નાયાસ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા નાયાડેસી કુળની નિમજ્જિત (submerged) જલજ પ્રજાતિ. તેનું વિતરણ ધ્રુવપ્રદેશ સિવાય સર્વત્ર થયેલું છે. આ પ્રજાતિ લગભગ 40 જાતિઓ ધરાવે છે. તેનું પ્રકાંડ શાખિત, તંતુરૂપ (filiform), લીસું અથવા રુક્ષવર્ધ (muricate) હોય છે. તેની ગાંઠો પરથી અસ્થાનિક (adventitious) મૂળ ઉત્પન્ન થાય છે. તેનાં પર્ણો સાંકડાં, રેખાકાર, પાતળાં, ઉપસન્મુખી અથવા ગાંઠ પર ભ્રમિ રૂપે (whorled) ગોઠવાયેલાં હોય છે. પુષ્પો અત્યંત નાનાં, એકલિંગી, એકગૃહી, ભાગ્યે જ દ્વિગૃહી, કક્ષીય, એકાકી કે સમૂહમાં વિકસે છે.

નર પુષ્પમાં પરિદલપુંજ દ્વિચક્રીય, બહારનું ચક્ર નલિકાકાર, અખંડિત અથવા ચતુ:શાખી; અંદરનું ચક્ર કાચાભ (hyaline); પુંકેસર એક અને અંદરની પરિદલપુંજનલિકા સાથે જોડાયેલું; પરાગાશય ચાર ખંડોનું બનેલું; નર પુષ્પો પૃથુપર્ણ (spathe) વડે રક્ષાયેલ હોય છે.

માદા પુષ્પની ફરતે દીર્ઘસ્થાયી (persistent) પાતળું ત્વચીય નિપત્ર આવેલું હોય છે. તે પરિદલપુંજવિહીન હોય છે અને એક જ સ્ત્રીકેસર ધરાવે છે. બીજાશયના તળિયે એક અધોમુખી (anatropus) અંડક આવેલું હોય છે. ફળ ચર્મફળ (achene) પ્રકારનું હોય છે. બીજ ભ્રૂણપોષી હોય છે અને તે સીધો ભ્રૂણ ધરાવે છે.

ગુજરાતમાં તેની ચાર જાતિઓ – Naias graminea, N. curziana, N. marina અને N. minor નોંધાઈ છે.

જૈમિન વિ. જોશી