નાયક, છોટુભાઈ રણછોડજી (જ. 18 જુલાઈ 1913, ભગોદ, જિ. વલસાડ; અ. 9 જાન્યુઆરી 1976, અમદાવાદ) : ફારસી, ઉર્દૂ અને મધ્યકાલીન ઇતિહાસના અભ્યાસી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પારડીમાં લીધું. સન 1931માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. ઉચ્ચ અભ્યાસ કરવા તે બરોડા કૉલેજમાં દાખલ થયા અને સન 1935માં બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. આ કૉલેજમાંથી ફારસી મુખ્ય વિષય લઈને એમ.એ.ની ડિગ્રી સન 1937 માં પ્રાપ્ત કરી. ત્યારબાદ તેમણે બી.ટી.ની ડિગ્રી પણ મેળવી. મુંબઈ યુનિવર્સિટીમાંથી ‘અબ્દુર્રહીમ ખાનેખાનાન અને તેનું સાહિત્યમંડળ’ વિષય પર શોધનિબંધ લખી 1942માં તેઓ પીએચ.ડી. થયા.
ફારસી સાહિત્યમાં પીએચ.ડી. પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ગુજરાતી હતા. તેમને લંડનની રૉયલ એશિયાટિક સોસાયટીના ફેલોનું સન્માન પણ મળેલું. 1942થી કોલ્હાપુરની રાજારામ કૉલેજ અને નવસારીની ગાર્ડા કૉલેજમાં અધ્યાપન કર્યું. પછી ગુજરાત વિદ્યાસભા દ્વારા સંચાલિત શેઠ ભો. જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવનમાં ફેલો તરીકે જોડાયા અને પછી અધ્યાપક બન્યા. ત્યારબાદ અમદાવાદની હ. કા. આર્ટ્સ કૉલેજમાં તેઓ ફારસી વિષયના મુખ્ય અધ્યાપક બન્યા. સન 1964માં તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં ફારસી વિષયના રીડર તરીકે જોડાયા અને સન 1976 સુધી સેવાઓ આપી. ફારસી અને ઉર્દૂના અધ્યાપક તરીકે તેમણે અનેક વિદ્યાર્થીઓ તૈયાર કર્યા અને ગુજરાતમાં એ વિષયની પ્રતિષ્ઠામાં વધારો કર્યોં.
તેમણે ફારસી વિષયની અભ્યાસ સમિતિના સભ્ય તરીકે ગુજરાત યુનિવર્સિટીમાં સેવાઓ આપી હતી. ફારસી સાહિત્યમાં સંશોધન કરવા માટે તેમને સને 1970માં રાષ્ટ્રપતિનો ઍવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે લખેલાં પુસ્તકો ‘ગુજરાતમાં નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ’ (1950), ‘અરબી-ફારસીની ગુજરાતી પર અસર’ ભા. 1–2 (1954 અને 1955) અને ‘સૂફીમત’ (1959) ગુજરાત વિદ્યાસભાએ પ્રસિદ્ધ કર્યાં છે. તે ફારસી વિષયની પરિષદો અને અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદમાં હાજરી આપતા અને પોતાના સંશોધનનિબંધ વાંચતા હતા. તેમના ગુરુ પ્રો. અબુઝફર નદવીનાં ઉર્દૂ પુસ્તકોનો પણ તેમણે સેવાભાવે ગુજરાતી અનુવાદ કરેલો છે, જે ગુજરાત વિદ્યાસભા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમણે ‘ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિકોશ’ ભાગ 1, 2, 3 (1972, 1974, 1980) પણ આપેલ છે.
ચીનુભાઈ નાયક