નાયાધમ્મકહાઓ : શ્વેતાંબર જૈનોના આગમ ગ્રંથોમાં છઠ્ઠા અંગ તરીકે નાયાધમ્મકહાઓ (સં. જ્ઞાતાધર્મકથા) જાણીતી છે. તેમાં પ્રાકૃત ગદ્યમાં વાર્તાઓ વણી લીધી છે. તેના નાયા અને ધમ્મકહાઓ એવા બે સુયકખંધ(સં. શ્રુતસ્કંધ)માંથી નાયા નામે વધારે વિસ્તારવાળા પહેલા શ્રુતસ્કંધમાં નીતિપરક વાર્તાઓનો અને ધમ્મકહાઓ નામે બીજા શ્રુતસ્કંધમાં કાલ્પનિક વાર્તાઓનો સમાવેશ કર્યો છે. નાયામાં અનુક્રમે ઉક્ખિત્ત, સંઘાડગ, અંડ, કુમ્મ, સેલગ, તુંબ, રોહિણી, મલ્લી, માયંદી, ચંદ, દાવદ્દવ, ઉદય, મંડુક્ક, તેયલિ, નંદિફલ, અમરકંકા, આઇન્ન, સંસુમા અને પુંડરીય એવાં નામોવાળી કુલ 19 વાર્તાઓ આવે છે. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે શરૂઆતમાં નાયામાં સંઘાડગથી પુંડરીય સુધીની કુલ 18 વાર્તાઓ જ અસ્તિત્વમાં હતી. મહાભારતનાં 18 પર્વ, તેમજ 18 પુરાણો વગેરેની જેમ એ 18 વાર્તાઓ પણ 18ની સંખ્યાની યાદ આપે છે. ઉક્ખિત્ત નામની વાર્તા આ બધી વાર્તાઓની પહેલાં સૌથી પ્રથમ સ્થાને રહેલી વાર્તા રૂપે પછીથી ઉમેરવામાં આવી છે અને તેમાં જાણે કે મહાવીર પોતે જ બાકીની બધી 18 વાર્તાઓ રજૂ કરે છે તેવું જણાવવા પ્રયાસ કર્યો છે. આ પહેલી વાર્તા ખૂબ લાંબી છે. ઉક્ખિત્તનો ‘પ્રાસ્તાવિક’ એવો પણ અર્થ ઘટી શકે છે. ‘નાયા’ની વાર્તાશૈલી તથા વિષયવસ્તુ શ્વેતાંબર જૈનોના આગમગ્રંથોમાંથી પાંચમા અંગ ભગવતી કે વિયાહપન્નત્તિની વાર્તાઓની (જેમ કે, ખંદગ 1.1, ચામર 3.1, જમાલિ 9.33, ગોસાલ 15 વગેરે) તથા 7મા અંગ ઉવાસગદસાની, 8મા અંગ અંતગડદસાની, 9મા અંગ અણુત્તરોવવાઈયદસાની અને 11મા અંગ વિવાગસુથની વાર્તાઓ ઉપરાંત ઉપાંગોમાંથી રાયપસેણઈય, નિરયાવલિયા, કપ્પવડિંસિયા, પુપ્ફિયા-પપ્ફચૂલિયા અને વણ્હિદસાની સાથે મળતાં આવે છે. નાયાની વાર્તાઓના ગદ્યમાં ઘણી વાર વેઢ(એક જ વિષયવસ્તુનાં વર્ણન કરતાં અનેક વાક્યસમૂહો કે પદસમૂહોની વિશિષ્ટ લયબદ્ધ યોજના)નો પ્રયોગ પણ જોવા મળે છે. આ વાર્તાઓમાંની કેટલીકને બે પ્રકારમાં વહેંચી શકાય. પહેલા પ્રકારમાં મૂર્ખ–વિરુદ્ધ–ચતુરના મુદ્દા વણી લીધા છે; જેમ કે, અંડમાં શંકાશીલ અને નિ:શંક, કુમ્મમાં બહિર્મુખ અને અંતર્મુખ, તુંબમાં લિપ્ત અને અલિપ્ત, ચંદમાં કળાક્ષીણ અને કળાપૂર્ણ, નંદિફલમાં અશ્રદ્ધાળુ અને શ્રદ્ધાવાન તથા આઇન્નમાં વિષયાસક્ત અને અનાસક્ત. (જર્મન વિદ્વાન એર્ન્સ્ટ લૉયમાનના મતે અહીં ઉત્તમ જાતના ઘોડાના અર્થમાં આજન્ય શબ્દના બદલે આઇન્ન શબ્દ રૂઢ થયો છે.) બીજા પ્રકારમાં સંઘાડગ, માયંદી, ઉદય, મંડુક્ક, તેયલિ, સુંસુમાને ગણાવી શકાય. આ પ્રકારની વાર્તાઓ સળંગ ચાલી આવે છે. સેલગમાં થાવચ્ચાપુત્ત, સુય અને પંથગ સાથે રાજા સેલગની વાત સંકળાયેલી છે : જ્યારે મલ્લીમાં રાજકુમારી મલ્લીનું ચરિત્રવર્ણન આવે છે. બ્રાહ્મણ પરંપરામાંથી દ્રૌપદીની વાર્તા લઈને તેને અમરકંકામાં જૈનમતનો સ્વાંગ આપી વિસ્તૃત કરી છે. અમરકંકા અને સેલગમાં આવતી કૃષ્ણ વાસુદેવ, દ્રૌપદી, પાંચ પાંડવો વગેરેની વાર્તાઓ જૈન આગમોના 8મા અંગ અંતગડદસાની વાર્તા સાથે સંકળાયેલી છે. રોહિણીની વાર્તા ખ્રિસ્તી બાઇબલની મેથ્યૂ 25.24 તથા લૂકાસ 12.12 સાથે મળતી આવે છે. નાયાની વાર્તાઓના કથનકાર મહાવીરશિષ્ય સુધર્મા છે.
નાયાની આ 19 વાર્તાઓમાં દરેકના અંતે કોઈ વાર એક તો કોઈ વાર તેથી પણ વધારે (જેમ કે, રોહિણીમાં 14) આર્યા છંદની પ્રાકૃત ગાથાઓમાં તે તે વાર્તાઓનો સારાંશ કે તેની પાછળનો ધર્મબોધ સ્પષ્ટ કર્યો છે. આવી કુલ 74 ગાથાઓના કર્તા વિશે કોઈ સ્પષ્ટ માહિતી મળતી નથી. અભયદેવે (આશરે ઈ. સ. 11મી સદી) સંસ્કૃત ગદ્યમાં રચેલી નાયાધમ્મકહાઓ પરની વૃત્તિમાં આ બધી ગાથાઓ મળી આવે છે. આ પહેલાં નાયાધમ્મકહાઓ પર કોઈ ચૂર્ણિ, નિર્યુક્તિ કે ટીકા રચાઈ નથી. એટલે કેટલાક વિદ્વાનોનું માનવું છે કે જૈન સંપ્રદાયમાં ચાલી આવતી કોઈ પ્રણાલીમાં વહેતી આ અજ્ઞાતકર્તૃક ગાથાઓને અભયદેવે નાયાધમ્મકહાઓ પરની પોતાની વૃત્તિમાં ઉદ્ધૃત કરી છે; જ્યારે કેટલાક વિદ્વાનો એવું માને છે કે અભયદેવે જાતે જ આ ગાથાઓ રચીને નાયાધમ્મકહાઓ પરની પોતાની વૃત્તિમાં વણી લીધી છે; આથી અભયદેવના સમય પછીની લખાયેલી નાયાધમ્મકહાઓની કેટલીક હસ્તપ્રતોમાં કોઈક લહિયાઓએ તે બધી ગાથાઓ પણ મૂળ સૂત્રગ્રંથ સાથે સાંકળી લીધી છે, જેના લીધે આ ગાથાઓની ગણના સૂત્રગાથાઓ તરીકે થાય છે. આ ગાથાઓ ઉપનયગાથાવૃત્તિ તરીકે પણ જાણીતી છે. પુંડરિયમાં આવતી આમાંની છેલ્લી બે ગાથાઓ મૂળે ધર્મદાસે (આશરે 7–8મી સદી) રચેલી ઉવએસમાલા (ગાથા 251–252)માંથી લીધી છે.
ધમ્મકહાઓ નામના બીજા શ્રુતસ્કંધમાં કુલ 10 વર્ગોનો વિભાગ કરી તેમાં કુલ 206 અધ્યયનો સમાવવામાં આવ્યાં છે. આ શ્રુતસ્કંધની કેટલીક વાર્તાઓ ખૂબ ટૂંકી અને મોટેભાગે સૌપ્રથમ આવતી કાલીની વાર્તાને, અથવા તો બીજી કોઈ પુરોગામી વાર્તાને અનુસરતી હોય છે. જ્યારે કેટલીક વાર્તાઓ તો તેમની પુરોગામી વાર્તાનો ફક્ત સંદર્ભ સૂચવીને (જેમ કે, ‘‘…… આ પછી બધું અમુક વાર્તાની જેમ ……’’) માત્ર એક-બે શબ્દમાં જ સમાપ્ત થઈ જાય છે. આ શ્રુતસ્કંધની શરૂઆત પણ જાણે કે મહાવીરના સમયથી થઈ હોય તેમ જણાવવા પ્રયાસ થયો છે. તેના પહેલા વર્ગના પહેલા અધ્યયનમાં આવતી કાલી નામની પહેલી વાર્તાની શરૂઆત મહાવીરના સમય સાથે સાંકળી લીધી છે. ગૌતમના પ્રશ્નના જવાબમાં મહાવીરે કહેલી આ વાર્તા, વિસ્તારમાં ખૂબ લાંબી છે. તેને નાયામાં આવતી મંડુક્કની સાથે સરખાવી શકાય. સમગ્ર બીજા શ્રુતસ્કંધમાં સ્થળભેદ તથા નામભેદ સાથે આ કાલી નામની વાર્તા 200 વાર રૂપાંતર પામી છે, અને તેનું જ પુનરાવર્તન થતું રહ્યું છે અને આ રીતે તેનો વિસ્તાર પહેલા શ્રુતસ્કંધ જેવડો કરવા પ્રયાસ થયો છે.
નાયાધમ્મકહાઓ પર સૌથી વધુ સંશોધનકાર્ય જર્મનીમાં થયું છે. સને 1881માં મ્યુરથી પાઉલ સ્ટાઇનતાલે શરૂઆત કર્યા બાદ 1907માં સ્ટ્રાસબુર્ગથી પ્રોફેસર એર્ન્સ્ટ લોયમાનની નિશ્રામાં વિલ્હેલ્મ હ્યુટ્ટમાને નાયાધમ્મકહાઓની સમવિષમતા અને કાલ્પનિક વાર્તાઓ પર એક શોધનિબંધ લખ્યો. 1950માં ગ્યૉટીગેનથી પ્રોફેસર હેલ્યુથ હૉફમાનની નિશ્રામાં ગુષ્ટાફ રોથે મોટેભાગે હસ્તપ્રતોના આધારે મલ્લી નાયા પર એક શોધનિબંધ લખ્યો, જે 1983માં પ્રસિદ્ધ થયો છે. ત્યારપછી પ્રોફેસર વાલ્તહેર શૂબ્રિંગે 1969માં નાયાધમ્મકહાઓના પ્રથમ શ્રુતસ્કંધ-નાયા-પર સંશોધન આગળ ચલાવ્યું, પરંતુ તે અરસામાં તેઓ અવસાન પામતાં તેમના સંશોધનની સાથે સાથે બેલ્જિયમ(ઘેન્ટ)ના પ્રોફેસર જૉસેફ દલ્યૂએ નાયાધમ્મકહાઓના બીજા શ્રુતસ્કંધ-ધમ્મકહાઓ પર સંશોધન કર્યું અને તે બધું સાથે 1978માં પ્રસિદ્ધ કર્યું. આ બધા શોધનિબંધો જર્મન ભાષામાં છે, પણ મૂળ પ્રાકૃતમાં નાયાધમ્મકહાઓ સાથે ગુજરાતીમાં તેની સવિસ્તર માહિતી આપતો પ્રમાણભૂત ગ્રંથ મુનિ શ્રી જંબૂવિજયે 1989માં જૈન આગમ ગ્રંથમાળામાં પ્રકાશિત કર્યો, જેમાં પં. બેચરદાસ દોશીએ (1931) તથા દેવેન્દ્રમુનિ શાસ્ત્રીએ (1981) નાયાધમ્મકહાઓની વાર્તાઓમાંથી તારવી કાઢેલી કેટલીક રસપ્રદ સાંસ્કૃતિક માહિતી પણ તેમની કૃતિઓમાંથી ઉદ્ધૃત કરીને અનુક્રમે પૃષ્ઠ 51–76 અને 77–108 પર દર્શાવી છે.
બંસીધર ભટ્ટ