નાયક, (ડૉ.) યશવંતરાય ગુલાબરાય (જ. 6 જુલાઈ 1906, દાંડી, જિ. નવસારી; અ. 29 મે 1976, સૂરત) : ગુજરાતના અગ્રણી ભૌતિકશાસ્ત્રી તથા ભૌતિકશાસ્ત્રના અગ્રગણ્ય પ્રાધ્યાપક, સંશોધનકાર. પિતાશ્રી ગુલાબરાય પ્રાથમિક શિક્ષક હતા. વતન વલસાડ તાલુકાનું વેગામ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ નવસારીમાં. 1925માં વડોદરાની સાયન્સ કૉલેજમાં જોડાઈ, ભૌતિકશાસ્ત્રના મુખ્ય વિષય સાથે, 1929માં પ્રથમ વર્ગમાં વિશેષ યોગ્યતા (distinction) સાથે મુંબઈ યુનિવર્સિટીના વિજ્ઞાનના સ્નાતક (B.Sc.) થયા. 1932માં ભૌતિકશાસ્ત્રમાં સંશોધન દ્વારા M.Sc.ની ઉપાધિ મેળવી.
ત્યારબાદ તેઓ મુંબઈમાં જોગેશ્વરીમાં આવેલી ઇસ્માઇલ યૂસુફ કૉલેજમાં ભૌતિકશાસ્ત્રના પ્રયોગનિર્દેશક (demonstrator) તરીકે જોડાયા. ત્યાંથી આપબળે આગળ વધીને 1967માં ગુજરાત કૉલેજના આચાર્યપદેથી નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ 1967થી 1972 સુધી અમદાવાદની સી.યુ. શાહ સાયન્સ કૉલેજના આચાર્ય તરીકે સેવાઓ આપી.
ભૌતિકશાસ્ત્રના શિક્ષક તેમજ સંશોધક તરીકે ડૉ. નાયકે ચાર દાયકા ઉપરની સેવાઓ આપી હતી. કારકિર્દીના પ્રારંભે, ભૌતિકશાસ્ત્રના વિષયમાં સંશોધન દ્વારા M.Sc. તથા Ph.D. કરવા માટે મુંબઈ યુનિવર્સિટીએ નિયુક્ત કરેલા માત્ર ચાર સંશોધન-માર્ગદર્શકો(research guides)માંના ડૉ. નાયક એક હતા. તેમના માર્ગદર્શન હેઠળ ભૌતિકશાસ્ત્રમાં સંશોધન દ્વારા એમ.એસસી.માં આઠ અને પીએચ.ડી.માં અગિયાર વિદ્યાર્થીઓ તૈયાર થયા હતા. તેમણે ચાળીસ જેટલાં સંશોધનપત્રો (research papers) આપ્યાં છે. આમાંનાં કેટલાંકનો ઉલ્લેખ પ્રો. મૅક્સ બૉર્ન તથા પ્રો. કે. એલ. ચોપરા જેવા નિષ્ણાત લેખકોનાં પુસ્તકોમાં થયેલો છે. સંશોધનક્ષેત્રે આગવા પ્રદાન માટે 1969માં ગુજરાત યુનિવર્સિટી તરફથી તેમને ‘ડૉ. કે. જી. નાયક સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો હતો.
1952ની આસપાસ તેમણે જર્મનીમાં હર્ઝ પર્વતમાળામાં દેખાતી ‘ધ બ્રોકન બોઝ’ અથવા ‘ધ ગ્લૉરીઝ’ કે ‘ધ સ્પેક્ટર ઑવ્ ધ બ્રોકન’ જેવી વિરલ ઘટનાને ખૂબ જ સફળતાપૂર્વક પ્રયોગશાળામાં ઉત્પન્ન કરવાની એક તકનીક વિકસાવી.
શિક્ષણ તથા સંશોધન ઉપરાંત તેમણે અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષામાં શાળા તથા કૉલેજ-કક્ષાનાં પાઠ્યપુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. ગુજરાતી ભાષામાં તેમણે લખેલો ‘પૃથ્વીનો ઇતિહાસ’ લોકપ્રિય નીવડેલો. ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં જાણીતાં સામયિકોમાં વિજ્ઞાનને લગતા લેખો લખેલા. તેમણે ભૌતિકશાસ્ત્ર તથા રસાયણશાસ્ત્રની પરિભાષાનો અંગ્રેજી-ગુજરાતી કોશ તૈયાર કર્યો હતો. ભારત સરકારના ‘ટૅકનિકલ ટર્મિનૉલૉજી કમિશન’(ભૌતિકશાસ્ત્ર)ના નિયુક્ત સભ્ય તરીકે, પી.આર.એલ.ના ગવર્નિંગ બોર્ડના સભ્ય તરીકે, ઇન્ડિયન ફિઝિકલ સોસાયટીના અધ્યક્ષ તરીકે (1971–72), ગુજરાતી સાહિત્ય પરિષદના 1967ના અધિવેશનમાં વિજ્ઞાન-વિભાગના અધ્યક્ષ તરીકે, ગુજરાતની નવી સ્થપાનાર બે યુનિવર્સિટીઓના કમિશનના ‘મેમ્બર સેક્રેટરી’ તરીકે, ગુજરાત યુનિવર્સિટીનાં વિવિધ સત્તામંડળોના સભ્ય તરીકે તેમજ અનેક વિજ્ઞાનસંસ્થાઓના સભ્ય તરીકે તેમણે મૂલ્યવાન સેવાઓ આપી હતી.
તેમના વિદ્યાર્થીઓ, મિત્રો, પ્રશંસકોએ તેમની સ્મૃતિ કાયમ રાખવા તેમજ શૈક્ષણિક તથા સંશોધનપ્રવૃત્તિઓને જારી રાખવા માટે ‘ડૉ. વાય. જી. નાયક મેમોરિયલ ફંડ’ની સ્થાપના કરેલી છે, જેના દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને વિજ્ઞાનના પ્રસાર માટેની પ્રવૃત્તિ ચાલે છે.
એરચ મા. બલસારા