, ક્રોધ, કામ વગેરે ભાવો ઉદ્દીપ્ત કક્ષાના હોય છે. મધ્યા અને પ્રગલ્ભા એ બંનેના ત્રણ ત્રણ પેટાપ્રકારો છે : ધીરા, અધીરા અને ધીરાધીરા. પ્રિયતમ કે પતિએ કરેલા કામાપરાધની પ્રતિક્રિયાની માત્રાની અપેક્ષાએ આ ત્રિવિધ ભેદ પડ્યા છે.

(3) નાયક સાથેના સંબંધને આધારે પણ નાયિકાના ત્રણ ભેદ પડે છે : સ્વીયા (નાયકની પત્ની), અન્યા (અવિવાહિત કન્યા અથવા પરકીયા એટલે કે પરસ્ત્રી. પરસ્ત્રી સાથેનો પ્રેમ નીતિવિરુદ્ધ હોઈ નાટકમાં તેવી સ્ત્રીને સ્થાન નથી), અને સામાન્યા (સાધારણ સ્ત્રી – પ્રાય: ગણિકા).

(4) ઉપરની સર્વ પ્રકારની નાયિકા, ગુણ અને સ્વભાવભેદે ત્રણ પ્રકારની હોઈ શકે છે : ઉત્તમા, મધ્યમા અને અધમા. વળી નાયિકાના કામશાસ્ત્ર મુજબ (1) પદ્મિની, (2) ચિત્રિણી, (3) હસ્તિની, (4) શંખિની એવા ચાર પ્રકારો પણ ગણાયા છે. ઉપરાંત સત્વ એટલે પ્રકૃતિ અથવા સ્વભાવ મુજબ પણ નાયિકાના પ્રકારો કામશાસ્ત્રના કેટલાક લેખકોએ ગણાવ્યા છે.

(5) આ ઉપરાંત અવસ્થાભેદે નાયિકાના નીચેના આઠ પ્રકાર જાણીતા છે :

પ્રોષિતપ્રિયા (અથવા પ્રોષિતભર્તૃકા) – જેનો પતિ વિદેશ ગયો છે તેવી વિરહિણી.

વિપ્રલબ્ધા : સમયપાલન કે વચનપાલન ન કરનાર પતિ કે પ્રિયતમના એવા વ્યવહારથી છેતરાઈ હોવાનો ભાવ અનુભવતી નાયિકા.

ખંડિતા : પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને રોષમગ્ના.

કલહાન્તરિતા : નાયકના પ્રેમાપરાધને લીધે ઈર્ષ્યા અને ક્રોધથી તેની સાથે કલહ કરી તેને તરછોડી દેનારી અને પછી પશ્ચાત્તાપ કરનારી.

વિરહોત્કંઠિતા : નાયકના આગમનમાં વિલંબ થતાં ઉત્સુકતાથી તેની પ્રતીક્ષા કરનારી.

વાસકસજ્જા : પ્રિયતમનું આગમન થવાનું છે એવી આશાથી હર્ષોલ્લાસ પામી સાજશણગાર કરેલી નાયિકા.

સ્વાધીનભર્તૃકા : પતિ પોતાના વશમાં છે તેવી પ્રતીતિ સાથે સદા તેની પાસે જ રહેતી નાયિકા.

અભિસારિકા : મધુર મિલન કાજે સ્વયં પ્રિયતમને મળવા જતી નાયિકા. શુક્લ અને કૃષ્ણપક્ષના ભેદે આ નાયિકાના પુન: બે પ્રકાર થાય છે.

આમ, નાયિકાના અનેક પ્રભેદો છે, જેની સંખ્યા 2016 જેટલી થાય છે.

વસંત પરીખ